Wednesday, July 6, 2016

વાળમાં શું રાખ્યું છે!

દિવ્યેશ વ્યાસ


પોતાના તમામ વાળ ગુમાવી ચૂકેલી અંકિતાનું ઉદાહરણ આપણી સંકુચિત સૌંદર્યદૃષ્ટિને સુધારી શકશે?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ઘાટીલો ચહેરો, ગોરો વાન, લાંબા કાળા વાળ અને સુંદર આંખો...’ સ્ત્રીના સૌંદર્ય માટેનું આ ચોકઠું આપણા દિલોદિમાગમાં સજ્જડ રીતે અંકિત થયેલું છે. આપણાં કાવ્યો અને વાર્તાઓમાં પણ સ્ત્રીઓનું વર્ણન આ ચોકઠાની આજુબાજુ જ ગરબે ઘૂમતું હોય છે. આપણી ફિલ્મો અને નાટકોની હિરોઇનો પણ આ ચોકઠા મુજબ જ પસંદ કરાતી હોય છે કે વ્યક્ત કરાતી હોય છે. આ ચોક્કસ ચોકઠાને કારણે આપણી સૌંદર્યદૃષ્ટિ એટલી તો સંકુચિત થઈ ગઈ છે કે આ લક્ષણોમાં સહેજ પણ ફેરફાર હોય તો આપણે તેને પસંદ તો નથી જ કરતા, એને સ્વીકારી કે પચાવી પણ નથી શકતા. આ સંકુચિત સૌંદર્યદૃષ્ટિનો ભોગ સ્ત્રીઓ જ બનતી હોય છે.
સૌંદર્યના ચોક્કસ માપદંડોમાં ફિટ ન બેસતી યુવતીઓની ક્યાંક હસી-મજાક ઊડે છે તો ક્યાંક ઘોર અવગણના કરવામાં આવતી હોય છે. સૌંદર્યની સંકુચિત સમજને કારણે ભોગ બનતી યુવતીઓ-સ્ત્રીઓમાં લઘુતાગ્રંથિ પેદા થતી હોય છે. અનેક યુવતીઓ તો  ડિપ્રેશનનો ભોગ પણ બનતી હોય છે.
 

આપણી સંકુચિત સૌંદર્યદૃષ્ટિનો ‘લાભ’ સૌંદર્યપ્રસાધનના ઉત્પાદકોએ ઉઠાવ્યો છે. બજારમાં ગોરા બનાવતી જાતજાતની ક્રીમ અને લાંબા-ઘાટા-કાળા વાળની ખાતરી બંધાવતાં તેલ-શેમ્પૂની ભરમાર જોવા મળે છે.
સૌંદર્ય ક્ષેત્રે ખરી ક્રાંતિ તો ત્યારે થયેલી ગણાશે, જ્યારે કાળા વાળ કે ગોરા વાન જેવા ઉપરછલ્લા માપદંડોને ફગાવી દેવામાં આવશે. આવી ક્રાંતિની એક ચિનગારી મુંબઈ શહેરમાં પ્રગટી ચૂકી છે. આ ચિનગારીનું નામ છે - અંકિતા વાડેકર. માથામાં સમ ખાવા પૂરતોય એક પણ વાળ ન ધરાવતી અંકિતાએ અનેક વર્ષોની માનસિક યાતના પછી હવે સફાચટ માથાને સંતાડ્યા વિના ઉન્નત મસ્તક સાથે બધે હરવાફરવા લાગી છે.
 

ગયા માર્ચ મહિનામાં અંકિતાએ સોશિયલ મીડિયા પર પોતાની વીતકકથા જણાવી હતી. તેની એ પોસ્ટ માત્ર 24 કલાકમાં 18 હજાર લોકોએ શેર કરી હતી. અંકિતાએ જણાવ્યું હતું કે તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના વાળ મોટા પાયે ખરવા લાગ્યા હતા. અનેક પ્રયાસો અને દવાઓ છતાં વાળ ખરતા ગયા અને તેનું માથું સફાચટ થઈ ગયું. એલોપેસિયા અરીટા નામની ઓટોઇમ્યુન બીમારીનું નિદાન થયું. તેણે વાળ પાછા લાવવા સ્ટીરોઇડ પણ લીધું, જેના કારણે થોડા સમય માટે વાળ આવ્યા પણ તે લાંબું ટક્યા નહીં. આખરે તેણે વિગનો સહારો લીધો. જોકે, એક દિવસ મુંબઈની લોકલ ટ્રેનની ધક્કામુક્કીમાં અચાનક તેની વિગ ખેંચાઈને નીકળી ગઈ ત્યારે લોકોની પ્રતિક્રિયાએ અંકિતાને મોટો આઘાત આપ્યો. જોકે, એ આઘાતે જ અંકિતામાં એવો અભિગમ પેદા કર્યો કે બસ હવે બહુ થયું. હવે હું આ રીતે મારા કોરાકટ માથાને છુપાવી છુપાવીને જીવવાની નથી. તેણે ખુલ્લા માથે જ ઑફિસ જવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે સામાન્ય જીવન જીવવા માંડી. 

અંકિતાને લાગુ પડેલો એલોપેસિયા અરીટા રોગ દુનિયામાં 14 કરોડ 70 લાખ લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક લાગુ પડતો હોવાનો અંદાજ છે, પરંતુ જ્યારે આ રોગ કોઈ સ્ત્રીને લાગુ પડે છે ત્યારે તેના માથે જાણે આભ પડ્યું હોય એવું બનતું હોય છે. કેન્સરની સારવારમાં પણ ઘણી સ્ત્રીઓને મરવાના જોખમ કરતાં પણ વાળ ગુમાવવાનું જોખમ વધારે ચિંતા કરાવતું હોય છે. 

જ્યાં સુધી ‘યે રેશમી ઝુલ્ફેં યે શરબતી આંખેં...’ અને ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં...’ જેવાં ગીતો ગણગણ્યાં કરીશું, જ્યાં સુધી ‘ગોરો વાન અને કાળા વાળ’નાં વર્ણનો પર વાહ વાહ કરીશું ત્યાં સુધી આપણા સમાજની સ્ત્રીઓને આપણે અન્યાય કરતાં રહીશું, પ્રત્યક્ષ નહીં તોય પરોક્ષ રીતે તેના પર અત્યાચાર કરતાં રહીશું. શું આપણે એવું ન કહી શકીએ - ‘વાળમાં શું રાખ્યું છે!’


(‘દિવ્ય ભાસ્કર’ની 6 જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment