Wednesday, March 8, 2017

મણિપુરની એ શૌર્યવાન માતાઓ

દિવ્યેશ વ્યાસ


લોહીતરસી તલવાર કરતાં ન્યાય માગતી ચીસ વધારે ધારદાર નીવડે છે, એનો પરચો મણિપુરની માતાઓએ પૂરો પાડેલો!

 
(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાંથી સૌથી ઓછી ચર્ચા મણિપુરની થાય છે. અલબત્ત, ઇરોમ શર્મિલાના ચૂંટણી સાહસને કારણે મણિપુરની ચૂંટણીમાં નવો રંગ ઉમેરાયો છે. ઇરોમ શર્મિલાની સાથે સાથે ચર્ચામાં આવેલું બીજું નામ નજિમા બીબીનું છે. મણિપુરમાં વિધાનસભા સ્તરની ચૂંટણી લડનાર તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા છે. નજિમા બીબી ચૂંટણી લડી રહ્યાં છે તેના વિરોધમાં સ્થાનિક ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો છે, છતાં ઇમ્ફાલ ખીણની વાબગઈ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યાં છે. મણિપુરની મહિલાઓની આ જ તો ખાસિયત છે કે તેઓ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને પોતાના અધિકાર માટેના સંઘર્ષને મક્કમપણે વળગી રહે છે. રાજકીય હોય કે સામાજિક, મણિપુરની મહિલાઓએ પોતાનું શૌર્ય બતાવ્યું જ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે ત્યારે મણિપુરની મહિલાઓનાં શૌર્યની જ વાત આગળ વધારીએ તો બાર વર્ષ જૂનો કિસ્સો જૂના ઘાવની જેમ તાજો થયા વિના રહેતો નથી.

એ વાતને જોતજોતાંમાં બાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે. મણિપુરમાં બાર માતાઓએ સૈન્યના જવાનોના અમાનુષી અત્યાચારના વિરોધમાં લાખો લોકોની બે આંખોની શરમ મૂકીને ‘નગ્નાસ્ત્ર’ છોડ્યું હતું, જેથી સૈન્ય અધિકારીઓની અને દેશના શાસકોની આંખો ખૂલે. 15 જુલાઈ, 2004ના રોજ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની સામે માઇરા પૈબિસ (મશાલચી મહિલાઓ) સંસ્થા સાથે જોડાયેલી આધેડ વયની બાર માતાઓએ પોતાનાં વસ્ત્રો ત્યાગી દીધાં હતાં અને એક પોસ્ટર ફરકાવ્યું હતું, જેમાં આક્રોશના અંગારા જેવા લાલ રંગથી લખેલું હતું - ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’. કલ્પના કરો કે એ ગૃહસ્થ મહિલાઓ કઈ હદે દુ:ખી-દુભાયેલી હશે કે વસ્ત્રો ત્યાગીને સામેથી બળાત્કાર કરવાનું આહ્વાન કરીને આક્રોશ ઠાલવવો પડ્યો હતો.

એ આક્રોશ પ્રદર્શન પાછળ થંગજામ મનોરમા નામની મહિલા પરના અમાનુષી અત્યાચાર અને પછી કરપીણ હત્યા જવાબદાર હતાં. 10 જુલાઈ, 2004ની રાતે આસામ રાઇફલ્સના જવાનોએ મનોરમાની ધરપકડ કરી હતી અને બીજા દિવસે બાજુના ગામમાં તેનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક લેબના અહેવાલથી સાબિત થયું હતું કે હત્યા પહેલાં મનોરમાબહેન પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. મનોરમાબહેન કંઈ પહેલાં પીડિતા નહોતાં, અનેક યુવતીઓ-મહિલાઓ-યુવાનો બેફામ સત્તા ધરાવતા સૈન્યના જવાનોના અત્યાચારનો ભોગ બની ચૂક્યાં હતાં અને એટલે જ મણિપુરની મહિલાઓનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો હતો.

મનોરમાબહેનની હત્યાને બાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેમને ન્યાય મળ્યો નથી. મનોરમાબહેન પર દુષ્કર્મ કરનારા અને તેમની હત્યા કરનારાઓને કોઈ સજા થઈ નથી. અલબત્ત, મણિપુરની માતાઓના શૌર્યપૂર્ણ વિરોધ પ્રદર્શન પછી આખા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. આર્મીને બેફામ સત્તા આપનારા આફસ્પાનો કાયદો તો આજેય અમલમાં છે, પરંતુ વિરોધ પ્રદર્શન પછી મહિલાઓ પરના અત્યાચારોમાં ચોક્કસ ઘટાડો થયો છે.
આજે મહિલા દિન નિમિત્તે વાચકો માટે એ જાણવું રસપ્રદ રહેશે કે મણિપુરની એ બાર મહિલાઓ પર એક પુસ્તક તાજેતરમાં જ પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક છે, ધ મધર્સ ઑફ મણિપુર : ટ્વેલ્થ વિમેન હુ મેઇડ હિસ્ટરી’. ટેરેસા રહેમાન દ્વારા લિખિત આ પુસ્તકમાં એ બાર મહિલાઓની સંઘર્ષકથાને વણી લેવામાં આવી છે.

આપણા દેશની મહિલાઓના સંઘર્ષના દિવસો ક્યારે પૂરા થશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી માર્ચની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

No comments:

Post a Comment