Wednesday, June 21, 2017

...અને યાદ આવ્યા રાકેશ શર્મા

દિવ્યેશ વ્યાસ


ભારતીય મૂળના રાજા ચારીનો અમેરિકાના નવા 12 અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થતાં રાકેશ શર્મા યાદ આવી ગયા



અમેરિકાને ફરી મહાન બનાવવાના વાયદા સાથે ચૂંટાઈ આવેલા નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમને વેગવાન બનાવવા કમર કસી છે. અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, ટૂંકમાં નાસા (NASA)માં હવે ધમાધમી વધી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 8મી જૂને સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે નાસાએ અંતરીક્ષ મોકલવા માટે 12 નવા એસ્ટ્રોનટ્સની પસંદગી કરી લીધી છે. ભારત માટે આ સમાચારમાં રાજી થવા જેવી બાબત એ હતી કે ભારતીય મૂળના રાજા ચારીનો પણ આ 12 નવા અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થયો છે. રાજા ચારી આમ તો અમેરિકન એરફોર્સમાં કાર્યરત છે અને લેફ્ટનન્ટ કર્નલ જેવો સન્માનનીય હોદ્દો ધરાવે છે. અમેરિકામાં જ જન્મેલા-ઉછરેલા રાજા ચારીના ભારતીય મૂળનો ઉલ્લેખ થતાં જ અંતરમાં આનંદ છવાયો એની સાથે સાથે અંતરીક્ષમાં પહોંચનારા સર્વપ્રથમ ભારતીય રાકેશ શર્માનું સ્મરણ તાજું થઈ ગયું.

રાકેશ શર્માનું નામ પડતાં જ આપણને તરત તેમનું જાણીતું વાક્ય યાદ આવી જાય, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા!’ રાકેશ શર્મા જ્યારે અંતરીક્ષમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી ટેલિવિઝન ન્યૂઝ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અંતરીક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીયને સવાલ પૂછેલો કે ઊંચે આકાશેથી ભારત કેવું લાગે છે? અને ત્યારે રાકેશ શર્માએ સ્વીટ એન્ડ શોર્ટ જવાબ આપેલો, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા!’ આ વાક્ય સાંભળનારા કે તેનો વીડિયો જોનારા દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જવી સ્વાભાવિક છે.

રાજા ચારીની સિદ્ધિ સમયે પણ રાકેશ શર્માનું સ્મરણ થવાનું કારણ એ છે કે આ જ રાકેશ શર્માને કારણે ભારતીય યુવાનો અંતરીક્ષમાં જવાનું સ્વપ્ન સેવતા થયા છે. રાકેશ શર્મા એક પ્રેરણાદાયક નામ બની ગયું છે. રાકેશ શર્મા વિશ્વના 128માં માણસ હતા, જે અંતરીક્ષમાં ગયા હોય. રશિયાના સહયોગથી રાકેશ શર્માને અંતરીક્ષમાં મોકલીને ભારત પોતાના દેશના નાગરિકને અંતરીક્ષમાં મોકલનારો 14મો દેશ બન્યો હતો.  રાકેશ શર્મા સોયુઝ-ટી 11 નામના યાનમાં 2જી એપ્રિલ, 1984ના રોજ અંતરીક્ષમાં પહોંચ્યા હતા. રાકેશભાઈ સાત દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી અંતરીક્ષમાં વિહર્યા હતા. રાકેશ શર્માની આ અંતરીક્ષ સિદ્ધિ માટે રશિયાએ તેમને ‘હીરો ઑફ સોવિયત યુનિયન’નું સન્માન આપ્યું હતું તો ભારતે ‘અશોક ચક્ર’ એનાયત કરીને પોતાના ‘હીરા’ને પોંખ્યો હતો.

રાકેશ શર્માની અંતરીક્ષયાત્રા મોટા ભાગના દેશવાસીઓ માટે બહુ મોટા આશ્ચર્યની વાત હતી. આપણે ત્યાં દેવતાઓ ઊંચે આકાશમાં ક્યાંય રહેતા હોવાનો ખ્યાલ બહુ મજબૂત છે. આ સંદર્ભે એક મુલાકાતમાં રાકેશ શર્માએ જણાવેલું કે ઘણા લોકો મને પૂછતા હતા કે આકાશમાં શું તમારો ભેટો ભગવાન સાથે થયો હતો?
રાકેશ શર્માના નામે અંતરીક્ષમાં ગયા પહેલાં ઇન્ડિયન એરફોર્સના પાઇલટ તરીકેની યશસ્વી કામગીરી બોલે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેમણે યુદ્ધ વિમાનો ઉડાડીને દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા. એ સમયે માત્ર 23 વર્ષના રાકેશભાઈએ કુલ 21 વાર ઉડાન ભરીને દુશ્મનો પર હુમલા કર્યા હતા.

ગયા ફેબ્રુઆરી, 2017માં જ સમાચાર આવ્યા હતા કે રાકેશ શર્માના જીવન અને સિદ્ધિઓ પર બોલિવૂડમાં ફિલ્મ બનવાની છે. આમિર ખાન પોતે રાકેશ શર્માનું પાત્ર ભજવવાના છે. આ ફિલ્મ સિદ્ધાર્થ રોય કપૂર અને ખુદ આમિર પ્રોડ્યુસ કરશે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન મહેશ મથાઈને સોંપવામાં આવ્યું છે. રાકેશ શર્મા જેવા દેશના ખરા હીરોને વારંવાર યાદ કરવા જ રહ્યા. આવા હીરો જ આપણી આવનારી પેઢીના પ્રેરણાસ્રોત બની શકે!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment