Saturday, January 23, 2016

અગ્નિપુષ્પ : આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના જીવન અને કાર્યનો મૂલ્યવાન દસ્તાવેજ

દિવ્યેશ વ્યાસ

 

‘અગ્નિપુષ્પ’ ચુનીકાકાનાં જીવન અને કાર્યના મૂલ્યવાન દસ્તાવેજ તરીકે તેમજ નમૂનારૂપ સ્મૃતિગ્રંથ તરીકે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે


(આ તસવીર વિપુલભાઈ કલ્યાણીના ઓનલાઇન મેગેઝિન ‘ઓપિનિયન’ http://opinionmagazine.co.uk પરથી મેળવી છે.)

કદાચ હું માધ્યમિક શાળામાં ભણતો હોઈશ ત્યારે મારા પપ્પા (ચંદ્રકાંતભાઈ વ્યાસ) એક પુસ્તિકા લઈ આવ્યા હતા, જે તેમણે વાંચ્યા પછી મને એમ કહીને આપી કે તને રસ પડે તો વાંચજે. ચુનીભાઈ વૈદ્ય દ્વારા લખાયેલી એ પુસ્તિકાનું શીર્ષક હતું ‘સૂરજ સામે ધૂળ’. એ સમયે પુસ્તિકાની વિગતો બહુ યાદ રહી નહોતી, પણ એમાં વાત-મુદ્દાને રજૂ કરવાનો જે જુસ્સો અને કહેવાની જે બાની હતી, તે અનોખી લાગેલી અને એટલે એનો ‘ટેસ્ટ’ દાઢમાં રહી ગયેલો. વર્ષો પછી જ્યારે ચુનીકાકાને રૂબરૂ મળવાનું થયું ત્યારે યાદ રહી ગયેલા એ ‘ટેસ્ટ’ને કારણે તેઓ સહેજ પણ અજાણ્યા નહોતા લાગ્યા! બદલાતા સમયની સાથે પણ તેમના જુસ્સામાં કે બળકટ બાનીમાં (વાત રજૂ કરવાની શૈલીમાં) જરાય પરિવર્તન આવ્યું નહોતું. તેમની સાથે સહજપણે સંધાન ગોઠવાઈ ગયેલું. વ્યક્તિગત વાત જ નીકળી છે ત્યારે બીજી એક વાત પણ કહેવાનો મોહ રોકી શકતો નથી. (સંપાદક અને વાચક માફ કરે.) ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં પારંગત (એમ.એ.)ના અભ્યાસ દરમિયાન મેં લઘુ શોધનિબંધ માટે ‘ભૂમિપુત્ર’ની પસંદગી કરેલી. અધ્યયન અંતર્ગત ‘ભૂમિપુત્ર’ના સંપાદક તરીકે ચુનીકાકાની મુલાકાત લેવાની હતી. તેઓ મને સવારે સાત વાગ્યે બોલાવે અને કલાક દોઢ કલાક વાતો કરે. આ ચર્ચા દરમિયાન ‘ભૂમિપુત્ર’ સિવાયની એમની કામગીરીની પણ ઘણી વાતો થયેલી. પછી તો અનેકવાર તેમને મળવાનું-સાંભળવાનું બનતું રહ્યું. ઘણાં સંભારણાં છે ચુનીકાકા સાથેનાં.... ચુનીકાકા આપણી વચ્ચે રહ્યા નથી, એ વાસ્તવિકતા હવે એક વર્ષ કરતાંય વધુ જૂની થઈ ગઈ છે, પણ તેમનાં સંસ્મરણો અનેકનાં હૃદયમાં જીવંત છે. ચુનીકાકાનાં સંસ્મરણોને અનેક પેઢી સુધી પહોંચાડવા-ઉપલબ્ધ રાખવાનો એક પ્રયાસ થયો છે ‘અગ્નિપુષ્પ’ નામના તેમના સ્મૃતિગ્રંથ દ્વારા.

સૌથી પહેલાં તો ચુનીકાકાના સ્મૃતિગ્રંથનું નામ ‘અગ્નિપુષ્પ’ પસંદ કરવા માટે તેના સંપાદક કેતન રૂપેરા અને પરામર્શક ઇલાબહેન પાઠક અને પ્રકાશ ન. શાહની પસંદગી, સૂઝ અને દૃષ્ટિ માટે અભિનંદન આપવા રહ્યા. ચુનીકાકા માટે ‘આંદોલન પુરુષ’ નામ પણ બંધ બેસે એવું છે, પરંતુ ‘અગ્નિપુષ્પ’ શબ્દમાં ચુનીકાકાનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે સર્જનાત્મક રીતે ચરિતાર્થ થતું જણાય છે. ચુનીકાકા માટે ‘અગ્નિપુષ્પ’ શબ્દ ગોવિંદભાઈ રાવલે પ્રયોજેલો છે, ગોવિંદભાઈની સર્જનાત્મકતાને પણ સલામ!

‘અગ્નિપુષ્પ’ની સામગ્રી પર નજર કરીએ તો પ્રકાશ ન. શાહના પ્રવેશલેખ ‘ગાંધીનું દૂધ પીધેલા’થી શરૂઆત થાય છે અને મેચના પહેલા જ દડાએ છગ્ગો વાગે એવો જોરદાર પ્રારંભ અનુભવાય છે. ચુનીકાકાના યોગદાન તેમજ તેમની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓ ઉપરાંત તેમની નબળાઈ કે નબળી ક્ષણોને પણ નમ્રતા-નાજુકાઈથી રજૂ કરીને તેમના સમગ્ર ચરિત્રને સટીક રીતે રજૂ કર્યું છે.

સ્મૃતિગ્રંથમાં લોકો સામાન્ય રીતે તસવીરોના વિભાગ પર જ પહેલાં નજર દોડાવતા હોય છે, કદાચ એ વાતને ધ્યાનમાં રાખીને જ આ ગ્રંથમાં ચુનીકાકાની તસવીરો શરૂઆતમાં જ મૂકવામાં આવી છે. તસવીરો જોતાં એક વાત ઊડીને આંખે વળગે છે કે એકેય તસવીરમાં ચુનીકાકા ‘કાળા માથાના માનવી’ના રૂપમાં જણાતા નથી! ચુનીકાકા કે ચુનીદાદાની તસવીરો છે, પરંતુ ચુનીભાઈની તસવીરો જોવા મળતી નથી. આવું શા કારણે થયું, એવું વિચારતાં સૂઝે છે કે કાં તો ચુનીકાકાની તસવીરો સચવાઈ નહીં હોય કે પછી સંપાદક સુધી પહોંચી શકી નહીં હોય અને બીજું કારણ એવું જણાય છે કે પ્રસિદ્ધિના મોહથી અલિપ્ત રહેનારા ચુનીકાકાએ યુવા કાર્યકર તરીકે તસવીરો પડાવી જ નહીં હોય કે પછી સાચવી જ નહીં હોય! ખેર, જે કોઈ તસવીરો અહીં મુકાઈ છે, તેમાં ચુનીકાકા મહાનુભાવો કે ઐતિહાસિક ઇમારતો-સ્થળોને બદલે સામાન્ય લોકો સાથે અને આંદોલનના મોરચે ઊભેલા વધારે જોવા મળે છે, જેના પરથી પણ તેમનું વ્યક્તિત્વ પામી શકાય છે.

તસવીરો પછીના ‘જીવન’ વિભાગમાં ચુનીકાકાની જીવનયાત્રા ઉપરાંત મુકુંદભાઈ પંડ્યાએ લખેલી ચુનીકાકાની સંક્ષિપ્ત જીવનકથા ‘ચુનીભાઈ વૈદ્ય : સંઘર્ષ જારી હૈ...’ને સમાવાઈ છે. સ્મૃતિગ્રંથમાં ચુનીકાકા સાથેનાં સંભારણાં વાગોળતો મુખ્ય વિભાગ ‘સુમિરન’માં કુલ ૪૦ લેખોનો સમાવેશ કરાયો છે. સ્મૃતિલેખના લેખકોની યાદીમાં ગોપાલકૃષ્ણ ગાંધી, ચન્દ્રશેખર ધર્માધિકારી, ગિરીશ પટેલ, ઇન્દુકુમાર જાની, ગોવિંદભાઈ રાવલ, જયાબહેન શાહ, મીરા ભટ્ટ, જગદીશ શાહ, સુદર્શન આયંગારથી માંડીને નવી પેઢીના સંજય શ્રીપાદ ભાવે, સાગર રબારી કે જિજ્ઞેશ મેવાણી સુધીના જોવા મળે છે. આ લેખોમાં પણ ભાગ્યે જ કોઈ પ્રસંગ કે વાતોનું પુનરાવર્તન જોવા મળે છે, એ બહુ સારી બાબત છે. લેખોની વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા મળી છે ત્યાં સંપાદકે ચીનુકાકાને અપાયેલી ટૂંકી અંજલિઓનો પણ સૂઝબૂઝથી સુંદર રીતે સમાવેશ કર્યો છે.

કોઈ પણ સ્મૃતિગ્રંથમાં વ્યક્તિવિશેષ અંગેનાં સંભારણાંને સમાવતા લેખો હોય જ, પરંતુ આ સ્મૃતિગ્રંથમાં સ્મરણલેખો ઉપરાંત ચુનીકાકાની કલમે લખાયેલા લેખોને સમાવીને આ ગ્રંથને વિશિષ્ટતા અને મૂલ્ય બક્ષ્યાં છે. ‘મંથન’ નામના વિભાગમાં ‘લોકસ્વરાજ’માંથી પસંદગી કરીને અમુક પૃષ્ઠો મૂક્યાં છે. કર્મશીલ તરીકે વિખ્યાત ચુનીકાકાની કલમ કેવી ધારદાર હતી તેમજ સંપાદક તરીકે સૂઝ કેવી સચોટ હતી, તેની ઝલક તેમના દ્વારા સંપાદિત ‘લોકસ્વરાજ’નાં પૃષ્ઠો પરથી મળે છે. ‘લોકસ્વરાજ’નાં અમુક પૃષ્ઠોને સ્કેન કરીને મુકાયા છે, જેથી ‘લોકસ્વરાજ’ સ્મૃતિ પણ લાંબા સમય સુધી યાદ રહી શકશે. ‘લોકસ્વરાજ’ના લેખો ઉપરાંત તેના ‘વાચકોના પત્રોમાંથી’ વિભાગના કેટલાક નમૂના રૂપ પત્રો પણ રજૂ કરાયા છે. ચુનીકાકાના અનેક લેખોમાંથી પસંદગીના લેખો અહીં સમાવાયા છે, જે ગાંધીજન ચુનીકાકાના વિચારવિશ્વની વ્યાપકતાને પામવા માટે ઉપયોગી બને એવા છે. 

‘ભૂમિપુત્ર’ના સંપાદક તરીકે કટોકટીનો ઉગ્ર વિરોધ, એ ચુનીકાકાના જીવનનું એક ઐતિહાસિક અને સુવર્ણ પૃષ્ઠ છે. ‘મંથન’ વિભાગમાં જ ‘લોકસ્વરાજ’ની સાથે સાથે ‘ભૂમિપુત્ર’નો એક અલગ પેટા વિભાગ રખાયો છે, જેમાં ઐતિહાસિક ‘કટોકટી હઠાવો!’ તંત્રીલેખવાળા ‘ભૂમિપુત્ર’ના પ્રથમ પૃષ્ઠ ઉપરાંત એ સમયગાળાના મહત્ત્વપૂર્ણ પૃષ્ઠોને સ્કેન કરીને મૂકવામાં આવ્યા છે, એ ઉપરાંત હાઇકોર્ટના કેસ અને તે સંબંધિત પુસ્તકની ઝલક પણ અહીં રજૂ કરવામાં આવી છે. ‘મંથન’ નામનો આ વિશિષ્ટ વિભાગ રસપ્રદ અને યાદગાર બન્યો છે, તેના માટે સંપાદકની મહેનત અને સૂઝ દાદ માગી લે એવી છે.

‘અગ્નિપુષ્પ’ના આવરણ પર ચુનીકાકાની સંજયભાઈ વૈદ્યે લીધેલી તસવીર શાનદાર રીતે શોભે છે, પરંતુ શીર્ષક ‘અગ્નિપુષ્પ’ને હજુ વધારે પ્રભાવી શકાયું હતો, એવું પહેલી નજરે લાગે છે. ખેર, પુસ્તકના પાડવામાં આવેલા જુદા જુદા વિભાગો ઉપરાંત કદ, બાંધણી અને પૃષ્ઠસજ્જામાં પાને પાને સૂઝ અને ચીવટના દર્શન થાય છે. ‘અગ્નિપુષ્પ’ ચુનીકાકાનાં જીવન અને કાર્યના મૂલ્યવાન દસ્તાવેજ તરીકે તેમજ નમૂનારૂપ સ્મૃતિગ્રંથ તરીકે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે.

(વિચારપત્ર ‘નિરીક્ષક’ના 16મી જાન્યુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત લેખનો બિનસંપાદિત મુસદ્દો)

Wednesday, January 20, 2016

લેનિનના અમરત્વની લાલસા

દિવ્યેશ વ્યાસ

લેનિન 21મી જાન્યુઆરી, 1924ના રોજ મૃત્યુ પામેલા પણ તેમના મૃતદેહને આજેય સાચવી રખાયો છે. વ્યક્તિપૂજાનું રાજકારણ રહેશે ત્યાં સુધી લેનિનના મૃતદેહનો ઉદ્ધાર નથી!

(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

સત્તાખોર નેતાઓ વ્યક્તિપૂજાનું અફીણ ઘોળતા રહેતા હોય છે. રાજકારણીઓ જ્યારે પોતાનાં કામ થકી જનતાને આકર્ષી શકતા નથી ત્યારે મોટા નેતાના નામ થકી 'ખેલ પાડવા'ના પેંતરા રચે છે અને ત્યાંથી શરૂ થાય છે, પૂતળાં, પાર્ક્સ અને પુરસ્કારોની પળોજણ. ગાંધી, સરદાર, સુભાષ કે પછી ભગતસિંહ, તમામ મહાનાયકો રાજકારણીઓની અડફેટે આવી ગયેલા છે. કાગડા બધે કાળા હોય ન્યાયે આપણા દેશમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં રાજનેતાઓ વ્યક્તિપૂજાનો વ્યૂહ અજમાવતા હોય છે, જેનું સૌથી મોટું ઉદાહરણ રશિયામાં જોવા મળે છે. રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થકી ઝારના શાસનનો અંત આણીને સોવિયત સંઘ (USSR)ની સ્થાપના કરનારા વ્લાદીમીર લેનિનને 'અમરત્વ' બક્ષવાના નામે તેમના મૃતદેહને આજે પણ મોસ્કોમાં રેડસ્ક્વેર ખાતે આવેલા મૉસોલિયમમાં (સમાધિ કે મકબરો) સાચવી રખાયો છે.

મહાનાયક લેનિને કાર્લ માર્ક્સની દિશાદોરી મુજબ રશિયાની ઑક્ટોબર ક્રાંતિ માટે હિંસાનો સહારો લીધો હતો અને લોકશાહી મૂલ્યોને નેવે મૂકીને શાસન ચલાવ્યું હતું, છતાં ઇતિહાસ તેમને દુનિયામાં પહેલી વખત શોષણખોર શાસનને ઉથલાવીને ખેડૂતો અને શ્રમિકોનું શાસન સ્થાપનારા નેતા તરીકે યાદ રાખશે, એમાં શંકા નથી. લેનિનનું નિધન 21મી જાન્યુઆરી, 1924ના રોજ 54 વર્ષની વયે બ્રેન હેમરેજથી થયેલું. લેનિનની ઇચ્છા હતી કે તેમને તેમની માતા અને બહેનની કબરની બાજુમાં દફન કરવામાં આવે તેમજ તેમની અંતિમવિધિ બહુ સાદગીપૂર્વક કરવામાં આવે. પરંતુ, રશિયામાં સર્વસ્વીકૃત બનવા માટે સ્તાલિને લેનિનની વ્યક્તિપૂજાનો આશરો લીધો. લેનિનના મૃતદેહને દફનાવવાને બદલે કાયમી ધોરણે સાચવી રાખવાનો નિર્ણય લીધો. લેનિનનો મૃતદેહ રાષ્ટ્રીય પ્રતીક (નેશનલ આઇકન) ગણાય છે. એક કરોડથી વધુ લોકો લેનિનના મૃતદેહના દર્શન કરી ચૂક્યા છે. લેનિનના નિધનને આવતી કાલે 92 વર્ષ થશે, પણ આજેય લેનિનના મૃતદેહને માટીમાં મળી જવાનું નસીબ થયું નથી.

લેનિનનો મૃતદેહ નવ દાયકા પછી પણ આજેય એટલો તેજસ્વી અને તાજગીસભર દેખાય છે, જેનો શ્રેય રશિયાના વિજ્ઞાનીઓને જાય છે. લેનિનના મૃતદેહને સાચવી રાખવાની પહેલ પછી અનેક સામ્યવાદી દેશોમાં પોતાના નેતાના મૃતદેહને સાચવી રાખવાનું ચલણ શરૂ થયું હતું. ચીને પણ માઓ જેદોંગના મૃતદેહને સાચવી રાખ્યો છે તો ઉ. કોરિયામાં પણ કિમ ઇલ સુંગ અને કિમ જોંગ ઇલના મૃતદેહને સાચવી રખાયા છે. વિયેતનામે પણ લોકલાડીલા નેતા હો ચી મિન્હના મૃતદેહને સાચવી રાખ્યો છે. રશિયામાં લેનિન ઉપરાંત સ્તાલિન, બલ્ગેરિયામાં દિમીત્રોવ, અંગોલાના અગોસ્ટિનો નેટા, ચેકોસ્લોવેકિયાના ક્લેમન્ટ ગોટ્ટવાલ્ડ, ફિલિપાઇન્સના સરમુખત્યાર ફર્ડિનાન્ડો માર્કોસ, આર્જેન્ટિનાના પ્રમુખ જુઆન પેરોનની પ્રથમ પત્ની ઇવા પેરોન વગેરેના મૃતદેહોને પણ સાચવી રખાયાં હતાં, પરંતુ પછી તેમને જુદાં જુદાં કારણો-સંજોગોસર દફનાવી દેવાયા હતા. સોવિયત સંઘના વિઘટન પછી લેનિનના મૉસોલિયમને મળતી સરકારી આર્થિક સહાયમાં મોટો કાપ આવ્યો, પરંતુ ત્યાંના મમીફિકેશનમાં માસ્ટર બની ગયેલા વિજ્ઞાનીઓએ બીજા દેશના મહાનુભાવોના મૃતદેહની સાચવણીની સેવાઓ આપીને આવક ઊભી કરીને પણ લેનિનના મૃતદેહની સાચવી રાખ્યો છે, તે અલગ સ્ટોરી છેે!

સોવિયત સંઘના વિઘટન પછી લેનિનના મૃતદેહને દફનાવી દેવા અંગે ચણભણ શરૂ થઈ છે. લેનિનને દફનાવી દેવાનો મત ધરાવનાર વર્ષોવર્ષ વધતાં જાય છે. જોકે, વ્યક્તિપૂજાનું રાજકારણ રહેશે ત્યાં સુધી લેનિનના મૃતદેહનો ઉદ્ધાર નથી!

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના તા. 20મી જાન્યુઆરી, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટાર)

Monday, January 18, 2016

ડાયરી, સ્મરણનો દરિયો

દિવ્યેશ વ્યાસ


ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. ડાયરી પરમ સાથીની સાથે સાથે પરમ સાક્ષીની ભૂમિકા પણ ભજવી શકે છે.


ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃતિગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણા સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જોકે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા (અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!


(ડાયરી લેખનને સંબંધિત તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. આજે મહાત્મા ગાંધીનાં કાર્યો અને વિચારોનો વારસો અને અધધ દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનો શ્રેય તેમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને જાય છે, જેમણે ગાંધીજીના વિચાર-આચારની દાયકાઓ સુધી વ્યવસ્થિત નોંધ રાખીને 23 ગ્રંથો તૈયાર કર્યા, જે ‘મહાદેવભાઈની ડાયરી’ તરીકે વિશ્વની શ્રેષ્ઠ ડાયરીઓમાં સ્થાન ધરાવે છે. મહાદેવભાઈની દૈનિક નોંધ રાખવાની સુટેવનો વારસો બબલભાઈ મહેતાથી લઈને ચુનીભાઈ વૈદ્ય સુધીના અનેક ગાંધીજનોએ પણ જાળવ્યો હતો. આ ડાયરીઓ એ ગાંધીજનોના જીવનયજ્ઞની જાણકારી ઉપરાંત ગુજરાતના લોકજીવનની 4-D સોનોગ્રાફી જેવી છે!  ગુજરાતના લોકજીવનની આંટીઘુંટીને જાણવા-સમજવા માટે આ ડાયરીઓ બહુ ઉપકારક નીવડી શકે એમ છે. આઝાદી આંદોલન વખતે જેલવાસ દરમિયાન અનેક નેતાઓએ ડાયરીઓ લખી હતી. ભગતસિંહની જેલ ડાયરી તો રાષ્ટ્રપ્રેમનો અમર દસ્તાવેજ ગણાય છે.
ડાયરીની વાત નીકળતાં એન ફ્રેન્કની વિશ્વપ્રસિદ્ધ ડાયરી તરત જ યાદ આવી જાય. અન્ય જાણીતી ડાયરીઓની વાત કરીએ તો વિશ્વપ્રસિદ્ધ લેખિકા વર્જીનિયા વુલ્ફની ડાયરીઓ પણ પ્રખ્યાત છે તો ‘એલીસ ઇન વંડરલેન્ડ’ના લેખક લેવિસ કેરોલની ડાયરી પણ ચર્ચિત છે. અમેરિકાના મોટા ભાગના રાષ્ટ્રપ્રમુખો ડાયરી લખવાની ટેવ ધરાવતા હતા, પણ એમાં હેરી એસ. ટ્રુમેનની ડાયરી યુનિક ગણાય છે. વિશ્વયુદ્ધો દરમિયાન સૈનિકો-અફસરો દ્વારા લખાયેલી ડાયરીનાં પાનાંઓએ પણ અનેક અજાણી ઐતિહાસિક ઘટનાઓને અમર બનાવી છે.
દરેકને ડાયરી લખવાનો આગ્રહ કરનારા ગાંધીજી ડાયરીને જીવનસુધારક ગણતા હતા. તેમણે લખ્યું છે, “રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરત નહિ તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને બચાવી લેશે. કેમકે, તે આપણા દોષની સાક્ષીરૂપ રહેશે. તેમાં કરેલા દોષોની નોંધ આવવી જ જોઈએ. તેની ઉપર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર જ હોય. આજે ‘બ’ ઉપર ક્રોધ આવ્યો, આજે ‘ક’ને છેતર્યો આટલો ઉલ્લેખ બસ છે. આ બહુ ખોટું થયું, રે મન હવે એમ ન કરવું વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાના સ્તુતિનાં વચન લખવાનાં હોય જ નહિ. કરેલાં કામોની ને કરેલા દોષની નોંધ હોય એ બસ છે. બીજાના દોષની નોંધ રોજનીશીમાં હોવી ન ઘટે.” અલબત્ત, તમે ડાયરીમાં ઇચ્છો તે લખવા સ્વતંત્ર છો, શરત એટલી કે ડાયરી લખવી જોઈએ.
ડાયરી એટલે રોજેરોજ ભરાતો જતો સ્મરણનો દરિયો. પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે, પણ સામાન્ય માનવીથી લઈને સાહિત્યકાર, પત્રકાર, પ્રવાસી, સંશોધક, વિજ્ઞાની, અધિકારી, મેનેજર, ઉદ્યોગપતિ, સમાજસેવક કે રાજનેતા માટે ડાયરી પરમ સાથી તેમજ પરમ સાક્ષીની ભૂમિકા ભજવી શકે છે. નવા વર્ષને વધાવવાની સાથે રોજેરોજનાં સ્મરણોને એક ડાયરીમાં ટપકાવી લેવાનું સ્વૈચ્છિક વ્રત લેવા જેવું ખરું!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 30મી ડિસેમ્બર, 2015ના રોજ પ્રકાશિત મારી ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, January 14, 2016

મકરસંક્રાંતિના બદલાતા મિજાજ: પતંગ સે આગે મૌજા હી મૌજા ઔર ભી હૈ!

સમયની સાથે તહેવારોના રંગ-ઢંગ સહજપણે બદલાતા જતા હોય છે. જમાનાની સાથે સાથે તેના જલસામાં કંઈક ને કંઈક નવું ઉમેરાતું હોય છે. પતંગના આ પૌરાણિક પર્વની ઉજવણીમાં અનેક આધુનિક જલસા જોડાઈ ચૂક્યા છે.


લોકઉત્સવની મજા એ છે કે બદલાતા સમયની સાથે તેના રંગ-ઢંગમાં સહજપણે પરિવર્તન આવતું જાય છે. લોકપર્વને સાંપ્રત રાખવા માટે કોઈએ કશી જહેમત લેવી પડતી નથી. જમાના સાથે તેની ઉજવણીમાં નવા નવા જલસા ઉમેરાતા હોય છે. મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે, જેમાં પતંગની બોલબાલા રહી છે, છતાં હવે તેમાં અનેક આધુનિક મસ્તીઓનું ઉમેરણ થયું છે.

  (તસવીર ગૂગલ પરથી શોધીને ગમી તે મૂકી છે.)

મકરસંક્રાંતિ એક ધાર્મિક પર્વ છે, પણ પતંગની દોરથી દરેક નવી પેઢી તેની સાથે બંધાતી જાય છે. પેઢી દર પેઢીએ આ પર્વમાં નવાં નવાં છોગાં ઉમેરાતાં જાય છે અને પરિણામે આ પૌરાણિક તહેવાર આજે આધુનિક જમાનામાં પણ સૌનો ફેવરિટ બની રહ્યો છે. પતંગોત્સવના આ પર્વમાં હવે પતંગ ઉપરાંતની અનેક મજાઓ-મસ્તીઓ ભળી છે, જેથી આ તહેવારની આતુરતાથી રાહ જોવાતી હોય છે.
મકરસંક્રાંતિ દાન-પુણ્યના તહેવાર તરીકે ખ્યાત છે, પણ તેની ઉજવણીના કેન્દ્રસ્થાને રહે છે - પતંગ. જૂના સમયમાં ધાબા-ટેરેસ તો હતાં નહીં ત્યારે યુવાનો પોતાના ખેતર-વાડીએ પતંગ ઉડાડતા અને પતંગને ઊંચે ઊંચે ચગાવવાનો લુત્ફ ઉઠાવતા હતા. આજે શહેર હોય કે ગામડું, પતંગ ઉડાડવા માટે ધાબા-ટેરેસની કોઈ કમી નથી ત્યારે પતંગરસિયાઓને જલસો પડી જાય છે. અલબત્ત, હવે પતંગ બહુ ઊંચે ઊડતા નથી, કારણ કે સૌ એકબીજાના પતંગ કાપીને શૌર્યરસના ઘૂંટડા ઉતારવા લાગ્યા છે.
મકરસંક્રાંતિના મિજાજમાં હવે અનેક પરિવર્તન આવ્યાં છે. પતંગોત્સવમાં મુખ્ય આકર્ષણ પતંગ જ રહ્યો હોવા છતાં લોકો પતંગની સાથે સાથે સંગીત અને નાચનો પણ ભરપૂર લાભ ઉઠાવતા હોય છે. છેલ્લા દાયકામાં શહેરી વિસ્તારોમાં એફએમ રેડિયો પણ સાથી બન્યો છે. કેટલાક લોકો ટેરેસ પર ડીજેને પણ હાયર કરવા માંડ્યા છે. પતંગના ઠુમકા લગાવતાની સાથે સાથે ડીજેના તાલે પોતે પણ ઠુમકા લગાવી લેતા હોય છે.
પતંગોત્સવ હવે તો સાંજ ઢળ્યા પછી પણ ચાલુ રહેતો હોય છે. રાતનો અંધકાર પણ ઉજવણીમાં સામેલ થઈ જતો હોય છે અને તુક્કલના પ્રતાપે આકાશ ઝળહળી ઊઠતું હોય છે. હવે તો ઉત્તરાયણની રાત્રે ફટાકડા ફોડવાનો લુત્ફ પણ ઉઠાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે ત્યારે આ પર્વ હવે ખરા અર્થમાં ધમાકેદાર પણ બન્યું છે. 
મકરસંક્રાંતિ પર દિવસે તો ઠીક રાત્રે પણ ટેરેસ ધમધમતું હોય છે, કારણ કે યુવાનો રાત્રે ધાબા પર ડીજેના તાલે ઝૂમતાં ઝૂમતાં ડાન્સ પાર્ટી યોજવા માંડ્યા છે. પતંગની સાથે સાથે મ્યુઝિક અને ડાન્સ મસ્તીના તડકાને કારણે આખો તહેવાર મજેદાર બની ગયો છે.
સાદા પતંગને બદલે ડિઝાઇનર પતંગો આવી ગયા છે. લોકો હવે જાતભાતની ટોપીઓ અને ગોગલ્સ પહેરવા માંડ્યા છે. મ્યુઝિકની રમઝટની વચ્ચે વચ્ચે જાતભાતનાં પીપૂડાં પણ વાગ્યા કરતાં હોય છે. ઉત્તરાયણ સ્પેશિયલ કેપ-ગોગલ્સની સાથે સાથે માર્કેટમાં હવે માસ્ક પણ મળવા લાગ્યા છે, જે પહેરીને લોકો તહેવારની મસ્તીમાં ઉમેરો કરતા હોય છે.
મજા સબ કે સાથ આતા હૈ, એ ન્યાયે હવે ખાસ કરીને શહેરોની સોસાયટીઓમાં સામૂહિક ઉજવણીનો ટ્રેન્ડ શરૂ થયો છે. બંને સમયની ભોજનની વ્યવસ્થા સામૂહિક રીતે જ કરી દેવામાં આવે છે, જેથી મહિલાઓ સાવ ફ્રી રહે છે અને ફુલ્લી એન્જોય કરી શકે છે.
તહેવારના રંગરૂપ બદલાતા રહે છે, પણ તેની રિફ્રેશિંગ વેલ્યૂ કાયમ છે. જય હો પતંગા!
(‘દિવ્ય ભાસ્કર’ની 14મી જાન્યુઆરી, 2016ના રોજ પ્રકાશિત ઉત્તરાયણ સ્પેશિયલ પૂર્તિ માટે લખેલો લેખ)

Wednesday, January 13, 2016

બિહામણી 'બચા બાજી'

યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં વકરી રહેલી 'બચા બાજી' અનેક કુમળી વયના કિશોરોની જિંદગીને નર્કાગારમાં ફેરવી રહી છે, એની ચિંતા કોણ કરશે?


(બચા બાજીની તસવીરો ગૂગલ પરથી શોધેલી છે.)
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાય 'અર્જુન વિષાદ યોગ'માં યુદ્ધ લડવાનો ઇનકાર કરી રહેલો અર્જુન યુદ્ધનાં વિનાશક પરિણામો ગણાવીને હથિયાર હેઠાં મૂકવાના પોતાના નિર્ણયને વાજબી ઠેરવવા કોશિશ કરે છે. અર્જુનનો વિષાદ તેની મોહમાયામાંથી જન્મ્યો હોવાની ચર્ચાઓ થતી હોય છે. જોકે, અર્જુનની દલીલોમાં દમ નહોતો, એવું તો કહી શકાય. અર્જુને જે કલ્પેલું એવું પરિણામ આવ્યું હતું, વાસ્તવિકતાની અવગણના થઈ શકે. અલબત્ત, કુરુક્ષેત્ર કેટલું જરૂરી હતું અને કેટલું નહીં, એની ચર્ચા છોડીએ તોપણ યુદ્ધનાં પરિણામો કેટલાં ભયંકર આવે છે, વિચારવાનું છોડવા જેવું નથી. અર્જુને યુદ્ધ લડવાનો વિરોધ કરતાં કહેલું કે યુદ્ધને કારણે કુરુ વંશના કેટલાય યોદ્ધાઓ હણાશે અને તેમની પત્નીઓ વિધવા બનશે. વિધવા સ્ત્રીની શું હાલત થશે એની ચિંતાઓ પણ અર્જુને કરી હતી. યુદ્ધનો વિરોધ કરનારા એક વાત હંમેશાં કહે છે કે યુદ્ધમાં સ્ત્રીઓએ સૌથી વધુ સહન કરવું પડે છે. થોડા સમય પહેલાં જાપાને દ. કોરિયા સાથે કરાર કરીને બીજા વિશ્વયુદ્ધમાં જાપાની સૈનિકો દ્વારા કોરિયન સ્ત્રીઓ પર ગુજારાયેલા અત્યાચારો માટે માફી માગી અને સેક્સ સ્લેવરીનો ભોગ બનેલી મહિલાઓના પુનર્વસન માટે કરોડો રૂપિયા વળતર પેટે ચૂકવ્યા છે. જોકે, યુદ્ધને કારણે સ્ત્રીઓ ઉપરાંત બાળકોની સ્થિતિ પણ કફોડી બનતી હોય છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાંથી જે સમાચારો મળી રહ્યા છે, તે હચમચાવી નાંખે એવા છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓની કેટલી દુષ્કર હાલત છે, તે તો આપણે જાણીએ છીએ, પરંતુ અફઘાનના અનાથ-લાચાર કિશોરોનું કેવું શોષણ થઈ રહ્યું છે, તે જાણશો તો તમારો આત્મા પણ જરૂર કકળી ઊઠશે. 


યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી 'બચા બાજી'ની વિકૃતિએ માઝા મૂકી છે. ઘણાં વાચકો માટે 'બચા બાજી' શબ્દ નવો હશે. તેમના જ્ઞાનાર્થે એટલું કહેવાનું કે પ્રથા આમ તો સદીઓથી ચાલી આવે છે, પરંતુ ધીમે ધીમે તેમાં વિકૃતિઓ ભળી છે. 'બચા બાજી' એટલે 10થી 15 વર્ષના (જેને હજુ મૂછનો દોરો ફૂટ્યો હોય એવા) કિશોરો પાસે નૃત્ય કરાવીને કરાતું મનોરંજન. અફઘાનમાં મહિલાઓ જાહેરમાં નાચી શકતી નથી ત્યારે પ્રસંગો-પાર્ટીઓમાં કિશોરો સ્ત્રીઓનાં વસ્ત્રો પહેરીને, સુંદરી જેવાં શણગાર સજીને નાચે છે અને સૌનું મનોરંજન કરે છે. જોકે, કેટલાક વિકૃત લોકો આવા નાચનારા કિશોરોનું શારીરિક શોષણ કરે છે. તાલિબાનના રાજમાં બચા બાજી પર કડક પ્રતિબંધ હતો, પરંતુ તાલિબાનના પતન અને ત્યાર પછી સર્જાયેલી અવ્યવસ્થા-અંધાધૂંધીના માહોલમાં બચા બાજીએ બિહામણી હદે માઝા મૂકી છે. યુદ્ધમાં અનાથ થયેલાં બાળકો તેમજ બે ટંકના ભોજન માટે મજબૂર એવા કિશોરોનું બળજબરીથી શોષણ થઈ રહ્યું છે. બચાઓનું જાહેરમાં ખરીદ-વેચાણ થાય છે. હજારો કિશોરોની જિંદગી નર્કાગારમાં ફેરવાઈ રહી છે અને કમનસીબે મુદ્દે ભાગ્યે ચિંતા-ચર્ચા જોવા મળે છે.
અમેરિકાના સૈનિકો પણ અફઘાનમાં છે. સૈનિકોને ત્યાં શાંતિ જાળવવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે રખાયા છે, પરંતુ શરમજનક વાત છે કે સૈનિકો દ્વારા પણ કિશોરોનું 'બચા બાજી'ના નામે શોષણ કરવામાં આવી રહ્યું છે. કિશોરોની જિંદગી બરબાદ કરનારા બદમાશો અને યુદ્ધખોર અમેરિકા ક્યારે માફી માગશે?
(13 જાન્યુઆરી, 2016ના રોજ કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

Wednesday, January 6, 2016

ચાર આઝાદીના અમેરિકી ઓરતા

દિવ્યેશ વ્યાસ

 

અમેરિકી પ્રમુખ ફ્રેકલીન ડી. રૂઝવેલ્ટે 1941ની 6ઠ્ઠી જાન્યુઆરીએ આપેલું વક્તવ્ય આજના સંદર્ભમાં વાગોળવા અને મૂલવવા જેવું છે


(ગૂગલ પરથી મેળવેલી તસવીર)

દુનિયાભરના લોકો માટે અમેરિકા ‘ડ્રીમ લેન્ડ’ ગણાય છે. લોકોમાં અમેરિકાનું અમોધ આકર્ષણ હોય છે. અમેરિકાનો વિઝા લોકોને આંતરરાષ્ટ્રીય સન્માનનથી કમ લાગતો નથી. અમેરિકા પ્રત્યેના આવા અહોભાવ પાછળ કેટલાંક નક્કર કારણો રહેલાં છે. અમેરિકા એક એવો દેશ છે, જે ખરા અર્થમાં લોકશાહી રાષ્ટ્ર છે. અમેરિકા સો ટચનાં લોકશાહી મૂલ્યો ધરાવે છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અમેરિકાના જનસમાજમાં વ્યાપ્ત લોકશાહી મૂલ્યો કંઈ રાતોરાત આવી ગયા નથી. પેઢી દર પેઢીના પરિપકવ નેતા અને લોકોના સહિયારા પ્રયાસોને કારણે આ શક્ય બન્યું છે. વળી, જ્યોર્જ વૉશિંગ્ટનથી માંડીને બરાક ઓબામા જેવા રાષ્ટ્રનેતાઓની વ્યાપક વિશ્વદૃષ્ટિ અને લોકશાહી મૂલ્યોમાં ભારોભાર શ્રદ્ધાને કારણે પણ આ પ્રક્રિયા સરળ-સહજ ગતિ પ્રાપ્ત કરી શકી છે. હા, વચ્ચે વચ્ચે અમેરિકાને એવું પણ નેતૃત્વ મળ્યું, જેની યુદ્ધખોરી કે જગતજમાદારી વૃત્તિ વખોડવાલાયક હતી, છતાં અમેરિકાના લોકતાંત્રિક માળખાને ભાગ્યે જ કોઈએ નુકસાન પહોંચાડ્યું છે. અમેરિકી પ્રજા ‘ટ્રમ્પ કાર્ડ’ વાપરશે પછી શું થશે, ભગવાન જાણે!
જોકે, અમેરિકાની અને ત્યાંની લોકશાહીની આટલી ચર્ચા કરવાનું કારણ એ છે કે ઈ.સ. 1941માં બરાબર આજની તારીખ એટલે કે 6ઠ્ઠી જાન્યુઆરીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલીન ડી. રૂઝવેલ્ટે અમેરિકન કૉંગ્રેસમાં એક લાંબું વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય ‘ફોર ફ્રીડમ્સ’ તરીકે જાણીતું બન્યું છે. રાષ્ટ્રપ્રમુખ રૂઝવેલ્ટે આ વક્તવ્ય બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આપ્યું હતું. અલબત્ત, રૂઝવેલ્ટે આ વક્તવ્ય આપ્યું ત્યાં સુધી અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાં જોડાયું નહોતું. અમેરિકાએ જાપાન પર હુમલા શરૂ કર્યા તેના લગભગ 11 મહિના પહેલાં અપાયેલું આ વક્તવ્ય ઐતિહાસિક ગણાય છે, કારણ કે તેમાં ચાર પ્રકારની આઝાદીની વાત થઈ હતી. રૂઝવેલ્ટે આ આઝાદી માત્ર અમેરિકી જનતાને જ આપવાની નહિ, પરંતુ સમગ્ર વિશ્વના લોકો સુધી પહોંચાડવાની વાત કરી હતી. ચાર આઝાદીનો વિચાર ખૂબ જ ઉમદા હતો, પ્રસ્તુત હતો, છતાં પણ વિશ્વયુદ્ધના માહોલમાં રૂઝવેલ્ટે જે પ્રકારની રજૂઆત કરેલી, તેની અમેરિકામાં પણ બહુ ટીકા થઈ હતી. ઘણાએ તો રૂઝવેલ્ટ આવી વાતો કરીને અમેરિકનોને યુદ્ધ માટે માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે તેમજ વિશ્વયુદ્ધમાં ઝંપલાવવા જનમત ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, એવા આક્ષેપો પણ કરેલા.
રૂઝવેલ્ટે ચાર આઝાદીની વાત ક્યા ઉદ્દેશથી કરેલી એની ચર્ચાને બાજુએ રાખીએ તો એમનો મુદ્દો તે સમયે પણ વાજબી હતો અને આજે પણ પ્રસ્તુત છે. રૂઝવેલ્ટની ચાર આઝાદી જોઈએ : એક, ફ્રીડમ ઑફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. અભિવ્યક્તિની આઝાદી.  ચીન ઉપરાંત અમુક ઇસ્લામિક કે આફ્રિકન દેશોની તો ચર્ચા જ ન કરી શકાય, પણ ભારતમાં જેવા દેશોમાં પણ પ્રતિબંધ અને સેન્સરની માનસિકતા વચ્ચે અભિવ્યક્તિની આઝાદી માટે ચિંતાજનક સ્થિતિ છે. બે, ફ્રીડમ ઑફ વર્સીપ. દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબ ઇચ્છે તે ભગવાનની પૂજા કરી શકે, ટૂંકમાં, ધાર્મિક આઝાદી. ત્રણ, ફ્રીડમ ફ્રોમ વોન્ટ. વોન્ટનો અર્થ ડિમાન્ડ નહીં પણ અભાવના અર્થમાં કરવાનો છે. આર્થિક અસમાનતાના માહોલમાં દરેક વ્યક્તિના હાથમાં રોટી અને કામ હોય, એવો આશય છે. ચાર, ફ્રીડમ ફ્રોમ – ફીઅર. ડરમાંથી મુક્તિ. આજે જાતભાતના ડરને કારણે વ્યક્તિ અને દેશ ડરી રહ્યા છે. ખાસ કરીને શસ્ત્રોના ખડકલાથી પાડોશી કે દુશ્મન દેશને ડરાવવાની-દાબમાં રાખવાની હોડ ચાલી છે. રૂઝવેલ્ટે નિ:શસ્ત્રીકરણ થકી પાડોશી-દુશ્મન દેશોના ડરને દૂર કરવાના ઉદ્દેશથી આ વાત કરેલી.
રૂઝવેલ્ટની વાતો આજેય પ્રસ્તુત છે અને એટલે જ ચાર આઝાદીના તેમના ઓરતાને આજે સંભારવા-વાગોળવા જોઈએ.
(6 જાન્યુઆરી, 2016ના રોજ દિવ્ય ભાસ્કરની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ) 

Friday, January 1, 2016

નવા વર્ષે.... આળસને ત્યાગીએ, અક્ષરને પામીએ

એમ.ફિલ.ના અભ્યાસ દરમિયાન મેં બ્લોગના માધ્યમ અંગે શોધનિબંધ લખ્યો હતો, પરંતુ મારો કોઈ બ્લોગ નહોતો. ઘણા મિત્રો આ બાબતે મારી મજાક પણ ઉડાવતા અને તેમાં સત્ય અને તથ્ય હોવાથી હું પણ તેમના જેટલું જ અને ક્યારેક તેમનાથી પણ વધારે હસી લેતો. ‘સંદેશ’ના કાર્યકાળ દરમિયાન સ્મિથ સોલેસ નામનો મિત્ર અને સહકર્મચારી ઘણી વાર બ્લોગ બનાવવા માટે આગ્રહ કરતો અને પોતે બ્લોગ તૈયાર કરી આપશે, એવી ઢાંઢસ પણ બંધાવતો. પણ દર વખતે આળસ નામના મારી અંદરના દુશ્મને બ્લોગથી દૂર રાખ્યો. સ્મિથે બ્લોગ બનાવી આપ્યો. મારી કૉલમના નામે જ તેણે એકથી વધુ બ્લોગ તૈયાર કરી આપ્યા પણ એમાં કૉલમ અપલોડ કરવાનું પણ મારાથી બનતું નહોતું.

(તસવીર ગૂગલ પરથી જે ગમી તે મૂકી છે.)

આજે વર્ષ 2016માં પ્રવેશી રહ્યો છું ત્યારે થયું કે આળસને ગોળી મારવી રહી. બ્લોગમાં વિશેષ કંઈ લખાય કે ન લખાય, પણ એટલિસ્ટ કૉલમ તો નિયમિત અપલોડ કરવી જ છે.
આશા છે આપ સૌને મારી આ નવી શરૂઆત ગમશે અને આ બ્લોગ પર નિયમિત મળતા રહીશું. 2016માં આપણે સૌ આળસ પર વિજય મેળવીએ, એવી શુભકામનાઓ....