Wednesday, May 30, 2018

શીતળતા આપે એવી શોધ

દિવ્યેશ વ્યાસ


ઉત્તર પ્રદેશની 16 વર્ષની દીકરી કલ્યાણીએ એવું દેશી એસી બનાવ્યું છે, જે સસ્તું છે અને સૌર ઊર્જાથી ચાલે છે




સમાજ તરીકે આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની અને વ્યવસ્થાપકીય ઉકેલો શોધવાની બાબતે ઘણા કાચા પડીએ છીએ. એવી અનેક સમસ્યાઓ છે, જેનો આપણે સદીઓથી સામનો કરતા આવ્યા છીએ અને છતાં તેનું વ્યાવહારિક સમાધાન શોધી શકતા નથી. આપણે આગે સે ચલી આઈની માનસિકતામાં રાચીએ છીએ અને કશું નવું વિચારવા બાબતે ઉદાસીન રહીએ છીએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણે વૈજ્ઞાનિક શોધ-સંશોધનોની બાબતે અનેક ગરીબ દેશો કરતાં પણ પાછળ છીએ.

ગુજરાત પહેલેથી દુષ્કાળપીડિત રાજ્ય રહ્યું છે, છતાં જળસંચયની બાબતે આપણે આજે પણ ફાંફા મારીએ છીએ, એ હકીકત છે. ઉનાળાની ગરમી બાબતે પણ આપણું વલણ સમસ્યા-ઉકેલનું નહિ, પણ સહન કર્યા કરવાનું રહ્યું છે. દુનિયાના એવા કેટલાક દેશો છે, જ્યાં માઇનસમાં ઠંડી રહેતી હોય છે. એવા દેશોમાં ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ હિટરની વ્યવસ્થા હોય છે. માત્ર ઘર જ નહિ, રેલવે સ્ટેશન સહિતની જાહેરજગ્યાઓ પણ સેન્ટ્રલી હિટર ધરાવતી હોય છે. આપણે ત્યાં ઉનાળામાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અગનગોળા વરસતા હોય છે. આપણી ધાર્મિક વૃત્તિને કારણે પાણીની પરબો ચોક્કસ બંધાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ લોકોના ઘર પણ ઠરે એ માટે કોઈ વિશેષ પગલાં ભરવામાં આવતાં નથી. એક વડીલે (લલિતભાઈ લાડ) થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા એક વિદેશીની વાત કરી, જેમને આશ્ચર્ય થયું હતું કે અહીં આટલી બધી ગરમી પડે છે અને અધૂરામાં પૂરું મોંઘા ભાવના વિદેશી બ્રાંડના ફ્રિજ વેચાઈ રહ્યાં છે, છતાં તમારી સરકાર દરેક પરિવારને સસ્તા દરે ફ્રિજ મળી રહે, એ માટે કોઈ તકનીક વિકસાવવા કેમ પ્રયાસો નથી કરતી? કાળઝાળ ગરમીમાં ફ્રિજ ઉપરાંત એસી પણ હવે લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે.

ગુજરાતમાં તો ખબર નથી, પરંતુ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ પ્રદેશની નવમા ધોરણમાં ભણતી કલ્યાણી શ્રીવાસ્તવ નામની તરુણીને વિચાર આવ્યો કે ગરમીથી ત્રસ્ત મારા પ્રદેશના લોકોને સસ્તા દરે એસી ઉપલબ્ધ થવું જોઈએ અને તેણે એ માટે પ્રયાસો શરૂ કર્યા. તેણે દેશી એસીનું મૉડલ તૈયાર કરવા માટે એક પછી એક અખતરા-પ્રયોગો કર્યા. બે વર્ષના અંતે તે જ્યારે 11મા ધોરણમાં લોકમાન્ય તિલક ઇન્ટર કૉલેજ, ઝાંસીમાં ભણતી હતી ત્યારે સૌર ઊર્જાથી ચાલતું દેશી એસીનું મૉડલ તૈયાર કર્યું. તેનું આ મૉડલ વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું અને તેનાથી શિક્ષકો અને વિજ્ઞાનીઓ એટલા પ્રભાવિત થયા કે તેનું મૉડલ આઈઆઈટી, દિલ્હીના રાષ્ટ્રીય સ્તરની મૉડલ કોમ્પિટિશનમાં પસંદગી પામ્યું. વર્ષ 2016માં દિલ્હીમાં આયોજિત બાળ વિજ્ઞાન મેળામાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને તકનીક-નિષ્ણાતો પણ કલ્યાણીના મૉડલની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. જાપાનના વિજ્ઞાનીઓ તો એટલા પ્રભાવિત થયા કે જાપાન સરકાર દ્વારા બાળ વિજ્ઞાની સંમેલન માટે તેને આમંત્રિત કરવામાં આવી હતી.

હવે વાત કરીએ કલ્યાણીના દેશી એસીની. આ એસીની રચના સરળ છે. થર્મોકોલના આઈસબોક્સમાં 12 વોલ્ટના ડીસી ફેન(પંખા)થી બહારની હવા બોક્સમાં મોકલવામાં આવે છે અને હવા ઠંડી થઈને એલ્બો દ્વારા બહાર ફેંકાય છે. કલ્યાણીએ પહેલા તો પંખો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરેલો, પરંતુ પછી તેણે ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં રાખીને સૌરઊર્જા થકી ચાલે એવું મૉડલ વિકસાવ્યું. આ દેશી એસી એક કલાકમાં ખંડનું તાપમાન 4થી 5 ડિગ્રી ઘટાડી શકે છે. વર્ષ 2016માં આ દેશી એસી માત્ર 1850માં પડતું હતું, જેનો ખર્ચ આજની સ્થિતિ મુજબ કદાચ રૂ. 2500 સુધી પહોંચે. આમ, આ સસ્તું, ટકાઉ અને પર્યાવરણ-મિત્ર એસી છે.

અનેક એસી બનાવતી કંપનીઓએ કલ્યાણીનો સંપર્ક કરેલો છે, પરંતુ તે હજું આ મૉડલને વિકસાવવા અને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે. આપણે આશા રાખીએ કલ્યાણી જેવા યુવા વિજ્ઞાનીઓ વધુ ને વધુ સક્રિય થાય, તેમને વિવિધ સંશોધનો કરવા માટે સરકાર અને સમાજ તરફથી પ્રોત્સાહન મળતું રહે અને આપણી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ લાવવા કોશિશ કરે. કલ્યાણીની ટેલેન્ટને સલામ!

(દિવ્ય ભાસ્કરની 30મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 23, 2018

ઉનાળાને માણી શકાય?

દિવ્યેશ વ્યાસ


ઉનાળો એવો જામ્યો છે કે કાકાસાહેબ કાલેલકરના લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ને ફરી વાંચવાનું મન થઈ જાય



‘શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું: ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું: ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું: ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો: ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય!’

કાકા સાહેબનો આ સુંદર સ્કેચ અશોકભાઈ ખાંટે બનાવેલો છે
ગરમીનું નામ પડતાં જેઓ રાતાચોળ થઈ જતા હોય, તેમને આ સંવાદ વાંચીને આશ્ચર્ય થઈ શકે, પરંતુ ઉનાળા અને તડકા પર આવો રસિક અને ‘કૂલ’ સંવાદ થયો હતો કાકાસાહેબ કાલેલકર અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે. કાકાસાહેબે પોતાના વિખ્યાત લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ના અંતે આ પ્રસંગ ટાંકેલો છે.

ઉનાળાનો તાપ-તડકો સહન કરવો આકરો થઈ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે, જે કહેતું હોય કે ઉનાળો મારી સૌથી વધુ ગમતી (ફેવરિટ) ઋતુ છે. ઉનાળાને પસંદ કરનારા લોકો આપણે ત્યાં લઘુમતી નહિ પણ અણુમતીમાં જ હોવાના. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એ વાત ઉનાળાને ચાહવાની બાબતમાં પણ  સાચી ઠરે છે. રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિ ગ્રીષ્મને પણ ગળે ન લગાડે તો જ નવાઈ! ઉપરના સંવાદ પરથી બીજી એક વાત પણ બહાર આવે છે કે રવિબાબુ લૂમાં નહાવાનો આનંદ લે છે તો કાકાસાહેબ પણ ઉનાળાનો આનંદ લૂંટે છે!

કાકાસાહેબે ઉનાળાનો આનંદ માત્ર લૂંટ્યો જ નથી, બલકે એ આનંદને પોતાના વિખ્યાત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ થકી સૌ સાથે વહેંચ્યો પણ છે. આ લલિત નિબંધ વાંચતાં કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિ અને સમજનો પણ અંદાજ આવી શકે છે. કાકાસાહેબે લખ્યું છે, ‘સાચે જ તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ.’ આગળ બિહારના તળાવમાં બાઝતી નયનરમ્ય લાલ રંગની લીલનું ઉદાહરણ આપીને સમજાવે છે, ‘માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઊગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળાં ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને તમે ત્રાસદાયક કહો શા હિસાબે?’

ઉનાળાના તકડામાં આપણને ભડકા દેખાતા હોય છે, પરંતુ કાકા તો સાવ જુદું જુએ છે, ‘તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા ખાસ જોવા લાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીરરસ કહીએ કે રૌદ્ર? હું તો એને શાંતરસ જ કહું! શાંતરસ શીતળ જ શા માટે હોય? તપ્ત પણ કેમ ન હોય?’ સાચી વાત છે, ઉનાળાની બપોરે શહેરોના માર્ગો પર શાંતિરસ જરૂર છવાતો હોય છે!

કાકાસાહેબ નિબંધમાં એક સુંદર ટકોર કરી છે, ‘તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તો તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. ’ ચાલો, આપણે પણ લેખ ટૂંકાવીએ. ઉનાળાને પણ માણીએ, ન હોય તો કાકાસાહેબ સરીખા સૌંદર્યપૂજકોની સૌંદર્યદૃષ્ટિ ઉધાર લઈને!

(દિવ્ય ભાસ્કરની 23મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(કાકા કાલેલકરનો આ વિખ્યાત નિંબંધ તમે આ લિંક http://www.readgujarati.com/2012/04/24/madhyan-kavya/ પરથી વાંચી શકો છો.)

Wednesday, May 16, 2018

મારે પીડિતા બની રહેવું નથી!

દિવ્યેશ વ્યાસ


ગેંગરેપનો ભોગ બનનાર ડૉ. સુનિતા પીડાને પછાડીને સાહસ અને હિંમતની લહેરોની લહાણી કરી રહ્યાં છે


એક સમાજ તરીકે આપણે બળાત્કાર-પીડિતાને પીડિત કરવામાં પીએચડી થયેલા છીએ.’ અત્યંત કડવી છતાં સાવ સાચી વાત કરી છે ડૉ. સુનિતા કૃષ્ણને. સુનિતાબહેનનું આ વાક્ય આપણા દિલોદિમાગમાં આરપાર ઊતરી જાય એવું છે. તેમના આ વાક્યની ધાર માટે સત્ય ઉપરાંત તેમનો સ્વાનુભવ પણ એટલો જ જવાબદાર છે. કેરળમાં એક સુખી-સમૃદ્ધ પરિવારમાં 1972માં જન્મેલાં સુનિતાબહેનને નાનપણથી જ સામાજિક કાર્ય કરવાનો શોખ હતો. માત્ર આઠ વર્ષની વયે તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને નૃત્ય શીખવવાનું શરૂ કરેલું. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે સાક્ષરતા અભિયાનમાં જોડાઈને દલિત સમાજના લોકોને ભણાવવાનું બીડું ઝડપ્યું. જોકે, સમાજના કેટલાક લોકોથી એ સહન ન થતાં તેમને પાઠ ભણાવવા માટે આઠ પુરુષો દ્વારા તેમના પર ગેંગરેપ કરવામાં આવ્યો. એક તરફ ગેંગરેપનો અસહ્ય આઘાત અને બીજી તરફ સગાંસંબંધીઓ અને સમાજના લોકો દ્વારા સાંત્વનાની જગ્યાએ સલાહ-મારો ભોગવતાં ભોગવતાં પણ સુનિતાબહેને સ્વ કરતાં સર્વનો વિચાર કર્યો. પોતે ભોગવ્યું, એવું કોઈ ન ભોગવે, એવી ભાવનાને કારણે તેમને પોતાનું જીવનકાર્ય જડ્યું

સુનિતાબહેને નિર્ધાર કર્યો કે મારે પીડિતા બની રહેવું નથી. તેમણે સંઘર્ષ અને સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો. સુનિતાબહેને વિચાર્યું કે આપણા સમાજમાં એક એવી સંસ્થા સ્થાપવાની અત્યંત જરૂર છે, જ્યાં સેક્સ ટ્રાફિકિંગ અને સેક્સ ક્રાઇમનો ભોગ બનતાં બાળકો અને સ્ત્રીઓને આશ્રય મળે. એક એવું રહેઠાણ જ્યાં પીડિતાને ન કોઈ સવાલ કરવામાં આવે, ન સાંત્વનાને નામે દંભી શીખામણો આપવામાં આવે. એવી સંસ્થા જ્યાં પીડિત વ્યક્તિ પોતાના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી શકે અને એટલી શક્તિશાળી અને સાહસિક બની શકે કે પોતાની બાકીની જિંદગી સન્માનપૂર્વક જીવી શકે.

સુનિતાબહેન પોતાના સ્વપ્નની સંસ્થા સ્થાપીને જ રહ્યાં. તેમની સંસ્થાનું નામ છે - પ્રજ્વલા. પ્રજ્વલા સંસ્થા થકી તેમણે હજારો પીડિતાઓને ‘પીડિતા’ના કોચલામાંથી બહાર નીકળીને સામાન્ય જીવન જીવવા, પગભર થવાનો માર્ગ બતાવ્યો છે. પીડિતાને બચાવવી આસાન નથી હોતી, અનેક પારિવારિક-સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું હોય છે. સુનિતાબહેન પર આ કામ કરવા બદલ એક-બે નહિ પણ 17 વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. એક વાર તો તેમના પર એસિડ એટેક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બચી ગયેલા. આવા હુમલાઓમાં તેમણે પોતાનો કાન ગુમાવ્યો છે અને તેમના એક હાથમાં કાયમી ખોટ રહી જવા પામી છે. સુનિતાબહેનના સંઘર્ષની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સેક્સ ટ્રાફિકિંગ અને ક્રાઇમનો ભોગ બનેલાં 17,800 બાળકો અને મહિલાઓને નવજીવન પ્રાપ્ત થયું છે. પોતાની સામાજિક સેવાને કારણે સુનિતાબહેનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનેક પુરસ્કારો અને સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. વર્ષ 2016માં તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

સુનિતાબહેન આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે, કારણ કે માનવતાને જાગૃત કરવા માટે અપાતા પ્રતિષ્ઠિત ઓરોરા પ્રાઇઝના ત્રણ નામાંકિતોમાં તેમનો પણ સમાવેશ થયો છે. ઓરોરા પ્રાઇઝનો પ્રારંભ વર્ષ 2015થી થયો છે અને તેને આપવાની શરૂઆત 2016 જ થઈ છે, છતાં તેણે સમગ્ર વિશ્વમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ એવોર્ડનો ઇતિહાસ રસપ્રદ છે. આર્મેનિયામાં 1915થી 1923નાં વર્ષો દરમિયાન ભયંકર નરસંહાર થયો હતો. આ નરસંહાર માનવતાના ઇતિહાસના કલંક સમાન ગણાય છે. વર્ષ 2015માં નરસંહારને સો વર્ષ થયાં ત્યારે આર્મેનિયાના લોકોએ આ આઘાતજનક ઘટનાની શતાબ્દી જુદી રીતે ઊજવવાનું નક્કી કર્યું અને કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા, જેમાંથી એક કાર્યક્રમ માનવતાના ક્ષેત્રે કામ કરનારા લોકોને સન્માનીને એક લાખ અમેરિકન ડૉલરનું (રૂ. 66.3 લાખ ) અધધ મોટું ઈનામ આપવાનું નક્કી થયું. આ વર્ષે 115 દેશોના 509 લોકોમાંથી સુનિતાબહેન ઉપરાંત બીજા બે સંઘર્ષવીરોનું પણ નામાંકન કરવામાં આવ્યું છે, કોને પ્રાઇઝ મળશે, તેનો ખ્યાલ તો આગમી 9મી જૂનના રોજ આવશે, પરંતુ આ પ્રાઇઝ માટે પહેલી વખત એક ભારતીયનું નામાંકન થયું છે, એ ગૌરવ લેવા જેવી વાત છે. પ્રાર્થના કરીએ કે સુનિતાબહેનને આ પ્રાઇઝ મળે. વળી, આ પ્રાઇઝની ખાસિયત એ છે કે પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ જે સંસ્થાઓની ભલામણ કરે તેને પણ કુલ દસ લાખ અમેરિકન ડૉલરની (રૂ. 6.63 કરોડ) આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

સુનિતાબહેનના મિજાજને સમજવામાં મદદરૂપ થાય એવા તેમના એક વાક્ય સાથે લેખ પૂર્ણ કરીએ: ‘બાહ્ય જગતને તો પીડિતાને પીડિતા તરીકે જોવી જ ગમે છે. તેઓ ઇચ્છે છે કે પીડિતાએ રડવું જોઈએ, તેઓ ઇચ્છે છે કે પીડિતાએ પોતાનો ચહેરો છુપાવીને રહેવું જોઈએ. હું આ બાબતે સાવ ઊલટું વિચારું છું. મને હંમેશાં લાગ્યું છે કે કોઈએ મારી સાથે ઊભા રહેવાની જરૂર નથી. હું મારી રીતે જીવવા પૂર્ણપણે સક્ષમ છું.’


(દિવ્ય ભાસ્કરની 16મી માર્ચ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 9, 2018

ગોખલે અને માતૃભાષા

દિવ્યેશ વ્યાસ


ગાંધીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે સાથે માતૃભાષાનો એક સુંદર કિસ્સો જોડાયેલો છે




9મી મે, 1866ના રોજ જન્મેલા પ્રખર દેશસેવક ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે જન્મ દિવસ છે. ગોખલે ગાંધીજીના ગુરુ હતા. ગાંધીજીએ લખેલું છે, ‘ગોખલેને મેં રાજ્યપ્રકરણી ગુરુ કહ્યા છે. તેમણે મને તે ક્ષેત્રપરત્વે પૂરો સંતોષ આપ્યો હતો. એમના કહેવાને વિશે કે એમની આજ્ઞાને વિશે મને તર્કવિતર્ક કદી ન થતા.’ તો આવા ગુરુ ગોખલે વિશે ગાંધીજીએ પોતાની આત્મકથામાં અનેક વખત ઉલ્લેખ કર્યો છે. ‘ગોખલે સાથે એક માસ-1’ પ્રકરણમાં ગાંધીજીએ લખ્યું છે, ‘ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા, એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.’

દ. આફ્રિકાની લડત દરમિયાન ગાંધીજી એક વાર ભારત આવેલા ત્યારે પૂના ગયેલા અને ત્યાં ત્રણ મહાનુભાવોને મળેલા. આનો ઉલ્લેખ તેમણે આત્મકથામાં ‘પૂનામાં’ નામના પ્રકરણમાં કર્યો છે. તેમાં લખ્યું છે, ‘સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા, તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં, સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય.’ આમ, ગોખલેજી માટે ગાંધીજીને અપાર આદર અને સ્નેહ હતો.

ગોખલેજીના નિધન પછીના એક પ્રસંગની વાત કરતાં ગાંધીજીએ પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘ભારતવર્ષના તોફાની સમુદ્રમાં ઝંપલાવતાં મને સુકાનીની જરૂર હતી, ને ગોખલે જેવા સુકાનીની નીચે હું સુરક્ષિત હતો.’

ગોખલેજીએ કેવો સ્નેહ અને સુરક્ષા આપી હતી, તેનો એક પ્રસંગ પણ ગાંધીજીએ આત્મકથામાં નોંધ્યો છે. ‘ગોખલેની સાથે પૂનામાં’ પ્રકરણમાં ગાંધીજીએ નોંધ્યું છે, ‘ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું (આશ્રમ ઊભો કરી) એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું, ‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારો જ આશ્રમ ગણવાનો છું.’... ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા પછી ગોખલે લાંબું જીવ્યા નહોતા, પરંતુ તેમનો સપોર્ટ ઐતિહાસિક હતો.

દ. આફ્રિકાની લડતમાં પણ ગાંધીજીને ગોપાલકૃષ્ણ ગોખલેની ખૂબ હૂંફ મળી હતી. લડત દરમિયાન દ. આફ્રિકામાં ભારતીયોની સ્થિતિ અને લડતને જોવા ગોખલે દ. આફ્રિકા ગયા હતા. ગિરિરાજ કિશોરે ગાંધીજીના દ. આફ્રિકાના જીવન પર કેન્દ્રિત નવલકથા ‘પહેલો ગિરમીટિયો’ લખી છે, જેમાં લેખકે ગોખલેના દ. આફ્રિકા પ્રવાસ દરમિયાનનો માતૃભાષા સંબંધિત એક સુંદર પ્રસંગ વર્ણવ્યો છેઃ

‘એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશ્ન એ ઊભો થયો કે જાહેરસભામાં કઈ ભાષામાં બોલવું? મોહનદાસે કહ્યું: ‘તમે હિંદુસ્તાનીમાં બોલો.’

ગોખલેએ કહ્યું: ‘ભાંગીતૂટી હિંદુસ્તાનીમાં બોલીશ તો લોકો હસશે. ન હું વાત સમજાવી શકીશ, ન તેઓ સમજશે.’

‘હું પણ એ જ ભાષા બોલું છું.’

ગોખલે ચિંતામાં પડી ગયા. એટલે મોહનદાસે કહ્યું: ‘તમે મરાઠીમાં બોલો તો?’

‘દક્ષિણ આફ્રિકામાં મરાઠીમાં બોલવું એ તો વધુ હાસ્યાસ્પદ થશે. એનો પણ અનુવાદ તો કરવો જ પડે. એટલે સારું એ થશે, હું અંગ્રેજીમાં બોલું.’

‘મારી તમને વિનંતી છે, તમે હિંદુસ્તાનીમાં ન બોલો તો મરાઠીમાં બોલો. અહીંના લોકો એ જાણીને ગૌરવ અનુભવશે કે હિંદુસ્તાનના આટલા મોટા નેતા પોતાની માતૃભાષાને ચાહે છે.’

ગોખલે મરાઠીમાં જ બોલ્યા. મોહનદાસે હિંદુસ્તાનીમાં તેનો તરજુમો કર્યો. એક વાર એમણે મરાઠીમાં બોલવાનું શરૂ કર્યું. પછી તો છેક ઝાંઝીબાર (પ્રવાસના છેલ્લા મુકામ) સુધી મરાઠીમાં જ બોલ્યા.’

ગુજરાતમાં માતૃભાષા અંગે માહોલ બની રહ્યો છે ત્યારે ગોખલે અને ગાંધીનો આ કિસ્સો પ્રેરણા પૂરી પાડે એવો છે.

(દિવ્ય ભાસ્કરની 9મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, May 2, 2018

આંખના ઈશારાઓની ભાષા

દિવ્યેશ વ્યાસ


વિશ્વમાં પહેલીવાર ભારતમાં આંખોની ભાષા તૈયાર કરવામાં આવી છે. ‘બ્લિન્ક ટુ સ્પીક’ પુસ્તિકા વાચાહીનો માટે આશીર્વાદસમી છે


(બ્લિન્ક ટુ સ્પીક પુસ્તકનું એક પાન)

ગત ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન્સના દિવસોમાં પ્રિયા પ્રકાશ વરિયરનો આંખોના ઈશારા કરતો  એક વિડિયો જબરદસ્ત વાઇરલ થયો હતો. પ્રિયાના વિડિયો સાથે જ આંખના ઈશારાની ભાષા પણ ચર્ચામાં આવી હતી અને વાત છેક આપણાં પરંપરાગત નૃત્યોમાં આંખોના હાવભાવ સુધી પહોંચી હતી. માનવીના શરીરમાં તેની આંખો સૌથી વધારે બોલકી ગણાય છે. વ્યક્તિ જ્યારે કશું છુપાવવા માગતી હોય ત્યારે તે સામેવાળાથી પોતાની નજરો છુપાવતી હોય છે, કારણ કે આંખોમાં તમે તમારા ભાવ-લાગણીઓને છુપાવી શકતા નથી. ગુજરાતીમાં આંખોને લગતી અનેક કહેવતો પણ છે, જેનાથી ખ્યાલ આવે છે કે સંવાદ સાધવામાં કે સંદેશા પાઠવવામાં આંખોની કેટલી મોટી ભૂમિકા હોય છે.

સંદેશાવ્યવહારમાં આંખોની અસરકારકતાને ધ્યાનમાં રાખીને જ વાચાહીન લોકો માટે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્કસ પ્રકારનો સંદેશો પહોંચાડવા માટે એક નવી જ ભાષા ઘડવામાં આવી છે. ભારત માટે ગૌરવ લેવા જેવી વાત એ છે વિશ્વની પહેલી આંખ-ભાષા આપણા દેશમાં તૈયાર કરવામાં આવી છે. કેટલાકને સવાલ થઈ શકે કે મૂકબધિર લોકો માટે આપણે ત્યાં હોઠ, આંખો અને હાથના ઈશારાની ભાષા તો છે જ તો પછી આ આંખ-ભાષાની જરૂરિયાત શું છે? આ ભાષા ખાસ કરીને બ્રેઇન સ્ટ્રોક કે સ્પાઇનલ કોડની ઈજાઓને કારણે લકવાગ્રસ્ત સ્થિતિમાં આવી ગયા પછી બોલવા માટે સક્ષમ રહ્યા નથી, એવા લોકો માટે વિકસાવવામાં આવી છે. વળી, આ ભાષા એમિયોટ્રોફિક લેટરલ સ્કલરોસિસ (ALS)અને મોટર ન્યૂટ્રોન ડિસીઝથી (MND) પીડાતા લોકો માટે પણ આશીર્વાદસમી છે. આ બધી બીમારીઓમાં સાજીસારી વ્યક્તિ અચાનક પોતાની વાચા ગુમાવી બેસે છે. હાથ-પગ પણ જ્યારે પેરેલાઇઝ્ડ થઈ ગયા હોય ત્યારે ઈશારો કરવા પણ સક્ષમ હોતા નથી. આવા લોકો માટે વધીને આંખના હાવભાવ થકી સંદેશો આપી શકે, પરંતુ તેઓ એક હદથી વધારે પોતાની વાત કરી શકતા નથી. આંતરરાષ્ટ્રીય એડ એજન્સી TBWA Indiaમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત ગીત રાઠીને એએલએસથી પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાનું બન્યું અને તેને વિચાર આવ્યો કેે આંખોના ચોક્કસ ઈશારા થકી ચોક્ક્સ સંદેશા પહોંચાડવા માટે નવી જ આંખ-ભાષા વિકસાવવામાં આવે તો આવા દર્દીઓનું જીવન થોડુંઘણું આસાન થઈ શકે. આ ઉત્સાહી યુવતીએ પોતાનો વિચાર કંપનીના સાથીઓ સમક્ષ રજૂ કર્યો અને તેમણે આંખ-ભાષા વિકસાવવાનો મનસૂબો ઘડ્યો અને આર્શિયા જૈન વગેરે સાથીઓના સહયોગથી પાર પણ પાડ્યો. તેમણે દર્દીઓ, ડૉક્ટર્સ, સારવાર-સંભાળ કરનારા કર્મચારીઓ, દર્દીનાં સગાંસંબંધીઓ સાથે વાતચીતો - ચર્ચાઓ કરીને આંખના એવા પચાસથી વધારે ઈશારા નક્કી કર્યા, જેના થકી દર્દી અને સારવારકર્તા કે સંબંધી વચ્ચેનો વ્યવહાર આસાન થાય.

આંખને પટપટાવી શકાય, એક આંખ બંધ-ખોલ કરી શકાય, આંખની કીકીઓને ડાબે-જમણે કે ઉપર-નીચે લઈ જઈ શકાય છે, કીકીઓને ગોળ ગોળ ફેરવી શકાય. આંખના આવા ઈશારાને જ આંખ-ભાષાના આલ્ફાબેટ્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા છે. વ્યક્તિ એક સાથે એક કે એકથી વધુ ઈશારા કરીને પોતાની વાત જણાવી શકે છે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ એક વાર આંખ પટપટાવે તો ‘હા’ સમજવાનું અને બે વાર પટપટાવે તો ‘ના’. વ્યક્તિ સતત ત્રણ વખત આંખ પટપટાવીને તેને સારું છે, એમ જણાવી શકે અને આંખની કીકીને પહેલા ડાબી તરફ પછી જમણી તરફ લઈને જો આંખ એક વખત પટપટાવે તો તેને સારું નથી લાગતું, એવું જણાવી શકે છે. આંખ એક વાર પટપટાવીને કીકી જમણી તરફ ફેરવીને ડૉક્ટરને બોલાવવાનું કહી શકે છે... આવા તો પચાસ ઈશારા નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અંગ્રેજીના દરેક મૂળાક્ષર (આલ્ફાબેટ) માટે પણ આંખના જુદા જુદા ઈશારા નક્કી કરાયા છે, જેનાથી વ્યક્તિ પોતાની વાત રજૂ કરી શકે છે.

દર્દીઓ અને ડૉક્ટર સહિતના તેમને સંભાળનારા લોકોને આંખ-ભાષા શીખવતી એક પુસ્તિકા ‘બ્લિન્ક ટુ સ્પીક’ તાજેતરમાં જ પ્રકાશિત કરવામાં આવી છે. આશા એક હોપ ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક સંસ્થા તથા ન્યૂરોજેન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇનસ્ટિટ્યૂટ દ્વારા આ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવ્યું છે. સૌથી સારી વાત એ છે કે આ પુસ્તિકા તમે પીડીએફ સ્વરૂપે ફ્રીમાં ઇન્ટરનેટ (http://www.ashaekhope.com/pdf/blink-to-speak.pdf) પરથી ડાઉનલોડ કરી શકો છો. સંસ્થા ભારતની તમામ ભાષાઓમાં આ માર્ગદર્શક પુસ્તિકાની આવૃત્તિ કરવા માગે છે.

વ્યક્તિની વાચા હણાઈ જાય ત્યારે તે જાણે લાચાર સ્થિતિમાં મુકાઈ જાય છે, પરંતુ આશા રાખીએ આ નવી આંખ-ભાષા તેમના જીવનને આસાન બનાવશે.

(દિવ્ય ભાસ્કરની 2જી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)