Wednesday, June 6, 2018

ભાષાની ભૂલ કેમ ચલાવાય?

દિવ્યેશ વ્યાસ


ટ્રમ્પના પત્રમાં ભાષાની ભૂલો જોઈને નિવૃત્ત શિક્ષિકા અકળાઈ ઊઠ્યાં. આપણે ભાષા પ્રત્યે સભાન છીએ?


ધારી લો કે તમારા પર દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે પછી મુખ્યમંત્રીનો પત્ર આવે તો તમે શું કરો? તમે રાજી રાજી થઈ જાવ. પત્ર આખા ઘરને અને સોસાયટીને બતાવી આવો કે જુઓ, કોણે મને પત્ર લખ્યો છે. તમારો વટ પાડવા માટે તમે એ પત્રને સોશિયલ મીડિયા પર પણ અચૂક મૂકો જ... ખરું ને? પણ શું તમે એ પત્રની ભાષા અને જોડણીની ચકાસણી કરો? શું એ પત્રમાં રહેલી વ્યાકરણની ભૂલો જોઈને નારાજ થાવ ખરા? એ અંગે ફરિયાદ કરો ખરા? ભાગ્યે જ કોઈનો જવાબ ‘હા’માં હશે. આપણે પત્રમાં જે વાત લખી હોય તેનાથી સંતોષ થઈ જાય પછી ભાષા-વ્યાકરણની ‘માથાકૂટ’માં પડવામાં માનતા નથી. જોકે, અમેરિકાનાં નિવૃત્ત શિક્ષિકા ઈવોન મેસન જરા જુદી માટીનાં છે. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના 28 મે, 2018ના અંકમાં ‘OMG This Is Wrong!’ શીર્ષક સાથે એક અહેવાલ પ્રગટ થયો હતો, જેમાં ઈવોન મેસને રાષ્ટ્રપતિ ટ્રમ્પના પત્રમાં જોવા મળેલી ભાષા અને વ્યાકરણની ભૂલો અંગે વ્યક્ત કરેલા રોષની વાત લખવામાં આવી હતી.

61 વર્ષનાં ઈવોન મેસન એટલાન્ટા શહેરમાં રહે છે. તેઓ હાઈસ્કૂલમાં અંગ્રેજી ભાષાનાં શિક્ષિકા હતાં. વર્ષ 2017માં જ તેઓ નિવૃત્ત થયાં. ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર વર્ષ 2018 શરૂ થયું હતું ત્યારે તેમણે એક સંકલ્પ કર્યો હતો કે વ્હાઇટ હાઉસને રોજ એક પોસ્ટકાર્ડ લખવું અને જરૂરી મુદ્દાઓ ઉઠાવવા.

ગત ફેબ્રુઆરીમાં ઈવોન મેસને પોતાના પત્રમાં ફ્લોરિડાના પાર્કલેન્ડ ખાતે એક શાળામાં થયેલા ખુલ્લેઆમ ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ટ્રમ્પને ફાયરિંગમાં માર્યા ગયેલાઓના પરિવારજનોને મળવાની સલાહ પણ આપી હતી. આ પત્રનો પ્રતિભાવ વ્હાઇટ હાઉસ તરફથી 3 મેના રોજ અપાયો, જેમાં નીચે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના હસ્તાક્ષર પણ હતા. આ પત્રમાં વાક્યરચના અને વ્યાકરણની અનેક ભૂલો હતી, જે જોઈને ઈવોનબહેન ખાસ્સા નારાજ થઈ ગયાં. તેમણે વિદ્યાર્થીનું લખાણ ચેક કરતાં હોય એ રીતે પત્રમાં રહેલી ભૂલો કાઢી. એ પત્ર વ્હાઇટ હાઉસને પાછો મોકલતાં પહેલાં તેની તસવીર લઈને તેને પોતાના ફેસબુક પેજ પર મૂક્યો હતો. ભાષાની ભૂલોવાળો ટ્રમ્પનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો હતો.

ઈવોન મેસને આ પત્ર સંદર્ભે ન્યૂ યૉર્ક ટાઇમ્સને જણાવેલું કે, ‘તે ભૂલોભરેલી ભાષામાં લખાયેલો લેખિત પત્ર હતો. ભૂલોભરેલી ભાષા કે લખાણ હું સહન કરી શકતી નથી.’ ઈવોનબહેનની છાપ આમ પણ કશું ખોટું સહન ન કરી શકનાર તરીકેની છે. તેઓ શિક્ષિકા તરીકે વિદ્યાર્થીઓને હંમેશાં કહેતાં કે તમે ભલે મત આપવા જેવડા નથી થયા છતાં તમારો અવાજ મહત્ત્વ ધરાવે છે. તમે (આ દેશ માટે) મહત્ત્વપૂર્ણ જ છો. (દેશમાં) જે કંઈ ચાલી રહ્યું છે, તમારે તેનો હિસ્સો બનવાની જરૂર છે, તમારે તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

ઈવોનબહેન ભાષાની પ્રમાણમાં સામાન્ય ભૂલ ગણાય, એ માટે પણ પોતાના રાષ્ટ્રપ્રમુખનું ધ્યાન દોરવાની ખુમારી ધરાવે છે. ઈવોનબહેનની સામે આપણે આપણી જાતને મૂકીને જોઈએ તો તરત સમજાઈ જાય કે પોતાની ભાષા માટે તેઓ જેટલા પ્રતિબદ્ધ છે, એટલા કદાચ આપણે નથી. આપણને તો ઈવોનબહેન જેવો વિચાર જ કદાચ ન આવે, કારણ કે પહેલાં તો આવી ભૂલને પકડવા માટે જરૂર જોડણી કે વ્યાકરણની સમજ આપણામાંના મોટા ભાગનાને હોતી જ નથી. બીજું કે સામેવાળાની, એમાંય સરકારી કચેરીઓમાં તો આવું જ ચાલે, આ તો સામાન્ય ભૂલ કહેવાય, એવું આપણે જાણે માની લીધું છે.

ગુજરાતી ભાષા બચાવવી હોય, સુધારવી હોય, ઉચ્ચ સ્તરે પહોંચાડવી હોય તો ઈવોનબહેનની જેમ ભાષાની ખામી જ્યાં જ્યાં (સૌ પ્રથમ પોતાનાં લખાણોમાં) નજરે ચડે ત્યાં ખમીર સાથે લડવા તૈયાર થવું જોઈએ.

(દિવ્ય ભાસ્કરની 6 જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)
(નોંધ: નિમિત્તજોગે કળશના આ જ અંકમાં મધુ રાયે પણ આ વિષય પર જ લખેલું. જેમાં તેમણે બહેનના નામનો ઉચ્ચાર ઇવોન કરેલો. સ્પેલિંગના આધારે મેં યવોન્ન (Yvonne)લખેલું, પછી બ્લોગ પર સુધારી લીધું છે.)

2 comments: