Monday, January 18, 2016

ડાયરી, સ્મરણનો દરિયો

દિવ્યેશ વ્યાસ


ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. ડાયરી પરમ સાથીની સાથે સાથે પરમ સાક્ષીની ભૂમિકા પણ ભજવી શકે છે.


ગાંધીવાદી આંદોલનપુરુષ ચુનીભાઈ વૈદ્યના તાજેતરમાં પ્રકાશિત થયેલા સ્મૃતિગ્રંથ ‘અગ્નિપુષ્પ’નાં પાનાં ઊથલાવતાં ઊથલાવતાં તેના તસવીર વિભાગમાં જોયું તો એક પાના પર ચુનીકાકાની બે લાક્ષણિક તસવીરો સાથે એક વાક્ય વાંચવા મળ્યું, ‘કાયમના સંગાથી રોજનીશી અને ચા’. ઈસુના નવા વર્ષમાં આપણે સૌ પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે થયું કે ચાલો આજે થોડી રમઝટ રોજનીશી પર થઈ જાય! રોજનીશી માટે ગુજરાતીમાં ઘણા સુંદર શબ્દો છે, દૈનંદિની, વાસરી કે વાસરિકા, નિત્યનોંધપોથી, સ્મરણપોથી, એક ક્યૂટ શબ્દ છે – દિનકી. જોકે, આપણામાંના મોટા ભાગનાને પારકી ભાષા (અંગ્રેજી)નો ‘ડાયરી’ શબ્દ થોડો વધારે જાણીતો ને પોતીકો (નિયર એન્ડ ડિયર) લાગી શકે!


(ડાયરી લેખનને સંબંધિત તસવીર ગૂગલ પરથી મેળવી છે.)
ડાયરીની સામગ્રી વ્યક્તિની જીવનકથા ઉપરાંત ક્યારેક ઇતિહાસ તો ક્યારેક સાહિત્યનો કાચો માલ પૂરો પાડતી હોય છે. આજે મહાત્મા ગાંધીનાં કાર્યો અને વિચારોનો વારસો અને અધધ દસ્તાવેજો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનો શ્રેય તેમના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈને જાય છે, જેમણે ગાંધીજીના વિચાર-આચારની દાયકાઓ સુધી વ્યવસ્થિત નોંધ રાખીને 23 ગ્રંથો તૈયાર કર્યા, જે ‘મહાદેવભાઈની ડાયરી’ તરીકે વિશ્વની શ્રેષ્ઠ ડાયરીઓમાં સ્થાન ધરાવે છે. મહાદેવભાઈની દૈનિક નોંધ રાખવાની સુટેવનો વારસો બબલભાઈ મહેતાથી લઈને ચુનીભાઈ વૈદ્ય સુધીના અનેક ગાંધીજનોએ પણ જાળવ્યો હતો. આ ડાયરીઓ એ ગાંધીજનોના જીવનયજ્ઞની જાણકારી ઉપરાંત ગુજરાતના લોકજીવનની 4-D સોનોગ્રાફી જેવી છે!  ગુજરાતના લોકજીવનની આંટીઘુંટીને જાણવા-સમજવા માટે આ ડાયરીઓ બહુ ઉપકારક નીવડી શકે એમ છે. આઝાદી આંદોલન વખતે જેલવાસ દરમિયાન અનેક નેતાઓએ ડાયરીઓ લખી હતી. ભગતસિંહની જેલ ડાયરી તો રાષ્ટ્રપ્રેમનો અમર દસ્તાવેજ ગણાય છે.
ડાયરીની વાત નીકળતાં એન ફ્રેન્કની વિશ્વપ્રસિદ્ધ ડાયરી તરત જ યાદ આવી જાય. અન્ય જાણીતી ડાયરીઓની વાત કરીએ તો વિશ્વપ્રસિદ્ધ લેખિકા વર્જીનિયા વુલ્ફની ડાયરીઓ પણ પ્રખ્યાત છે તો ‘એલીસ ઇન વંડરલેન્ડ’ના લેખક લેવિસ કેરોલની ડાયરી પણ ચર્ચિત છે. અમેરિકાના મોટા ભાગના રાષ્ટ્રપ્રમુખો ડાયરી લખવાની ટેવ ધરાવતા હતા, પણ એમાં હેરી એસ. ટ્રુમેનની ડાયરી યુનિક ગણાય છે. વિશ્વયુદ્ધો દરમિયાન સૈનિકો-અફસરો દ્વારા લખાયેલી ડાયરીનાં પાનાંઓએ પણ અનેક અજાણી ઐતિહાસિક ઘટનાઓને અમર બનાવી છે.
દરેકને ડાયરી લખવાનો આગ્રહ કરનારા ગાંધીજી ડાયરીને જીવનસુધારક ગણતા હતા. તેમણે લખ્યું છે, “રોજનીશી લખવાનો નિયમ કર્યા પછી કદી ન છોડવી. એનો લાભ તુરત નહિ તો પાછળથી જણાશે જ. રોજનીશી રાખવાની ટેવ જ ઘણા દોષોમાંથી આપણને બચાવી લેશે. કેમકે, તે આપણા દોષની સાક્ષીરૂપ રહેશે. તેમાં કરેલા દોષોની નોંધ આવવી જ જોઈએ. તેની ઉપર ટીકા કરવાની કશી આવશ્યકતા ન હોય. ટીકા અધ્યાહાર જ હોય. આજે ‘બ’ ઉપર ક્રોધ આવ્યો, આજે ‘ક’ને છેતર્યો આટલો ઉલ્લેખ બસ છે. આ બહુ ખોટું થયું, રે મન હવે એમ ન કરવું વગેરે લખવાની કશી આવશ્યકતા નથી. પોતાના સ્તુતિનાં વચન લખવાનાં હોય જ નહિ. કરેલાં કામોની ને કરેલા દોષની નોંધ હોય એ બસ છે. બીજાના દોષની નોંધ રોજનીશીમાં હોવી ન ઘટે.” અલબત્ત, તમે ડાયરીમાં ઇચ્છો તે લખવા સ્વતંત્ર છો, શરત એટલી કે ડાયરી લખવી જોઈએ.
ડાયરી એટલે રોજેરોજ ભરાતો જતો સ્મરણનો દરિયો. પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે, પણ સામાન્ય માનવીથી લઈને સાહિત્યકાર, પત્રકાર, પ્રવાસી, સંશોધક, વિજ્ઞાની, અધિકારી, મેનેજર, ઉદ્યોગપતિ, સમાજસેવક કે રાજનેતા માટે ડાયરી પરમ સાથી તેમજ પરમ સાક્ષીની ભૂમિકા ભજવી શકે છે. નવા વર્ષને વધાવવાની સાથે રોજેરોજનાં સ્મરણોને એક ડાયરીમાં ટપકાવી લેવાનું સ્વૈચ્છિક વ્રત લેવા જેવું ખરું!
(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિમાં 30મી ડિસેમ્બર, 2015ના રોજ પ્રકાશિત મારી ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment