Showing posts with label અંતરીક્ષ. Show all posts
Showing posts with label અંતરીક્ષ. Show all posts

Wednesday, June 21, 2017

...અને યાદ આવ્યા રાકેશ શર્મા

દિવ્યેશ વ્યાસ


ભારતીય મૂળના રાજા ચારીનો અમેરિકાના નવા 12 અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થતાં રાકેશ શર્મા યાદ આવી ગયા



અમેરિકાને ફરી મહાન બનાવવાના વાયદા સાથે ચૂંટાઈ આવેલા નવા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના અંતરીક્ષ કાર્યક્રમને વેગવાન બનાવવા કમર કસી છે. અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, ટૂંકમાં નાસા (NASA)માં હવે ધમાધમી વધી છે. થોડા દિવસ પહેલાં એટલે કે 8મી જૂને સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે નાસાએ અંતરીક્ષ મોકલવા માટે 12 નવા એસ્ટ્રોનટ્સની પસંદગી કરી લીધી છે. ભારત માટે આ સમાચારમાં રાજી થવા જેવી બાબત એ હતી કે ભારતીય મૂળના રાજા ચારીનો પણ આ 12 નવા અંતરીક્ષયાત્રીઓમાં સમાવેશ થયો છે. રાજા ચારી આમ તો અમેરિકન એરફોર્સમાં કાર્યરત છે અને લેફ્ટનન્ટ કર્નલ જેવો સન્માનનીય હોદ્દો ધરાવે છે. અમેરિકામાં જ જન્મેલા-ઉછરેલા રાજા ચારીના ભારતીય મૂળનો ઉલ્લેખ થતાં જ અંતરમાં આનંદ છવાયો એની સાથે સાથે અંતરીક્ષમાં પહોંચનારા સર્વપ્રથમ ભારતીય રાકેશ શર્માનું સ્મરણ તાજું થઈ ગયું.

રાકેશ શર્માનું નામ પડતાં જ આપણને તરત તેમનું જાણીતું વાક્ય યાદ આવી જાય, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા!’ રાકેશ શર્મા જ્યારે અંતરીક્ષમાં પહોંચ્યા ત્યારે ત્યાંથી ટેલિવિઝન ન્યૂઝ કૉન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અંતરીક્ષમાં પહોંચનારા પ્રથમ ભારતીયને સવાલ પૂછેલો કે ઊંચે આકાશેથી ભારત કેવું લાગે છે? અને ત્યારે રાકેશ શર્માએ સ્વીટ એન્ડ શોર્ટ જવાબ આપેલો, ‘સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા!’ આ વાક્ય સાંભળનારા કે તેનો વીડિયો જોનારા દરેક ભારતીયની છાતી ગજ ગજ ફૂલી જવી સ્વાભાવિક છે.

રાજા ચારીની સિદ્ધિ સમયે પણ રાકેશ શર્માનું સ્મરણ થવાનું કારણ એ છે કે આ જ રાકેશ શર્માને કારણે ભારતીય યુવાનો અંતરીક્ષમાં જવાનું સ્વપ્ન સેવતા થયા છે. રાકેશ શર્મા એક પ્રેરણાદાયક નામ બની ગયું છે. રાકેશ શર્મા વિશ્વના 128માં માણસ હતા, જે અંતરીક્ષમાં ગયા હોય. રશિયાના સહયોગથી રાકેશ શર્માને અંતરીક્ષમાં મોકલીને ભારત પોતાના દેશના નાગરિકને અંતરીક્ષમાં મોકલનારો 14મો દેશ બન્યો હતો.  રાકેશ શર્મા સોયુઝ-ટી 11 નામના યાનમાં 2જી એપ્રિલ, 1984ના રોજ અંતરીક્ષમાં પહોંચ્યા હતા. રાકેશભાઈ સાત દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી અંતરીક્ષમાં વિહર્યા હતા. રાકેશ શર્માની આ અંતરીક્ષ સિદ્ધિ માટે રશિયાએ તેમને ‘હીરો ઑફ સોવિયત યુનિયન’નું સન્માન આપ્યું હતું તો ભારતે ‘અશોક ચક્ર’ એનાયત કરીને પોતાના ‘હીરા’ને પોંખ્યો હતો.

રાકેશ શર્માની અંતરીક્ષયાત્રા મોટા ભાગના દેશવાસીઓ માટે બહુ મોટા આશ્ચર્યની વાત હતી. આપણે ત્યાં દેવતાઓ ઊંચે આકાશમાં ક્યાંય રહેતા હોવાનો ખ્યાલ બહુ મજબૂત છે. આ સંદર્ભે એક મુલાકાતમાં રાકેશ શર્માએ જણાવેલું કે ઘણા લોકો મને પૂછતા હતા કે આકાશમાં શું તમારો ભેટો ભગવાન સાથે થયો હતો?
રાકેશ શર્માના નામે અંતરીક્ષમાં ગયા પહેલાં ઇન્ડિયન એરફોર્સના પાઇલટ તરીકેની યશસ્વી કામગીરી બોલે છે. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેમણે યુદ્ધ વિમાનો ઉડાડીને દુશ્મનોના દાંત ખાટા કર્યા હતા. એ સમયે માત્ર 23 વર્ષના રાકેશભાઈએ કુલ 21 વાર ઉડાન ભરીને દુશ્મનો પર હુમલા કર્યા હતા.

ગયા ફેબ્રુઆરી, 2017માં જ સમાચાર આવ્યા હતા કે રાકેશ શર્માના જીવન અને સિદ્ધિઓ પર બોલિવૂડમાં ફિલ્મ બનવાની છે. આમિર ખાન પોતે રાકેશ શર્માનું પાત્ર ભજવવાના છે. આ ફિલ્મ સિદ્ધાર્થ રોય કપૂર અને ખુદ આમિર પ્રોડ્યુસ કરશે, જ્યારે ફિલ્મનું ડિરેક્શન મહેશ મથાઈને સોંપવામાં આવ્યું છે. રાકેશ શર્મા જેવા દેશના ખરા હીરોને વારંવાર યાદ કરવા જ રહ્યા. આવા હીરો જ આપણી આવનારી પેઢીના પ્રેરણાસ્રોત બની શકે!
(‘દિવ્ય ભાસ્કર’ની 21મી જૂન, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, February 15, 2017

ઇસરોના વિક્રમો અને વિક્રમભાઈ

દિવ્યેશ વ્યાસ

ઇસરોની સિદ્ધિઓને બિરદાવવાની સાથે સાથે તેના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈનું સ્મરણ કરવાનું રખે ભુલાય! 


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)



આજે (તા. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ) તમે અખબાર વાંચી રહ્યા હશો ત્યારે ભારતને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવરનો દરજ્જો અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) દ્વારા એક નવો વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો હશે. 15મી ફેબ્રુઆરી, 2017ના રોજ સવારે નવ-સાડા નવ વાગ્યે ઇસરોએ શ્રીહરિકોટા અંતરીક્ષ કેન્દ્ર પરથી સાગમટે અધધ 104 ઉપગ્રહો છોડીને પોતાની અનેક સિદ્ધિઓમાં વધુ એક સોનેરી સિદ્ધિનો ઉમેરો કરવાનું આયોજન કરેલું. આજે ઇસરો દ્વારા છોડવામાં આવેલા 104 ઉપગ્રહોમાંથી 101 તો વિદેશી ઉપગ્રહો છે. વિદેશી ઉપગ્રહોમાં સૌથી વધારે એકલા અમેરિકાના જ 96 ઉપગ્રહો છે, એ ઉપરાંત ઇઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ના એક એક ઉપગ્રહો પણ ઇસરો દ્વારા છોડવામાં આવ્યા છે. 104 ઉપગ્રહોનું કુલ વજન 11378 કિલો જેટલું છે.

ઇસરો આ અગાઉ 22 જૂન, 2016ના રોજ એકસાથે 20 ઉપગ્રહો તો સફળતાપૂર્વક છોડી જ ચૂક્યું છે. જોકે, આ વખતે 104 ઉપગ્રહો છોડીને તે વિશ્વમાં એકસાથે સૌથી વધુ ઉપગ્રહ છોડવાના અમેરિકા અને રશિયાના રેકોર્ડનો ભાંગીને ભુક્કો કરી નાખશે. ‘ભાંગીને ભુક્કો’નો શબ્દપ્રયોગ કરવા માટેનું એક ખાસ કારણ એ છે કે અમેરિકાની અંતરીક્ષ સંસ્થા નાસાએ 2013માં એકસાથે 29 ઉપગ્રહો છોડ્યા હતા તો એનો રેકોર્ડ તોડીને રશિયાએ વર્ષ 2014માં એકસાથે 37 ઉપગ્રહો છોડ્યા હતા. ભારત જૂના રેકોર્ડ કરતાં આશરે ત્રણ ગણા વધારે ઉપગ્રહોને સાગમટે અંતરીક્ષમાં પહોંચાડી દેવાનું છે ત્યારે જૂના રેકોર્ડના કેવા ચૂરેચૂરા થઈ જાય, એ સમજી શકાય છે. અલબત્ત, ભારત રેકોર્ડ તોડશે, એવું કહેવા કરતાં નવો રેકોર્ડ સર્જશે, એવું કહેવું વધારે ઉપયુક્ત છે.\

ઇસરોની પ્રગતિ આંખો ઠારે એવી છે. આ સિદ્ધિઓ કંઈ રાતોરાત મળી ગઈ નથી. આ સિદ્ધિઓ તો દાયકાઓની મહેનતનું ફળ છે. આ સિદ્ધિઓ તો એક વિઝનરીના આશીર્વાદના અમૃત સમી છે. એ વિઝનરી એટલે ગુજરાતના પનોતાપુત્ર ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ. એક વાત હંમેશાં ખટક્યા કરતી હોય છે કે વિક્રમભાઈ જેવા મેધાવી વ્યક્તિત્વનું ગુજરાતે જેટલું ગૌરવ લેવું અને કરવું જોઈએ, એટલું કરાતું નથી. વિક્રમભાઈના યોગદાનને એટલું અવગણવામાં આવ્યું છે કે આજે બહુ ઓછા ગુજરાતી યુવાનો તેમના વિશે જાણે છે. અમદાવાદના આંગણે વૈશ્વિક સ્તરની અનેક સંસ્થાઓ સ્થાપીને અમદાવાદ-ગુજરાતને ગૌરવ અપાવનારા વિક્રમભાઈ ગુજરાતી યુવાનોના આદર્શમૂર્તિ (રોલ મૉડલ) બનવા જોઈએ, પરંતુ દુ:ખની વાત એ છે કે વિક્રમભાઈ અમુક સંસ્થા કે એવોર્ડનાં નામોમાં જ શેષ રહી ગયા છે.

12 ઑગસ્ટ, 1919ના રોજ અમદાવાદ ખાતે ધનકુબેર અંબાલાલ સારાભાઈના ઘરે જન્મેલા વિક્રમભાઈ બાળપણથી જ મેધાવી હતા. વિક્રમભાઈનાં બહેન લીનાબહેને ‘અખંડ દીવો’ પુસ્તકમાં નોંધ્યું છે કે રિટ્રીટ બંગલામાં રહેવા આવેલા કવિવર રવીન્દ્રનાથ ટાગોરે બાળ વિક્રમનું લલાટ જોઈને કહેલું કે આ છોકરો બહુ મેધાવી છે! ટાગોરની વાતને સાચી પાડતાં વિક્રમભાઈએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કોસ્મિક કિરણો પર સંશોધન કરીને પીએચ.ડી.ની ડિગ્રી હાંસલ હતી. અભ્યાસ પતાવીને સ્વદેશ પરત ફર્યા પછી વિક્રમભાઈએ અમદાવાદ ખાતે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ)ની સ્થાપના કરી હતી. સંસ્થાઓ સ્થાપવામાં વિક્રમભાઈને કોઈ ન પહોંચે. કહેવાય છે કે તેમણે પોતાના પ્રમાણમાં ટૂંકા જીવનકાળ દરમિયાન આશરે 40 જેટલી સંસ્થાઓની સ્થાપના કરી હતી, આમાંની જ એક સંસ્થા એટલે ઈસરો.

ઇસરોની સ્થાપનાનો ઇતિહાસ રસપ્રદ છે. શીતયુદ્ધના સમયગાળામાં વર્ષ 1957માં સોવિયત સંઘ (રશિયા) દ્વારા અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ લૉન્ચ કરવામાં આવ્યો. આ મોટી વૈજ્ઞાનિક ઘટનાથી સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગઈ હતી. વિક્રમભાઈએ એ વખતે એક સપનું જોયું હતું કે ભારત પણ એક દિવસ પોતાના ઉપગ્રહ જાતે છોડશે. વિક્રમભાઈએ 1960માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. દેશને આઝાદ થયાને માંડ એક દાયકો વીત્યો હતો અને અવકાશ કાર્યક્રમ માટે આવશ્યક અધધ નાણાં ખર્ચી શકાય એવી દેશની સ્થિતિ નહોતી. જોકે, નેહરુ અને વિક્રમભાઈ આ દિશામાં ધીરજપૂર્વક છતાં નક્કર પગલાં ભરવાં સહમત થયા અને 1962માં કેન્દ્ર સરકારના પરમાણુ ઊર્જા મંત્રાલય અંતર્ગત ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ની સ્થાપના કરવામાં આવી. ડૉ. વિક્રમ સારાભાઈને જ આ સમિતિના અધ્યક્ષ બનાવાયા. પ્રારંભમાં આ સમિતિનું કામકાજ પીઆરએલ, અમદાવાદની ઑફિસમાંથી જ ચાલતું હતું. તેજ ગતિએ ગાડી હંકારવાના શોખીન વિક્રમભાઈને કોઈ કામ ધીમી ગતિએ ચાલે એ મંજૂર નહોતું. 1963ના નવેમ્બર મહિનામાં તો ભારતે પોતાની ધરતી પરથી પ્રથમ રોકેટ સફળતાપૂર્વક છોડી બતાવ્યું હતું! આમ, વિક્રમભાઈના નેતૃત્વમાં ભારતે અંતરીક્ષ ક્ષેત્રમાં પગરણ પાડ્યા. પરમાણુ કાર્યક્રમ અને અંતરીક્ષ કાર્યક્રમ સ્વતંત્ર રીતે ઝડપથી આગળ વધે એવા હેતુથી ઈ.સ. 1969માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના પ્રથમ અધ્યક્ષ પણ ડૉ. વિક્રમ સારાભાઈ જ હતા.

અંતરીક્ષ ક્ષેત્રે એક પછી એક હરણફાળ ભરી રહેલી ઇસરો સંસ્થા આજે અમેરિકાની નાસા જેવી સંસ્થાઓની હરોળમાં સ્થાન જમાવી ચૂકી છે. ઇસરોની સિદ્ધિઓ માટે જરૂર ગર્વ અનુભવીએ, પરંતુ તેની સાથે સાથે તેના પાયાના પથ્થર સમા ગૌરવવંતા ગુજરાતી ડૉ. વિક્રમ સારાભાઈનું સ્મરણ પણ કરવું જ રહ્યું. આશા રાખીએ કે નવી પેઢી અઢળક પૈસા કમાનાર સફળ બિઝનેસમેન બિલ ગેટ્સ કે ઝકરબર્ગ કરતાં ડૉ. વિક્રમ સારાભાઈ જેવાને પોતાના રોલ મૉડલ ગણે, જેઓ દેશને ખરા અર્થમાં આધુનિક તબક્કામાં પહોંચાડવા માટે છેલ્લા શ્વાસ સુધી મથ્યા હતા. ઇસરોની વિક્રમી સિદ્ધિ સાથે લોકોને આ ‘વિક્રમ’ પણ યાદ રહેશે તો આપણો બેડો પાર થશે!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 ફેબ્રુઆરી, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Tuesday, April 19, 2016

આર્યભટ્ટ : એક શુકનવંતી શરૂઆત

દિવ્યેશ વ્યાસ


ચાર દાયકા પહેલાં ભારતે પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ છોડ્યો હતો. છેલ્લાં ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયા છીએ


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

આજનો દિવસ રળિયામણો છે. ભારતે જાતે બનાવેલો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' છોડયાને ૧૯મી એપ્રિલ, 2015ના રોજ ૪૦ વર્ષ થયેલાં. ચાર દાયકાની અંતરીક્ષ ક્ષેત્રની વિકાસયાત્રાએ ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે. ભારતના વિજ્ઞાનીઓએ જાતે બનાવેલા ઉપગ્રહ 'આર્યભટ્ટ'ને રશિયાની ધરતી પરથી છોડવો પડયો હતો, જ્યારે આજે ભારત અનેક વિદેશી ઉપગ્રહોને છોડી આપવાનું કાર્ય વ્યાવસાયિક ધોરણે કરવા સજ્જ બની ગયો છે. આમ, આ ચાળીસ વર્ષમાં આપણે અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ અને અદભુત પ્રગતિ સાધી છે અને ભારત અંતરીક્ષ ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયો છે.

અંતરીક્ષ ક્ષેત્રની ભારતની સિદ્ધિઓની ચર્ચા કરતા પહેલાં થોડીક વાત દેશના પ્રથમ સ્વદેશી ઉપગ્રહ 'આર્યભટ્ટ'ની કરી લઈએ. આર્યભટ્ટને બેંગલુરુ નજીક પીન્યામાં તૈયાર કરવામાં આવ્યો હતો. આર્યભટ્ટ એક પ્રાયોગિક અને લઘુ ઉપગ્રહ હતો, જેનું વજન ૩૬૦ કિલોગ્રામ હતું. આર્યભટ્ટમાં મોટાભાગની સામગ્રી ભારતીય વિજ્ઞાાનીઓ દ્વારા તૈયાર કરાયેલી જ વાપરવામાં આવી હતી, છતાં તેમાં બેટરી અને સોલર પેનલ જેવી કેટલીક ચીજો રશિયા દ્વારા મૈત્રીભાવે પૂરી પાડવામાં આવી હતી.


દેશના પહેલા સ્વદેશી ઉપગ્રહને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞા આર્યભટ્ટનું નામ આપવામાં આવ્યું હતું, જેમણે બીજ ગણિતનો ઉપયોગ કરવા ઉપરાંત પાઇનું પરફેક્ટ માપ ૩.૧૪૧૬ શોધી કાઢયું હતું. આર્યભટ્ટ જેવા મહાન વ્યક્તિના નામ સાથે જોડાયેલા આ પ્રાયોગિક ઉપગ્રહનો ઉદ્દેશ દેશના વિજ્ઞાાનીઓને ઉપગ્રહ નિર્માણ અને અંતરીક્ષમાં તેના સંચાલનનો અનુભવ મળે અને ભારત ભવિષ્યમાં અંતરીક્ષ વિજ્ઞાાનમાં સ્વાવલંબી બનવાની દિશામાં આગળ વધી શકે એવો હતો. આર્યભટ્ટ થકી વિજ્ઞાાનીઓ ખગોળવિદ્યા, વાયુ વિજ્ઞાાન અને સૌર ભૌતિકશાસ્ત્ર (સોલર ફિઝિક્સ) અંગે સંશોધન હાથ ધરીને વધુ જાણકારી મેળવવા ધારતા હતા.

આર્યભટ્ટને ૧૯ એપ્રિલ, ૧૯૭૫ના રોજ સોવિયત સંઘ (આજનું રશિયા)ના કાપુસ્તિન યાર ખાતેથી સી-૧ ઇન્ટરકોસ્મોસ નામના લોંચિંગ વિહિકલ દ્વારા છોડવામાં આવ્યો હતો. આર્યભટ્ટ છોડવામાં આવ્યો ત્યારે તેનો કાર્યકાળ છ વર્ષ એટલે કે માર્ચ-૧૯૮૧ સુધી નિર્ધારિત કરાયો હતો. જોકે, આર્યભટ્ટ અંતરીક્ષમાં પહોંચ્યા પછી પોતાના પરિક્રમાપથ પર માંડ ચાર દિવસ કાર્યરત રહ્યો હતો અને પછી તેમાં વીજ પુરવઠામાં કંઈક ગરબડ પેદા થતાં તમામ પ્રક્રિયા બંધ કરવી પડી હતી. પાંચમા દિવસથી તો આર્યભટ્ટ તરફથી સિગ્નલ મળવાં જ બંધ થઈ ગયાં હતાં. જોકે, આ નિષ્ફળતાએ જ ભારતની અંતરીક્ષ ક્ષેત્રની જ્વલંત સફળતાઓનો પાયો નાખ્યો હતો. આર્યભટ્ટના સફળ પ્રક્ષેપણથી ભારતીય વિજ્ઞાાનીઓનો જુસ્સો અને આત્મવિશ્વાસ વધ્યા હતા અને તે દિવસ પછી ભારતીય અંતરીક્ષ સંશોધન સંસ્થા (ઈસરો) અને આપણા વિજ્ઞાાનીઓએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને એક પછી એક સિદ્ધિઓ હાંસલ કરી છે.


આર્યભટ્ટની સિદ્ધિ પાશેરામાં પહેલી પૂણી જેવી હતી, જેને સમગ્ર દેશ દ્વારા વધાવી લેવામાં આવી હતી. આર્યભટ્ટની યાદમાં રૂપિયા બેની ચલણી નોટની પાછળ તેનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું તથા ટપાલ ટિકિટમાં પણ તેનું ચિત્ર મૂકીને તેનાં મીઠાં સ્મરણને જાળવવાની કોશિશ થઈ છે. આર્યભટ્ટના પ્રક્ષેપણમાં મદદરૂપ થનાર રશિયાએ પોતે પણ આર્યભટ્ટની ટપાલ ટિકિટ બહાર પાડી હતી, એટલું જ નહીં ૨૦૧૨માં તેણે બેંગલુરુ ખાતે આર્યભટ્ટનું સ્મારક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરેલો. ભારતે તેને મંજૂર રાખેલો, પણ પછી શું થયું, ભગવાન જાણે!

ભારતે ૧૯૭૫માં આર્યભટ્ટ છોડયો ત્યારે પોતાનો ઉપગ્રહ છોડનારો તે ૧૧મો દેશ બન્યો હતો, જ્યારે આજે તેણે અંતરીક્ષ ક્ષેત્રે ટોપ ફાઇવ દેશોમાં દબદબાભેર સ્થાન હાંસલ કરી લીધું છે. આર્યભટ્ટ પછી ભારતે ભાસ્કર-૧ અને ૨, એપ્પલ, રોહિણી, આઈઆરએસ શ્રેણી, ઇનસેટ શ્રેણી, એજ્યુસેટ શ્રેણી, જીસેટ શ્રેણીના ઉપગ્રહો સહિત કુલ ૭૨ ઉપગ્રહો છોડયા છે. આટઆટલા ઉપગ્રહો ઉપરાંત ભારતે ૨૦૦૮માં ચંદ્રયાન-૧ અને ૨૦૧૩માં મંગળયાનનું સફળ પ્રક્ષેપણ કરીને દુનિયાને આપણી અંતરીક્ષ તાકાત દેખાડી દીધી છે. પોતાના પહેલાં બે-ત્રણ ઉપગ્રહો છોડવા માટે વિદેશી લોન્ચિંગ સ્ટેશન પર આધાર રાખનાર ભારત આજે વિદેશી ઉપગ્રહો લોંચ કરવાની વરદી મેળવીને વર્ષે દસ-દસ ઉપગ્રહ છોડતો થઈ ગયો છે. આનંદો!

ભારતીય અંતરીક્ષ વિજ્ઞાાનના જનક અને વિઝનરી ગુજરાતી વિજ્ઞાાની ડો. વિક્રમ સારાભાઈનો જય હો!

(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 19મી એપ્રિલ, 2015ના રોજ પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)