Wednesday, August 3, 2016

ઓબામા રિટાયર્ડ થાય છે

દિવ્યેશ વ્યાસ


નોબેલ વિજેતા અમેરિકી પ્રમુખ ઓબામા નિવૃત્તિ પછી શું કરશે, એની ચર્ચાએ જોર પકડ્યું છે

(તસવીર ગૂગલ પરથી લીધી છે.)

દર ચાર વર્ષે યોજાતી અમેરિકન પ્રમુખની ચૂંટણી આંતરરાષ્ટ્રીય મીડિયા માટે એક મહાઉત્સવ બની રહેતી હોય છે. આજકાલ તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય વેબસાઇટ વાંચશો કે ન્યૂઝ ચેનલ જોશો તો તમને ડોનલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનનાં નિવેદનો અને તેમના વિવાદોની આજુબાજુ ગરબા લેતી અનેક ન્યૂઝ સ્ટોરીઝ તમને વાંચવા-જોવા મળશે. પ્રમુખપદના ઉમેદવારોના સમાચારોની સાથે સાથે નિવૃત્ત થઈ રહેલા લોકલાડીલા પ્રમુખ બરાક ઓબામાની વિદાયની પણ તૈયારીઓ ચાલી રહી છે. અમેરિકાનો આગામી પ્રમુખ કોણ બનશે, એની ચર્ચાની સાથે સાથે નિવૃત્તિ પછી ઓબામા શું કરશે, એ મુદ્દો પણ બહુ ચર્ચાઈ રહ્યો છે. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી ઓબામા ક્યાં રહેશે અને કેવી કેવી પ્રવૃત્તિઓ કરશે, એના વરતારા પણ સમયાંતરે બહાર પડતાં રહે છે.

ઓબામાની નિવૃત્તિ યોજના અંગે એટલી બધી ચર્ચા ચાલી છે કે હમણાં તો ખુદ ઓબામાએ પોતે નિવૃત્તિ પછી શું કરશે, એને લગતો એક રમૂજી વિડિયો જારી કર્યો હતો અને મહાસત્તાના સર્વસત્તાધીશ હોવા છતાં તેઓ કેટલા હળવા રહી શકે છે, તેનો વધુ એક પુરાવો પૂરો પાડ્યો હતો!

ઓબામા જાન્યુઆરી, 2017માં વ્હાઇટ હાઉસને અલવિદા કહી દેશે પછી ક્યાં રહેશે, તેને લગતાં પણ સમાચારો આવતા રહે છે. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ તો બે મહિના પહેલાં જ વિશેષ અહેવાલમાં જણાવ્યું હતું કે નિવૃત્તિ પછી ઓબામા વૉશિંગ્ટનમાં જ રહેવાના છે અને શહેરના સૌથી અમીર વિસ્તારોમાંના એક એવા કેલોરમા વિસ્તારમાં નવ બેડરૂમ ધરાવતા ભવ્ય મકાનને ભાડે રાખીને રહેવાના છે. 8200 ચોરસ ફૂટનું આ વિશાળ મકાન વ્હાઇટ હાઉસથી માંડ ત્રણ-સવા ત્રણ કિલોમીટરના અંતરે આવેલું છે. જોેકે, ઓબામાએ પણ વાત વાતમાં સંકેત આપ્યા હતા કે તેમની નાની દીકરી સાશાનો અભ્યાસ વૉશિંગ્ટનમાં ચાલી રહ્યો છે એટલે 2018માં સાશાની હાઇસ્કૂલ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ વૉશિંગ્ટનમાં જ રહેવાના છે.

ઓબામા પ્રમુખ બન્યા એ પહેલાંના તેમનાં બે પુસ્તકો ‘ડ્રીમ્સ ફ્રોમ માય ફાધર’ અને ‘ધ ઑડિસિટી ઑફ હોપ’ બેસ્ટસેલર બન્યાં હતાં. નિવૃત્તિ પછી ઓબામા નવું કોઈ પુસ્તક લખશે એવી આશા-અપેક્ષા પણ ઘણા લોકો રાખી રહ્યા છે.

તાજેતરમાં જ એવા અહેવાલો ચમક્યા હતા કે બરાક ઓબામાએ પોતાની પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ માટે શિકાગો ખાતેના જેક્શન પાર્કને પસંદ કર્યો છે. આ સ્થળ શિકાગો યુનિવર્સિટીની નજીક આવેલું છે, જ્યાંથી બરાક ઓબામા બંધારણીય લૉનો અભ્યાસ કર્યો હતો અને પોતાનું જાહેરજીવન શરૂ કર્યું હતું. અમેરિકામાં હાલમાં 13 પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી છે, જેમાં 14મી ઓબામાની લાઇબ્રેરી બનશે. પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરીમાં જે તે પ્રમુખના કાર્યકાળ સમયના દસ્તાવેજો અને તસવીરો સાચવી રાખવામાં આવતી હોય છે.

ઓબામા અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન પ્રમુખ બન્યા હતા. પ્રમુખ તરીકે બરાક ઓબામાએ દેશમાં રંગભેદ-વંશભેદ નાબૂદ કરવા માટે ઘણી મથામણ કરી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી અશ્વેત લોકોનો અસંતોષ-આક્રોશ વધ્યા છે ત્યારે ઘણા એવી પણ આશા રાખે છે કે ઓબામાં નિવૃત્તિ પછી આ મુદ્દાને લઈને સઘન પ્રવૃત્તિઓ આદરશે. મોટા ભાગના અમેરિકન પ્રમુખો નિવૃત્તિ પછી સામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય છે, એમાંય નોબેલ વિજેતા બરાક ઓબામા પાસે સમગ્ર વિશ્વના લોકોને વધારે અપેક્ષા રહેશે, એ સ્વાભાવિક છે. ઓબામાના તાજેતરના એક ભાષણના અંશ સાથે લેખ પૂરો કરીએ, “મારો ઉછેર મારા પિતા વિના થયો. હું આમતેમ ભટકતો રહ્યો, કારણ કે ચોક્કસ માર્ગની સમજ નહોતી. મારા અને અત્યારના યુવાનો વચ્ચે મુખ્ય તફાવત એ છે કે હું જે માહોલમાં પેદા થયો તે થોડો વધારે ઉદાર અને દયાળુ હતો. સમાજમાં ફરી આવો માહોલ રચવો એ મારા બાકીના કાર્યકાળ જ નહીં એ પછીની સમગ્ર જિંદગીનું મારું મિશન છે.” આશા રાખીએ, ઓબામાનું એ મિશન વહેલીતકે પૂર્ણ થાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 3 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment