Wednesday, September 14, 2016

ચાર પત્રોના ચોકઠામાં સ્ત્રી

દિવ્યેશ વ્યાસ


લેખિત પત્રો હવે દુર્લભ બન્યા છે, એવા સમયમાં ચાર પત્રોએ બહુ ચર્ચા જગાવી છે


(તસવીર અમિતાભ બચ્ચનના ટ્વીટર એકાઉન્ટ પરથી લીધી છે.)

મોબાઇલ SMS અને વૉટ્સએપ મેસેજીસના પૂરમાં લેખિત પત્રો હવે જુનવાણી જણસ બની ગયા છે. પત્રલેખનની કળા હવે મીડિયામાં પ્રકાશિત થતાં ખુલ્લા પત્ર પૂરતી સીમિત થઈ ગઈ છે. કોઈનો હાથેથી લખેલો પત્ર આપણને મળે, એ ઘટના દુર્લભ બની ગઈ છે એવામાં તાજેતરના દિવસોમાં ચાર પત્રો મીડિયામાં ચમક્યા છે. નોંધનીય એ છે કે આ ચારેય પત્રોના કેન્દ્રમાં સ્ત્રી છે!

સૌથી પહેલા વાત કરીએ હિંદી સિનેમાના શહેનશાહ અમિતાબ બચ્ચને પોતાની પૌત્રી-દોહિત્રીને લખેલા પત્રની. બચ્ચને આ પત્ર તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે લખ્યો હોવાની આશંકા અને આક્ષેપોમાં ચોક્કસ દમ છે, છતાં પત્રમાં તેમણે જે વિચારો વ્યક્ત કર્યા છે, તે પ્રેરક છે. બચ્ચનદાદાના પત્રમાં નોંધનીય બાબત એ ઊપસી આવી છે કે ઉચ્ચ-આધુનિક વર્ગની, હાઇ સોસાયટીની અને પ્રતિષ્ઠિત પરિવારની દીકરી હોવા છતાં સમાજ તો તેને એક યુવતી કે સ્ત્રીની જ નજરે જોતો હોય છે અને એટલું જ નહીં તેના પર પોતાના વિચારો-બંધનો લાદતો હોય છે. બચ્ચન રૂઢીમાં કે જ્યોતિષમાં માનતા હશે, એની ના નહીં, છતાં મહિલાઓ અને તેમની સ્વતંત્રતા અંગેના તેમના વિચારો ઘણા આધુનિક છે અને એટલે જ તેમનો પત્ર દરેક દીકરી માટે વાંચનીય રહ્યો. (બચ્ચનના હસ્તાક્ષરમાં આ પત્ર વાંચવા ક્લિક કરો આ લિંકhttp://indianexpress.com/article/entertainment/bollywood/amitabh-bachchan-letter-to-aaradhya-navya-naveli-is-a-must-read-for-every-girl-3014245/ )

બીજો પત્ર હરિયાણાની ગાયક-નર્તક સપના ચૌધરીનો છે અને તે સુસાઇડ નોટ તરીકે લખાયો છે! હરિયાણા જ નહીં પરંતુ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ લોકપ્રિય એવી સપનાએ ગત ફેબ્રુઆરી મહિનામાં ચકકરપુર ગામે એક કાર્યક્રમમાં લોકોની ડિમાંડ પર ‘બિગડ્યા’ નામની રાગિણી (ગીત) ગાયલી, જેમાં જાતિસૂચક ઉલ્લેખો હતાં. આ ગીત ગાવા બદલ તેના વિરુદ્ધ એટ્રોસિટીનો કેસ નોંધાયો હતો. જોકે, સપનાએ આ ગીત 40 વર્ષ પહેલાં લખાયેલું અને અનેક લોકો દ્વારા ગવાયેલું હોવાનો બચાવ કરવા સાથે જાહેરમાં માફી માગી લીધેલી છતાં તેનો ઉગ્ર વિરોધ જારી રહ્યો હતો. સપનાએ સુસાઇડ નોટમાં લખ્યું છે, ‘મને માફ કરવાનું તો દૂરની વાત તેણે (સપના વિરુદ્ધ કેસ કરનાર) મારા ચારિત્ર્ય અંગે પણ ખોટી-ગંદી વાતોનો પ્રયોગ કર્યો અને પોતાની ફેસબુક આઈડી પર બહુ જ અશ્લીલ શબ્દોનો ઉપયોગ મારા વિશે કર્યો. જેમકે, નચનિયા, વેશ્યા, જિસ્મ વેચનારી, આની જગ્યા તો પાકિસ્તાનમાં છે, આણે હરિયાણાને બદનામ કર્યું છે.’ ગાતી-નાચતી સ્ત્રીને જોઈને મોજમાં આવી જનારા પુરુષો જાણે આવી સ્ત્રીને ભરપેટ ભાંડવાની તકની રાહ જ જોતાં હોય છે, એ અસહ્ય વાસ્તવિકતાને આ પત્રે ખુલ્લી પાડી છે. સ્ત્રી સાથે વાંધો પડતાં સીધો તેના ચારિત્ર્ય પર જ હુમલો  કરવાની ગંદી માનસિકતામાંથી પુરુષ ક્યારે બહાર આવશે? (સપના ચૌધરીની સ્યુસાઇડ નોટ  વાંચવા ક્લિક કરો આ લિંક http://www.sapnaharyanvi.in/sapna-dancer-death-news-suicide-letter-is-sapna-chaudhary-alive-or-not-read-full-story-in-hindi.html )


ત્રીજો પત્ર પાકિસ્તાનની એક બલુચ દીકરી હનીનો છે, જેના પિતા અબ્દુલ વાહિદ બલુચનું જુલાઈ મહિનામાં અપહરણ કરાયું હતું અને આજદિન સુધી તેમનો કોઈ અત્તોપત્તો નથી. હનીનો પત્ર પાકિસ્તાની મીડિયામાં બહુ ચર્ચિત બન્યો છે. દીકરીએ હૃદયવિદારક પત્રમાં લખ્યું છે, ‘પપ્પા તમે મને બધું જ શીખવાડ્યું, પરંતુ તમારા વિના રહેતા નહોતું શીખવ્યું!’ આ પત્ર આંખ ભીની ન કરે તો જ નવાઈ! (હનીનો પત્ર વાંચવા ક્લિક કરો આ લિંક http://www.dawn.com/news/1282017/papa-im-sorry-i-am-your-useless-daughter)

ચોથો અને આખરી પત્ર એક મહિલા પ્રશંસકનો છે, જેણે એરપોર્ટ પર મળી ગયેલા સુનિલ ગ્રોવરને ઉતાવળે ટિશ્યૂ પેપર પર લખીને આપ્યો હતો. ટૂંકા પત્રમાં લખ્યું છે, ‘છેલ્લા છ મહિના બહુ કપરા નીકળ્યા. મેં મારા એકના એક દીકરાને કેન્સરને કારણે ગુમાવી દીધો. એ મુશ્કેલ સમયમાં પણ તેં અમને હસાવ્યા. આભાર!’ એક સારો કલાકાર કઈ રીતે જાણ્યે-અજાણ્યે લોકોના જીવનને સુખી-આનંદપૂર્ણ બનાવી શકે, એનો આ પુરાવો છે. (હસ્તલિખિત પત્ર જોવા ક્લિક કરો આ લિંક https://twitter.com/WhoSunilGrover/status/771960132959952896/photo/1)

આ ચારેય પત્રોમાં સ્ત્રી અંગેના જુદાં જુદાં ચાર પરિમાણો ઊપસી આવ્યાં છે, જે ફાલતું ચર્ચા નહીં પણ વિચાર કરવા પ્રેરે છે. પત્રો ક્યાંકથી મેળવીને વાંચજો અને વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 14મી સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment