Tuesday, August 2, 2016

તિરંગાના સર્જકનું સ્મરણ અને સલામ

દિવ્યેશ વ્યાસ


‘ઝંડા વેંકૈયા’ તરીકે જાણીતા પિંગલી વેંકૈયાનો જન્મ દિવસ 2 ઑગસ્ટે આવે છે. આઝાદીની લડતમાં તેમના પ્રદાન અને યોગદાનને જાણવા જોઈએ


(તસવીરો પિંગલી વેંકૈયાના નામે ચાલતા ટ્રસ્ટની વેબસાઇટ અને ગૂગલ પરથી મેળવી છે.)

 તિરંગો મારી શાન છે, તિરંગો મારું અભિમાન છે ... વગેરે વાતો આપણાં ગીતો અને સંવાદોમાં વારંવાર સાંભળવા મળતી હોય છે, પરંતુ દેશની આન, બાન અને શાન સમા તિરંગાના સર્જક વિશે બહુ ઓછા લોકો જાણે છે.

તિરંગાના સર્જક છે - પિંગલી વેંકૈયા, જેમનો આજે જન્મ દિવસ છે. પિંગલી વેંકૈયાનો જન્મ ૨ ઓગસ્ટ, ૧૮૭૬ના રોજ આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમની નજીક ભટાલા પેનમરુ નામના ગામમાં થયો હતો. તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા પિંગલી વેંકૈયાના પિતાનું નામ પિંગલી હનમંત રાયડુ અને માતનું નામ વેંકટરત્નમ્મા હતું. પિંગલી વેંકૈયાને આપણે માત્ર તિરંગાના સર્જક તરીકે જ નહીં પણ બહુઆયામી પ્રતિભા તરીકે પણ યાદ રાખવા જોઈએ. તેમને અનેક ક્ષેત્રોનું ઊંડું જ્ઞાન હતું. વેંકૈયાને હીરાની ખાણો વિશે એટલું જ્ઞાન હતું કે તેઓ 'ડાયમંડ વેંકૈયા' તરીકે પણ ઓળખાતા હતા તો કૃષિપેદાશના સંશોધનમાં પણ તેમનું મોટું યોગદાન હતું અને કપાસની એક જાત શોધી હોવાથી તેમને 'પત્તી વેંકૈયા' (કોટન વેંકૈયા) એવું નામ પણ મળ્યું હતું. તેમણે મછલીપટ્ટનમમાં શૈક્ષણિક સંસ્થા સ્થાપીને કેળવણીકાર તરીકે પણ નામના મેળવી હતી. તેમના વિશે બહુ ઓછી વિગતો જાણીતી છે, બાકી તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ આજની પેઢીને પ્રેરણા પૂરી પાડે એવું છે.

પિંગલી વેંકૈયાએ મછલીપટ્ટનમમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ વધુ અભ્યાસ માટે કોલંબો ગયા હતા. આગળ જતાં તેઓ બ્રિટિશ આર્મીમાં જોડાયા હતા. જોવાની વાત એ છે કે એ વખતે તેમને એંગ્લો-બોઅર યુદ્ધ માટે દક્ષિણ આફ્રિકા મોકલવામાં આવ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા. ગાંધીજીને મળ્યા પછી તેઓ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા હતા, પરંતુ ભારતીય આઝાદી આંદોલનમાં ગાંધીજીની કોઈ ભૂમિકા નહોતી એટલે ભારત આવીને તેમણે રેલવેમાં નોકરી કરી હતી. નાનકડા જાપાને યુદ્ધમાં જ્યારે ચીનને હરાવ્યું ત્યારે તેઓ જાપાનથી એટલા પ્રભાવિત થયેલા કે તેમણે જાપાનીઝ શીખવાનું નક્કી કર્યું. લાહોરની એંગ્લો-વેદિક કોલેજમાં ઉર્દૂ અને જાપાનીઝના અભ્યાસ માટે જોડાયા. લાહોરમાં તેઓ આઝાદી આંદોલન સાથે સઘનપણે સંકળાયા હતા.


૧૯૦૬માં કોલકાતા ખાતે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેની અધ્યક્ષતા દાદાભાઈ નવરોજીએ કરી હતી. દાદાભાઈએ પોતાના વક્તવ્યમાં વેંકૈયાની સક્રિયતાની નોંધ લીધેલી. એ વખતે અધિવેશનમાં યુનિયન જેકને લહેરાવવામાં આવ્યો હતો, જેને જોઈને વેંકૈયા બહુ વ્યથિત થયા હતા. એ દિવસથી જ તેમણે ભારતીય ધ્વજ તૈયાર કરવાનું મનોમન નક્કી કરી લીધું અને ભારતીય ધ્વજની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા. ૧૯૧૬માં તેમણે 'અ નેશનલ ફ્લેગ ફોર ઇન્ડિયા' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે ૩૦ નમૂના તૈયાર કરીને રજૂ કર્યા હતા. તેમના આ પુસ્તકની નોંધ મહાત્મા ગાંધીએ પોતાના અખબારના તંત્રીલેખમાં પણ લીધી હતી. કાકીનાડામાં કોંગ્રેસના સંમેલનમાં પિંગલી વેંકૈયાએ ભારતનો પોતાનો ધ્વજ હોવો જોઈએ, એવી રજૂઆત કરી હતી. ગાંધીજીને તેમનો પ્રસ્તાવ પસંદ આવ્યો હતો અને તેમણે દેશનો ધ્વજ તૈયાર કરવાની જવાબદારી વેંકૈયાને જ સોંપી હતી. પાંચેક વર્ષના સમયગાળામાં પિંગલી વૈંકેયાએ ભારતીય ધ્વજની ડિઝાઇન પર કામ કર્યું હતું અને ૧૯૨૧માં વિજયવાડા ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય સંમેલનમાં મધ્યમાં ચરખો હોય એવો ધ્વજ રજૂ કર્યો હતો. લાલ અને લીલા રંગના બે પટ્ટામાં ચરખાનું ચિત્ર મૂકવામાં આવ્યું હતું. આ ધ્વજ સૌ કોઈને બહુ પસંદ આવ્યો હતો. કોંગ્રેસના ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા નહોતી મળી છતાં તે કોંગ્રેસના કાર્યક્રમોમાં લહેરાવવામાં આવતો હતો. અમુક લોકોએ આ ધ્વજમાં સુધારાવધારા પણ સૂચવ્યા હતા. આખરે કેસરી, સફેદ અને લીલા રંગના તિરંગાની ડિઝાઇન ફાઇનલ થઈ, જેમાં વચ્ચે ચરખાનું ચિત્ર યથાવત્ રાખ્યું હતું. આ તિરંગાને ૧૯૩૧માં કરાચી ખાતે યોજાયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ધ્વજ તરીકે સત્તાવાર માન્યતા મળી હતી. આ જ તિરંગામાં ચરખાની જગ્યાએ અશોક ચક્રને સમાવીને ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ તેને આઝાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો.

જીવનનાં આખરી વર્ષો ગરીબીમાં વિતાવનારા પિંગલી વેંકૈયાનું નિધન ૪ જુલાઈ, ૧૯૬૩ના રોજ થયું હતું. ભારતને તિરંગાની ભેટ આપનારા પિંગલી વેંકૈયાને આપણે ભૂલી ગયા, એ શરમજનક હકીકત છે. તેમના મૃત્યુનાં પૂરાં ૪૬ વર્ષ પછી છેક ઓગસ્ટ-૨૦૦૯માં આપણી સરકારને તેમની ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરવાનું સૂઝ્યું હતું.

ખેર, આજે તેમના જન્મ દિવસે એટલું પ્રણ લઈએ કે જ્યારે જ્યારે તિરંગાને સલામ કરીશું ત્યારે પિંગલી વેંકૈયાનું સ્મરણ અચૂકપણે કરીશું.

(‘સંદેશ’ની 2 ઑગસ્ટ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment