Wednesday, September 28, 2016

આ દુશ્મનનો ખાતમો જરૂરી

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે સેંકડો દેશવાસીઓ મલેરિયા સહિતની મચ્છરજન્ય બીમારીઓને કારણે જીવ ગુમાવે છે. તેની સામે યુદ્ધે ક્યારે ચડીશું?


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

ઉરી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થયા પછી દેશમાં પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ ચરમ પર પહોંચી ગયો છે. આ માહોલમાં લોકોને પૂછવામાં આવે કે દેશનો સૌથી મોટો દુશ્મન કોણ? તો 90 ટકાથી વધારે લોકો પાકિસ્તાનનું જ નામ આપશે. બની શકે કે બે-પાંચ ટકા દબાતી જીભે ચીનનું નામ પણ દઈ દે. મોટાભાગના લોકો પાકિસ્તાન પર યુદ્ધ કરીને તેને પાઠ ભણાવવા તલપાપડ છે, પરંતુ પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક દુશ્મનો અંગે આપણે ભારોભાર દુર્લક્ષ્ય દાખવતા આવ્યા છીએ. પાકિસ્તાન સરહદ પર ગમે તેટલાં અળવીતરાં કરે કે મોકો મળે ત્યારે પઠાણકોટ કે ઉરી જેવા હુમલાઓને અંજામ આપે છતાં હકીકત એ છે કે ભારત જેવા વિરાટ અને વિકાસમાન દેશનું તે કંઈ બગાડી શકવા સક્ષમ નથી, જ્યારે બીજા કેટલાક દુશ્મન તો એવા છે, જે દર વર્ષે સેંકડો દેશવાસીઓને કમોતે મારે છે અને દેશના અર્થતંત્રને પણ કરોડોનો ચૂનો લગાડે છે. આ દુશ્મનો એટલે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં માથું ઊંચકતા આ રોગરાક્ષસો સામે આપણું લોહી કેમ નથી ઉકળતું? આપણી ચર્ચાઓમાં સરહદની ચિંતા જેટલી ઝળકે છે, એટલી આપણાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની કથળેલી હાલતની ચિંતા વ્યક્ત થતી નથી. સરહદની ચિંતા જરૂર કરીએ, પણ સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન બનવું જોઈએ. આપણી બેદરકારી-બેપરવાહીને કારણે જ આરોગ્યના મુદ્દે આપણાં તંત્રો અને સરકારો પણ જોઈએ એટલી સભાન-સક્રીય જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું છે કે હેલ્થ ઇન્ડેક્સમાં 188 દેશોમાં ભારતનો ક્રમ બહુ પાછળ 143મો આવ્યો છે.

આજકાલ દેશમાં આરોગ્યની સ્થિતિ એટલી કથળી છે કે દિલ્હી હાઈકોર્ટે હોસ્પિટલોને આદેશ આપવો પડ્યો છે કે પથારીના અભાવે પણ દર્દીઓને પાછા ન કાઢવા! ડેન્ગ્યૂ અને મલેરિયાનો પ્રકોપ આજકાલ આપણા દેશવાસીઓના જીવનો દુશ્મન બન્યો છે. એક અહેવાલ અનુસાર આ વર્ષે દેશમાં અત્યાર સુધીમાં મલેરિયાના 8 લાખ કેસો સામે આવ્યા છે, એટલું જ નહીં, પરંતુ આશરે સવાસો લોકોએ મલેરિયાને કારણે જીવ ખોયા છે. દેશની 95 ટકા વસ્તી સુધી મલેરિયાના મચ્છરોનું ન્યૂસન્સ ફેલાયેલું છે. દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં નિદાન અને સારવારના અભાવે લાખો લોકો મલેરિયાથી પીડાય છે. મલેરિયાની સૌથી કષ્ટદાયક હકીકત એ છે કે તે આપણાં નવજાત શિશુઓ અને સગર્ભા માતાઓને સૌથી વધુ શિકાર બનાવે છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આપણા પાડોશી દેશ શ્રીલંકાને મલેરિયામુક્ત રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વર્ષ 2012 પછી શ્રીલંકામાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. 1960ના દાયકામાં મલેરિયાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંના એક એવા શ્રીલંકાએ રાજકીય-વહીવટી પ્રતિબદ્ધતા થકી મલેરિયામુક્તિ હાંસલ કરી લીધી છે. ભારત કરતાં વિસ્તાર અને વિકાસની દૃષ્ટિએ ટચૂકડો એવો શ્રીલંકા મલેરિયામુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, જ્યારે ભારતમાં સ્થિતિ ઊલટી છે. દેશમાં વર્ષ 2012માં મલેરિયાને કારણે 519 લોકોનાં મોત થયાં હતાં, જે આંકડો ઘટવાને બદલે 2014માં વધીને 562 થયો હતો.

ભારતમાં ઈ.સ. 1953થી મલેરિયા વિરુદ્ધ કાર્યક્રમ ચાલે છે, સમયાંતરે તેનાં નામો બદલાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. આરોગ્ય એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી ફંડ ન મળતું હોવાનાં રોદણાં રડે છે, પરંતુ તાજેતરમાં આંકડા જારી થયા છે કે 2015-16માં રાજ્યોને મચ્છરજન્ય રોગોના સામના માટે 620 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંથી માત્ર 259 કરોડ જ વપરાયા છે, બાકીનાં નાણાં પડ્યાં રહ્યાં છે. હવે બોલો, આ રીતે મલેરિયાથી મુક્તિ ક્યારે મળશે? મિલિટન્ટ જેટલો જ આક્રોશ મલેરિયા સામે પેદા થાય તો વાત બને!

(‘દિવ્ય ભાસ્કર’ની 28 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

Wednesday, September 21, 2016

વહાલો લાગે છે વાદળી રંગ!

દિવ્યેશ વ્યાસ



એક રિસર્ચ અનુસાર  ઇન્ટરનેટ પર વાદળી રંગની બોલબાલા છે. વાદળી રંગ પર વહાલનાં કારણો જાણો છો?


(કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કરેલું છે)

ગુજરાતી ભાષાનાં નિતાંત સ-રસ પુસ્તકોમાંનું એક એટલે ‘શિયાળાની સવારનો તડકો’. વાડીલાલ ડગલીના આ નિબંધસંગ્રહના પહેલા જ નિબંધનું શીર્ષક છે - ‘આકાશ બધે આસમાની છે’. પૃથ્વી પર આમ પણ વાદળી રંગનું પ્રભુત્વ રહ્યું છે. બ્રહ્માંડના ગ્રહો પર નજર નાખીશું તો તેમાં પૃથ્વી પોતે જ વાદળી રંગની જોવા મળશે! વાદળી રંગનો પ્રભાવ આપણા પર એટલો બધો છે કે આપણા આદિદેવ શિવ પણ વાદળી રંગના જ દર્શાવાય છે, એટલું જ નહીં, વિષ્ણુ ઉપરાંત તેમના અવતાર મનાતા શ્રીરામ અને શ્રીકૃષ્ણને પણ આપણે વાદળી રંગના જ ભજીએ છીએ. આમ, વાદળી રંગ પ્રત્યેનું વહાલ પૌરાણિક કાળથી ચાલ્યું આવે છે અને આજે પણ અકબંધ છે! તાજેતરમાં ઇન્ટરનેટ પર વેબસાઇટ્સમાં વપરાતા રંગો પર એક સંશોધન હાથ ધરાયું હતું, જેમાં વાદળી રંગની બોલબાલા જોવા મળી છે.

વાત એમ છે કે પૉલ હેબર્ટ નામના ડિઝાઇનરે ઇન્ટરનેટ પરની સૌથી લોકપ્રિય એવી દસ વેબસાઇટ્સનો રંગની દૃષ્ટિએ અભ્યાસ કર્યો. આ વેબસાઇટ્સના હોમપેજ અને સ્ટાઇલશીટમાં વાપરવામાં આવેલા રંગો અને તેના શેડ્સનું વિસ્તૃત વિશ્લેષણ કરતાં તેને જોવા મળ્યું કે મોટા ભાગની વેબસાઇટ્સ વાદળી રંગને પસંદ કરે છે અને પ્રાધાન્ય આપે છે. લાલ અને પીળા કરતાં વાદળી રંગનો બે ગણો વધારે ઉપયોગ જોવા મળે છે, તો લીલા રંગ કરતાં તો વાદળી રંગ ત્રણ ગણો વધારે વપરાતો હોવાનું જોવા મળ્યું છે. આમ તો ઇન્ટરનેટ પર 47 લાખથી વધારે વેબસાઇટ્સ છે, તેની સામે માત્ર 10 વેબસાઇટ્સનો નમૂનો બહુ નાનો જ કહેવાય, છતાં આ 10 વેબસાઇટ્સમાં ગૂગલ, યુટ્યૂબ, ફેસબુક, બૈદુ (ચીનની સોશિયલ સાઇટ), યાહૂ, વિકિપીડિયા, એમેઝોન, ટ્વિટર વગેરેનો સમાવેશ થાય છે. આમાંની કેટલીક વેબસાઇટ્સનો દબદબો તો એટલો બધો છે કે તે ઇન્ટરનેટના પર્યાય સમાન જ ગણાય છે! આમ, ઇન્ટરનેટ પર વાદળી રંગ છવાયેલો છે, એવું ચોક્કસ કહી શકાય. વાડીલાલ ડગલીના નિબંધના શીર્ષકની તર્જ પર એવું પણ કહેવાનું મન થાય કે ઇન્ટરનેટ બધે આસમાની છે!


વાદળી રંગ પ્રત્યેનું વહાલ ઇન્ટરનેટ ઉપરાંત કપડાંથી લઈને કોર્પોરેટ વર્લ્ડ સુધી વિસ્તરતું જ રહે છે. યુવાનોમાં જીન્સની લોકપ્રિયતા હવે આસમાને પહોંચી છે અને જીન્સમાં તો પહેલેથી આસમાની-વાદળી રંગ જ સૌથી વધારે પોપ્યુલર રહ્યો છે. જીન્સ પહેરનાર ભાગ્યે જ હશે, જેની પાસે બ્લૂ જીન્સ ન હોય. કોર્પોરેટ ક્ષેત્રે પણ લોગોથી માંડીને ફર્નિચરમાં બ્લૂ શેડ્સ વધારે પસંદગી પામી રહ્યા છે. હવે તો માર્કેટિંગના ક્ષેત્રમાં પણ રંગોની બહુ મોટી ભૂમિકા સ્વીકારવામાં આવી છે. મનોવિજ્ઞાનના આધારે કેમ્પેઇનમાં રંગોની પસંદગી કરવામાં આવતી હોય છે. બજારનું મનોવિજ્ઞાન કહે છે કે વાદળી રંગ પહેરનારા પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોવાની છાપ પેદા થતી હોય છે અને એટલે જ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ્સ કે બેન્કકર્મી માટે વાદળી કે તેના જુદા જુદા શેડ્સના રંગોનાં વસ્ત્રો પહેરવાનો આગ્રહ રખાતો હોય છે.


આકાશનો રંગ વાદળી છે અને એટલે આ રંગ સાથે આપોઆપ વિશાળતા પણ જોડાઈ જતી હોય છે. વાદળી રંગ સર્વસમાવેશકતાનો પણ ભાવ ધરાવે છે અને એટલે દલિત આંદોલનો અને દલિત રાજકારણ કરનારા પક્ષો પણ પોતાના ધ્વજ અને ચિહ્્નોમાં વાદળી રંગ પર પસંદગી ઉતારતા હોય છે. વાદળી રંગ આક્રમક રંગ નથી તથા તે સુખદાયક, શાંતિ અને સ્થિરતાનો રંગ ગણાય છે. ફેંગશૂઈમાં વાદળી રંગ પ્રગતિ અને સકારાત્મક પરિવર્તનનો રંગ મનાય છે. વાદળી રંગ પૃથ્વી પર જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને આપણે જાણીએ છીએ કે આપણા શરીરમાં 70 ટકા પાણીનો ભાગ હોય છે ત્યારે વાદળી રંગ પ્રત્યે વહાલ ન ઊપજે તો જ નવાઈ!



(‘દિવ્ય ભાસ્કર’ની 21મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 14, 2016

ચાર પત્રોના ચોકઠામાં સ્ત્રી

દિવ્યેશ વ્યાસ


લેખિત પત્રો હવે દુર્લભ બન્યા છે, એવા સમયમાં ચાર પત્રોએ બહુ ચર્ચા જગાવી છે


(તસવીર અમિતાભ બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ પરથી લીધી છે.)

મોબાઇલ SMS અને વૉટ્સએપ મેસેજીસના પૂરમાં લેખિત પત્રો હવે જુનવાણી જણસ બની ગયા છે. પત્રલેખનની કળા હવે મીડિયામાં પ્રકાશિત થતાં ખુલ્લા પત્ર પૂરતી સીમિત થઈ ગઈ છે. કોઈનો હાથેથી લખેલો પત્ર આપણને મળે, એ ઘટના દુર્લભ બની ગઈ છે એવામાં તાજેતરના દિવસોમાં ચાર પત્રો મીડિયામાં ચમક્યા છે. નોંધનીય એ છે કે આ ચારેય પત્રોના કેન્દ્રમાં સ્ત્રી છે!

સૌથી પહેલા વાત કરીએ હિંદી સિનેમાના શહેનશાહ અમિતાબ બચ્ચને પોતાની પૌત્રી-દોહિત્રીને લખેલા પત્રની. બચ્ચને આ પત્ર તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે લખ્યો હોવાની આશંકા અને આક્ષેપોમાં ચોક્કસ દમ છે, છતાં પત્રમાં તેમણે જે વિચારો વ્યક્ત કર્યા છે, તે પ્રેરક છે. બચ્ચનદાદાના પત્રમાં નોંધનીય બાબત એ ઊપસી આવી છે કે ઉચ્ચ-આધુનિક વર્ગની, હાઇ સોસાયટીની અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી હોવા છતાં સમાજ તો તેને એક યુવતી કે સ્ત્રીની જ નજરે જોતો હોય છે અને એટલું જ નહીં તેના પર પોતાના વિચારો-બંધનો લાદતો હોય છે. બચ્ચન રૂઢીમાં કે જ્યોતિષમાં માનતા હશે, એની ના નહીં, છતાં મહિલાઓ અને તેમની સ્વતંત્રતા અંગેના તેમના વિચારો ઘણા આધુનિક છે અને એટલે જ તેમનો પત્ર દરેક દીકરી માટે વાંચનીય રહ્યો. (બચ્ચનના હસ્તાક્ષરમાં આ પત્ર વાંચવા ક્લિક કરો આ લિંકhttp://indianexpress.com/article/entertainment/bollywood/amitabh-bachchan-letter-to-aaradhya-navya-naveli-is-a-must-read-for-every-girl-3014245/ )

બીજો પત્ર હરિયાણાની ગાયક-નર્તક સપના ચૌધરીનો છે અને તે સુસાઇડ નોટ તરીકે લખાયો છે! હરિયાણા જ નહીં પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ લોકપ્રિય એવી સપનાએ ગત ફેબ્રુઆરી મહિનામાં ચકકરપુર ગામે એક કાર્યક્રમમાં લોકોની ડિમાંડ પર ‘બિગડ્યા’ નામની રાગિણી (ગીત) ગાયલી, જેમાં જાતિસૂચક ઉલ્લેખો હતાં. આ ગીત ગાવા બદલ તેના વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાયો હતો. જોકે, સપનાએ આ ગીત 40 વર્ષ પહેલાં લખાયેલું અને અનેક લોકો દ્વારા ગવાયેલું હોવાનો બચાવ કરવા સાથે જાહેરમાં માફી માગી લીધેલી છતાં તેનો ઉગ્ર વિરોધ જારી રહ્યો હતો. સપનાએ સુસાઇડ નોટમાં લખ્યું છે, ‘મને માફ કરવાનું તો દૂરની વાત તેણે (સપના વિરુદ્ધ કેસ કરનાર) મારા ચારિત્ર્ય અંગે પણ ખોટી-ગંદી વાતોનો પ્રયોગ કર્યો અને પોતાની ફેસબુક આઈડી પર બહુ જ અશ્લીલ શબ્દોનો ઉપયોગ મારા વિશે કર્યો. જેમકે, નચનિયા, વેશ્યા, જિસ્મ વેચનારી, આની જગ્યા તો પાકિસ્તાનમાં છે, આણે હરિયાણાને બદનામ કર્યું છે.’ ગાતી-નાચતી સ્ત્રીને જોઈને મોજમાં આવી જનારા પુરુષો જાણે આવી સ્ત્રીને ભરપેટ ભાંડવાની તકની રાહ જ જોતાં હોય છે, એ અસહ્ય વાસ્તવિકતાને આ પત્રે ખુલ્લી પાડી છે. સ્ત્રી સાથે વાંધો પડતાં સીધો તેના ચારિત્ર્ય પર જ હુમલો  કરવાની ગંદી માનસિકતામાંથી પુરુષ ક્યારે બહાર આવશે? (સપના ચૌધરીની સ્યુસાઇડ નોટ  વાંચવા ક્લિક કરો આ લિંક http://www.sapnaharyanvi.in/sapna-dancer-death-news-suicide-letter-is-sapna-chaudhary-alive-or-not-read-full-story-in-hindi.html )


ત્રીજો પત્ર પાકિસ્તાનની એક બલુચ દીકરી હનીનો છે, જેના પિતા અબ્દુલ વાહિદ બલુચનું જુલાઈ મહિનામાં અપહરણ કરાયું હતું અને આજદિન સુધી તેમનો કોઈ અત્તોપત્તો નથી. હનીનો પત્ર પાકિસ્તાની મીડિયામાં બહુ ચર્ચિત બન્યો છે. દીકરીએ હૃદયવિદારક પત્રમાં લખ્યું છે, ‘પપ્પા તમે મને બધું જ શીખવાડ્યું, પરંતુ તમારા વિના રહેતા નહોતું શીખવ્યું!’ આ પત્ર આંખ ભીની ન કરે તો જ નવાઈ! (હનીનો પત્ર વાંચવા ક્લિક કરો આ લિંક http://www.dawn.com/news/1282017/papa-im-sorry-i-am-your-useless-daughter)

ચોથો અને આખરી પત્ર એક મહિલા પ્રશંસકનો છે, જેણે એરપોર્ટ પર મળી ગયેલા સુનિલ ગ્રોવરને ઉતાવળે ટિશ્યૂ પેપર પર લખીને આપ્યો હતો. ટૂંકા પત્રમાં લખ્યું છે, ‘છેલ્લા છ મહિના બહુ કપરા નીકળ્યા. મેં મારા એકના એક દીકરાને કેન્સરને કારણે ગુમાવી દીધો. એ મુશ્કેલ સમયમાં પણ તેં અમને હસાવ્યા. આભાર!’ એક સારો કલાકાર કઈ રીતે જાણ્યે-અજાણ્યે લોકોના જીવનને સુખી-આનંદપૂર્ણ બનાવી શકે, એનો આ પુરાવો છે. (હસ્તલિખિત પત્ર જોવા ક્લિક કરો આ લિંક https://twitter.com/WhoSunilGrover/status/771960132959952896/photo/1)

આ ચારેય પત્રોમાં સ્ત્રી અંગેના જુદાં જુદાં ચાર પરિમાણો ઊપસી આવ્યાં છે, જે ફાલતું ચર્ચા નહીં પણ વિચાર કરવા પ્રેરે છે. પત્રો ક્યાંકથી મેળવીને વાંચજો અને વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 7, 2016

હવે તો જાગી છે સંવેદના

દિવ્યેશ વ્યાસ


દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે


(અમાનવીય ઘટનાઓની તસવીરોનું આ કોલાજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કર્યું છે.)

ઓડિશા રાજ્યના કાલાહાંડી વિસ્તારની કમનસીબી એ છે કે ત્યાંથી આપણાં કાળજાં બળે એવા જ સમાચારો મળતા હોય છે. ભૂખમરા માટે કુખ્યાત આ વિસ્તારમાંથી ઑગસ્ટના છેલ્લા સપ્તાહમાં બે સમાચારે માત્ર આપણા દેશના જ નહીં, પરંતુ વિશ્વભરના લોકોની લાગણીને ઝકઝોળી હતી. દાનાે માંઝીની પત્નીનું ટીબીની સારવાર દરમિયાન મોત થયું. નાણાંના અભાવે કોઈ વાહન ન મળતાં આખરે દાનોભાઈએ પત્નીની લાશને કાપડથી વીંટાળીને ખભે ચડાવીને પોતાના ગામ તરફ ચાલતી પકડી. ખભે પત્નીની લાશ લઈ જતાં દાનો માંઝી અને ચોધાર આંસુએ રડતી દીકરીનાં દૃશ્યો ન્યૂઝ ચેનલ્સ અને અખબારોમાં ચકમતાં કરોડો લોકોની આંખો ભીની થઈ હતી. દાનો માંઝીના સમાચાર ક્લિક થતાં બાલાસોર વિસ્તારની 24 ઑગસ્ટની ઘટના પણ પ્રકાશમાં આવી. સોલોમની બારિક નામની આધેડ મહિલાનું અંજીગ્રામ સ્ટેશન પર ટ્રેનથી ટકરાવાથી મોત થયું. અકડાઈ ગયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવા માટે તેના થાપાનું હાડકું તોડીને પોટલું વાળી દેવાયું!

આ બે સમાચારે એટલી ચકચાર જગાવી કે આ પ્રકારની ઘટનાઓને અચાનક પ્રાધાન્ય મળવા લાગ્યું અને આવા ન્યૂઝની હારમાળા સર્જાઈ. મધ્યપ્રદેશના દામોહમાં ચાલુ બસમાં એક બીમાર મહિલાનું મોત થયું. ડ્રાઇવરે એ મહિલાના પતિ રામસિંહ, તેમની માતા અને માત્ર પાંચ દિવસની નવજાત બાળકીને પત્નીના મૃતદેહ સાથે જંગલમાં વચ્ચે જ બસમાંથી ઉતારી દીધાં. તો બીજી ઘટના મધ્યપ્રદેશના જ બડામલહરામાં બની. વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે ગર્ભવતી મહિલાએ પ્રસૂતિ માટે 6 કિલોમીટર ચાલીને દવાખાને જવું પડ્યાના સમાચાર ચમક્યા.

અન્ય એક ઘટના ઉત્તર પ્રદેશ કાનપુરમાં ઘટી. 12 વર્ષના અંશને મોડી રાતથી તાવ આવ્યો હતો. પિતા હોસ્પિટલ લઈ ગયા, પરંતુ સારવાર મળે એ પહેલાં ખભે સુવડાવી રાખેલો પુત્ર હંમેશ માટે પોઢી ગયો!
આવી એક આઘાતજનક ઘટના ગુજરાતમાં વડોદરા ખાતે પણ ઘટી. રવિ કિશોરશંકર રાવ નામના યુવકનું બીમારીને કારણે મોત થયું. નાણાં અને કાંધિયાના અભાવે તેનાં માતા-પિતાએ મૃતદેહ લઈને દસ-બાર કલાક બેસી રહેવું પડ્યું હતું.

આવી ઘટનાઓના ન્યૂઝ જોઈને ઉતાવળે એવાં તારણો કાઢવામાં આવી રહ્યાં છે કે આપણી માનવતા મરી પરવારી છે. આજનો માણસ-સમાજ સંવેદનહીન બની ગયો છે. આપણી સરકાર નિષ્ક્રિય-નિષ્ઠુર છે વગેરે વગેરે. જોકે, સાવ એવું નથી. આ ઘટનાઓ બેશક એવી જ છે કે આપણી સંવેદનાઓ સામે સવાલ ઊભા કરી શકાય, પરંતુ જરાક અલગથી અને લાંબું વિચારતાં સમજાય છે કે આ ઘટનાઓનું આપણાં મુખ્યધારાનાં માધ્યમોમાં ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના જાગી હોવાના જ સંકેત આપે છે. આવી ઘટનાઓ અગાઉ નહોતી બનતી એવું તો છે જ નહીં, પરંતુ હવે બને છે ત્યારે લોકો એની નોંધ લઈ રહ્યા છે, સોશિયલ મીડિયા પર એની ચર્ચા કરવા માંડ્યા છે અને પરિણામે માધ્યમોને પણ હવે તેમાં ‘ન્યૂઝ વેલ્યૂ’ દેખાવા માંડી છે.

દલિત અત્યાચારના મામલે પણ આવું જ બન્યું છે. ઉના પછી અચાનક દલિત અત્યાચારના સમાચારોની સંખ્યા વધી ગઈ છે. અત્યાચાર તો થતાં જ હતા, પરંતુ હવે તેને માધ્યમોમાં સ્થાન મળી રહ્યું છે. આમ, દાનો માંઝી વગેરેની ઘટનાઓ અને દલિત અત્યાચારોનું ચમકવું એ ખરેખર તો આપણી સંવેદના વધુ તીવ્ર બન્યાના પુરાવા છે. આશા રાખીએ આવી ઘટનાઓ અંગે ઊહાપોહ થતો રહે અને તેના ઉપાયો-ઉપચાર અંગે ગંભીર વિચારણા થાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 7 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, September 2, 2016

લાજવાબ લુંગી : પહેરવેશથી પ્રતીક સુધી

દિવ્યેશ વ્યાસ



બર્મુડાબ્રાંડ નવી પેઢીમાં લુંગીનું ચલણ ઘટયું છે, છતાં કોઈ પણ જાતની આંટીઘૂંટી વિનાનું લુંગી નામનું સીધુંસાદું વસ્ત્ર અનેક સગવડની સાહ્યબી પૂરી પાડે છે

(તસવીરો ગૂગલ પરથી મેળવેલી છે.)

 'ચેન્નઈ એક્સપ્રેસ'નો લુંગી ડાન્સ આજકાલ ધૂમ મચાવી રહ્યો છે. શાહરુખ ખાન અને રોહિત શેટ્ટી લુંગી ડાન્સને દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપર સ્ટાર વન એન્ડ ઓન્લી રજનીકાંતને અંજલિ રૂપ ગણાવે છે, પણ લુંગીને ચટપટી રીતે પ્રેઝન્ટ કરીને તેમણે દક્ષિણ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. દક્ષિણ ભારતનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં લોકો લુંગી ન પહેરતા હોય. લુંગી તેમનો માત્ર પહેરવેશ નથી પણ તેમની ઓળખ બની ગઈ છે. અલબત્ત, લુંગી માત્ર દક્ષિણ ભારતમાં જ પહેરાય છે, એવું નથી. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ઘણા લોકો ઘરમાં નિરાંતના સમયે લુંગી જ પહેરતા હોય છે. કામકાજના સ્થળે મોટા ભાગના લોકો લુંગી નથી પહેરતા પણ કારીગરો તેમને ટ્રક ડ્રાઇવરથી માંડીને રત્ન કલાકારોમાં લુંગી લોકપ્રિય છે.

લુંગી એક સીધુંસાદું અને સિલાઈની દૃષ્ટિએ તે સાવ સરળ વસ્ત્ર છે. તકનીકી દૃષ્ટિએ માર્કેટમાં બે પ્રકારની લુંગી ઉપલબ્ધ હોય છે, એક તો સીધી લાંબા ધોતિયાના કાપડ જેવા સ્વરૂપે મળે છે, જ્યારે બીજા પ્રકારની લુંગી નળાકાર હોય છે, જેને સીવીને તૈયાર કરવામાં આવી હોય છે. આપણે ત્યાં મોટા ભાગે બીજા પ્રકારની લુંગી વધારે ચલણમાં છે. લુંગી મોટા ભાગે પ્લેન (સફેદ), ચેક્સમાં અથવા તો બાટિકની જુદી જુદી ડિઝાઇન અને રંગોમાં ઉપલબ્ધ હોય છે. લુંગી સામાન્ય રીતે કોટન તૈયાર થતી હોય છે, પરંતુ લગ્ન વગેરે શુભપ્રસંગોએ પહેરાતી લુંગી સિલ્ક જેવા કીમતી વસ્ત્રોમાંથી પણ બનાવેલી હોય છે.

આપણા દેશમાં અન્ય વિવિધતાઓની સાથે સાથે વેશભૂષાની વિવિધતા પણ અનેરી છે. આપણે ત્યાં લોકો કમર નીચે ધોતી, પોતડી, પંચિયું, ચોયણી, પાઇજામો-પેન્ટ-પાટલુન, લેંઘો, ચડ્ડો, બર્મુડો, ટ્રાઉઝર્સ, ટ્રેકશૂટ, જિન્સ વગેરે જાતભાતનાં વસ્ત્રો પહેરતા હોય છે, પરંતુ આ બધામાં અનુકૂળતાની દૃષ્ટિએ લુંગી એક આગવું સ્થાન અને ઓળખ ધરાવે છે. 'ભગવદ્ ગોમંડળ'માં લુંગીની એક ટૂંકી અને લુંગી જેવી જ સરળ વ્યાખ્યા આપવામાં આવી છે, 'કાછડી વાળ્યા વગર કેડે વીંટવાનું વસ્ત્ર'. લુંગી મોટા ભાગે દરિયાકાંઠાના વિસ્તારો તેમજ ગરમ પ્રદેશોમાં વધારે પહેરવામાં આવે છે, કારણ કે ગરમી અને ભેજવાળા વાતાવરણમાં પરસેવો બહુ વળતો હોય ત્યાં પાયજામા-પેન્ટ માફક આવતાં નથી ત્યારે લુંગી સૌથી સાનુકૂળ વસ્ત્ર બની રહે છે. લુંગી પહેરીને વ્યક્તિ રિલેક્સ ફીલ કરી શકે છે અને એટલે જ ગરીબ અને મધ્યમ વર્ગ જ નહીં ભદ્ર ગણાતા સમાજમાં પણ લોકો ઘરમાં લુંગી પહેરવાનું પસંદ કરે છે.

લુંગીનો ઇતિહાસ બહુ સ્પષ્ટ નથી, પરંતુ કહેવાય છે કે દક્ષિણ પૂર્વી દેશોમાંથી આવતાં વેપારીઓ અને ખલાસીઓ થકી આપણા દેશમાં લુંગીનું આગમન થયેલું. આપણા દેશમાં પહેલાં આંધ્ર પ્રદેશ અને પછી તામિલનાડુમાં છઠ્ઠી અને દસમી સદીમાં લુંગી પહેરવાનું શરૂ થયું હોવાનું મનાય છે. આંધ્ર અને તામિલનાડુ પછી ધીમે ધીમે કેરળ, બંગાળ (પશ્ચિમ બંગાળ અને આજના બાંગ્લાદેશ બન્નેમાં), ઓરિસા, આસામ, બિહાર, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પ્રસરી છે. હિમાલયન રાજ્યો અને ઠંડા પ્રદેશો સિવાય બધે લુંગી પહેરાય છે. અલબત્ત, દક્ષિણનાં રાજ્યોની જેમ લુંગી ઘર અને ઘરબહાર એટલે કે કામકાજી સ્થળોમાં પહેરાતી નથી, પણ નિરાંતના સમયે લુંગી પહેરવાનું અચૂક પસંદ કરાય છે.

આપણા દેશમાં લુંગી અલગ અલગ પ્રદેશ અને ભાષા પ્રમાણે જુદાં જુદાં નામે પણ ઓળખાય છે. મોટા ભાગે સારંગ અને ઇઝાર તરીકે જાણીતી છે, છતાં દ. ભારતમાં ક્યાંક ફણેક પણ કહેવાય છે. મલયાલમમાં તેના માટે મુંડુ શબ્દ છે, બંગાળમાં ધુતી કે ધોતી, તામિલમાં વેષ્ટી, તેલુગુમાં પંચા, કન્નડમાં પન્ચે જ્યારે પંજાબમાં તેના માટે ચદ્રા શબ્દ વપરાય છે. ભારત ઉપરાંત દક્ષિણ પૂર્વી દેશો અને આફ્રિકન દેશોમાં પણ લુંગીની લોકપ્રિયતા બરકરાર છે.

લુંગી એ માત્ર પહેરવેશ નથી પણ પ્રતીક તરીકે પણ જાણીતી છે. તમને મહાત્મા ગાંધીનો દક્ષિણ આફ્રિકાની પેલી તસવીર યાદ છે, જેમાં તેમણે પહેલી વાર પોતાના વાળ જાતે કાપ્યા હતા અને વિદેશી પહેરવેશનો ત્યાગ કરીને સ્વદેશી વેશભૂષા અપનાવી હતી, એ વખતે ગાંધીજીએ સફેદ ઝભ્ભાની નીચે સફેદ લુંગી વીંટાળી હતી. આમ, તેને ભારતીયની ઓળખ બનવાનું બહુમાન પણ મળેલું છે તો બીજી તરફ મુંબઈ-મહારાષ્ટ્રમાં બાળ ઠાકરેએ જ્યારે દક્ષિણ ભારતીયોને રંજાડવાનું શરૂ કર્યું ત્યારે 'લુંગી ભગાવો, પુંગી બજાવો' એવું ઝેરી સૂત્ર આપેલું! આમ, લુંગી દ્વેષભાવનો પણ ભોગ બની ચૂકી છે.

બર્મુડાબ્રાંડ નવી પેઢીમાં લુંગીનું ચલણ ઘટયું છે, છતાં પણ લુંગી ડાન્સમાં ઘેલા થયેલા યુવાનો કદાચ લુંગી તરફ પાછા વળી શકે છે. યે આરામ કા મામલા હૈ!

(‘સંદેશ’ની 31 ઑગસ્ટ, 2013ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)