Wednesday, October 5, 2016

એસિડ એટેક વિ. આર્ટ એક્ટ

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ ઉપરાંત સમગ્ર સમાજ માટે સંદેશો આપતી કૉમિક બુક ‘પ્રિયાઝ મિરર’ એક કાબિલેદાદ પ્રયાસ છે


(તસવીરો પ્રિયાઝ મિરરની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી છે)

ભારત નં.1 દેશ બને, એ તો આપણા સૌનું સપનું છે, પરંતુ આપણો દેશ આજેય કેટલીક એવી બાબતોમાં નંબર વન છે, જેના માટે આપણું શીશ શરમથી ઝૂકી શકે છે. તમને જાણીને આઘાત લાગી શકે કે મહિલાઓ પર થતાં એસિડ એટેકની બાબતમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે આવે છે. દુનિયામાં થતાં કુલ એસિડ એટેકમાંથી સૌથી વધારે આપણા દેશમાં થઈ રહ્યા છે અને દુખદ વાત એ છે કે તેમાં સતત વધારો થતો જાય છે. વર્ષ 2011માં ભારતમાં એસિડ એટેકના 83 કેસ નોંધાયા હતા, પરંતુ એ આંકડો 2015માં ઉછળીને 349 થઈ ગયો હતો. દેશમાં એસિડ એટેકના વધતાં કેસને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એસિડના વેચાણ પર નિયંત્રણો મૂકવાનો આદેશ આજથી ત્રણ વર્ષ અગાઉ આપેલો છે, છતાં સ્થિતિમાં જોઈએ એવો સુધારો જોવા મળતો નથી.

સ્ત્રીઓ પર થતાં અત્યાચારોમાં એસિડ એટેકને બળાત્કાર કરતાં પણ વધારે ક્રૂર, અમાનવીય અને ઘાતક માનવામાં આવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતી પોતાનો મૂળ દેખાવ કે ચહેરાની ઓળખ ગુમાવી બેસે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેની આંખો બળી જવાથી અંધાપો પણ આવી જાય છે. સારવારમાં, ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરીના અનેક ઑપરેશન્સ જરૂરી બને છે, જેમાં લાખો રૂપિયા ખર્ચાય છે, જે પીડિતાના પરિવારને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે. (નોંધ. સરકાર એસિટ એટેકની પીડિતાને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવે છે, જ્યારે શ્રેણીબદ્ધ પ્લાસ્ટક સર્જરીનો ખર્ચ 35થી 50 લાખ થઈ જતો હોય છે.) ગમે તેટલી સારવાર પછી પણ યુવતીનો મૂળ દેખાવ કે ચહેરો તો પાછો લાવી શકાતો નથી. એસિડ એટેકની નિશાનીઓ આજીવન તેના ચહેરા પર અંકિત થઈ જાય છે, જે તેને સમાજમાં સામાન્ય જીવન જીવવા દેતી નથી. પુરુષવાદી સમાજમાં એસિડ હુમલાનો ભોગ બનનારી યુવતી માટે ફરી હસીખુશીથી જિંદગી જીવવી કે આજીવિકા રળવી અશક્યવત્ અઘરું થઈ પડતું હોય છે.


યુવતીઓ પર થઈ રહેલા એસિડ એટેક પુરુષના ક્રોધ અને ક્રૂરતા ઉપરાંત તેના અહંકારનું આત્યંતિક પરિણામ હોય છે. સ્ત્રીની ‘ના’ નહીં સહી શકનારા પુરુષોનો અહં ઘવાય છે, ત્યારે તે હિંસક સ્વરૂપ ધારણ કરે છે. ‘તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ નહીં થવા દઉં’, ‘તને બરબાદ કરી દઈશ’, ‘તારી જિંદગી નર્ક બનાવી નાખીશ’ એવા વિચારો કે વાતો જ્યારે દેખાડી દેવાની હદે તીવ્ર બને છે ત્યારે એસિડ એટેક સર્જાય છે, જે યુવતીના જીવનની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી મૂકતા હોય છે.

2012માં દિલ્હી ગેંગરેપની ઘટના પછી રામ દેવીનેની નામના ફિલ્મમેકરને બળાત્કાર પીડિતાને જ સુપરહીરોના સ્વરૂપે દર્શાવીને આ સમસ્યાનો સર્જનાત્મકતાથી સામનો કરવાનો વિચાર આવ્યો અને તેણે ડેન ગોલ્ડમેન સાથે મળીને ‘પ્રિયા શક્તિ’ નામની એક કોમિક બુક તૈયાર કરી, જેને દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ પ્રશંસા સાંપડી હતી. રામભાઈએ હવે ‘પ્રિયા શક્તિ’ શ્રેણીની બીજી કૉમિક બુક તૈયાર કરી છે, જેનું નામ છે - ‘પ્રિયાઝ મિરર’. આ કૉમિક બુક એસિડ એટેકની પીડિતાઓના પુનર્વસનનો સંદેશ લઈને આવી છે. આ કૉમિક બુકનું લૉન્ચિંગ ન્યૂ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લિંકન સેન્ટર ખાતે બીજી ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે જ કરાયું.

‘પ્રિયાઝ મિરર’ પણ ‘પ્રિયા શક્તિ’ની જેવી જ પૌરાણિક કથા આધારિત પાત્રોને સામેલ કરીને એસિડ એટેક અને તેની પીડિતાઓની વ્યથા તેમજ કઈ રીતે તેઓ તેમાંથી બહાર આવી શકે, એની વાત કરે છે. ‘પ્રિયાઝ મિરર’માં નામ પ્રમાણે જ પ્રિયા એવો અરીસો લઈને આવે છે, જે એસિડ એટેકની પીડિતાઓને પોતાની વાસ્તવિકતાને સ્વીકારી-પચાવીને, પોતાની જિંદગી આનાથી પણ વિશેષ છે, એવો સુંદર સંદેશ પાઠવે છે. આ કૉમિક સમાજ સામે પણ અરીસો ધરે છે.

ક્રૂરતા વિરુદ્ધ ક્રિએટિવિટીનો આ સંઘર્ષ ખરેખર મનનીય અને પ્રશંસનીય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(આ કૉમિક બુક ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરવા
ક્લિક કરો આ લિંક - http://www.priyashakti.com/ )

No comments:

Post a Comment