Wednesday, July 27, 2016

હચમચાવે છે હિટલરનું ઘર

દિવ્યેશ વ્યાસ


હિટલરના જન્મસ્થાનને ઓસ્ટ્રિયાની સરકારે જપ્ત કર્યું, પણ તેની વિચારધારા વિસ્તરી રહી છે, એનું શું?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

‘વિજેતાને કદી પુછાતું નથી કે તે સાચું બોલ્યો હતો?’, ‘મહાન અસત્યવાદી મહાન જાદુગર પણ હોય છે.’, ‘કુશળતાપૂર્વક અને સતત પ્રચાર કરીને લોકોને સ્વર્ગ પણ નરક જેવું દેખાડી શકાય છે કે પછી એકદમ બદતર જીવનને સ્વર્ગ જેવું પણ દેખાડી શકાય છે.’, ‘લોકોનો એક મોટો સમુદાય નાના જૂઠ કરતાં મોટા જૂઠનો આસાનીથી ભોગ બની જાય છે.’, ‘સત્યને અહીં કોણ પૂછે છે, અહીં તો વિજયનું જ મહત્ત્વ છે.’, ‘માનવતાવાદ મૂર્ખતા અને કાયરતાની અભિવ્યક્તિ છે.’, ‘કેટલી સદભાગી છે એ સરકારો, જેમની જનતા વિચાર કરતી નથી.’ આ વાક્યો-વિચારો બીજા કોઈનાં નહીં પણ વિશ્વના સૌથી ક્રૂર શાસક એડોલ્ફ હિટલરનાં છે. આજે હિટલર હયાત નથી, પણ હિટલરના આ વિચારોને સાચા માનનારા, તેને અનુસરનારા લોકોની આપણી આજુબાજુમાં કોઈ કમી નથી.

વીસમી સદીએ બે તદ્દન વિરોધાભાસી વૈશ્વિક નેતા જોયા - એક ગાંધીજી અને બીજા હિટલર. એક સત્યને જ ઈશ્વર ગણે છે, બીજો સત્યની સહેજેય સાડાબારી રાખતો નથી અને વિજેતાને ઈશ્વર માને છે. એક માનવતાને શ્રેષ્ઠ ધર્મ ગણે છે, બીજો માનવતાનો ઘોર વિરોધી છે. એક લોકોને વિચાર કરવામાં માને છે, બીજો ઇચ્છે છે કે લોકો અસત્યથી અંજાયેલા રહેવા જોઈએ, લોકો વિચાર કરે એ તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય! આ વ્યક્તિત્વના ફરકને ઇતિહાસે જબરદસ્ત ન્યાય કર્યો છે. દુનિયામાં આજે ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ગાંધીજીની પ્રતિમા ન હોય અને બીજી તરફ નફરત અને ક્રૂરતાના પર્યાય એવા હિટલરની પ્રતિમા તો જર્મનીમાં પણ શોધવી પડે એમ છે!

હિટલરનું જન્મસ્થાન તાજેતરમાં સમાચારોમાં ચમક્યું છે. હિટલરનો જન્મ ઓસ્ટ્રિયાના બ્રોનાઉ અમ ઇન નામના નગરમાં 20મી એપ્રિલ, 1889ના રોજ થયો હતો. ત્રણ માળની જે ઇમારતમાં હિટલર પેદા થયો હતો, તેને જપ્ત કરી લેવા માટે એક કાયદો ઓસ્ટ્રિયાની સંસદે ગત 12મી જુલાઈ, 2016ના રોજ પસાર કર્યો છે.

અત્યાર સુધી આ ઇમારત પર ગેરલિંડ પોમેર નામની એક મહિલાનો કબજો હતો અને તે કોઈ રીતે આ ઇમારત સરકારને વેચવા તૈયાર નહોતી, જેથી સરકારે અંતિમ વિકલ્પ તરીકે આ સંપત્તિને જપ્ત કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે. આમ તો ઓસ્ટ્રિયાની સરકારે આ ઇમારતને 1972થી ભાડે રાખી હતી અને દર મહિને 3 લાખ 80 હજાર રૂપિયા ચૂકવતી હતી, જેથી કોઈ નાઝી વિચારધારાની વ્યક્તિ તેના પર કબજો ન જમાવી લે. આમતો, આ મકાનમાં હિટલરના કોઈ પુરાવા રખાયા નથી કે એના નામે એકેય તકતી પણ રખાઈ નથી. અહીં એક પથ્થર પર માત્ર એટલું જ લખ્યું છે, ‘શાંતિ, સ્વતંત્રતા અને લોકશાહી માટે. ફાસીઝમ હવે ક્યારેય નહીં. લાખો લોકોનાં મોત આપણને યાદ અપાવતાં રહે છે.’ સરકાર દ્વારા આ બિલ્ડિંગમાં વિકલાંગ લોકો માટેનું કેન્દ્ર ચલાવાતું હતું. જોકે, 2011માં સરકારે જ્યારે આ ઇમારતમાં થોડું સમારકામ કરીને તેની રચનામાં થોડા ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માલિકણે તેનો વિરોધ કરીને વિવાદ જગાવ્યો હતો. એ પછી આ મકાન સાવ ખાલીખમ પડી રહ્યું હતું. મકાન માલિકણની કબજો છોડવાની આનાકાની પાછળ એવી આશંકા વ્યક્ત થતી હતી કે તે આ બિલ્ડિંગ તરફ નવા જમાનાના નાઝીઓને આકર્ષિત કરવા માગતી હતી. જન્મ પછી હિટલર માત્ર ત્રણ વર્ષ જ અહીં રહેલો, છતાં ઘણા નાઝી વિચારસરણીમાં માનનારા લોકો આ બિલ્ડિંગને શ્રદ્ધાધામ તરીકે જોતાં હતા અને વારેતહેવારે નાઝી લોકો અહીં એકત્ર થતાં અને સૂત્રોચ્ચાર પણ કરતા હતા.

આ બિલ્ડિંગ નાઝી પાર્ટીના સમર્થકોની નવી પેઢી માટે તીર્થસ્થાન બની જશે, એવા ડરને કારણે જ ઓસ્ટ્રિયાની સરકારે તેને પોતાના તાબામાં લેવાનો નિર્ણય કર્યો છે. આ ઇમારતનું હવે શું કરવું? એ મોટો સવાલ છે. કોઈ કહે છે કે તેને રહેણાકનાં મકાનોમાં ફેરવી નાખો, કેટલાક અહીં કૉલેજ તો કેટલાક હોસ્પિટલ બનાવવાનું કહે છે. કોઈ કહે છે અહીં સુપરમાર્કેટ બનાવી દો તો કોઈ મ્યુઝિયમ બનાવવાની વાત કરે છે. રશિયન મૂળના સાંસદની જેમ આ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાડી દેવાનો મત ધરાવનારાઓની પણ કમી નથી. અલબત્ત, સરકારે આ બિલ્ડિંગનું શું કરવું, તે નક્કી કરવા માટે 12 સભ્યોની કમિટી રચી છે.

હિટલરનું જન્મસ્થાન તોડી પાડવાથી પણ હિટલરના વિચારો નાબૂદ થઈ શકવાના નથી, એ ઉઘાડું સત્ય છે. આજે દરેક દેશમાં જુદાં જુદાં નામે હિટલરબ્રાન્ડ રાષ્ટ્રવાદની બોલબાલા છે. સત્યની સાડાબારી રાખ્યા વિના પ્રચારશૂરા નેતાઓનો પ્રભાવ વધી રહ્યો છે. પ્રજા તરીકે આપણે ભાવનાઓમાં તણાયા વિના માત્ર તથ્યોનો વિચાર કરીને જ આવા નેતાઓના સદભાગ્યને ડુબાડી શકીએ એમ છીએ. તો ચતુર કરો વિચાર!

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત બિનસંપાદિત ‘સમય સંકેત’ કૉલમ)

3 comments: