Wednesday, September 27, 2017

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ


કાર્લ માર્ક્સના શકવર્તી પુસ્તક ‘દાસ કેપિટલ’ના પ્રકાશનને 150 વર્ષ થયાં છે. માર્ક્સે દુનિયાને શ્રમનું મૂલ્ય સમજાવ્યું હતું 

(તસવીરો વિકિપીડિયાની સાઇટ પરથી લીધેલી છે.)

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’ આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે - કાર્લ માર્ક્સ. માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી. માર્ક્સના વિચારો સાથે કેટલા સહમત થવું, કેટલા અસહમત થવું, એ આપણી સમજ અને વિવેક પર આધીન છે, પરંતુ માર્ક્સના એકેય વિચારો સાથે સહમત ન હોવા છતાં તેમના વિચારો દ્વારા અનેક રાષ્ટ્રોમાં પેદા થયેલી ક્રાંતિ અને તેનાં વ્યાપક પરિણામોની વાતો કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે શ્રમિકો-કામદારો-મજૂરોના (આમાં માત્ર મજૂરો જ નહીં, તમામ નોકરિયાતો-પગારદારો પણ આવી જાય!) શોષણ અને અન્યાયની વિરુદ્ધ લડત-સંઘર્ષની વાત કરી છે, એ  શું આજે પણ પ્રસ્તુત નથી? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, આર્થિક અસમાનતા પેદા થાય, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, પરિણામે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ સતત વધતી રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના... અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869)પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. ઈ.સ. 1867માં જોકે, દાસ કેપિટલનો પહેલો ભાગ જ પ્રકાશિત થયો હતો બાકીના બે ભાગ માર્ક્સના નિધન પછી તેમના સાથી-સહયોગી ફેડ્રીક એન્જલ્સે અને ચોથો ભાગ કાર્લ કૌટ્સ્કીએ સંપાદિત-પ્રસિદ્ધ કરેલો.

એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં ‘બાઇબલ’ પછી સૌથી પ્રભાવશાળી પુસ્તકમાં તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો.

જોકે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ સામ્યવાદ અને માર્ક્સને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં અને સમગ્ર વિશ્વમાં ફરી મૂડીવાદ મજબૂત બન્યો છે. સોવિયત સંઘના વિઘટન અને છેલ્લે ઇ.સ. 2011માં અરબ ક્રાંતિ પછી કહેવાતું સામ્યવાદી શાસન માંડ ચીન કે ઉ. કોરિયા જેવા રડ્યાખડ્યા દેશોમાં જ બચ્યું છે. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, September 20, 2017

ઝેન કથા : બૌદ્ધિક બુલેટ

દિવ્યેશ વ્યાસ


જાપાનના સહયોગથી મળનારી બુલેટ ટ્રેનના વધામણાની સાથે સાથે બૌદ્ધિક બુલેટ જેવી ઝેન કથાઓ કેમ વિસરાય?



‘આ વર્ષે મેં જીવનનો પૂરેપૂરો આનંદ ઉઠાવ્યો.’ શિષ્યે ગુરુને કહ્યું. ‘અચ્છા?’ ગુરુએ પૂછ્યું, ‘તેં શું શું કર્યું?’ ‘સૌથી પહેલાં સમુદ્રમાં ઊંડી ડૂબકી મારતા શીખ્યો.’ શિષ્યે જણાવ્યું, ‘પછી દુર્ગમ જંગલો પણ સર કર્યાં. મેં રણમાં પણ દિવસો વિતાવ્યા. મેં પેરાગ્લાઇડિંગ પણ કર્યું અને તમે માનશો નહીં મેં...’ ગુરુએ હાથ ઊંચો કરી શિષ્યને અટકાવતાં પૂછ્યું, ‘ઠીક છે, ઠીક છે, પરંતુ આ બધું કરતી વખતે તને જીવનનો આનંદ ઉઠાવવાનો સમય ક્યારે મળ્યો?’

આ છે ઝેન કથા. બુલેટ જેવી જ ટચૂકડી, પણ સોંસરવી ઊતરી જાય એવી! આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મ જાપાનમાં ઝેન સ્વરૂપે ફૂલ્યોફાલ્યો છે. ઝેન માણસની પૂર્ણ જાગૃતિમાં માને છે. આમ તો ધર્મને અફીણ સાથે સરખાવવામાં આવે છે, પણ ઝેન જરા હટકે વિચારધારા છે, તે કોઈ પણ જાતના કેફ કે ઘેનથી સદાય દૂર રહીને સતત જાગૃત રહેવાની સલાહ આપે છે. ઝેન સંતોએ મોટા મોટા બોધપાઠો-શીખને નાની નાની વાર્તાઓમાં વણી લઈને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. તર્કનાં તીરો ચલાવીને લોકોનાં દિમાગ પર ચડેલા ધર્મ સંપ્રદાયના કેફને ઉતારવા માટે મથનારા ઓશો રજનીશનાં પ્રવચનોમાં સહજપણે ઝેન કથાનો સમાવેશ થયેલો જોવા મળે છે. ગુજરાતમાં જાપાનના સહયોગથી આવનારી બુલેટ ટ્રેનની ચર્ચા ચાલી રહી છે ત્યારે બૌદ્ધિક બુલેટ સમી ઝેન કથાઓને કેમ વીસરી શકાય. બીજી એક ઝેન કથા માણીએ:

એક ઝેન સાધુની કુટીરમાં ચોર ઘૂસેલો. એવામાં સાધુ આવ્યા અને તેમણે ચોરને પકડ્યો. સાધુની કુટીરમાંથી તો ચોરને શું મળે? જોકે, સાધુએ ચોરને કહ્યું, ‘તું બહુ દૂરથી આવ્યો હશે. તારે ખાલી હાથે ન જવું જોઈએ. ચાલ, હું તને મારાં વસ્ત્રો આપી દઉં.’ ચોરને શરમ તો આવી, પણ તે વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. સાધુ તો કુટીરમાં નગ્ન બેઠા આકાશમાં ચાંદને જોવા લાગ્યા. તેમણે વિચાર્યું, ‘બિચારો ચોર, કાશ હું તેને આ ચાંદ આપી શક્યો હોત!’

ટચૂકડી વાર્તામાં કેટકેટલા સંદેશા અને શીખ મળે છે! આ જ મજા છે, ઝેન કથાઓની. આજના મહત્ત્વાકાંક્ષી માનવીને વિચારતાં કરી દે, એવી વધુ એક ઝેન કથા જોઈએ:

એક પ્રખ્યાત અભિનેત્રી ઝેન આશ્રમમાં આવી અને કહ્યું, ‘જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે મને થતું હું ‘કંઈ જ નથી’. હું કંઈક બનવા માગતી હતી. એ માટે મેં ખૂબ જ મહેનત કરી. મારી જે કંઈ ઇચ્છા હતી, એ બધું જ મેં મેળવ્યું. આજે મારી પાસે બધું જ છે.’ ઝેન સંતે પૂછ્યું, ‘તો પછી તું અહીં કેમ આવી છે?’ અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘હું ફરી ‘કંઈ જ નથી’ બનવા માગું છું.’

બીજી પણ એક ઝેન કથા જોઈએ, જે જીવનને સહજતાથી અને જાગૃતિપૂર્વક આગળ વધારવાનો સંદેશો આપે છે.

એક નવા સાધકે ગુરુને પૂછ્યું, ‘હું હજુ હમણાં જ મઠમાં જોડાયો છું. કૃપા કરીને મને કોઈ શીખ આપો.’ ગુરુએ સામે પૂછ્યું, ‘શું તમે તમારી ખીચડી ખાઈ લીધી છે?’ નવો સાધક કહે, ‘હા જી.’ ગુરુએ કહ્યું, ‘તો તમારાં વાસણ પણ ધોઈ લો.’ કહે છે કે એ સાધકને તરત બોધિ પ્રાપ્ત થઈ ગઈ હતી.

છેલ્લે એક ઝેન કથા સાથે લેખ પૂરો કરું છું, પણ આશા રાખું છું આપનું ચિંતન ચાલુ રહેશે.

‘એક વ્યક્તિ બેકાબૂ બનેલા ઘોડા પર બેઠી હતી અને ઘોડો રસ્તા પર દોડ્યે જતો હતો. સડકના કિનારે ઊભેલા એક યાત્રીએ બૂમ પાડીને પૂછ્યું, ‘ભાઈ, ક્યાં જઈ રહ્યો છે?’ ઘોડેસવારે લગભગ ચીસ પાડીને જવાબ આપ્યો, ‘મને કંઈ ખબર નથી! તમે ઘોડાને પૂછી જુઓ!!’

આપને તો ખબર હશે જ કે તમે જેના પર સવાર છો, એ ઘોડો તમને ક્યાં લઈ જઈ રહ્યો છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 13, 2017

સૂ કી : સિદ્ધાંત V/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ


રોહિંગ્યા મુદ્દે સૂ કીના મૌન અને પછી લૂલા બચાવે તેમની વૈશ્વિક શાખ અને શાનને બટ્ટો લગાવ્યો છે

(લેખને અનુરૂપ હાવભાવવાળી આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડીએનએમાં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરાય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજા નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સસન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રીયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જોકે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ-ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.  

સૂ કીના મીંઢા મૌનની ટીકા દ. આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યા છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓનલાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 6, 2017

બાળસુરક્ષા માટે યાત્રા

દિવ્યેશ વ્યાસ

બાળ અધિકારોના લડવૈયા કૈલાશ સત્યાર્થી બાળકોની સુરક્ષાના મુદ્દે ‘ભારત યાત્રા’નું આયોજન કર્યું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ગોડફાધર’ના રચયિતા મારિયો પુઝોનું એક જાણીતું વાક્ય છે, ‘The only wealth in this world is children, more than all the money, power on earth.’ (આ દુનિયામાં પૈસા, સત્તા કરતાં પણ બાળકો જ ખરી સંપત્તિ છે.) એક બાળક માત્ર પરિવારની જ નહીં પણ દેશની મહામૂલી મૂડી હોય છે. બાળકોને આપણે ભાવિ પેઢી - ભવિષ્યના નાગરિકો ગણીએ છીએ, પરંતુ તેમના પ્રત્યેનું આપણું વલણ આપણે સૌ ધારીએ છીએ એટલું સારું, સજાગ કે સંપૂર્ણ નથી. ‘એક્સિડેન્ટલ’ અને અણઘડ માતા-પિતા દ્વારા બાળઉછેરમાં રહી જતી કચાશોની વાત જવા દઈએ તથા શાળાઓમાં શિક્ષણના સ્તરની ચિંતા પણ છોડી દઈએ, તોપણ આપણા સમાજમાં બાળકો માટે બહુ સારો માહોલ છે, એવી ગેરસમજ રાખવા જેવી નથી. સૌથી ચિંતાજનક બાબત બાળકોની સુરક્ષાની છે. બાળક આજે ન ઘરમાં સુરક્ષિત છે, ન શાળામાં કે ન અન્ય ક્યાંય. દરેક માતા-પિતા બાળકની સુરક્ષાના મામલે ચિંતાગ્રસ્ત રહેતાં હોય છે. બાળકો ગુમ થવાની ઘટનાના સાચા આંકડાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બીપી અમુક સેકન્ડો માટે હાઇ થયા વિના ન રહે. સમગ્ર સમસ્યાને સમજવા માટે માત્ર એક જ આંકડો કાફી છે: આપણા દેશમાં પોલીસના જ આંકડા મુજબ દર કલાકે આઠ બાળકો ગુમ થાય છે! આ બાળકોને ગાયબ કરનારા તેમની પાસે શું શું કરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશમાં માનવ તસ્કરી અને એમાંય વધારે આસાન હોવાથી બાળકોની તસ્કરીની સમસ્યા વકરી રહી છે. તસ્કરી કરેલાં બાળકો માટે આ ધરતી જ નર્ક સમાન બની જતી હોય છે. આ બાળકો પાસે કમરતોડ મજૂરી કરાવાય છે, કેટલાંક બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવાય છે તો કેટલાંક કમનસીબ પાસે વેશ્યાવૃત્તિ. લાચાર બાળકોના શરીરમાંથી અમુક અંગો પણ કાઢી લેવામાં આવે છે અને તે અંગોને અત્યંત ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે. આ બાળકોનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. કાં તો તેઓ કોઈ ને કોઈ રોગથી પીડાઈને કે પછી ભૂખમરાથી મૃત્યુ પામે છે અથવા તો યુવાન થયા પછી શોષણખોરોથી છટકીને પોતે ક્રિમિનલ્સ બનીને સમાજની બીમારીઓમાં વધારો કરતાં રહે છે. આવાં બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લગભગ શૂન્યવત્ હોય છે.

બાળકોનું આવું શોષણ કઈ રીતે સાંખી લેવાય? બાળ અધિકારો માટે સાડા ત્રણ દાયકાઓથી કાર્યરત એવા કૈલાશ સત્યાર્થીએ હવે બાળ તસ્કરી અને બાળકોના શારીરિક શોષણ વિરુદ્ધ જંગ છેડવાનું એલાન કર્યું છે. કૈલાશ સત્યાર્થી અને તેમની ‘બચપન બચાવો આંદોલન’ નામની એનજીઓએ દેશવ્યાપી ‘ભારતયાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દેશનાં કુલ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે. 35 દિવસની આ યાત્રા કુલ 11,000 કિલોમીટર લાંબી મજલ કાપશે. જોકે, બાળઅધિકારો અને સુરક્ષિત બાળપણની મજલ તો એના કરતાંય લાંબી હોઈ શકે છે.

કૈલાશ સત્યાર્થીની ‘ભારતયાત્રા’નો મુખ્ય નારો ‘સુરક્ષિત બાળપણ, સુરક્ષિત ભારત’ છે. આ યાત્રા થકી તેમનો ઉદ્દેશ દેશભરના લોકોને બાળઅધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. કૈલાશ સત્યાર્થીએ આ યાત્રા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા થકી દેશમાં ચાલી રહેલી બાળકોની તસ્કરી અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે. સાથે સાથે માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક કાયદો કરવાની માગણી પણ ઉગ્ર બનાવવામાં આવશે. માનવ તસ્કરીના સમાચાર છાશવારે આવતા હોય છે, પરંતુ ભારતમાં તેની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો ન હોવાથી ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. આવા સંજોગોમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી અટકાવવા માટે સ્પષ્ટ અને કડક કાયદાની તાતી જરૂર છે. 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી આ યાત્રા 16મી ઑક્ટોબરે દિલ્હી ખાતે સંપન્ન થશે અને સંસદમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાયદો બનાવવાની રજૂઆત કરવામાં આવશે. આશરે દસ લાખ લોકો આ યાત્રામાં જોડાવાનો અંદાજ છે. એક કરોડ લોકોને બાળકોના શોષણ અને તસ્કરી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો નિર્ધાર કરાયો છે.

કૈલાશ સત્યાર્થી છેલ્લાં સાડા ત્રણ દાયકાથી બાળકોની આઝાદી, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્યરત છે. કૈલાશભાઈ  અગાઉ ઈ.સ. 1998માં ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર તથા ઈ.સ. 2001માં શિક્ષા યાત્રાનું સફળ અને સાર્થક આયોજન કરી ચૂક્યા છે.

આ યાત્રાના પ્રારંભ માટે 11મી સપ્ટેમ્બરની તારીખ અને કન્યાકુમારી સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદ નિમિત્ત બન્યા છે. સ્વામી વિવેકાનંદને કન્યાકુમારીમાં જ્ઞાન લાધ્યું હોવાનું કહેવાય છે. વળી, તેમણે ઈ.સ. 1893માં 11મી સપ્ટેબરના દિવસે જ સર્વધર્મ સંમેલનમાં પ્રભાવક પ્રવચન આપ્યું. વિવેકાનંદના સૂત્રને થોડા ફેરફાર સાથે કહી શકાય, બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો, જાગીને સક્રિય બનો અને આ બદી નાબૂદ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

કૈલાશ સત્યાર્થીના નિવેદન સાથે લેખ પૂરો કરીએ, ‘આપણે જો ખરેખર ‘ન્યૂ ઇન્ડિયા’ના સર્જન માટે ઉત્સાહી અને પ્રતિબદ્ધ હોઈએ તો આપણી બાળાઓ અને બાળકો આપણાં ઘરો, શાળાઓ અને તેમના આસપાસના માહોલમાં સુરક્ષિત હોવાં જોઈશે. ખરું ન્યૂ ઇન્ડિયા ત્યારે જ સર્જાશે જ્યારે દેશનાં તમામ બાળકો સુરક્ષિત, મુક્ત અને શિક્ષણ મેળવી રહ્યાં હશે અને આ તેના માટેનું જ આંદોલન છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)