Wednesday, May 30, 2018

શીતળતા આપે એવી શોધ

દિવ્યેશ વ્યાસ


ઉત્તર પ્રદેશની 16 વર્ષની દીકરી કલ્યાણીએ એવું દેશી એસી બનાવ્યું છે, જે સસ્તું છે અને સૌર ઊર્જાથી ચાલે છે




સમાજ તરીકે આપણી સૌથી મોટી નબળાઈ એ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમથી વિચારવાની અને વ્યવસ્થાપકીય ઉકેલો શોધવાની બાબતે ઘણા કાચા પડીએ છીએ. એવી અનેક સમસ્યાઓ છે, જેનો આપણે સદીઓથી સામનો કરતા આવ્યા છીએ અને છતાં તેનું વ્યાવહારિક સમાધાન શોધી શકતા નથી. આપણે આગે સે ચલી આઈની માનસિકતામાં રાચીએ છીએ અને કશું નવું વિચારવા બાબતે ઉદાસીન રહીએ છીએ. આવી ઉદાસીનતાને કારણે જ આપણે વૈજ્ઞાનિક શોધ-સંશોધનોની બાબતે અનેક ગરીબ દેશો કરતાં પણ પાછળ છીએ.

ગુજરાત પહેલેથી દુષ્કાળપીડિત રાજ્ય રહ્યું છે, છતાં જળસંચયની બાબતે આપણે આજે પણ ફાંફા મારીએ છીએ, એ હકીકત છે. ઉનાળાની ગરમી બાબતે પણ આપણું વલણ સમસ્યા-ઉકેલનું નહિ, પણ સહન કર્યા કરવાનું રહ્યું છે. દુનિયાના એવા કેટલાક દેશો છે, જ્યાં માઇનસમાં ઠંડી રહેતી હોય છે. એવા દેશોમાં ગરીબમાં ગરીબ વ્યક્તિના ઘરે પણ હિટરની વ્યવસ્થા હોય છે. માત્ર ઘર જ નહિ, રેલવે સ્ટેશન સહિતની જાહેરજગ્યાઓ પણ સેન્ટ્રલી હિટર ધરાવતી હોય છે. આપણે ત્યાં ઉનાળામાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અગનગોળા વરસતા હોય છે. આપણી ધાર્મિક વૃત્તિને કારણે પાણીની પરબો ચોક્કસ બંધાય છે, પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ લોકોના ઘર પણ ઠરે એ માટે કોઈ વિશેષ પગલાં ભરવામાં આવતાં નથી. એક વડીલે (લલિતભાઈ લાડ) થોડા વર્ષો પહેલાં અમદાવાદમાં આવેલા એક વિદેશીની વાત કરી, જેમને આશ્ચર્ય થયું હતું કે અહીં આટલી બધી ગરમી પડે છે અને અધૂરામાં પૂરું મોંઘા ભાવના વિદેશી બ્રાંડના ફ્રિજ વેચાઈ રહ્યાં છે, છતાં તમારી સરકાર દરેક પરિવારને સસ્તા દરે ફ્રિજ મળી રહે, એ માટે કોઈ તકનીક વિકસાવવા કેમ પ્રયાસો નથી કરતી? કાળઝાળ ગરમીમાં ફ્રિજ ઉપરાંત એસી પણ હવે લક્ઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે.

ગુજરાતમાં તો ખબર નથી, પરંતુ ઉત્તરપ્રદેશના બુંદેલખંડ પ્રદેશની નવમા ધોરણમાં ભણતી કલ્યાણી શ્રીવાસ્તવ નામની તરુણીને વિચાર આવ્યો કે ગરમીથી ત્રસ્ત મારા પ્રદેશના લોકોને સસ્તા દરે એસી ઉપલબ્ધ થવું જોઈએ અને તેણે એ માટે પ્રયાસો શરૂ કર્યા. તેણે દેશી એસીનું મૉડલ તૈયાર કરવા માટે એક પછી એક અખતરા-પ્રયોગો કર્યા. બે વર્ષના અંતે તે જ્યારે 11મા ધોરણમાં લોકમાન્ય તિલક ઇન્ટર કૉલેજ, ઝાંસીમાં ભણતી હતી ત્યારે સૌર ઊર્જાથી ચાલતું દેશી એસીનું મૉડલ તૈયાર કર્યું. તેનું આ મૉડલ વિજ્ઞાન મેળામાં રજૂ કરવામાં આવ્યું અને તેનાથી શિક્ષકો અને વિજ્ઞાનીઓ એટલા પ્રભાવિત થયા કે તેનું મૉડલ આઈઆઈટી, દિલ્હીના રાષ્ટ્રીય સ્તરની મૉડલ કોમ્પિટિશનમાં પસંદગી પામ્યું. વર્ષ 2016માં દિલ્હીમાં આયોજિત બાળ વિજ્ઞાન મેળામાં દેશ-વિદેશના વિજ્ઞાનીઓ અને તકનીક-નિષ્ણાતો પણ કલ્યાણીના મૉડલની પ્રશંસા કર્યા વિના ન રહી શક્યા. જાપાનના વિજ્ઞાનીઓ તો એટલા પ્રભાવિત થયા કે જાપાન સરકાર દ્વારા બાળ વિજ્ઞાની સંમેલન માટે તેને આમંત્રિત કરવામાં આવી હતી.

હવે વાત કરીએ કલ્યાણીના દેશી એસીની. આ એસીની રચના સરળ છે. થર્મોકોલના આઈસબોક્સમાં 12 વોલ્ટના ડીસી ફેન(પંખા)થી બહારની હવા બોક્સમાં મોકલવામાં આવે છે અને હવા ઠંડી થઈને એલ્બો દ્વારા બહાર ફેંકાય છે. કલ્યાણીએ પહેલા તો પંખો ચલાવવા માટે વીજળીનો ઉપયોગ કરેલો, પરંતુ પછી તેણે ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં રાખીને સૌરઊર્જા થકી ચાલે એવું મૉડલ વિકસાવ્યું. આ દેશી એસી એક કલાકમાં ખંડનું તાપમાન 4થી 5 ડિગ્રી ઘટાડી શકે છે. વર્ષ 2016માં આ દેશી એસી માત્ર 1850માં પડતું હતું, જેનો ખર્ચ આજની સ્થિતિ મુજબ કદાચ રૂ. 2500 સુધી પહોંચે. આમ, આ સસ્તું, ટકાઉ અને પર્યાવરણ-મિત્ર એસી છે.

અનેક એસી બનાવતી કંપનીઓએ કલ્યાણીનો સંપર્ક કરેલો છે, પરંતુ તે હજું આ મૉડલને વિકસાવવા અને ઉત્કૃષ્ટ બનાવવા માગે છે. આપણે આશા રાખીએ કલ્યાણી જેવા યુવા વિજ્ઞાનીઓ વધુ ને વધુ સક્રિય થાય, તેમને વિવિધ સંશોધનો કરવા માટે સરકાર અને સમાજ તરફથી પ્રોત્સાહન મળતું રહે અને આપણી સમસ્યાઓનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ ઉકેલ લાવવા કોશિશ કરે. કલ્યાણીની ટેલેન્ટને સલામ!

(દિવ્ય ભાસ્કરની 30મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment