Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)