Wednesday, September 28, 2016

આ દુશ્મનનો ખાતમો જરૂરી

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે સેંકડો દેશવાસીઓ મલેરિયા સહિતની મચ્છરજન્ય બીમારીઓને કારણે જીવ ગુમાવે છે. તેની સામે યુદ્ધે ક્યારે ચડીશું?


(તસવીર ગૂગલ પરથી મેળવેલી છે.)

ઉરી હુમલામાં દેશના 18 જવાનો શહીદ થયા પછી દેશમાં પાકિસ્તાન પ્રત્યેનો આક્રોશ ચરમ પર પહોંચી ગયો છે. આ માહોલમાં લોકોને પૂછવામાં આવે કે દેશનો સૌથી મોટો દુશ્મન કોણ? તો 90 ટકાથી વધારે લોકો પાકિસ્તાનનું જ નામ આપશે. બની શકે કે બે-પાંચ ટકા દબાતી જીભે ચીનનું નામ પણ દઈ દે. મોટાભાગના લોકો પાકિસ્તાન પર યુદ્ધ કરીને તેને પાઠ ભણાવવા તલપાપડ છે, પરંતુ પાકિસ્તાન કરતાં પણ વધારે ખતરનાક દુશ્મનો અંગે આપણે ભારોભાર દુર્લક્ષ્ય દાખવતા આવ્યા છીએ. પાકિસ્તાન સરહદ પર ગમે તેટલાં અળવીતરાં કરે કે મોકો મળે ત્યારે પઠાણકોટ કે ઉરી જેવા હુમલાઓને અંજામ આપે છતાં હકીકત એ છે કે ભારત જેવા વિરાટ અને વિકાસમાન દેશનું તે કંઈ બગાડી શકવા સક્ષમ નથી, જ્યારે બીજા કેટલાક દુશ્મન તો એવા છે, જે દર વર્ષે સેંકડો દેશવાસીઓને કમોતે મારે છે અને દેશના અર્થતંત્રને પણ કરોડોનો ચૂનો લગાડે છે. આ દુશ્મનો એટલે મલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં માથું ઊંચકતા આ રોગરાક્ષસો સામે આપણું લોહી કેમ નથી ઉકળતું? આપણી ચર્ચાઓમાં સરહદની ચિંતા જેટલી ઝળકે છે, એટલી આપણાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રોની કથળેલી હાલતની ચિંતા વ્યક્ત થતી નથી. સરહદની ચિંતા જરૂર કરીએ, પણ સ્વાસ્થ્ય બાબતે બેદરકાર ન બનવું જોઈએ. આપણી બેદરકારી-બેપરવાહીને કારણે જ આરોગ્યના મુદ્દે આપણાં તંત્રો અને સરકારો પણ જોઈએ એટલી સભાન-સક્રીય જોવા મળતી નથી. પરિણામ એ આવ્યું છે કે હેલ્થ ઇન્ડેક્સમાં 188 દેશોમાં ભારતનો ક્રમ બહુ પાછળ 143મો આવ્યો છે.

આજકાલ દેશમાં આરોગ્યની સ્થિતિ એટલી કથળી છે કે દિલ્હી હાઈકોર્ટે હોસ્પિટલોને આદેશ આપવો પડ્યો છે કે પથારીના અભાવે પણ દર્દીઓને પાછા ન કાઢવા! ડેન્ગ્યૂ અને મલેરિયાનો પ્રકોપ આજકાલ આપણા દેશવાસીઓના જીવનો દુશ્મન બન્યો છે. એક અહેવાલ અનુસાર આ વર્ષે દેશમાં અત્યાર સુધીમાં મલેરિયાના 8 લાખ કેસો સામે આવ્યા છે, એટલું જ નહીં, પરંતુ આશરે સવાસો લોકોએ મલેરિયાને કારણે જીવ ખોયા છે. દેશની 95 ટકા વસ્તી સુધી મલેરિયાના મચ્છરોનું ન્યૂસન્સ ફેલાયેલું છે. દેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં નિદાન અને સારવારના અભાવે લાખો લોકો મલેરિયાથી પીડાય છે. મલેરિયાની સૌથી કષ્ટદાયક હકીકત એ છે કે તે આપણાં નવજાત શિશુઓ અને સગર્ભા માતાઓને સૌથી વધુ શિકાર બનાવે છે.

સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) આપણા પાડોશી દેશ શ્રીલંકાને મલેરિયામુક્ત રાષ્ટ્ર જાહેર કર્યું હતું. વર્ષ 2012 પછી શ્રીલંકામાં મલેરિયાનો એક પણ કેસ નોંધાયો નથી. 1960ના દાયકામાં મલેરિયાથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાંના એક એવા શ્રીલંકાએ રાજકીય-વહીવટી પ્રતિબદ્ધતા થકી મલેરિયામુક્તિ હાંસલ કરી લીધી છે. ભારત કરતાં વિસ્તાર અને વિકાસની દૃષ્ટિએ ટચૂકડો એવો શ્રીલંકા મલેરિયામુક્ત બનવાની સિદ્ધિ હાંસલ કરી શક્યો છે, જ્યારે ભારતમાં સ્થિતિ ઊલટી છે. દેશમાં વર્ષ 2012માં મલેરિયાને કારણે 519 લોકોનાં મોત થયાં હતાં, જે આંકડો ઘટવાને બદલે 2014માં વધીને 562 થયો હતો.

ભારતમાં ઈ.સ. 1953થી મલેરિયા વિરુદ્ધ કાર્યક્રમ ચાલે છે, સમયાંતરે તેનાં નામો બદલાય છે, પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. આરોગ્ય એ રાજ્ય સરકારનો વિષય છે. રાજ્ય સરકારો કેન્દ્ર પાસેથી ફંડ ન મળતું હોવાનાં રોદણાં રડે છે, પરંતુ તાજેતરમાં આંકડા જારી થયા છે કે 2015-16માં રાજ્યોને મચ્છરજન્ય રોગોના સામના માટે 620 કરોડ ફાળવાયા હતા, પરંતુ તેમાંથી માત્ર 259 કરોડ જ વપરાયા છે, બાકીનાં નાણાં પડ્યાં રહ્યાં છે. હવે બોલો, આ રીતે મલેરિયાથી મુક્તિ ક્યારે મળશે? મિલિટન્ટ જેટલો જ આક્રોશ મલેરિયા સામે પેદા થાય તો વાત બને!

(‘દિવ્ય ભાસ્કર’ની 28 સપ્ટેમ્બર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

No comments:

Post a Comment