Wednesday, April 25, 2018

શ્યામ હોવાનો સંતાપ

દિવ્યેશ વ્યાસ


મુંબઈમાં રહેતાં હેમાબહેને પોતાના કાવ્ય દ્વારા શ્યામ રંગની સ્ત્રીએ શું શું સહેવું પડે છે, તેનો હૃદયવિદારક ચિતાર આપ્યો છે




‘તડકામાં બહાર રમવા ન જશો, કાળા પડી જશો!’ ઉનાળાના દિવસોમાં બાળકોને એમાંય ખાસ કરીને દીકરીઓને કહેવાતાં આ વાક્યને સૂચના ગણવી કે ચેતવણી, એ કહેવું મુશ્કેલ છે. કાળા પડી જવું તો આપણા સમાજમાં કોઈને નથી પોષાતું, સૌ જાણે છે કે પોતાનો શ્યામ રંગ તેમને ક્યાંક ને ક્યાંક તો જરૂર નડવાનો છે! કોઈનું વિધાન સાંભળેલું છે, રૂપાળો ચહેરો પ્રમાણપત્રની ગરજ  સારે છે. દુનિયામાં રૂપાળી વ્યક્તિને શ્યામવર્ણની ટેલેન્ટેડ વ્યક્તિ કરતાં વધારે મહત્ત્વ મળે, એ સાવ સહજ મનાય છે.

ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ઘડાયેલા ડીએનએ મુજબ આપણને આપણો વર્ણ (વાન, ત્વચાનો રંગ) સાંપડતો હોય છે. વ્યક્તિની ટેલેન્ટને તેના વાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી, છતાં મોટા ભાગના લોકો વ્યક્તિની મૂલવણી માટે સૌથી પહેલા તેના વાનને ધ્યાનમાં લેતા હોય છે. આપણે ત્યાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની જેમ રંગભેદ ભલે નથી, છતાં શ્યામવર્ણની વ્યક્તિને ગોરી વ્યક્તિ કરતાં ઊતરતી માનવાની માનસિકતા બધે છવાયેલી જોવા મળે છે.

શ્યામ રંગના લોકો, એમાંય ખાસ કરીને સ્ત્રીઓએ જીવનના તમામ તબક્કે ભેદભાવ સહન કરવા પડતા હોય છે. મુંબઈમાં રહેતાં હેમાબહેન ગોપીનાથન સાહે શ્યામવર્ણી મહિલાઓએ આજીવન સહેવા પડતાં ભેદભાવોનો હૃદયવિદારક ચિતાર એક કાવ્ય થકી રજૂ કર્યો છે. હેમાબહેનના આ અછાંદસ કાવ્યનું શીર્ષક છે, ‘કાલી’. આ કાવ્યની ચર્ચા કરતાં પહેલાં થોડી વાત હેમાબહેન વિશે જાણી લેવા જેવી છે. તેઓ ‘યુ આર એ નથિંગ’ (www.youareanothing.com) નામનો બ્લોગ લખે છે, જેમાં કળા, ફિલ્મ, હોમસ્કૂલિંગ, માયથોલોજી જેવા વિષયો પર પોતાની વાત લખવા ઉપરાંત પોતાનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પણ મૂકતાં હોય છે.

આ બ્લોગમાં તેમણે પોતાનો પરિચય આપવાની સાથે સાથે બ્લોગના નામકરણ પાછળની નાની સ્ટોરી પણ લખી છે. હેમાબહેન લખે છે, ‘તમે તો કશું નથી (યુ આર એ નથિંગ), આ આરોપ મારી ચાર વર્ષની દીકરીએ મારા પર કરેલો. તેના આ આરોપ પાછળનું કારણ એ છે કે તેના સહપાઠીઓની માતાઓમાં કોઈ બેન્કર છે, ડૉક્ટર છે, શિક્ષક છે અને હું એવું કોઈ પદ ધરાવતી નથી. વળી, હું એવું કોઈ કામ કરતી નથી, જેના આધારે તે મને આવા કોઈ ચોકઠામાં બેસાડી શકે.’ હા, આવાં હેમાબહેન એવાં કાવ્યો જરૂર રચે છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થાય. હેમાબહેને 9મી એપ્રિલ, 2018ના રોજ ફેસબુક પર ‘કાલી’ કાવ્ય રજૂ કર્યું અને જોતજોતાંમાં તેમના કાવ્યને 9600થી વધારે લાઇક્સ મળી, 575થી વધુ કૉમેન્ટ મળી અને અધધ 5600થી વધારે લોકોએ તેને શેર કરતાં તેમનું કાવ્ય વાઇરલ બન્યું અને અખબારોએ પણ નોંધ લેવી પડી હતી.

‘કાલી’ કાવ્યનો પ્રારંભ જ જોરદાર છે, ‘વાંક મારી માતાનો હતો, જેણે મને કાવેરીના કાંઠે જન્મ આપ્યો, તેણે પ્રયાસ તો કરી જોયો હશે, પણ તે મારા ચહેરાનો કાંપવાળી માટી જેવો કાળો રંગ ધોઈ શકી નહોતી...’ આખા કાવ્યનો અનુવાદ આપવાનો અર્થ નથી, એ તો મૂળ અંગ્રેજીમાં જ સારી રીતે માણી શકાશે, પણ કાવ્યના કેટલાક ચોટદાર અંશો જોઈએ: મારા મમ્મીના ભાઈ (મામા) મને ‘કોલસાનો નાનકડો ટુકડો’ કહીને બોલાવતા’ તો પપ્પા ‘ઓવનમાં સહેજ વધારે શેકાઈ ગયેલ’ કહીને મારા પર હસતા. હું માત્ર છ વર્ષની હતી ત્યારે સમજાઈ ગયેલું કે મારે ભલે 99 ટકા આવ્યા હોય, છતાં મારી ખાસ બહેનપણી, જેને મારા કરતાં ગોરી હોવાનો ગર્વ હતો, તે 73 ટકા માર્ક્સ સાથે પણ મારા કરતાં આગળ હતી! ત્રીજા ધોરણમાં મારી સાથે ભણતો રાહત અલી મને જાતભાતના નામે બોલાવીને ચીડવતો. કાવ્યમાં વધુ એક હૃદયદ્રાવક અનુભૂતિ વર્ણવતાં હેમાબહેને લખ્યું છે, આરંગેત્રમ વખતે ચહેરો ધોળો પણ કાળી ડોક દેખાતી હોય એવો મેક-અપ જોઈને મને શરમ આવેલી. હું કદાચ રંગલા જેવી દેખાતી હતી, છતાં એટલિસ્ટ બે કલાક ગોરી બનેલી, એનો છુપો આનંદ પણ હતો!

લગ્નની વાત આવે ત્યારે વ્યક્તિનો રંગનો મુદ્દો રાતોરાત મહત્ત્વપૂર્ણ બની જતો હોય છે. કાવ્યમાં લખ્યું છે, એક અમીર પરિવારની માતા પોતાના દીકરા માટે ‘દૂધ જેવી ધોળી’ યુવતી શોધી રહ્યાં હતાં! દીકરી કાળી ન પડી જાય કે પછી વધારે કાળી ન દેખાય, એ માટે કેવી કેવી ચેતવણીઓ અપાતી હોય છે, તેની ઝલક પણ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. કાવ્યના અંતે મા કાલીનું પણ જોરદાર સ્મરણ કરવામાં આવ્યું છે.

હેમાબહેને આ કાવ્યની સાથે એક શ્યામ વર્ણની તરુણીની તસવીર મૂકી છે. કાવ્યના અંતે નોંધ લખી છે કે આ મારી યુવા મિત્ર કેથરીન છે, જે માંડ 17 વર્ષની છે. તેને ખુદની તસવીરો લેવી બહુ ગમે છે. તે જ્યારે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકે છે ત્યારે કેટલાક લોકો દ્વારા તેના રંગ અંગે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેના પરથી મને આ કાવ્ય લખવાની પ્રેરણા મળી છે. શ્યામ વર્ણને કારણે ક્યાં સુધી સાવ નિર્દોષ દીકરીઓએ સહન કરવું પડશે? આપણો સમાજ ક્યારે ‘ગોરાપણા’ની ગુલામીમાંથી છૂટશે?

હેમાબહેને કઠુઆની ઘટના પછી ‘એક માતાનું શોકગીત’ (એ મધર્સ લમેન્ટ ) નામનું હૃદયદ્રાવક કાવ્ય લખ્યું છે, સમય મળ્યે તેમના બ્લોગ પર જઈ વાંચી આવજો!

(દિવ્ય ભાસ્કરની 25મી એપ્રિલ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

Wednesday, April 18, 2018

લોહીભીની માટી, લોખંડી નિર્ધાર

દિવ્યેશ વ્યાસ


જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ થવા આવ્યાં છે. સેંકડો લોકોની શહીદીએ લાખોમાં એક એવા શહીદ પેદા કરેલા!



જલિયાંવાલા બાગ હત્યાકાંડનું નામ કાને પડે કે તરત શરીરમાંથી લખલખું પસાર થયા વિના રહે નહીં. 13મી એપ્રિલ, 1919ના રોજ અમૃતસરમાં ઘટેલી ઇતિહાસની આ સૌથી ઘાતકી ઘટનાનું સોમું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. કાળની પીઠ પર પડેલા લોહીઝાણ ઉઝરડા આજેય લોહીતરસી માનસિકતાના પાક્કા પુરાવા સમાન છે. આ હત્યાકાંડ શાસકોની કઈ હદે ક્રૂર બની શકે છે, તેનું નિર્લજ્જ ઉદાહરણ છે. જલિયાંવાલા હત્યાકાંડ પછી બ્રિટિશર્સ પ્રત્યેનો ભારતીયોનો ગુસ્સો રાતોરાત હજાર ગણો વધી ગયો હતો, એટલું જ નહીં ખુદ બ્રિટિશરો પણ આ હત્યાકાંડથી છોભીલા પડી ગયા હતા. ચર્ચિલ સહિતના બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડને શબ્દો ચોર્યા વિના વખોડ્યો હતો. બ્રિટિશ અફસર દ્વારા આચરવામાં આવેલા આ હત્યાકાંડની દુનિયાભરમાં ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, હત્યાકાંડમાં માર્યા ગયેલા હજારથી વધારે લોકોની શહીદી એળે ગઈ નહોતી. બ્રિટિશરો વિરુદ્ધનો સંઘર્ષ વધારે તીવ્ર બન્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ નરસંહારનો વિરોધ કરીને પોતાનો નાઇટહૂડનો ખિતાબ બ્રિટિશ સરકારને પાછો આપી દીધો હતો!

જલિયાંવાલા બાગ હત્યાકાંડના નોંધાયેલા આંકડા અનુસાર જનરલ ડાયરના આદેશ મુજબ નિ:શસ્ત્ર લોકો પર 90 જેટલા સૈનિકો દ્વારા 1650 રાઉંડ ફાયર કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ હત્યાકાંડમાં માત્ર 379 લોકો માર્યા ગયા હતા, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી ત્રણેક ગણો વધારે હતો. આશરે એક હજારથી વધારે લોકોએ આ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, આ હત્યાકાંડમાં હજારેક લોકો શહીદ થયા હતા, પરંતુ તેમની શહીદી એળ નહોતી ગઈ, કારણ કે સમગ્ર દેશમાં જનાક્રોશ જાગવાની સાથે સાથે આ હત્યાકાંડે એક બાળકમાં ક્રાંતિની એવી જ્યોત જગાવી  હતી કે તે આગળ જતાં શહીદ-એ-આઝમ બન્યો હતો. આ બાળક એટલે બીજું કોઈ નહિ, ખુદ ભગતસિંહ!

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામમાં થયો હતો. બાળવયે ખેતરમાં બંધૂક વાવીને બહુ બધી બંધૂકોનો પાક લણીને તેનાથી અંગ્રેજોને ભગાડવાના મનસૂબા સેવનાર ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યું ત્યારે તેમનું લોહી ઉકળી ઊઠ્યું હતું. હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. આ હત્યાકાંડની ભગતસિંહ પર કેવી અસર પડેલી, તે અંગેનો કિસ્સો ખૂબ જાણીતો છે. કહેવાય છે કે ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યા પછીના એક દિવસે તેઓ શાળાએ જવાને બદલે અમૃતસર પહોંચી ગયા હતા. જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના લોહીથી રંગાયેલી એ શહીદભૂમિની લોહીભીની માટી તેમણે એક  કાચની શીશીમાં ભરી લીધી હતી. કહેવાય છે કે સાંજે ઘરે પાછા ફરીને તેઓ પોતાનાં બહેન સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ભગતસિંહે લાંબા સમય સુધી શીશી પોતાની પાસે સાચવી રાખી હતી અને ક્યારેક ક્યારેક એ શીશીની માટીથી તિલક પણ કરતાં હતા અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનો મનસૂબો મજબૂત કરતા હતા. આમ, એ લોહીભીની માટીએ તેમને દેશને આઝાદી અપાવવાનો લોખંડી નિર્ધાર લેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

દેશ માટે હસતાં મોંએ ફાંસીના ફંદાને ચુમનારા ભગતસિંહના વિચારો આજે પણ આપણામાં ક્રાંતિની ચિનગારી જગાવે એટલા પ્રભાવશાળી છે, પણ હા, એ માટે આપણે તેમના લખાણો-વિચારો વાંચવાની તસદી લેવી પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, April 11, 2018

જોતીબા : અમર પ્રેરણા

દિવ્યેશ વ્યાસ



જોતીરાવ ફુલેના જન્મ દિવસ નિમિત્તે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવવા જેવી છે



(જોતીબાના ચિત્રની તસવીર ડૉ. અશ્વિનકુમારે લીધેલી છે. તેમના બ્લોગ (http://ashwinningstroke.blogspot.in/2014/04/blog-post_5250.html) પરથી અહીં મૂકી છે.)


જોતીરાવ ફુલે એટલે મહાત્મા, સમાજસુધારક, ક્રાંતિકારી, દલિતઉદ્ધારક, લેખક, વિચારક, પ્રેરણાપુરુષ... જોતીબા કેટકેટલું હતા, પણ એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. આજકાલ દેશમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં જોતીબાને યાદ કર્યા વિના, તેમના સંઘર્ષ અને રચનામાંથી પ્રેરણા લીધા વિના ચાલે એવું નથી. દેશના માહોલની વાત કરીએ તો દસ દિવસ પહેલાં એટ્રોસિટીના કાયદાની અમુક જોગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા દિશાનિર્દેશોથી નારાજ દલિત સમાજે ભારત બંધ થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે દેશમાં દલિત સંબંધિત મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા. ઘટનાના રાજકીય પડઘા પડવા સ્વાભાવિક હતા. એક તરફ જ્યાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, એવાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ વધારે ઉગ્રતા જોવા મળી હતી તો બીજી તરફ સત્તાધારી ભાજપના એક પછી એક ચાર સાંસદોએ દલિતના મુદ્દે જાહેરમાં અસંતોષ પ્રગટ કર્યો. રાજકારણીઓ તો ચોકો વાગે એવા મોકાની તલાશમાં હોય છે, પરંતુ જેમને ખરેખર માનવ સમાજ અને દેશની પરવા હોય તેમણે દલિતના મુદ્દે જરા નિસબતપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું પડે. દલિતના મુદ્દાને નાત-જાતની સંકુચિત દૃષ્ટિએ નહિ, પરંતુ સામાજિક સમાનતા, સમાજસુધારણા અને વ્યાપક માનવ અધિકારોની દૃષ્ટિએ જોવો કે વિચારવો જોઈએ. આવી વ્યાપક દૃષ્ટિ કેળવવાનો સૌથી સરળ માર્ગ છે, મહાત્મા ફુલે, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર જેવા મહામાનવોનાં જીવન અને સંઘર્ષનો પરિચય કેળવવો. આજે જોતીબા ફુલેનો જન્મ દિવસ (11 એપ્રિલ, 1827) છે ત્યારે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવીએ.

માળી સમાજમાં જન્મેલા જોતીબાનો પરિવાર પૂનાના પેશવાનો માનીતો હતો, એટલે સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. જોતીરાવને બાળપણનાં વર્ષોમાં જાતિગત ભેદભાવનો કોઈ અંદાજ નહોતો. ભણવામાં તેજસ્વી જોતીરાવને શાળામાંથી ઉઠાડીને ખેતીમાં જોતરી દેવાયો, તેની પાછળ પણ બ્રાહ્મણવાદી માનસ જવાબદાર હતું, જેનો જોતીરાવને વખતે ખ્યાલ સુધ્ધાં નહોતો. અલબત્ત, વાંચતા શીખી ગયેલા જોતીરાવનો વાંચનપ્રેમ જોઈને તેમના પાડોશી મુસ્લિમ શિક્ષક અને ખ્રિસ્તી પાદરીએ તેમના પિતાને સમજાવ્યા અને ફરી ભણાવવા બેસાડ્યા હતા. વાંચનપ્રેમી જોતીબાએ થૉમસ પેઇનનુંરાઇટ્સ ઑફ મેનપુસ્તક વાંચ્યું, જેનો તેમના પર બહુ મોટો પ્રભાવ પડ્યો અને આજીવન રહ્યો હતો. મહિલાઓની  સમસ્યા હોય કે દલિતોની, તેમણે દરેક મુદ્દાને માનવ અધિકારની દૃષ્ટિએ જોયો હતો અને એવી રીતે ઉકેલ લાવવા મથામણ કરી હતી. દલિતના મુદ્દે આત્મપરિવર્તનની નહિ, પણ અધિકારની દૃષ્ટિએ સમાજસુધારણા કરવી જોઈએ, એવા તેમના અભિગમને કારણે કદાચ ડૉ. આંબેડકરે તેમને પોતાના પ્રેરણાપુરુષ અને ગુરુ માન્યા હતા.

એક બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્નપ્રસંગે ગયેલા જોતિરાવને વરઘોડા દરમિયાન ભૂલથી અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેમને દલિત સમસ્યાનો અને બ્રાહ્મણવાદી માનસના વર્ચસ્્નો અંદાજ આવ્યો. બનાવે તેમને ઝકઝોરી દીધા અને સમાજક્રાંતિ માટે તેમનો આત્મા પ્રતિબદ્ધ બન્યો. જોતીબાને થયું કે શિક્ષણ થકી સામાજિક ચેતના જાગશે અને સમાજસુધારણા શક્ય બનશે. તેમણે વર્ષે એટલે કે 1848માં શૂદ્રાતિશૂદ્રોની દીકરીઓ માટે શાળા શરૂ કરી. શાળામાં ભણાવે કોણ? તેમણે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં હતાં. અનેક દબાણો અને પડકારો છતાં સાવિત્રીબાઈએ બાળાઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

જોતીબા વિધવાવિવાહની ચળવળના પણ એક અગ્રણી સમર્થક હતા. તેમણે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરેલું, જેમાં કોઈ વિધવા સમાજથી છુપાવીને સંતાનને જન્મ આપી શકેએવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક વિરોધો અને હુમલાઓ સામે બહાદુરીથી ઝીંક ઝીલી હતી.

મજૂરનો પ્રશ્ન હોય કે ખેડૂતનો, વંચિત-શોષિત વર્ગના હિતમાં તેમણે હંમેશાં મોરચો સંભાળ્યો  હતો. જોતીરાવે પુસ્તકો લખીને પણ પોતાની વાત સમાજ સુધી પહોંચાડવા મથામણ કરી હતી.

ગાંધીજી પહેલા મહાત્માનું બિરુદ મેળવનારા જોતીબાની આજે અત્યંત જરૂર છે. બીજા જોતીબા મળવા તો મુશ્કેલ છે, પણ તેમનાં કાર્યો અને વિચારો આપણા માટે અમર પ્રેરણા બની રહો!


(‘દિવ્ય ભાસ્કર’ની 11મી એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)