Showing posts with label સૈન્ય. Show all posts
Showing posts with label સૈન્ય. Show all posts

Wednesday, March 8, 2017

મણિપુરની એ શૌર્યવાન માતાઓ

દિવ્યેશ વ્યાસ


લોહીતરસી તલવાર કરતાં ન્યાય માગતી ચીસ વધારે ધારદાર નીવડે છે, એનો પરચો મણિપુરની માતાઓએ પૂરો પાડેલો!

 
(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાંથી સૌથી ઓછી ચર્ચા મણિપુરની થાય છે. અલબત્ત, ઇરોમ શર્મિલાના ચૂંટણી સાહસને કારણે મણિપુરની ચૂંટણીમાં નવો રંગ ઉમેરાયો છે. ઇરોમ શર્મિલાની સાથે સાથે ચર્ચામાં આવેલું બીજું નામ નજિમા બીબીનું છે. મણિપુરમાં વિધાનસભા સ્તરની ચૂંટણી લડનાર તેઓ પ્રથમ મુસ્લિમ મહિલા છે. નજિમા બીબી ચૂંટણી લડી રહ્યાં છે તેના વિરોધમાં સ્થાનિક ધર્મગુરુએ ફતવો બહાર પાડ્યો છે, છતાં ઇમ્ફાલ ખીણની વાબગઈ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મક્કમ રહ્યાં છે. મણિપુરની મહિલાઓની આ જ તો ખાસિયત છે કે તેઓ અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે અને પોતાના અધિકાર માટેના સંઘર્ષને મક્કમપણે વળગી રહે છે. રાજકીય હોય કે સામાજિક, મણિપુરની મહિલાઓએ પોતાનું શૌર્ય બતાવ્યું જ છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે ત્યારે મણિપુરની મહિલાઓનાં શૌર્યની જ વાત આગળ વધારીએ તો બાર વર્ષ જૂનો કિસ્સો જૂના ઘાવની જેમ તાજો થયા વિના રહેતો નથી.

એ વાતને જોતજોતાંમાં બાર વર્ષનાં વહાણાં વહી ગયાં છે. મણિપુરમાં બાર માતાઓએ સૈન્યના જવાનોના અમાનુષી અત્યાચારના વિરોધમાં લાખો લોકોની બે આંખોની શરમ મૂકીને ‘નગ્નાસ્ત્ર’ છોડ્યું હતું, જેથી સૈન્ય અધિકારીઓની અને દેશના શાસકોની આંખો ખૂલે. 15 જુલાઈ, 2004ના રોજ ઇમ્ફાલમાં કાંગલા કિલ્લાની સામે માઇરા પૈબિસ (મશાલચી મહિલાઓ) સંસ્થા સાથે જોડાયેલી આધેડ વયની બાર માતાઓએ પોતાનાં વસ્ત્રો ત્યાગી દીધાં હતાં અને એક પોસ્ટર ફરકાવ્યું હતું, જેમાં આક્રોશના અંગારા જેવા લાલ રંગથી લખેલું હતું - ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’. કલ્પના કરો કે એ ગૃહસ્થ મહિલાઓ કઈ હદે દુ:ખી-દુભાયેલી હશે કે વસ્ત્રો ત્યાગીને સામેથી બળાત્કાર કરવાનું આહ્વાન કરીને આક્રોશ ઠાલવવો પડ્યો હતો.

એ આક્રોશ પ્રદર્શન પાછળ થંગજામ મનોરમા નામની મહિલા પરના અમાનુષી અત્યાચાર અને પછી કરપીણ હત્યા જવાબદાર હતાં. 10 જુલાઈ, 2004ની રાતે આસામ રાઇફલ્સના જવાનોએ મનોરમાની ધરપકડ કરી હતી અને બીજા દિવસે બાજુના ગામમાં તેનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક લેબના અહેવાલથી સાબિત થયું હતું કે હત્યા પહેલાં મનોરમાબહેન પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. મનોરમાબહેન કંઈ પહેલાં પીડિતા નહોતાં, અનેક યુવતીઓ-મહિલાઓ-યુવાનો બેફામ સત્તા ધરાવતા સૈન્યના જવાનોના અત્યાચારનો ભોગ બની ચૂક્યાં હતાં અને એટલે જ મણિપુરની મહિલાઓનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો હતો.

મનોરમાબહેનની હત્યાને બાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ તેમને ન્યાય મળ્યો નથી. મનોરમાબહેન પર દુષ્કર્મ કરનારા અને તેમની હત્યા કરનારાઓને કોઈ સજા થઈ નથી. અલબત્ત, મણિપુરની માતાઓના શૌર્યપૂર્ણ વિરોધ પ્રદર્શન પછી આખા દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. આર્મીને બેફામ સત્તા આપનારા આફસ્પાનો કાયદો તો આજેય અમલમાં છે, પરંતુ વિરોધ પ્રદર્શન પછી મહિલાઓ પરના અત્યાચારોમાં ચોક્કસ ઘટાડો થયો છે.
આજે મહિલા દિન નિમિત્તે વાચકો માટે એ જાણવું રસપ્રદ રહેશે કે મણિપુરની એ બાર મહિલાઓ પર એક પુસ્તક તાજેતરમાં જ પ્રકાશિત થયું છે, જેનું શીર્ષક છે, ધ મધર્સ ઑફ મણિપુર : ટ્વેલ્થ વિમેન હુ મેઇડ હિસ્ટરી’. ટેરેસા રહેમાન દ્વારા લિખિત આ પુસ્તકમાં એ બાર મહિલાઓની સંઘર્ષકથાને વણી લેવામાં આવી છે.

આપણા દેશની મહિલાઓના સંઘર્ષના દિવસો ક્યારે પૂરા થશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી માર્ચની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

Tuesday, July 26, 2016

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ


કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ ઉઘાડી પાડી હતી


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે. (લેખ 2015માં લખાયો હતો, એ મુજબ વર્ષોની ગણતરી કરવી.)

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો (વર્ષ 2015માં) કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

(‘સંદેશ’ની 26મી જુલાઈ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)