Saturday, October 6, 2018

લોકશાહી શાસન પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જોઈએ : ગિરીશ પટેલ

દિવ્યેશ વ્યાસ
તેજસ વૈદ્ય

(ગિરીશભાઈની આ તસવીર https://counterview.org પરથી લીધેલી છે.)


પ્રશ્ન: લોકશાહી અંગે આપના વિચારો શું છે? આઝાદી પછી આપણે કયાં થાપ ખાધી છે?

ગિરીશભાઈ: ‘લોકશાહી’ના ખયાલનો વિકાસ તેની દાયકાઓ જૂની વ્યાખ્યા ‘લોકો દ્વારા ચાલતી, લોકો માટેની, લોકોની બનેલી સરકાર’ મુજબ થયેલો છે. જે રાજયમાં એકહથ્થું શાસન હોય, તેમાં બળનું એકત્રીકરણ હોય છે. કાયદો બનાવવાની, અમલમાં મૂકવાની અને કાયદામાં નિયમો બનાવવાની સત્તા એટલે સમાજને સ્પર્શતા દરેક સવાલ અંગે રાજ્ય પાસે સત્તા રહેલી છે.

એક જમાનામાં રાજાશાહીનો ખયાલ હતો કે રાજા રાજ ચલાવે અને લોકો તેની પ્રજા ગણાય. અલબત્ત, માત્ર સુશાસન હોય તે પૂરતું નથી, પરંતુ સ્વશાસન હોવું જરૂરી છે. સુશાસન એક વસ્તુ છે અને સ્વશાસન તેનાથી ઘણી જુદી વસ્તુ છે. લોકો પાસે સુખ-સુવિધા હોય, પણ તેમાં તેનું સ્થાન શું છે, તે મહત્ત્વનું છે. દરેક વ્યકિત સ્વતંત્ર વિચાર ધરાવે છે ત્યારે તેના વિકાસનો વિચાર બીજા કેમ કરી શકે? લોકોની જરૂરિયાતો સંતોષાતી હોય તોય લોકોને સ્વતંત્ર સ્વવિકાસની ઝંખના રહે જ છે. મનુષ્ય માત્ર મળેલું જીવન જીવવા જ અસ્તિત્વ ધરાવતો નથી, તેના માટે સ્વવિકાસ જરૂરી છે અને તે ત્યારે જ ફળીભૂત થઈ શકે જયારે મનુષ્ય સ્વતંત્રતા ભોગવતો હોય અને તંત્રમાં લેવાતા નિર્ણયોમાં તેની ભાગીદારી હોય. રાજય કે શાસન લોકો માટે હોય તે પૂરતું નથી, પરંતુ તે લોકોનું જ હોવું જોઈએ અને લોકો દ્વારા જ ચાલવું જોઈએ. સ્વશાસન ન હોય ત્યાં સુધી સુશાસન કદી સશક્ત ન બની શકે. આ બન્ને ખયાલો અલગ નથી, પણ પૂરક છે. લોકશાહીનો ખયાલ વિકસતો વિકસતો હવે વેલફેર સ્ટેટમાંથી આગળ વધીને વિકાસ રાજ્ય (ડેવલપમેન્ટ સ્ટેટ) સુધી પહોંચ્યો છે, જેમાં લોકોના વિકાસની ચિંતા સેવાય છે.

લોકોના વિકાસ માટે સ્વાતંત્ર્ય જરૂરી છે. તેનામાં ખુદનો અવાજ વ્યકત કરવાની અને પોતાના વિચારોને અમલમાં મૂકવાની શક્તિ હોવી જોઈએ. અલબત્ત, લોકશાહીમાં કોઈ એક વ્યક્તિ  માટે સમગ્ર વ્યવસ્થા નથી હોતી, સમગ્ર સમાજ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય છે. કોઈ વ્યવસ્થા કે પદ્ધતિ ઊભી કરવા પાછળનો ઉદ્દેશ માત્ર આ જ છે. અલબત્ત, કમનસીબે એવું બનતું હોય છે કે સંસ્થાકીય માળખું જ મહત્ત્વનું બની જાય છે અને તેનું હાર્દ મરી જાય છે. માત્ર માળખું જ રહે એ અગત્યનું નથી. લોકશાહી માળખા દ્વારા લોકોનું સ્વશાસન સિદ્ધ થયું છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. લોકશાહીનો ખયાલ આદર્શને સિદ્ધ કરવા માટેનો છે. સંસ્થાકીય માળખું અને લોકશાહી ત્યારે જ સફળ થાય જયારે આદર્શ અને માળખું બન્ને એક બને.

બંધારણનું આમુખ, મૂળભૂત અધિકારો ને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ત્રણેય ભાગો બંધારણનો આત્મા છે. તેનો ઉદ્દેશ સુશાસન અને સ્વશાસન સ્થાપવાનો છે. માત્ર લોકશાહી રાજ્ય એટલું જ પૂરતું નથી, લોકશાહી સમાજ હોવો જરૂરી છે. બંધારણ લોકશાહી રાજ્ય સ્થાપે છે. કુટુંબ સહિત સમાજના દરેક ભાગમાં લોકશાહીની ભાવના વ્યક્ત થવી જોઈએ અને તેમાં ભાગીદારીપૂર્ણ લોકશાહી (પાર્ટીસીપેટરી ડેમોક્રસી) એ લોકશાહીનો આદર્શ હોવો જોઈએ. આપણે બંધારણ તો બનાવ્યું પણ તે મુજબનો સમાજ ન હતો. ઊંચ-નીચના ભેદ, ધર્મ-સંપ્રદાયના પ્રશ્નો, આદિવાસી-દલિતના પ્રશ્નો વગેરે અનેક સમસ્યાઓ હતી. ખ્યાલ એવો હતો કે નવું બંધારણ દેશમાં પરિવર્તન લાવવાનું બળ બનશે અને તે માટેના પ્રયત્નો કરવામાં આવશે, પરંતુ બન્યું એવું કે સામાજિક માળખું એટલી હદે બળવત્તર રહ્યું કે કે બંધારણને હડપ કરી ગયું. આમ, ખરેખર બંધારણ એ કોઈ સિદ્ધ થયેલી હકીકત ન હતી, સિદ્ધ કરવાનું હતું. આ ભૂલને લીધે સમાજનું પાયાગત પરિવર્તન થવું જોઈતું હતું, પરંતુ તે પ્રક્રિયા તૂટી ગઈ. પ્રજાની અંદર જ સહિષ્ણુતા અને લોકશાહીની ભાવના નહિ હોય તો લોકશાહી ટકશે નહીં. તેથી લોકશાહીમાં લોકોની જવાબદારી મહત્ત્વની છે.

ભારતમાં એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે ત્યારે ઘણી વિપરીત પરિસ્થિતિઓ સામે આવીને ઊભી છે. લોકશાહી સમાજ માટેના પ્રયત્નો થવા જોઈએ, તે ન થયા તેને કારણે આમ થયું છે. આજે સક્રિયતા ઘણી જોવા મળે છે, તેની ના નહીં, પરંતુ ઘણું અઘકચરું રહી ગયું છે. કામ કરનારા ઓછા થતાં જાય છે, તંત્ર નબળું પડતું જાય છે. આજની પરિસ્થિતિ નિરાશાજનક છે. મૂલ્યો ઓછાં થતાં જાય છે. સ્ત્રીઓની આધુનિકતાની વાત ચાલે છે, પરંતુ સ્ત્રી કયાંય વ્યક્તિ બનતી નથી. એક જગ્યાએ સ્ત્રી મોડલ બને છે તો એક જગ્યાએ સ્ત્રીને સળગાવી દેવામાં આવે છે. વિજ્ઞાનની તકનીકોમાં આપણે ઘણી સિદ્ધિ મેળવી છે, પરંતુ પાયાનો સ્તર નબળો પડી રહ્યો છે.

ગિરીશભાઈના અમૃત પર્વ નિમિત્તે સન્માન સમિતિ દ્વારા પ્રકાશિત પુસ્તક
પ્રશ્ન: ન્યાયતંત્રમાં જાહેર હિતની અરજીનું મહત્ત્વ અને ફાળો શું છે?

ગિરીશભાઈ: આઝાદી પછી આપણે લોકોનું શાસન સ્થાપવાનું હતું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેવી હતી નહીં એટલે બંધારણ આવ્યા પછી આજે એનાં પરિણામે લોકોએ ચૂંટેલી સરકારો તો આવી, પરંતુ લોકોની સરકાર ન આવી. કાયદો ગમે તેટલો સારો હોય, પરંતુ તે કદી પોતાની મેળે અમલમાં આવતો નથી. જે કાયદા બન્યા છે, તેનો અમલ થવો જોઈએ. કાયદાના અસરકારક અમલ માટે લોકોમાં જાગૃતિ હોવી જરૂરી છે. જાગૃતિ પણ માત્ર ઉપરછલ્લી કે ખપ પૂરતી નહીં. માત્ર જ્ઞાન પૂરતું નથી, પરંતુ તે અમલમાં મૂકવાની ક્ષમતા હોવી જોઈએ.

આ પરિસ્થિતિમાં બંધારણ બન્યા પછી ઈ.સ. ૧૯૮૦ સુધી સામાન્ય લોકો કોર્ટમાં આવતા, પણ તેના માટે નાણાં અને ધીરજ જોઈએ. સામાન્ય માણસો એમના મૂળભૂત અધિકારો માટે લાચાર હતા. જેના અધિકારનું હનન થાય તે જ કોર્ટમાં જઈ શકે એ કાયદો બદલાયો. સુપ્રીમે ઈ.સ. ૧૯૮૨માં જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થાપ્યો.

જે કેસમાં વ્યકિતગત હિત નહિ, પરંતુ અનેક લોકોનું હિત સમાયેલું હોય તો તેના માટે કોણ લડે? જાહેર હિતમાં રાજ્યની સંપત્તિનો દુરુપયોગ, ભ્રષ્ટાચાર વગેરે સામે લોકોના હિતને ઘ્યાનમાં રાખી અન્ય કોઈ અરજી કેમ ન કરી શકે? એવા સવાલ આવ્યા અને જાહેર હિતની અરજીનો સિદ્ધાંત સ્થપાતાં ગરીબો, વંચિતો, દલિતોના પ્રશ્નો, સામાજિક મૂલ્યોની જાળવણી, રાષ્ટ્રની સંપત્તિની સાચવણી વગેરે માટેનો કેસ ‘જેન્યુઇન’ માણસ કોર્ટમાં લાવે એવો શિરસ્તો શરૂ થયો. આમ, જાહેરજીવનમાં લોકોમાં સભાનતા-જાગૃતિ આવે અને કાયદાકીય રીતે તેમનું સશકિતકરણ થાય એવા ઉદ્દેશથી  જાહેર હિતની અરજી અમલમાં આવી. જોકે, કોર્ટમાં જાહેર હિતની અરજીનો ચુકાદો બે-ત્રણ વર્ષે આવે એટલે તેમાં હિત ન સચવાય, એવું પણ બને છે. આજે જાહિત હિતની અરજીનો ઉપયોગ પ્રસિદ્ધિ મેળવવા કે પછી વ્યકિતગત કે રાજકીય હિત સાધવા માટે પણ થઈ રહ્યો છે, તે દુ:ખદ બાબત છે.

પ્રશ્ન: કાયદાઓનો અસરકારક અમલ કઈ રીતે થઈ શકે? કાયદાના અમલની જવાબદારી કોની?

ગિરીશભાઈ: કાયદા હોવા છતાં અમલ થતો નથી, અસરકારકતા ઊભી થતી નથી, તેનાં અનેક કારણો છે. જેમકે, તે અંગેની જાગૃતિનો અભાવ, આ દેશમાં કાયદાની ભાષા અંગ્રેજી છે અને કાયદા અટપટા છે. વળી, કાયદો પણ એક ભાષા છે, તેથી તેના અનેક અર્થો નીકળી શકે. કાયદાઓમાં જાણ્યે-અજાણ્યે અનેક છટકબારી રહેલી છે. મૂળે કાયદાને સારો બનાવવાની ચીવટ હોવી જોઈએ, પણ એ બનતું નથી. ખરા અર્થમાં જાહેર હિત એ સામાજિક મૂલ્યોને સાચવવાની વાત છે. કોઈ કાયદામાં માત્ર પોલીસને જ સત્તા આપો તો લોકો શું કરી શકે? સપોર્ટિવ એકશન એન્ડ મેજર્સ ન હોય તો કાયદો નબળો પુરવાર થાય. કાયદાની બાબતમાં તેના અમલીકરણની પણ અગત્યતા છે. કાયદાની પ્રાયોરિટી અલગ હોય તો તેનું અમલીકરણ માત્ર કહેવાથી થઈ જતું નથી. વળી, કાયદાના પાલન માટે દૃષ્ટિ અને શકિત જ સમાજમાં ન હોય તો આંતરિક રીતે જ તે સ્વીકાર્ય બનતો નથી. કાયદો માત્ર ફોર્સ નથી, તેની પાછળ કન્સેપ્ટ હોય છે. કાયદાને સફળ બનાવવા માટે તેનો પ્રચાર જરૂરી છે. આમ, આવી અનેક બાબતો કાયદાની સક્રિયતા માટે જરૂરી છે, જેના અભાવથી કાયદાનો અમલમાં આવતો નથી.

પ્રશ્ન: પહેલાંના જમાનામાં ગામોમાં પંચ નિર્ણય કરતું, તો એવી કોઈ વ્યવસ્થા કોર્ટને બદલે સંભવે તે કેટલું યોગ્ય અને જરૂરી છે?

ગિરીશભાઈ: વિકલ્પો ત્યારે જ વિચારવા પડે જયારે ચાલુ વ્યવસ્થા નિષ્ફળ ગઈ હોય. કોર્ટને અસરકારક બનાવવાનાં પગલાં આપણે ક્યારેય લેતાં જ નથી. હાલની વ્યવસ્થાને કેટલા ટકા સુધારી શકાય તેની ચકાસણી કરી વ્યવસ્થા સુધારવા માટે કંઈક નક્કર કરવું જોઈએ. તે માટેના સેમિનારો યોજવાનો કોઈ મતલબ નથી. કોઈ પણ સમાજમાં માત્ર અદાલતો જ સમાજના તમામ પ્રશ્નો હલ ન કરી શકે. સમાજમાં એક જીવંત વ્યવસ્થા હોવી જોઈએ અને ન છૂટકે જ અદાલતની મદદ લેવાવી જોઈએ. જેમકે, કુટુંબના પ્રશ્નો કુટુંબમાં જ ઉકેલાવા જોઈએ. તેના માટે અદાલતમાં જવાની જરૂર ન ઊભી થવી જોઈએ.

ગામ સ્તરે ન્યાય માટે સારી સ્થાનિક સુવિધા વિકસે, એવી વ્યવસ્થા આવકાર્ય છે. ગામમાં પંચ બને, પણ પંચમાં અમુક જ્ઞાતિના લોકો જ બેસતા હોય તો તેનો કોઈ અર્થ નથી. અલબત્ત, ગામના દરેક પક્ષ-જ્ઞાતિના પ્રતિનિધિ હોય તો તે વધુ યોગ્ય અને અસરકારક બને છે. ગામમાં બધા એકબીજાને ઓળખતા હોય છે અને બધા બધું જાણતા જ હોય છે, તેથી ખોટી બાબતો ટકતી નથી. પંચ જેવી વૈકિલ્પક વ્યવસ્થા સારી છે, પરંતુ તેમાં પણ પ્રશ્નો ઊભા ન થાય એવું નથી.

પ્રશ્ન: માહિતી અધિકારની માગ સમાજમાંથી કેમ નથી ઊઠતી? (મુલાકાત સમયે  માહિતી અધિકારનો કાયદો અમલમાં નહોતો આવ્યો.) આપણા સમાજમાં માહિતી અધિકાર કેટલે અંશે સફળ થશે?

ગિરીશભાઈ: લોકો માહિતી અધિકાર માગતા જ હોય છે, પરંતુ તેમને ખ્યાલ નથી હોતો કે આવી માગ કયાં અને કેવી રીતે કરી શકાય? ભૂખ લાગે ત્યારે કહેવાની જરૂર નથી રહેતી, માણસ જાતે ખોરાક શોધવા માંડે છે. માહિતીની જરૂરિયાત લોકોને મહેસૂસ થાય છે, પરંતુ તેને ઉપલા સ્તરે લઈ જવી અને તેને અધિકારનું સ્વરૂપ આપવું, તે સમાજના જાગૃત નાગરિકોની ફરજ છે. સમાજ જ્યારે નાનો હતો ત્યારે માહિતી પ્રત્યક્ષ જ હતી, પરંતુ વખત જતાં સમાજ, સાધનો, વ્યવસ્થા વિકસતા ગયાં, સંકુલ થતાં ગયાં અને તેને લીધે લોકોને બધી વાતની જાણકારી હોતી નથી તથા તેમને એ ખ્યાલ નથી હોતો કે માહિતી કયાંથી મળે? અથવા તો હું માહિતી કેવી રીતે માગી શકું? માહિતી અધિકાર એ સમાજના ખુલ્લાપણાનું એક આગવું લક્ષણ છે. સંકુલ સમાજને ખુલવાની-ખીલવાની વાત માહિતી અધિકાર કરે છે. લોકશાહી એ સમાજનો આદર્શ હોય તો લોકોને માહિતી અધિકાર આપવો જ જોઈએ. લોકશાહીમાં લોકો પાસે માહિતી જ ન હોય તો લોકો કઈ રીતે નિર્ણય લઈ શકે? માહિતી માત્ર આપવાથી કંઈ વળતું નથી. કોઈ પણ અધિકાર મેળવવા માટે સમાજે મોટા પાયે સામાજિક ઝુંબેશ કરવી પડે છે. કાયદો સ્વયં તમને મદદ કરતો નથી. તેને માટે માણસે હિંમત દર્શાવવી પડે.

પ્રશ્ન: વર્ષોથી ચાલ્યા આવતા કાયદાઓમાં બદલાવ લાવવો કેટલો જરૂરી છે?

ગિરીશભાઈ: બદલાતા પરિપ્રેક્ષ્યમાં કાયદા તો બદલાતા જ રહે છે, પરંતુ તેની બદલાવવાની પદ્ધતિ કેવી છે, તે જોવું જરૂરી છે. તેના સંદર્ભો સમજવા જરૂરી છે. કાયદો મૂળે રૂઢિચુસ્ત હોય છે. સમાજમાં બદલાતી પરિસ્થિતિમાં પ્રતિક્ષણે કાયદો ન બદલાય. તે બદલાય તે માટેનું વાતાવરણ ઉપસ્થિત થવું જોઈએ. એ મુજબનું તંત્ર અને લોકોની તૈયારી હોવી જોઈએ.

આજે જેટલી ઝડપી પરિવર્તન આવી રહ્યાં છે, તે ઝડપે કાયદો બદલાવી શકાયો નથી. પરિવર્તનની સ્થિરતા જોઈને બદલાવ લાવવો જોઈએ. દર વખતે કાયદો ન બદલાવી શકાય, પરંતુ કેસને અનુરૂપ જરૂરી અર્થઘટન કરવું જોઈએ. જુદા જુદા વર્ગોએ કાયદા અંગે ચર્ચા કરવી જોઈએ. આપણે ત્યાં સમાજમાંથી ઊઠવો જોઈતો પ્રત્યાઘાત જોવા મળતો નથી.

(હું અને તેજસ વૈદ્ય પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (સીઈઈ) દ્વારા પ્રકાશિત ‘આસ્થા’ સામયિક સંભાળતા હતા ત્યારે દરેક અંકમાં એક મહાનુભાવની મુલાકાતનો સમાવેશ કરતા હતા. ગિરીશભાઈની આ મુલાકાત પણ એ વિભાગ અંતર્ગત જ પ્રકાશિત કરવામાં આવી હતી. ‘આસ્થા’ના જુલાઈ-૨૦૦૩ના અંકમાં આ મુલાકાત પ્રસિદ્ધ થઈ હતી. વિપુલભાઈ કલ્યાણીએ આ મુલાકાત ઓપિનિયનમાં પણ (http://opinionmagazine.co.uk/details/147/લોકશાહી-શાસન-પૂરતું-નથી--લોકશાહી-સમાજ-હોવો-જોઈએ-ગિરીશ-પટેલ- સમાવી હતી. ઓનલાઇન હોવાથી જ અહીં આસાનીથી ઉપલબ્ધ થઈ શકી છે.)