Wednesday, October 26, 2016

વાહ રાજા! Wow રાજા!

દિવ્યેશ વ્યાસ


એકવીસમી સદીમાં પણ જાપાન અને થાઇલેન્ડના રાજાઓએ મેળવેલી લોકચાહના નોંધપાત્ર છે


(બે રાજા અને એક મહારાણીનું રંગીન કોલાજ શોએબ મન્સુરીએ બનાવેલું છે.)

થાઇલેન્ડના રાજા ભૂમિબોલ અતુલ્યતેજનું (થાઇમાં અદુલ્યદેજ)  13મી ઑક્ટોબર, 2016ના રોજ 88 વર્ષની વયે નિધન થયું. થાઇલેન્ડમાં માતમ છવાઈ ગયો. રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલા આ દેશમાં લોકોના ચહેરા પર નોધારાં થઈ ગયાં હોય એવા ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. રાજા ભૂમિબોલ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટોમાંના છે. માત્ર 18 વર્ષની વયે રાજા બનનારા ભૂમિબોલે પાક્કા સાત દાયકા સુધી ગાદી સંભાળી. પોતાની લોકપ્રિયતાની તાકાત અને સૂઝબૂઝથી રાજા ભૂમિબોલે અનેક ઉતારચડાવ અને અફરાતફરીના ગાળામાં પણ દેશમાં સ્થિરતા ટકાવી રાખવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી અને એને કારણે જ તેમના પ્રત્યે સમગ્ર દેશને માન હતું.

રાજા ભૂમિબોલને જ્યારથી રાજગાદી મળી ત્યારથી રાજા તરીકે તેમને કોઈ વિશેષ સત્તાઓ કે અધિકારો મળ્યા નહોતા. તેમનું રાજાપણું પ્રતીકાત્મક હતું, કારણ કે દેશમાં નવા બંધારણ અનુસાર લોકશાહીની સ્થાપના થઈ ચૂકી હતી અને વચ્ચે વચ્ચે લશ્કર બળવો કરીને સત્તા પર આધિપત્ય જમાવી દેતું હતું. જોકે, ભૂમિબોલે જરૂર પડી ત્યારે પોતાના સત્તાક્ષેત્રમાં ન હોય એવી બાબતોમાં પણ હસ્તક્ષેપ કર્યો અને પોતાની રાજકીય કુનેહથી અસ્થિર અને અનિશ્ચિત સ્થિતિઓમાંથી દેશને હંમેશાં ઉગાર્યો હતો. રાજાની આ ઓથ અને સાથ ગુમાવતાં થાઇલેન્ડ શોકમાં સરી પડ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ચૂંટાયેલી સરકારો શાસન સંભાળી રહી છે, છતાં આજે પણ ભૂમિબોલ જેવા સમ્રાટોએ પોતાની પ્રસ્તુતતા અને લોકપ્રિયતા ગુમાવી નથી એ નોંધપાત્ર બાબત છે.

થાઇલેન્ડ ઉપરાંત જાપાનના રાજા અકિહિતો પણ એટલા જ લોકપ્રિય છે. એકદમ ઉદારવાદી વિચાર ધરાવનારા અને સત્તાથી સાવ નિર્લેપ એવા અકિહિતોને પણ લોકોનો પ્રેમ મળ્યો છે. અકિહિતો પણ સીમિત સત્તાઓ ધરાવે છે. રોજિંદા શાસનમાં તેમની કોઈ ભૂમિકા નથી, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે તેઓ વિશ્વસ્તરે એક સ્ટેટ્સમેન તરીકે ઊભરી આવ્યા છે. ગત ઑગસ્ટ મહિનામાં જ તેમણે પોતાની વય અને શારીરિક સમસ્યાઓનો હવાલો આપીને પોતે નિવૃત્ત થવા માગે છે, એવું કહીને મોટો આંચકો આપ્યો હતો. જોકે, લોકોના પ્રતિભાવ અને જાપાનની પરંપરાને ધ્યાનમાં રાખીને તેઓ પદત્યાગ બાબદે કોઈ નક્કર નિર્ણય સુધી આવ્યા નથી, પરંતુ લોકોની પ્રતિક્રિયાએ તેમની લોકપ્રિયતા વધુ એકવાર પુરવાર કરી દીધી.
બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ બીજા પણ ખાસ્સાં લોકપ્રિય છે. તેમણે તો 75 વર્ષ સુધી શાસન કર્યું છે. 90 ક્રિસમસ જોઈ ચૂકેલાં એલિઝાબેથ હજુ કડેધડે છે અને પ્રિન્સ ચાર્લ્સ આજીવન પ્રિન્સ જ રહી શકે એવી સંભાવના જણાય છે. એલિઝાબેથે પોતાનો ઠસ્સો આજેય અકબંધ રાખ્યો છે.

આપણા દેશમાં પણ લોકશાહી હોવા છતાં ઘણા રાજપરિવારો દ્વારા રાજ્યાભિષેકના સમાચારો આવતા હોય છે. રાજાઓને માન-સન્માન મળે છે. લોકશાહીના વૈશ્વિક માહોલમાં રાજાશાહી હવે અપ્રસ્તુત બની છે, છતાં કેટલાક રાજાઓ ‘તાજ’ વિના પણ પોતાની લોકપ્રિયતા જાળવી શક્યા છે. રાજા એટલે કે લીડરમાં લોકો વિશ્વાસ મૂકે છે, પણ તેનું ટકાઉપણું રાજાના ચારિત્ર્ય પર આધારિત છે. નેતૃત્વ ક્યારેય સત્તાનું મોહતાજ  હોતું નથી!

(‘દિવ્ય ભાસ્કર’ની 19 ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment