Wednesday, October 26, 2016

ગેરસમજ હટાવીશું કે ગાંધીને?

દિવ્યેશ વ્યાસ


ઘાના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના દબાણથી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાઈ. સબ કો સન્મતિ દે ભગવાન!

ગાંધીજીની આ પ્રતિમા હટાવવામાં આવી

વિખ્યાતિ અને વિવાદ ક્યારેક તો બે સિક્કાની બે બાજુ હોય એટલાં એકબીજા સાથે જોડાયેલાં લાગે. બહુ ઓછા વિખ્યાત લોકો ઇતિહાસે જોયા છે, જેમની સાથે કોઈ ને કોઈ વિવાદ ન જોડાયેલો હોય. વીસમી સદીના મહામાનવ ગણાયેલા મહાત્મા ગાંધી પણ વિવાદથી પર રહી શક્યા નહોતા. ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન તો ઠીક આજે તેમના મૃત્યુને સાત દાયકા કરતાં વધારે સમય વીતી ગયો છે, છતાં તેમના નામે કોઈ ને કોઈ વિવાદ ચાલુ જ રહેતો હોય છે. ગાંધીજી અંગેની વાંધાજનક ટિપ્પણીઓથી પેદા થયેલા વિવાદોની પરવા ન કરીએ તોપણ ગાંધીજીનાં કાર્યો, વિચારો અને અભિગમ અંગે ચાલતી ચર્ચા અને તેમાંથી સર્જાતો વિવાદ અવગણી ન શકાય. ગાંધીજી પણ ટીકાથી પર ન હોઈ શકે, ગાંધીજીના આચાર-વિચાર અંગે ચર્ચા થવી જ જોઈએ, તેમના વિચારોને પ્રસ્તુતતાની કસોટીએ કસવા સામે પણ કોઈ વાંધો-વિરોધ ન હોઈ શકે. અલબત્ત, ચર્ચાનો ઉદ્દેશ ગાંધીજીની છબીને ખરડવાનો નહીં, પણ તેમની ખામી કે ખૂબીમાંથી કંઈક શીખવાનો હોય તો એ કવાયત ચોક્કસપણે સાર્થક નીવડી શકે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં ઘાનામાં મહાત્મા ગાંધીને લઈને એક નવો વિવાદ પેદા થયો હતો. જૂન-2016માં આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઘાનાની મુલાકાત લીધી હતી. પ્રણવદાની મુલાકાત દરમિયાન ઘાના યુનિવર્સિટીના સંકુલમાં ગાંધીજીની માનવકદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંધીજીની પ્રતિમાનું સ્થાપન ત્યાંના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને પસંદ આવ્યું નહોતું. પ્રતિમાનો વિરોધ શરૂ થયો અને ધીમે ધીમે જોર પકડતો ગયો. સપ્ટેમ્બર મહિનાથી ગાંધીજીની પ્રતિમાને હટાવવા માટે વ્યવસ્થિત ઝુંબેશ શરૂ થઈ ગઈ. આ લોકોના મતે ગાંધીજી વંશવાદી હતા. તેમના તરફથી ગાંધીજી માટે એવો આક્ષેપ પણ કરાયો કે તેઓ ભારતીયોની સરખામણીમાં આફ્રિકાના અશ્વેત લોકોને ઊતરતાં ગણતા હતા. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા એક ઓનલાઇન પિટિશન પણ ચલાવવામાં આવી હતી, જેમાં ગાંધીજીના 1894ના ‘નાતાલ મર્ક્યુરી’ નામના અખબારમાં પ્રસિદ્ધ ખુલ્લા પત્રનો હવાલો આપીને કહેવાયું છે કે ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ જેવો હીણો શબ્દપ્રયોગ કર્યો હતો. આ પિટિશનમાં ગાંધીજીની ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થાના સમર્થન તરીકે પણ ટીકા કરવામાં આવી છે. આ પિટિશનને એક હજારથી વધારે લોકોએ સમર્થન આપ્યું છે.
સ્થાનિક વિરોધ અને ઊહાપોહને જોઈને ત્યાંની સરકારે ઘાના યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમાને હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ચોક્કસપણ અફસોસજનક છે, પણ વિરોધીઓ પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડે કે તેનું અપમાન થાય, એ પહેલાં વિવાદને શાંત પાડવા માટે સરકારે આવો નિર્ણય કર્યો હશે, એવું સમજી શકાય.

ગાંધીજીની વિશ્વમાં એટલી પ્રતિમાઓ છે કે ક્યાંકથી પ્રતિમા હટાવી લેવાય, એનાથી તેમની પ્રતિષ્ઠાને કોઈ મોટો ફરક પડી જવાનો નથી. એટલે અફસોસ પ્રતિમા હટાવવા કરતાં પણ ગાંધીજી અંગે જે ગેરસમજ ઊભી થઈ, તે માટે કરવો જોઈએ. ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ શબ્દ લખેલો, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ જે જમાનામાં થયો હતો, ત્યારે એને આજના જેટલો અપમાનજનક કે વાંધાજનક માનવામાં આવતો નહોતો. (કદાચ એટલે તો ત્યાંના અખબારે પણ છાપ્યો હતો.) આફ્રિકાનો ઇતિહાસ જોઈએ તો અરબના જે મુસ્લિમ વેપારીઓ આફ્રિકામાં વ્યવસાય અર્થે આવતાં તેઓ આફ્રિકાના મૂળ નિવાસી જૂલુ લોકો માટે કાફિર શબ્દ વાપરતા હતા. ત્યાર પછી આ પ્રદેશોમાં સ્થાયી થયેલા યુરોપિયન લોકોએ પણ અજાણ્યે જ આ શબ્દ બોલવા લાગેલા. જેમ કોલંબસે અમેરિકાના મૂળ નિવાસીઓને ઇન્ડિયન માનેલા અને તેઓ રેડ ઇન્ડિયન તરીકે આજે પણ જાણીતા છે, એવું જ આફ્રિકન લોકો માટે કાફિર શબ્દનું થયેલું. ગાંધીજી આફ્રિકા ગયા એ પછી આશરે 85 વર્ષ પછી એટલે કે છેક 1976માં કાફર શબ્દને આફ્રિકામાં કાનૂની દૃષ્ટિએ વાંધાજનક અને દંડનીય ઠેરવવામાં આવ્યો હતો. આમ, ગાંધીજીના એક સદીજૂના શબ્દપ્રયોગને આધાર બનાવીને તેમનો વિરોધ કરવો બિલકુલ વાજબી નથી. પિટિશનમાં પ્રતિમા કોઈ આફ્રિકનની હોવી જોઈએ, એવી માગણીમાં સ્થાનિક અસ્મિતાના રાજકારણની ગંધ આવે છે. ખેર, જેની જેવી સમજ! સબ કો સન્મતિ દે ભગવાન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

No comments:

Post a Comment