Wednesday, April 4, 2018

કિંગ તો કોને ખપે?

દિવ્યેશ વ્યાસ

માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની હત્યાને 50 વર્ષ પૂરાં થશે. સમાનતાનાં સપનાં જોનારા કિંગ જેવા નેતાઓ ક્યા સમાજને પસંદ છે?


(આ તસવીર કિંગના વિખ્યાત ભાષણ ‘આઈ  હેવ અ ડ્રીમ’ વખતની હોવાનું કહેવાય છે, જે ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે.)

આજે 4 એપ્રિલ છે. આજે કયા વિષય પર લખવું જોઈએ, એના ખાંખાંખોળા ચાલતા હતા ત્યારે ધ્યાનમાં આવ્યું કે 4 એપ્રિલ એટલે અશ્વેત નવલકથાકાર અને કવયિત્રી માયા એન્જેલોનો જન્મ દિવસ. માયા એન્જેલોની હૃદયદ્રાવક કવિતાઓની સાથે સાથે તેમની પાંચ ભાગમાં વિસ્તરેલી આત્મકથા ‘આઈ નૉ વ્હાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ’ પણ યાદ આવી જાય. એક અશ્વેત દીકરીએ કેટકેટલું સહન કરવું પડ્યું અને છતાં સંઘર્ષ કરીને તેણે કેવી નામના મેળવી, એ કથા સાચે જ પ્રેરણાદાયી છે. હા, આ તારીખ સાથે બીજી એક દુખદ ઘટના પણ જોડાયેલી છે. ઈ.સ. 1968માં 4 એપ્રિલના રોજ માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી.

વિષયશોધની મથામણ વખતે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા હતા કે ભાવનગર જિલ્લાના ટીંબી ગામના એક દલિત યુવાન પ્રદીપ રાઠોડની હત્યા એટલા માટે કરી દેવામાં આવી કે તેને ઘોડેસવારીનો રજવાડી શોખ હતો! બે મહિના પહેલાં જ તેણે ઘોડી ખરીદી હતી અને ગામમાં ઘોડી પર સવાર થઈને નીકળતો હતો. પ્રદીપના પિતા કાળુભાઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા હતા કે ‘હજી આ દેશ આઝાદ થયો નથી? મારો દીકરો ઘોડી ચલાવવાનો શોખીન હતો. 30 હજાર રૂપિયા આપી ઘોડી ખરીદી હતી, પણ ગામના માથાભારે લોકો અવારનવાર હેરાન કરતા હતા. ઘોડી દલિતથી ન ચલાવી શકાય એવો કોઈ કાયદો સરકારે ઘડ્યો છે?’

કાળુભાઈના શબ્દો અખબારમાં વાંચીને માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરનું વિશ્વવિખ્યાત વક્તવ્ય ‘આઈ હેવ અ ડ્રીમ’ યાદ આવી ગયું, જેમાં તેમણે કહેલું, ‘સો વર્ષ (અમેરિકાની સ્થાપનાના) પછી પણ નીગ્રો આઝાદ નથી. સો વર્ષ પછી પણ નીગ્રો પોતાની જાતને નોખા હોવાનું અનુભવે છે અને અનેક પ્રકારના ભેદભાવ સહન કરે છે. સો વર્ષ પછી પણ સમૃદ્ધિના દરિયા વચ્ચે નીગ્રો ગરીબીના ટાપુ પર વસવા મજબૂર છે. સો વર્ષ પછી પણ નીગ્રો અમેરિકી સમાજના હાંસિયા પર ધકેલાયેલા છે અને પોતાના જ વતનમાં હિજરતી જેવું જીવન જીવી રહ્યા છે...’ કિંગના આ વક્તવ્યના અંશોમાં સો વર્ષની જગ્યાએ 70 વર્ષ અને નીગ્રોની જગ્યાએ દલિત કે આદિવાસી શબ્દ મૂકી દઈએ તોપણ તેમાં કહેવાયેલી વાત 100 ટકા સાચી ઠરે એમ છે. આ વાસ્તવિકતા છે અને બહુ ચિંતાજનક છે. છતાં પણ કમનસીબે આપણા સમાજમાં, જાહેરજીવનમાં કે રાજકારણમાં આ મુદ્દે ભાગ્યે જ ચિંતા કે ચિંતન કરવામાં આવે છે.

અમેરિકા અને યુરોપના દેશોમાં કાળા-ગોરાનો ભેદ ભયંકર હદે પ્રવર્તતો હતો અને આજે પણ અશ્વેત લોકોને ત્વચાના રંગના આધારે અન્યાય થયાની લાગણી થતી હોય છે. છતાં અમેરિકાએ સ્વતંત્રતા અને સમાનતાની એક લાંબી સફર સફળતાપૂર્વક કાપી છે. આ સફર અને સફળતામાં અબ્રાહમ લિંકન પછી તરત લેેવું પડે એવું નામ માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરનું છે. લિંકને ગૃહયુદ્ધ વહોરીને પણ ગુલામીપ્રથાને દેશવટો અપાવ્યો હતો અને અશ્વેત લોકોને ખરા અર્થમાં આઝાદી અપાવી હતી. અમેરિકાના બંધારણે અશ્વેત લોકોને પણ ગોરાઓ જેટલા જ અધિકારો આપ્યા હોવા છતાં અશ્વેત લોકો પ્રત્યેની રૂઢિગત માનસિકતાને કારણે  તેમણે જ્યાં ને ત્યાં ભેદભાવનો ભોગ બનવું પડતું હતું. કોઈ દેશનું બંધારણ અધિકાર આપી દે એટલે એમ દરેકને અધિકાર ક્યાં મળે છે, પછી તે અમેરિકા હોય કે ભારત!

જોકે, માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયરે અશ્વેત લોકોને થઈ રહેલા અન્યાય અને સહન કરવા પડતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો અને અમેરિકી બંધારણ પ્રમાણે અશ્વેત લોકોને પણ તમામ નાગરિક અધિકારો પ્રાપ્ત થાય, એ માટે ગાંધીચીંધ્યા અહિંસક માર્ગે આંદોલન કર્યું હતું. આ આંદોલન અંતર્ગત જ ‘માર્ચ ઓન વૉશિંગ્ટન ફોર જોબ્સ એન્ડ ફ્રીડમ’ નામની કૂચ કાઢવામાં આવી હતી. આ કૂચ 28 ઑગસ્ટ, 1963ના રોજ રાજધાની પહોંચી ત્યારે લિંકન મેમોરિયલ ખાતે આશરે અઢી લાખ લોકોની સભાને સંબોધતા કિંગે ‘આઈ હેવ અ ડ્રીમ’ નામનું ભાષણ આપ્યું હતું. કિંગ આમ તો પોતે તૈયાર કરેલું,  અગાઉથી લખેલું ભાષણ રજૂ કરવાના હતા, પરંતુ તેમના એક સાથીએ (મહાલિયા જેક્સને) તેમને તેમના સ્વપ્ન અંગે પૂછ્યું અને પછી કિંગના મુખમાંથી જે શબ્દો સરી પડ્યા, તે ઇતિહાસમાં અમર થઈ ગયા. કિંગે સપનું જોયું હતું, અમેરિકી સમાજમાં સમાનતાની સ્થાપનાનું કિંગનું સપનું હતું કે એક દિવસ એવો આવે કે પછી કોઈ વ્યક્તિને રંગના આધારે અન્યાય કે અત્યાચાર ન સહન કરવો પડે. કિંગે સપનું જોયું હતું કે ગુલામનાં બાળકો અને ગુલામોના માલિકોનાં બાળકો હળીમળીને એક પાટલે બેસીને ભાઈચારો કેળવે. કિંગે સપનું જોયું હતું કે તેમનાં ચાર બાળકોને તેઓના રંગના આધારે નહિ પણ ચરિત્રના આધારે મૂલવવામાં આવે.

આમ, કિંગ એક ભેદભાવમુક્ત અમેરિકી સમાજ ઇચ્છતા હતા. આવું ડ્રીમ જોનારા કિંગ સાથે શું થયું? ગોળી મારી ઠાર કરાયા! કિંગે પોતાનો જીવ ગુમાવવો પડ્યો, પરંતુ તેમની શહીદી એળે નહોતી ગઈ, અમેરિકી સમાજ સતત બદલાયો અને સુધર્યો પણ ખરો. જોકે, કમનસીબે આજે અમેરિકામાં ફરી શ્વેત બહુમતીવાદે ફરી માથું ઊંચક્યું છે.

ભારતમાં દલિત-આદિવાસી સમુદાય માટે સરકારી (માત્ર સરકારી) શિક્ષણ અને નોકરીઓમાં અનામતથી આગળ વિચારાયું નથી. કોઈ  સમાજ કે દેશ, પોતાના એક મોટા હિસ્સાને અન્યાય કરીને કઈ રીતે પ્રગતિ કરી શકે, કઈ રીતે મહાન બની શકે? પ્રદીપ રાઠોડ જેવા કિસ્સાઓ આપણી આંખો ખોલી શકતા હોત તો કેવું સારું!

(‘દિવ્ય ભાસ્કર’ની 4 એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment