Tuesday, August 17, 2021

રાણી નાયિકી દેવી : ખૂબ લડી મર્દાની વો તો ગુજરાત કી રાની થી!

ડૉ. દિવ્યેશ વ્યાસ


સોલંકી વંશના શાસનકાળમાં રાણી/રાજમાતા નાયિકી દેવીએ પોતાના પ્રચંડ પરાક્રમથી મોહમ્મદ ઘોરીને રણભૂમિમાં એવી ધોબીપછાડ આપી કે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી પણ ન શક્યો!

રાણી નાયિકી દેવીનું એક કાલ્પનિક ચિત્ર. (સૌજન્યઃ ગૂગલ ઇમેજ)


ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતને પદક અપાવનારાઓની યાદીમાં રમતવીરો કરતાં રમત-વિરાંગનાઓની યાદી લાંબી થાય છે, તેનાં મૂળ આપણી પરંપરા અને ઇતિહાસમાં પડેલાં છે. સર્જન હોય કે સંઘર્ષ, ભારતીય નારીએ સદીઓથી પોતાનું હીર બતાવ્યું છે. મહિષાસુરમર્દિનીથી લઈને બાંગ્લાદેશ-સર્જિની સુધીનો આપણો નારીશૌર્યનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે. આપણા દેશમાં સુશાસન માટે રાણી અહલ્યાબાઈ તો સંઘર્ષ-યુદ્ધમાં રાણી લક્ષ્મીબાઈ જેવાં જ્વલંત ઉદાહરણો જોવા મળે છે. આજે વાત કરવી છે, એવાં રાણી અને રાજમાતાની જેમણે પોતાના પ્રચંડ પરાક્રમ અને શૌર્યથી કુખ્યાત વિદેશી આક્રાંતા મોહમ્મદ ઘોરીને યુદ્ધમેદાનમાં એવી ધોબીપછાડ આપેલી કે તે ફરી ગુજરાત પર આક્રમણ કરવાનો તો વિચાર સુધ્ધાં કરી શક્યો હતો.

હા, આ રાજમાતા એટલે સોલંકી વંશનાં રાણી નાયિકી દેવી. પતિ અજયપાલની (ગુજરાતના અશોક તરીકે જાણીતા કુમારપાળના સુપુત્ર) અંગરક્ષક દ્વારા જ 1176માં હત્યા કરવામાં આવી પછી તેમના દીકરા મૂળરાજ બીજાને બાળવયે જ રાજા બનાવાયો હતો. પુત્ર મૂળરાજ બીજાને પ્રતીકાત્મક રીતે રાજાની પદવી આપવામાં આવી ત્યારે રાજ્યનાં શાસન અને સુરક્ષાનાં સુકાન રાણી નાયિકી દેવીએ ખૂબ સારી રીતે સંભાળી લીધાં હતાં. મોહમ્મદ ઘોરીએ 1178ની સાલમાં હિંદુસ્તાન પર આક્રમણ કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું કે ગુજરાતના સમૃદ્ધ રાજ્ય અણહિલવાડ પાટણના બાળારાજા અને વિધવા રાજમાતાના રાજ્ય પર જ હલ્લો બોલાવી દઈએ એટલે આસાનીથી યુદ્ધ જીતી લેવાશે. જોકે, ઘોરીનાં તમામ પાસા ઊલટા પડ્યા અને રાણી નાયિકી દેવીના શૌર્ય અને આક્રમક યુદ્ધનીતિને કારણે તેણે ઊભી પૂંછડિયે રણમેદાનમાંથી ભાગવું પડ્યું અને તે ફરી ક્યારેય સપનામાં પણ ગુજરાત પર આક્રમણ કરવાનું વિચારી શક્યો નહોતો.

(રણમેદાનમાં દુશ્મન સૈનિકોનો કચ્ચરઘાણ વાળતી ગજસેનાની પ્રતીકાત્મક તસવીર  સૌજન્યઃ ગૂગલ ઇમેજ)

રાણી નાયિકી દેવી મૂળે તો ગોવાનાં રાજકુંવરી હતાં. કદંબ વંશના ગોવાના મહામંડલેશ્વર શિવચિત્તા પરમાંડીનાં દીકરી હતાં. બાળપણથી જ તેમને તલવારબાજી, ઘોડેસવારી, યુદ્ધનીતિ, કુટનીતિ અને રાજ્યશાસનની તાલીમ આપવામાં આવી હતી. તેઓ વિવિધ શસ્ત્રો ચલાવી શકતાં હતાં અને આક્રમક રણનીતિ થકી દુશ્મનોના દાંત ખાટા કરવાનું કૌવત ધરાવતાં હતાં. ઘોરી સામેના યુદ્ધ પહેલાં તેમણે પોતાની કુટનીતિ થકી ચાલુક્ય વંશના સામંતોનો સાથ-સહકાર મેળવ્યો હતો અને ઘોરીના વિશાળ સૈન્ય સામે મજબૂત લશ્કર તૈયાર કર્યું હતું, જેની ઘોરીને કલ્પના પણ નહોતી. યુદ્ધનીતિમાં માહેર રાણી નાયિકી દેવીએ યુદ્ધ આબુ પર્વતની તળેટીમાં ગદરઘાટના વિસ્તારમાં કયાદરા/કસાહરદા ખાતે લડાય, એવી વ્યૂહરચના અપનાવેલી, જ્યાં ઓછા સૈનિકો સાથે પણ વિશાળ સૈન્યને હંફાવી શકાય. યુદ્ધની તૈયારી માટે તથા પ્રજાજનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પૂરતો સમય મળી રહે એ માટે રાણી નાયિકી દેવીએ પોતે ઘોરીની તમામ શરતો માની લેવા તૈયાર છે, એવો ડોળ કરવાની કૂટનીતિ અપનાવી હોવાનું કહેવાય છે. ઘોરી અને તેના સૈન્ય માટે સાવ અજાણ એવા રણભૂમિ પર અચાનક આક્રમણ કરીને તાલીમબદ્ધ હાથીઓ પર સવાર યૌદ્ધાઓએ વિરોધી સેનાનો કચ્ચરઘાણ વાળવાનો શરૂ કર્યો હતો.

ઘોરીને પરાસ્ત કરવા માટે રાણી નાયિકી દેવીએ પોતે જ યુદ્ધમેદાનમાં ઊતરીને પોતાની તલવારથી દુશ્મન સૈનિકોનાં માથાં ગાજરની માફક વાઢી નાખ્યાં હતાં. પોતાની ગજસેના અને અશ્વસેના સાથેના તાલીમબદ્ધ સૈનિકોએ ઘોરીના સૈન્યનો એવો ખાતમો બોલાવ્યો કે સૈનિકો જીવ બચાવીને જે કોઈ દિશામાં ભાગવા મળ્યું ત્યાં ભાગવા લાગ્યા હતા. કહેવાય છે કે આ યુદ્ધમાં નાયિકી દેવીના હાથે ઘોરી ખૂબ જ ખરાબ રીતે ઘવાયો હતો. મોત ભાળી ચૂકલો ઘોરી યુદ્ધમેદાન છોડીને ઊભી પૂંછડિયે ભાગ્યો હતો. એ એટલો બધો ગભરાઈ ગયેલો કે ઘાયલ હોવા છતાં સારવાર માટે પણ વચ્ચે ક્યાંય રોકાયો નહોતો અને છેક મુલતાન પહોંચીને જ ઘોડા પરથી ઊતર્યો હતો!

આ જ મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા હતા, પરંતુ એના 14 વર્ષ પહેલાં તેણે એક ગુજરાતી રાણીની સામે રણમેદાનમાં ધોબીપછાડ ખાવી પડી હતી, એ અમીટ ઇતિહાસ છે. રાણીના અદમ્ય સાહસ અને શૌર્યનો ઉલ્લેખ સોલંકી કાળના શિલાલેખોમાં તો વાંચવા મળે જ છે, એ ઉપરાંત ગુજરાતી કવિ સોમેશ્વર તથા ઉદયપ્રભા સુરી સરીખા કવિઓનાં કાવ્યોમાં પણ નાયિકી દેવી અને તેમના સૈન્યની શૌર્યગાથા જાણવા મળે છે. 13 સદીમાં લખાયેલા ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘મિન્હાજ-એ-સિરાજ’માં પણ હાથીઓની મદદથી લડાયેલી આ લડાઈના વિજયનો ઉલ્લેખ જોવા મળે છે. 16મી સદીના ઇતિહાસકાર બદાઉનીએ પણ આક્રાંતાઓને મળેલા પરાજયનો ઉલ્લેખ કરેલો છે. જૈન ઇતિહાસકાર મેરુતુંગે લખેલા ‘પ્રબંધ ચિંતામણિ’માં પણ નાયિકી દેવીના શૌર્યની ગાથાનો ઉલ્લેખ છે. ગુજરાતી અર્વાચીન સાહિત્યની વાત કરીએ તો ધૂમકેતુએ ‘નાયિકા દેવી’  નામની એક નવલકથા લખેલી છે.

કહેવાય છે કે રાણી નાયિકીની દીકરી કુર્મા દેવી પણ તેમના જેવાં જ શૌર્યવાન હતાં અને તેમણે યુદ્ધમેદાનમાં કુતબુદ્દીન ઐબકને માત આપી હતી. રાણી લક્ષ્મીબાઈ, રાણી તારાબાઈ, રાણી દુર્ગામતી, રાણી અબ્બકા ચૌટા, કિત્તુરના રાણી ચેનમ્મા જેવાં નારીશૌર્યનાં જ્વલંત ઉદાહરણોની હરોળમાં સ્થાન પામી શકે એવાં ગુજરાતનાં રાણી નાયિકી દેવી વિશે બહુ ઓછી જાણકારી અને જાગૃતિ આપણા રાજ્યમાં જોવા મળે છે, તે આપણી એક મોટી કમનસીબી છે. રાજમાતા નાયિકી દેવી ઇતિહાસનું એવું ગૌરવવંતુ પ્રકરણ છે, જે ગુજરાત રાજ્ય જ નહિ, સમગ્ર દેશની નારીશક્તિને સદીઓ સુધી પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતું રહેશે.

(‘સાધના’ સાપ્તાહિકના 15મી ઑગસ્ટ, 2021ના વિશેષાંક ‘ભારતની યુદ્ધકથાઓ’માં પ્રકાશિત મારો લેખ)

Thursday, December 31, 2020

‘આપ સૌના વતી સ્વીકારું છું’

ડૉ. દિવ્યેશ વ્યાસ


27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદનું 50મું અધિવેશન શરૂ થયું અને પ્રારંભે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહનો પદગ્રહણ સમારંભ યોજાયો.આ ઐતિહાસિક ક્ષણના વર્ચ્યુઅલ નહિ, પણ સદેહે સાક્ષી બનવાનું થયું. ગુજરાતી ભાષાના કરોડો પ્રેમીઓના લાભાર્થે એ સમારંભની કેટલીક વિગતો અહીં રજૂ કરી છે

(માધવ રામાનુજના હસ્તે નવા વરાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહને પદભારનું પ્રતીક અર્પણ કરવામાં આવ્યું હતું. તસવીરઃ દિવ્યેશ વ્યાસ) 

ઔદ્યોગિક ક્રાંતિ હોય, મજૂર આંદોલન હોય કે આઝાદીનો જંગ.... અનેક ઐતિહાસિક અધ્યાયોનું સાક્ષી બનેલું અમદાવાદ શહેર 27મી ડિસેમ્બર, 2020ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના 50મા અધિવેશનનું પણ સાક્ષી બન્યું. માત્ર 50ના શુકનવંતા આંકડાને કારણે નહિ, પરંતુ બીજાં પણ કેટલાંક કારણોસર આ અધિવેશન ઐતિહાસિક બની રહ્યું. સૌથી મોટું કારણ – 115 વર્ષ જૂની પરિષદનું આ સૌપ્રથમ ઓનલાઇન અધિવેશન હતું. ઓનલાઇનનું મહત્ત્વ એટલે છે કે ઓનલાઇન હોય તે આપોઆપ વિશ્વવ્યાપક બની રહે છે! અધિવેશનનું પ્રારંભિક સત્ર રા.વિ. પાઠક સભાગૃહમાં યોજાયું હતું, પરંતુ સભાખંડ બહાર દેશ-દુનિયામાં ફેલાયેલા સેંકડો ગુજરાતી-પ્રેમીઓ ઇન્ટરનેટના તાંતણે તેની સાથે જોડાઈ શક્યા હતા. માત્ર શ્રોતાઓ જ નહિ, પરંતુ કેટલાક વક્તાઓ અને ખુદ અતિથિવિશેષ પણ સ્થળ પર હાજર ન હોવા છતાં હાજરોહાજર હતા! બીજું કારણ એ કે અમદાવાદ લગભગ છ દાયકા પછી અધિવેશનનું યજમાન શહેર બનવા પામ્યું. અલબત્ત, એમાં કોવિડ-19 મહામારીની ભૂમિકા સ્વીકારવી રહી. કદાચ એટલે જ અધિવેશન અંતર્ગત ‘મહામારીના સમયમાં સાહિત્ય’ પર પરિસંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું. મહામારી સંદર્ભે સાહિત્ય સત્ર યોજાય, એ પણ ઐતિહાસિક બાબત ગણાય. અહીં એ પણ ઉમેરવું રહ્યું કે 50મા અધિવેશનમાં પ્રકાશ ન. શાહ સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ સંભાળનાર 51મી વ્યક્તિ બન્યા.

ગુજરાતી સાહિત્ય પરિષદના નવા ચૂંટાયેલા પ્રમુખનો પદગ્રહણ સમારંભ 27 ડિસેમ્બર, 2020, રવિવારે જૂની-નવી મધ્યસ્થ-સમિતિના સભ્યોની બેઠક બાદ બપોરે 3 વાગ્યે યોજાયો હતો. પદગ્રહણ સમારંભનો પ્રારંભ ‘જય જય ગરવી ગુજરાત...’ના ગાન સાથે થયો હતો. પરિષદના નવા વરાયેલા ઉપપ્રમુખ પ્રફુલ્લ રાવલે સૌનું સ્વાગત કર્યું હતું અને પરિષદની પ્રવૃત્તિઓનો આછો પરિચય આપીને ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિષદ ગુજરાતી ભાષાને ચાહનારા સૌ કોઈની છે. પ્રકાશભાઈની શબ્દ, શૈલી અને સાહિત્યની સમજના પુરાવા રૂપ એક કિસ્સો યાદ કરતાં પ્રફુલ્લભાઈએ કહેલું, એક વખત ‘રંગતરંગ’નું ટાઇટલ છપાઈ ગયું હતું, જેમાં લાભશંકર ઠાકરે આગામી અંકમાં પોતે શું લખવાના છે, તે એક વાક્યમાં જણાવેલું. પણ હાર્ટએટેક આવતાં તેઓ એ લેખ લખવાની સ્થિતિમાં નહોતા ત્યારે પ્રકાશભાઈ અસ્સલ લાઠાશૈલીમાં એ એક વાક્યના આધારે આખો લેખ લખેલો!

(તસવીરમાં ડાબેથી કીર્તિદાબહેન શાહ, માધવ રામાનુજ, પ્રકાશ ન. શાહ અને પ્રફુલ્લભાઈ રાવલ તસવીરઃ દિવ્યેશ વ્યાસ)

લેખક-નાટ્યકાર પ્રવીણ પંડ્યાએ પોતાના વિડિયો વક્તવ્ય થકી પ્રકાશભાઈનો પરિચય આપ્યો હતો. પ્રવીણભાઈએ પ્રકાશભાઈના વ્યક્તિત્વનાં મુખ્ય ત્રણ પાસાં (પ્રજાકીય રાજનીતિના આગેવાન, પત્રકાર-તંત્રી, અધ્યાપક તથા પરિવાર પ્રેમી/મિત્ર-પ્રેમી વ્યક્તિ) થકી તેમના જીવન અને કવનનો આછેરો પરિચય કરાવ્યો હતો. પ્રકાશભાઈનો પરિચય કરાવતાં તેમણે એક ખૂબી જણાવી હતી કે તેઓ કોઈ ઓળખમાં બંધાયા નથી! કટોકટી દરમિયાન સ્વતંત્રતા અને સ્વાયત્તતાની તરફેણ કરીને મિસા અંતર્ગત જેલવાસ ભોગવેલો, એનો ઉલ્લેખ કરતાં પ્રવીણભાઈએ કહેલું, ‘કટોકટી દરમિયાન જેલમાં જનારા તેઓ એકલા નહોતા, પરંતુ તેમણે આજે પણ એ મૂલ્યો જાળવી રાખ્યાં છે.’ નાગરિક સંગઠનોને નેતૃત્વ પૂરું પાડનારા પ્રકાશભાઈની દરેક પ્રજાકીય આંદોલનમાં સક્રિય ભૂમિકાને યાદ કરીને તેમના નિશ્કલંક અને મૂલ્યઆધારિત જાહેરજીવનની વાત કરતાં કરતાં પ્રવીણભાઈએ વિધાન કરેલું કે, ‘જયંતિ દલાલ પછી તેઓ પહેલા એવા પ્રમુખ છે, જેમને ગુજરાતની જનતા જ નહિ, શાસકો પણ સારી રીતે જાણે છે.’ ‘સમકાલીન’ ‘જનસત્તા’ અને ‘દિવ્ય ભાસ્કર’ સહિતનાં અખબારોમાં કરેલા 42 વર્ષના પત્રકારત્વને સંભારીને તેમણે ઉમેરેલું કે પત્રકારત્વમાં તેમણે શેરીનાટક કરનાર જેવી ભૂમિકા ભજવી છે અને ઘોંઘાટિયા ટીવી-અખબારી પત્રકારત્વ વચ્ચે તેઓ એક નરવો, નિષ્કલંક અને નક્કર અવાજ બની રહ્યા છે. તેમણે નવા કવિ-સર્જકોને પ્રોત્સાહન આપવાની પ્રકાશભાઈની વિશેષતાને પણ સંભારી હતી.

પ્રમુખ પદની ચૂંટણી લડનારા હરિકૃષ્ણ પાઠક અને હર્ષદ ત્રિવેદી તથા કુલીનચંદ્ર યાજ્ઞિક તરફથી શુભેચ્છા સંદેશા મળ્યાની નોંધ લીધા પછી પરિષદના હયાત પૂર્વ પ્રમુખોના વિડિયો સંદેશા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં રઘુવીર ચૌધરીએ સાહિત્ય પરિષદની ઑફિસ મુંબઈથી અમદાવાદ આવ્યા પછી અહીં પરિષદનો કેવો વિકાસ થયો, કેવા કેવા વિભાગો શરૂ કરાયા એની ટૂંકી વાત કરી હતી. ધીરુબહેન પટેલે પ્રકાશભાઈમાં વિશ્વાસ વ્યક્ત કરીને એવી આશા સેવી હતી કે પરિષદ હવે વાદવિવાદનો અખાડો મટીને સરસ્વતીનું મંદિર બનશે. તો કુમાળપાળ દેસાઈએ કહેલું કે શુભ શુકનની શરૂઆત પ્રકાશભાઈના ચૂંટાવા સાથે થઈ છે. રણજિતરામની કલ્પના સાકાર થવાની સંભાવના ઊભી થઈ છે. પ્રકાશભાઈ સામે સર્જકોને એક સાથે રાખવાનો પડકાર છે અને તેમનામાં બધાને સાથે રાખવાની કુનેહ પણ છે. વર્ષા અડાલજાએ પરિષદની ભાવિ યોજનાઓ કેવી હોવી જોઈએ, એની ટૂંકી રૂપરેખા આપવા સાથે પરિષદ સામેના સૌથી મોટા આર્થિક પડકારની પણ ઝીકર કરી હતી. ધીરુભાઈ પરીખે પ્રકાશભાઈને શુભેચ્છા આપવા ઉપરાંત સારું કામ થશે એવો આશાવાદ વ્યક્ત કરીને બેટૂક વાત કરી હતી કે કામ સારું થશે તો પરિષદની આબરૂમાં બે ટકાનો વધારો થશે! અત્રે ઉલ્લેખનીય છે કે ટોપીવાળાસાહેબે વિડિયો નહિ, પરંતુ લેખિત સંદેશો મોકલાવેલો.

પૂર્વ પ્રમુખોના સંદેશા પછી પ્રકાશભાઈને સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પદભારનું પ્રતીક એનાયત કરવાનો વિધિ સમ્પન્ન કરાયો હતો. પરિષદની મધ્યસ્થ સમિતિની ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવનારા અને નવા/ફરી ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા માધવ રામાનુજે પ્રકાશભાઈને એ પ્રતીક અર્પણ કર્યું હતું. પ્રતીક આપતાં માધવભાઈએ કહ્યું, ‘આપ સૌના વતી આપું છું.’ પ્રતીક સ્વીકારતાં પ્રકાશભાઈએ તેમની શૈલીમાં સહજપણે કહેલું, ‘આપ સૌના વતી સ્વીકારું છું.’

પદભાર સોંપણીના વિધિ પછી વિદાય લેતા પરિષદ પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રનું વિડિયો વક્તવ્ય રજૂ થયું હતું. સિતાંશુભાઈએ પ્રારંભે જ કહેલું, નિવૃત્તિ વેળાએ ધરપત છે કે આજીવન સભ્યોએ આગામી અગત્યનાં વર્ષોમાં પ્રકાશભાઈને પ્રમુખ તરીકે ચૂંટ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પ્રમુખ સહિતના સૌ નવા હોદ્દેદારો પરિષદનાં મૂલ્યો, બંધારણ અને અગાઉ કરવામાં આવેલા ઠરાવોને વળગી રહીને કામ કરશે. સૌ પરિષદના, નહિ કે અન્યના ઉદ્દેશોને પાર પાડવામાં કામે લાગશે, એવી સૌને આશા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાત સરકાર અને સમાજસેવીઓ સહિત સૌને કૃષ્ણલાલ શ્રીધરાણીના ‘સ્વરાજ રક્ષક’ કથાકાવ્યની યાદ અપાવી હતી અને તાતા તીર જેવા સવાલો કરેલા કે ઔરંગઝેબી પરિબળો સામે રક્ષણ આપનારા છત્રપતિ શિવાજી આજે છે કે નહીં? સ્વામી રામદાસ જેવા ગુરુ છે? સિતાંશુભાઈએ પોતાના કાર્યકાળ દ્વારા થયેલાં કાર્યોમાં ખાસ કરીને ‘નોળવેલની મહેક’ની ઓનલાઇન બેઠકોને ખાસ સંભારી હતી તથા સહયોગ કરનારા લોકો અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

સમારંભના અતિથિવિશેષ વિપુલ કલ્યાણીએ પોતાના વિડિયો વક્તવ્યમાં પરિષદ સાથેનો પોતાનો દાયકાઓ જૂનો સંબંધ અને અગાઉનાં અધિવેશનોનાં સંભારણાંઓ વાગોળ્યા હતા. તેમને અતિથિવિશેષ પદે બેસાડવામાં આવ્યા, તેમાં ગુજરાતી ડાયસ્પોરિક સમુદાયના બહુમાન હોવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં ખાસ કરીને કોરોના કાળમાં ગાંધીજીના તાવીજને સંભાર્યું હતું અને કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ વખતે ગાંધીજીના તાવીજને ધ્યાનમાં રાખવા અપીલ કરી હતી.

પરિષદ પ્રમુખનો પદભાર સંભાળ્યા પછી પ્રકાશભાઈએ પ્રમુખીય પ્રવચન વાંચીને સંભળાવ્યું હતું. (કદાચ જીવનમાં પહેલી વાર લખેલું વાંચીને બોલ્યા હશે) તેમના ભાષણનું શીર્ષક હતું – ‘રણજિતરામના સિપાહી હોવું એટલે’ પ્રકાશભાઈએ તેમના વક્તવ્યના પ્રારંભમાં જ યાદ કરેલું કે ચૂંટણી જીત્યા પછી પહેલીવાર મીડિયા સાથે વાત કરવાનું બન્યું ત્યારે ‘મારો સહજોદ્ગાર હતો કે નર્મદકીધો કડખેદ હોઉં કે ન હોઉં પણ રણજિતરામનો સિપાહી ખસૂસ છું.’ પ્રકાશભાઈએ રણજિતરામની મુનશીએ કેવી છબિ ઝીલેલી તેની વાત કરવાની સાથે સાથે ઇન્દુચાચાના ‘નવજીવન અને સત્ય’ સામયિકના અગ્રલેખો થકી ગુજરાતની અસ્મિતાની વાત કરી હતી. રણજિતરામના ‘માસ્તર નંદનપ્રસાદ’ નામના શિક્ષકના પાત્રના હૃદયઉદ્ગારો થકી સમાજમાં વ્યાપ્ત એલિયેનેશન – વિસંબંધનની વાત કરી હતી. આ સંદર્ભે તેમણે કામૂને અને તેમનાં પાત્રોને પણ સંભાર્યાં હતાં. વિસંબંધનની ચર્ચાને આગળ વધારતાં તેમણે માર્ક્સ અને એન્ગલ્સને પણ યાદ કર્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં દલપતરામ, ફાર્બસ, નર્મદ અને ગોમાત્રિના યોગદાન અને દૃષ્ટિની નોંધ લીધેલી અને ભારપૂર્વક જણાવેલું કે, ‘સરસ્વતીની ઉપાસના અને ‘જાહેર સંડોવણી’ એ બે પરસ્પર વિરોધી લાગતાં હોય તોપણ પરસ્પર ઉપકારક હોઈ શકે છે. બલકે, તમે જેને સારસ્વત જીવન કહો, સાક્ષરજીવન કહો એમાં આપણા સમયના ‘બૌદ્ધિક’ની વ્યાખ્યામાં તો એ કદાચ અપરિહાર્ય જણાય છે.’ વક્તવ્યનું અંતિમ સૂચક વાક્ય હતું – ‘સાર્ત્ર ભલે ‘કન્ડેમ્ડ ટુ ચુઝ’ની ભાષા બોલે રણજિતરામનો સિપાહી તો કહેશે આઈ એમ કન્ડેમ્ડ ટુ ક્રિયેટ!

સમારંભના અંતે કીર્તિદાબહેન શાહે સૌનો આભાર માનેલો, જેમાં સૌથી પહેલો આભાર, ચૂંટણીથી લઈને તમામ પ્રકારની કામગીરીમાં ખડેપગે રહેતા પરિષદના કર્મચારીગણનો માન્યો હતો અને કર્મચારીઓને સ્ટેજ પર બોલાવતાં સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. પરિષદના કર્મચારીઓનું આવું સન્માન કદાચ પહેલી વાર થયું હશે!

(સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી તેની યુટ્યૂબ લિંક મળી શકે છે. પ્રકાશભાઈનું પ્રમુખીય વક્તવ્ય પુસ્તિકા સ્વરૂપે ઉપલબ્ધ છે તથા ‘પરબ’ના આગામી અંકમાં પ્રગટ થઈ શકે છે.)

Monday, October 26, 2020

સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રહેશે : પ્રકાશ ન. શાહ

મુલાકાત : દિવ્યેશ વ્યાસ


અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે. સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે

(નવરંગપુરા, અમદાવાદના પોતાના નિવાસસ્થાને (પ્રકાશ બંગલો) હિંચકા પર ઝૂલતા પ્રકાશભાઈની 2018ના વર્ષમાં તેમના જન્મદિવસ નિમિત્તે લીધેલી તસવીર. તસવીરકાર: બિનીત મોદી)

ગુજરાતી સાહિત્ય પરિષદની પ્રમુખ પદની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં વિજેતા બન્યા પછી પ્રકાશ ન. શાહે ‘દિવ્ય ભાસ્કર’ને પોતાની સૌપ્રથમ વિસ્તૃત મુલાકાત આપી હતી. પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે પરિષદના વિકાસથી માંડીને સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા મુદ્દે સંઘર્ષ અંગે તેમનાં આગામી આયોજનો અને રણનીતિ અંગે વિગતે વાતો કરી હતી.


તમે અગાઉ અન્ય લોકો માટે ઉમેદવાર પદેથી ખસી ગયા હતા, તો આ વખતે એવું તે કયું જુનૂન સવાર થયું કે ઉમેદવારી માટે છેક સુધી મક્કમ રહ્યા?

પ્રશ્ન જુનૂનનો નહિ, દૃઢતાનો હતો અને છે. છેલ્લાં વર્ષોમાં બે-એક વાર મારું નામ સૂચવાયું ત્યારે જે સંજોગો હતા, એમાં મને વ્યક્તિગત ઉમેદવારી રૂપે દરમિયાન થવા જેવું લાગ્યું નહોતું. હું સ્વાયત્તતાના સંદર્ભે આંદોલનમાં સંકળાયો, તેના ભાગ રૂપે ટોપીવાળા ને સિતાંશુના સમર્થનમાં રહેવાનું નક્કી કરેલું. મારું નામ સૂચવનારાઓને આ મુદ્દે સમજાવેલા. આ વખતે જોયું કે અકાદમીની સ્વાયત્તતા મુદ્દે ઝીંક ચાલુ રાખે એવી ઉમેદવારી નથી. એથી મને પૂછવામાં આવ્યું ત્યારે મેં હા પાડી. જોકે, આ ચર્ચા અગાઉ થઈ શકી નહોતી, એટલે થોડા મોડા પડ્યા હતા. અમે ચૂંટણીમાં ઝંપલાવવાનું વિચાર્યું ત્યારે હર્ષદભાઈ અને તેમના સાથીદારો - ડંકેશ ઓઝા અને કિરીટ દૂધાત વગેરેએ કામગીરી શરૂ કરી દીધી હતી.

બીજું કે હું નિર્ણય લીધા પછી પાછી પાની કરતો નથી. મેં મારા નિર્ણયની કસોટી હાર-જીત રાખ્યાં નથી. કરવા જેવું લાગે, તે હું હાર-જીતની પરવા કર્યા વિના કરું છું.


આજે રાજ્ય-દેશની રાજકીય-સામાજિક-સાહિત્યિક પરિસ્થિતિમાં તમે તમારી જીતને કેવી રીતે જુઓ છો?

                                  તસવીરકાર: બિનીત મોદી
સામાન્ય રીતે રાજકીય પક્ષના અર્થમાં નહિ, પણ લોકશાહી સમાજના વ્યાપક દર્શન માટે ઊભા રહેવું, એવું મનોબંધારણ અને 40-50 વર્ષના જાહેરજીવનના સંધાનનું આ પરિણામ છે. અને સ્વાયત્તતા એ માત્ર કોઈ એકલદોકલ સંસ્થાનો સવાલ નથી, પરંતુ એકદંર અભિગમ અને આબોહવાનો સવાલ છે. એટલે લોકશાહી મોકળાશની માગણીની તરફેણમાં આ પરિણામ આવ્યું ત્યારે મને હરિકૃષ્ણ પાઠકની પંક્તિ યાદ આવે છે: ‘ઘેઘુર ઘેન મત્ત મહુડો ચુગે, ભળભાંખળું થયું છે, સૂરજ કદાચ ઊગે... તમે નોંધ્યું હશે કે ચૂંટણી લડનારાઓમાં હું અને હરિકૃષ્ણ સ્વાયત્તતા બાબતે પહેલેથી આગ્રહી રહ્યા છીએ, ચૂંટણીમાં મત સ્વરૂપે અમને નિર્ણાયક સ્વીકૃતિ મળી છે, એમાં હું ઊંડે ઊંડે અક્ષરજીવન અને જાહેરજીવનની એક નિરામય મોકળાશના એંધાણ જોઉં છું.


સાહિત્ય પરિષદના પ્રમુખ માટે એવું કહેવાય છે કે તેણે અધ્યક્ષીય પ્રવચન આપવા અને પરબના તંત્રીલેખ લખવાથી વિશેષ કશું કરવાનું હોતું નથી. તમે શું માનો છો અને શું કરવા ધારો છો?

વ્યાપક દર્શન અને એ માટેનું નેતૃત્વ, એ પરિષદ પ્રમુખનું દાયિત્વ છે. પ્રમુખે કશું કરવાનું નથી રહેતું, એમ કહેવામાં અતિશયોક્તિ અને અલ્પોક્તિ બન્ને છે. હા, હું માનું છું કે પરિષદ પ્રમુખને વહીવટી કામો સાથે ગોટવી ન દેવો જોઈએ. જાહેરજીવનમાં સાહિત્ય પરિષદ એ કંઈ ‘હી/સી ઓલ્સો રેન’ જેવી અમથી અમથી સંસ્થા નથી કે એ કિટી પાર્ટી પણ નથી, એની નક્કર હાજરી અને ભૂમિકા છે. એ અંગેની દિશા-દોરવણી, એ પરિષદ પ્રમુખનું પરમ કર્તવ્ય ગણાવું જોઈએ.


 • પરબના પ્રમુખીય (તંત્રીલેખ)માં તમારી આગવી ભાષા બરકરાર રહેશે કે તમે સરળ ભાષા અપનાવશો?

મારી ભાષા જુદી છે, એથી સરળ નથી, એવું નથી. મારી વાત લોકો સુધી પહોંચે છે. વળી, હાલના પ્રમુખ સિતાંશુની ભાષા લોકો સુધી પહોંચી હોય તો પ્ર..શાહની ન પહોંચવાનું કોઈ કારણ નથી. ભાયાણીસાહેબ કહેતા કે તમારી આ જે ભાષા છે, તે કોઈ પણ કહે તો છોડશો નહીં, કેમકે, એમાં ગુજરાતી છાપાની પ્રિડાઇજેસ્ટેડ ફૂડ જેવી ભાષા કરતાં એક જુદી જ સોડમ છે.


છેલ્લાં વર્ષોમાં સાહિત્ય અકાદમીની સ્વાયત્તતાનો મુદ્દે તમે નેતૃત્વ લીધેલું છે. પ્રમુખ તરીકે સ્વાયત્તતાના મુદ્દે સંઘર્ષ હવે કોઈ નવું સ્વરૂપ ધારણ કરશે?

આમાં બે-ત્રણ વસ્તુ છે. પહેલું કે એને હું સંઘર્ષ કહેવાની ઉતાવળ નહીં કરું. સ્વાયત્તતા મુદ્દે જનજાગૃતિ આંદોલન જારી રાખવાનું રહેશે. આ લડતને મેં આંતરબાહ્ય સ્વાયત્તતા માટેની લડત તરીકે જોઈ છે, જે કદી પૂરી થતી નથી અને પ્રેમની જેમ સતત સાધ્ય કરવી રહે છે. બીજું ગુજરાતમાં એટલું થયું કે પરિષદની ચૂંટણીમાં સ્વાયત્તતાના મુદ્દે પ્રમુખ પદ શક્ય બન્યું. સરકારને આ અંગે એકથી વધુ વાર કહેવાનું બન્યું છે. વળી, અકાદમીમાંથી સાહિત્યકારોનાં રાજીનામાં પડ્યાં છે, તેમ છતાં સરકારની પોતાની સંવેદનશીલતા અને વ્યાપક જનજાગૃતિ ઓછાં પડે છે, એટલે એ દિશામાં વધારે સક્રિય રહેવું પડશે. હકીકતે થોડા મહિના પર સિતાંશુ યશશ્ચંદ્રના નેતૃત્વમાં પાલનપુર-પ્રસ્તાવમાં અમે રોડમેપ નિર્ધાર્યો હતો, પણ કોરોનાને કારણે એમાં આગળ વધાયું નથી, એમાં વહેલી અનુકૂળતાએ એ દોર સાંધી લઈશું. પાલનપુર પ્રસ્તાવ મુજબ પરિષદ સ્વાયત્તતાના મુદ્દે લડતને આગળ ચલાવાશે.


પરિષદ પ્રમુખ તરીકે તમારું ફોકસ પરિષદનો વિકાસ રહેશે કે અકાદમી મુદ્દે સંઘર્ષ?

સ્વાયત્તતા જેવા મુદ્દે જાગૃતિ ઝુંબેશ પરિષદના વિકાસની જ પ્રક્રિયા છે. અક્ષરજીવન અને જાહેરજીવન ભેગા મળે, એ સંગમભૂમિ પર પરિષદે પોતાની હાજરી અને વજૂદ પુરવાર કરવાનાં છે, એટલે એને પરિષદના ચાલુ કામમાંથી જુદા પાડીને જોવાની જરૂર નથી. એ સાથે લોકો અને સાહિત્ય વચ્ચે એક પ્રકારે પારસ્પર્ય વિકસે, વિસ્તરે અને વિલસે એ જોવાની અમારી કોશિશ રહેશે.


(દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરમાં 25 ઑક્ટોબર, 2020ના રોજ પ્રકાશિત મુલાકાત)

પરિષદની નિયમિત પ્રવૃત્તિઓ સિવાય તમે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા ધારો છો?

સૌથી પહેલાં તો નિયમિત પ્રવૃત્તિઓને વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહેશે. પરિષદ પ્રવૃત્તિઓ કરે છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. એ માટે અમે મીડિયાનો પણ સહયોગ ઇચ્છીએ છીએ. આવનારા સમયમાં અમે પ્રવૃત્તિઓને વેગ આપીશું અને વધુ ને વધુ લોકોને સાંકળવા પ્રયાસો કરીશું.


ડિજિટલ-સોશિયલ મીડિયાના યુગમાં પરિષદની બદલાયેલી ભૂમિકાને કેવી રીતે જુઓ છો?

પરિષદની પોતાની વેબસાઇટ તો ઘણા વર્ષોથી છે. તાજેતરમાં વેબપત્રિકા શરૂ કરી છે. નવા લોકો સુધી પહોંચવા માટે નવાં નવાં માધ્યમોને વધારે અજમાવીશું.


પરિષદને યુવાનો માટે પણ ફેવરિટ ડેસ્ટિનેશન બનાવવા માટેની તમારી કેવી રણનીતિ રહેશે?

સોશિયલ મીડિયા અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ થકી યુવાનોનો સંપર્ક વધારીશું. પરિષદના કાર્યક્રમોમાં યુવાનોનું ઇન્ટરેક્ટિવ પાર્ટિસિપેશન થાય, એવી અમારી કોશિશ રહેશે.


પરિષદ સામેનો સૌથી મોટો પડકાર આર્થિક છે. પરિષદના આર્થિક પ્રશ્નો ઉકેલવા માટે તમે કેવા ઉપાયો અજમાવશો? તમે આ અંગે કોઈ ઉકેલ વિચાર્યા છે?

પરિષદનો વહીવટ એકંદરે સીમિત સાધનોથી ચાલે છે. જાહેર સંસ્થાઓમાં સરકારના અનુદાનનો નિયમસર મળવાપાત્ર હિસ્સો મોડો અને અનિયમિત પહોંચતો હોય એવો અનુભવ છે, એમાં પરિષદ પણ બાકાત નથી. લોકસહયોગ તથા બિનસરકારી સહાય મેળવવા માટે અમારી કોશિશ રહેશે. પરિષદે સ્વાયત્તતાના મુદ્દે જે સહજ સ્ટેન્ડ લીધું, એને પગલે અકાદમી મારફત મળતો આર્થિક ટેકો એણે જતો કર્યો છે. આ એક એવો નૈતિક નિર્ણય છે, જેની કદર મહાજન ગુજરાત મોડા-વહેલા પણ કરશે અને હાલના ટેકાને વધુ સુદૃઢ કરશે, એવી અમને ઉમેદ છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કે પાલનપુરના વિદ્યામંદિરે તાજેતરનાં વર્ષોમાં પરિષદનાં સત્ર કે અધિવેશન અંગે જે જવાબદારી નિભાવી, તેમાં ગુજરાતની ઉજમાળી પરંપરાના દર્શન થાય છે.


દલિત-આદિવાસી-નારીવાદી-ડાયસ્પોરા સાહિત્યને પ્રોત્સાહન આપવા માટે તમે શું શું કરવા માગો છો?

તમે જોશો તો છેલ્લાં વર્ષોમાં આ તમામ માટે કંઈ ને કંઈ વિભાગીય કામગીરી પરિષદ દ્વારા કરવામાં આવી છે. આવાં ઉપક્રમોને વધારે સઘન અને વ્યાપકપણે ચલાવવાની કોશિશ કરીશું.

નર્મદે એના સમયમાં પ્રશ્ન પૂછેલો કે ‘કોની કોની છે ગુજરાત...’ પછી એણે જ જવાબ આપેલો, ‘સૌની છે ગુજરાત...’ સૌની ગુજરાતમાં જવાબ શોધવાનો આપણા સમયનો વિશેષ મેન્ડેટ છે. આ સમય ખરા અર્થમાં જનયુગ છે.


પરિષદના વહીવટમાં પારદર્શકતા આવે, એ માટે લોકપાલ-તટસ્થ ઓડિટ જેવી કોઈ કામગીરી તમારા એજન્ડામાં છે?

પરિષદમાં નિયમિતપણે ઑડિટ થાય છે, એટલે અત્યારે ઑડિટ નથી થતું, એવો પ્રશ્ન નથી. બધા મિત્રોને ઠીક લાગે તો મારા મતે કોર્પોરેટ અને અન્ય ક્ષેત્રોની જેમ સોશિયલ ઑડિટ કરાવવાનો વિચાર કરવો જોઈએ. હું પદભાર સંભાળું પછી, સાથીઓ, મધ્યસ્થ સમિતિ, ટ્રસ્ટી ગણ વગેરે સાથે પરામર્શ કરીને પછી આ અંગે નિર્ણય લેવાનું બની શકે.


(તા. 25 ઑક્ટોબર, 2020ને રવિવારના ‘દિવ્ય ભાસ્કર’ની અમદાવાદ આવૃત્તિના સિટી ભાસ્કરના પ્રથમ પાને પ્રકાશિત ઇન્ટરવ્યૂ. સ્થળસંકોચને કારણે અખબારમાં સમગ્ર મુલાકાત પ્રકાશિત થઈ શકી નહોતી, તેને અહીં વાંચકો માટે ઉપલબ્ધ કરાવી છે.)


Tuesday, September 10, 2019

સાધુ તો સ્વામી આનંદ સરીખા હોય

આસારામ અને નિત્યાનંદ જેવા કહેવાતા સાધુ-સંતોની પાપલીલાઓ 'શ્રદ્ધાળુ' સમાજને આહત કરી રહી છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદ જેવા પવિત્ર વ્યક્તિત્વનું સ્મરણ તીવ્રપણે થવું સ્વાભાવિક છે


(જગન મહેતાએ પાડેલી આ તસવીર ગુજરાત સાહિત્ય પરિષદની વેબસાઇટ પરથી લીધેલી છે.)

દિવ્યેશ વ્યાસ

સુરેન્દ્રનગર કહો કે ઝાલાવાડ કહો, ગુજરાતના પછાત જિલ્લા-વિસ્તારમાં જેની ગણતરી થાય છે, એવા આ પ્રદેશે ગુજરાતને અનેક ગૌરવવંતા વ્યક્તિત્વો આપ્યા છે. દલપતરામ, પંડિત સુખલાલજી, મનુભાઈ પંચોળી 'દર્શક', પ્રજારામ રાવળ, મીન પિયાસી, જયભિખ્ખુ, દલસુખ માલવણિયા (પદ્મશ્રી ભાષાશાસ્ત્રી) જેવા કવિ-સાહિત્યકારો-ચિંતકો તો મોતીલાલ દરજી, ગોપાળભાઈ દેસાઈ, ભક્તિબા, ફૂલચંદભાઈ શાહ, ચીમનભાઈ વૈષ્ણવ અને સ્વામી શિવાનંદ જેવા ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે સાથે જુગતરામ દવે અને બબલભાઈ મહેતા જેવા મોટા ગજાના રચનાત્મક કાર્યકર્તાઓ ઉપરાંત રસિકલાલ પરીખ, ઘનશ્યામ ઓઝા અને તાજેતરમાં દેહાંત પામેલા અરવિંદ આચાર્ય જેવા ખરા અર્થમાં લોકસેવકો તેમ જ ભાનુભાઈ શુકલ જેવા પ્રજાકીય પત્રકારોથી માંડીને સી.યુ. શાહ જેવા દાનવીરો, જે ધરતીએ પેદા કર્યા છે, એ જ ધરતીએ 'જૂની મૂડી' સાચવી રાખનારા, જીવન-સાધનાની 'અનંતકળા' જાણનારા, 'ધરતીની આરતી ' ઉતારનાર અને એક પણ પૈસો કે સહેજ પણ પ્રતિષ્ઠાની ખેવના રાખ્યા વિના 'ધરતીનું લૂણ' ચૂકવનાર સ્વામી આનંદને પણ પેદા કરેલા છે.

આજે ૮ સપ્ટેમ્બરના રોજ સ્વામી આનંદનો જન્મ દિવસ છે. સ્વામીજી પોતાનો જન્મદિવસ ઊજવતા નહોતા કે જાહેર કરતા નહોતા એટલે ચોક્કસ જન્મતારીખ અંગે મતમતાંતર પ્રવર્તે છે. સ્વામીદાદાના ગદ્ય પર પીએચ.ડી. કરનાર ગુલાબભાઈ દેઢિયા તેમની જન્મ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૧૮૮૭ નોંધે છે, પણ મોટા ભાગે ૮મી સપ્ટેમ્બર સ્વીકૃત છે. અલબત્ત, સ્વામીદાદાની જન્મતારીખ જે પણ હોય, આજે જ્યારે આસારામો અને નિત્યાનંદ સ્વામીઓ જેવા પાખંડી સાધુ-સંતોની પાપલીલાઓના ભાંડા ફૂટી રહ્યા છે ત્યારે 'દો રોટી, એક લંગોટી'નું સૂત્ર ચરિતાર્થ કરનારા સ્વામી આનંદનું તીવ્ર સ્મરણ થયા વિના રહેતું નથી.

સ્વામી આનંદ સાધુ જરૂર હતા, પણ તેમની આ પૂરી ઓળખાણ નથી, કારણ કે સ્વામી આનંદ ગુજરાતી ભાષાના ઉત્તમ ગદ્યકારોમાંના એક સાહિત્યકાર પણ હતા અને લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધી જેવા નેતાઓની આગેવાની હેઠળ આઝાદીની લડાઈના એક યૌદ્ધા પણ હતા, રચનાત્મક સેવાકાર્યો કરનારા સમાજસેવક પણ હતા. ટૂંકમાં કહી શકાય કે સ્વામી આનંદ મનથી એક નિઃસ્પૃહ સાધુ હતા, વચન એટલે કે શબ્દો થકી તેમણે એક પત્રકાર-સાહિત્યકાર તરીકે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને કર્મથી તેઓ સ્વાતંત્ર્ય-સેનાની તેમ જ સમાજસેવક પણ હતા.

સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ દવે હતું. તેમનો જન્મ સુરેન્દ્રનગરના શિયાણી ગામે એક શિક્ષકના સાધારણ પરિવારમાં થયો હતો. સ્વામી આનંદ માત્ર દોઢ વર્ષના હતા ત્યારે તેમની માતાએ તેમને પોતાની બહેનને ખોળે દીધા હતા. ત્યાર પછીનું તેમનું બાળપણ મુંબઈમાં માસીના ઘરે લાડકોડથી વીત્યું હતું. સ્વામી આનંદ માત્ર દસ વર્ષના હતા ત્યારે એક સાધુ તેમને 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું' એમ કહીને ભગાડી ગયેલો. સ્વામી જાતભાતના ચિત્ર-વિચિત્ર સાધુબાવાઓનાં સંપર્કમાં આવ્યા, પણ આખરે તેમને ધર્મ અને સેવાના સમન્વયમાં માનનારા રામકૃષ્ણ મિશનના સાધુઓનો ભેટો થયો. એ પછી તેઓ આજીવન રામકૃષ્ણ મિશનના સાધુ બનીને રહ્યા હતા. અલબત્ત, તેમણે ભગવા નહીં પણ સફેદ વસ્ત્રો જ આજીવન પહેર્યા હતા. તેમણે કોઈ આશ્રમમાં રહીને માત્ર સાધના કરવાને બદલે લોકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી લેખન-સંપાદન, પ્રેસ સંચાલન તેમ જ રચનાત્મક કાર્યો થકી આઝાદીના આંદોલનમાં ઝંપલાવ્યું હતું. મહાત્મા ગાંધીના આંદોલન અને નવજીવન પ્રેસના વિકાસમાં સ્વામીજીનો કેટલો મોટો ફાળો હતો, તે માટે ગાંધીજીનું એક વાક્ય કાફી છે, ‘જો મને સ્વામી આનંદની અથાક કાર્યશક્તિ અને સૂઝસમજનો લાભ ન મળ્યો હોત તો આ નવજીવનની જવાબદારી ઉપાડવાની મેં ના પાડી દીધી હોત.’ નવજીવનમાં સ્વામી આનંદના યોગદાન વિશે ગુલાબ દેઢિયાએ નોંધ્યું છે કે ‘છ-સાત હજાર કિંમતના નાના છાપખાનામાંથી નવજીવન મુદ્રણાલયને અમદાવાદનું એક આગેવાન છાપખાનું બનાવીને સ્વામીજીએ નવજીવન પ્રેસ છોડયું ત્યારે તેની મિલકત લગભગ બે લાખ રૂપિયા અંકાઈ હતી. છતાં સૌ જાણે છે કે નિઃસ્પૃહી સ્વામીજીએ પોતાના પગારની પાઈ સરખીયે તેમાંથી લીધી નહોતી. સાધુનું નિઃસ્પૃહીપણું તેમનામાં હતું.’

રૂપિયાની તો તેમને કોઈ તમા નહોતી જ સાથે સાથે તેમને પોતાના નામ-પ્રસિદ્ધિની પણ કોઈ ખેવના નહોતી. ગાંધીજીએ પોતાના સદાબહાર બેસ્ટસેલર પુસ્તક એટલે કે આત્મકથાની પ્રસ્તાવનામાં આત્મકથા લખવાનો ધક્કો કઈ રીતે સ્વામીજી તરફથી મળ્યો એની વાત કરી છે, પણ તેમણે આનો ક્યાંય ઉલ્લેખ કર્યો નહોતો. ઘણાં વર્ષો સુધી તેમણે પોતાનાં લખાણોનાં પુસ્તકો પણ છપાવ્યાં નહોતાં.

સ્વામીદાદાએ પોતાના 'અનંતકળા' નામના પુસ્તકના પ્રારંભમાં 'મારી કેફિયત' શીર્ષક હેઠળની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સાધુ 'દો રોટી, એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું, હકબહારનું. લીધેલાની દસ ગણી ફેડ એ ગૃહસ્થનો ગજ. સાધુનો સહસ્ત્રનો. સાધુ લે તેનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશેકાઈ.’ આજનો કયો સાધુ કે સંત આ કસોટીએ પાર ઊતરે? આજના પૈસા અને પ્રસિદ્ધિભૂખ્યા સાધુ-સંતો જોઈને રીતસર ચીતરી ચડે છે. આપણો સમાજ સ્વામી આનંદ જેવા સાધુઓને મનમાં આદર્શ તરીકે પણ યાદ રાખે તો ઝાંસારામો જેવાની શું મજાલ કે તેઓ પોતાની જાતને સાધુ કે સંત પણ કહેવડાવે!


(‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં 8મી સપ્ટેમ્બર, 2013ના અંકમાંપ્રકાશિત સમય સંકેત કૉલમ.)
(વિપુલભાઈ કલ્યાણીએ પોતાની વેબસાઇટ (https://opinionmagazine.co.uk/details/594/સાધુ-તો-સ્વામી-આનંદ-સરીખા-હોય) પર આ લેખ લીધેલો, એટલે અહીં આસાનીથી મૂકી શક્યો છું.)