Wednesday, August 31, 2016

પશ્ચિમમાં પ્રગટેલાં વિદ્યાનાં દેવી

દિવ્યેશ વ્યાસ


બાળ કેળવણી અને શિક્ષકની ભૂમિકાના ખ્યાલને ધરમૂળથી બદલનારાં ડૉ. મોન્ટેસોરીની પદ્ધતિ અને પ્રેરણા કેમ ભુલાય?

(તસવીર ગૂગલ પરથી શોધીને ગમી એ મૂકી છે)

એક બાળકને પૂછ્યું, ‘તને ભગવાન બનાવી દેવાય તો તું કેવી દુનિયા બનાવે?’ તેણે તરત કહ્યું, ‘હું એવી દુનિયા બનાવું જેમાં રોજ રોજ રવિવાર હોય!’ ‘કેમ એ‌વું?’ તેણે કહ્યું, ‘બધા દિવસ રવિવાર જ રાખવાના એટલે સ્કૂલે તો ન જવું પડે!!’ બાળકોને શાળા પ્રત્યેની આવી એલર્જીને હસવામાં કે હળવાશથી લેવા જેવી નથી. નોંધનીય વાત એ છે કે તમે બાળકને સરકારી શાળામાં ભણાવો હોય કે મોંઘીદાટ ફી ઉઘરાવતી ખાનગી સ્કૂલમાં,  શાળા પ્રત્યેની એલર્જી મોટા ભાગે સમાન જ હોય છે. બાળકોને શાળા ગમતી નથી, કારણ કે એ તેમની સ્વતંત્રતા છીનવતી હોય છે, બાળકો શિક્ષકોથી ડરતા હોય છે, કારણ કે તેઓ ‘શિક્ષણ’ કરતાં ‘શિક્ષા’ (દંડ) પર વધારે મુસ્તાક હોય છે! પશુઓને કેળવવા માટેની ક્રૂરતાની હદની કડક પદ્ધતિઓ જ આપણે બાળકોને કેળવવા માટે પણ અપનાવતાં આવ્યા છીએ. એકવીસમી સદીમાં પણ બાળકેળવણી બાબતે મોટા ભાગના લોકો આજેય સાતમી-આઠમી સદીની માનસિકતામાંથી બહાર આવ્યા નથી. બાળકોને ભણાવવા માટે આપણે ઉત્સુક છીએ, પણ સાચી કેળવણી માટે એટલા જ ઉદાસીન હોઈએ છીએ અને પછી આપણે જ ફરિયાદ કરતા હોઈએ છીએ કે આજકાલનાં બાળકો ભણેલા છે, પણ ગણેલા નથી!

શિક્ષણ અંગે આજે આટલી ચર્ચા કરવાનું કારણ એ છે કે દુનિયાભરમાં બાળ કેળવણીની સમજ અને પદ્ધતિમાં ધરમૂળથી પરિવર્તન લાવનારાં ડૉ. મારિયા મોન્ટેસોરીનો આજે જન્મ દિવસ છે. (જન્મ : 31 ઑગસ્ટ, 1870, ઇટાલી ; મૃત્યુ : 6 મે, 1952, નેધરલેન્ડ) ડૉ. મોન્ટેસોરીની એકલવ્યભાવે ભક્તિ-સાધના કરનારા અને ‘મુછાળી મા’ તરીકે જાણીતા શિક્ષણકાર ગિજુભાઈ બધેકાએ અનુસર્જન કરેલા પુસ્તક ‘મોન્ટીસોરી પદ્ધતિ’માં તેમના વિશે લખ્યું છે, ‘ડૉ. મોન્ટેસોરી એક અસાધારણ પ્રતિભાશાળી બાનુ છે. ડૉક્ટર, તત્ત્વવેત્તા અને ગણિતશાસ્ત્રી હોવા ઉપરાંત તે એક અદભુત કેળવણીકાર છે. એનામાં સ્વયંસ્ફુરણા, સૃજનશક્તિ અને શોધક બુદ્ધિની કુદરતી બક્ષીસો છે, એમ કહ્યા વિના ચાલતું જ નથી. એનું વ્યક્તિત્વ આપણા પર સજ્જડ છાપ પાડે એવું છે. એના સહવાસમાં આવેલાંઓ એનાથી ચકિત થઈ જાય છે. તે સુરૂપ છે, આકર્ષક છે, તેમ તેની વાણી મીઠી છે. એની વાણીમાં સ્વાભાવિક સરલતા છે. એની એવી અસાધારણ શક્તિને લીધે આખી આલમની સ્ત્રીજાતને અભિમાન લેવાનું કારણ મળે છે. દુનિયા ઉપર આવી પ્રભાવશાળી સ્ત્રીઓ ગણીગાંઠી જ હશે.’

બાળ કેળવણીની સાથે સાથે બાળકોની આઝાદી અને અધિકારો માટે આજીવન મથનારાં ડૉ. મોન્ટેસોરી થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલાં હતાં અને આ સંસ્થા થકી જ તેઓ આશરે દસેક વર્ષ ભારતમાં રહ્યાં હતાં અને કેળવણીના ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું. પાંચ દિવસ પછી શિક્ષક દિન ઊજવાશે ત્યારે ગિજુભાઈ દ્વારા અનુવાદિત ‘મોન્ટીસોરી પદ્ધતિ’ પુસ્તકમાંના ‘મોન્ટીસોરી શિક્ષક’ પ્રકરણમાં શિક્ષકની ભૂમિકા વિશે મોન્ટેસોરીએ જે લખ્યું છે, તેના પર આછેરી નજર ફેરવીએ:

મેડમ મોન્ટેસોરી સ્પષ્ટપણે માનતા કે ‘શિક્ષકની વાચાળતા કરતાં તેનું મૌન વધારે કામનું છે. શિક્ષકે શીખવવા કરતાં બાળકોનું અવલોકન કરવું જરૂરનું છે. પોતે ભૂલ કરે જ નહિ એવું અભિમાન રાખવા કરતાં નમ્રતાથી પોતાની ભૂલો શોધવી અને સ્વીકારવી એ શિક્ષકનું કર્તવ્ય છે.’

શિક્ષકની દૃષ્ટિ અંગે મોન્ટેસોરી બહુ સુંદર વાત કરી છે, ‘શિક્ષકની દૃષ્ટિ વૈજ્ઞાનિકની જેવી ચોક્કસ અને નિર્મળ જોઈએ, અને સંતપુરુષોના જેવી પ્રેમી અને આધ્યાત્મિક જોઈએ. વિજ્ઞાનનું ચોક્કસપણું અને સંતનું પાવિત્ર્ય શિક્ષકની તૈયારીના બે આધારભૂત સ્તંભો છે. શિક્ષકની વૃત્તિ એક સાથે શાસ્ત્રીય અને દૈવી જોઈએ.’

ડૉ. મોન્ટેસોરી હંમેશાં કહેતાં કે ‘શિક્ષકનું ખરું શિક્ષકપણું તેના પ્રખર આશાવાદમાં સમાયેલું છે.’ પશ્ચિમમાં પ્રગટેલાં વિદ્યાનાં આ દેવીને જન્મ દિવસ નિમિત્તે શત શત વંદન!

(‘દિવ્ય ભાસ્કર’ની 31 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

4 comments:

  1. આ લેખ ગમ્યો .. સરળ ભાષામાં ડૉ . મોન્ટેસરી વિશે માહિતી પીરસવામાં આવી છે

    ReplyDelete
    Replies
    1. અનુજ્ઞાબહેન, પ્રતિભાવ માટે આભાર...

      Delete
  2. બાળ કેળવણીના બીજ રોપનાર વિશે સુંદર માહિતી

    ReplyDelete