Wednesday, April 25, 2018

શ્યામ હોવાનો સંતાપ

દિવ્યેશ વ્યાસ


મુંબઈમાં રહેતાં હેમાબહેને પોતાના કાવ્ય દ્વારા શ્યામ રંગની સ્ત્રીએ શું શું સહેવું પડે છે, તેનો હૃદયવિદારક ચિતાર આપ્યો છે




‘તડકામાં બહાર રમવા ન જશો, કાળા પડી જશો!’ ઉનાળાના દિવસોમાં બાળકોને એમાંય ખાસ કરીને દીકરીઓને કહેવાતાં આ વાક્યને સૂચના ગણવી કે ચેતવણી, એ કહેવું મુશ્કેલ છે. કાળા પડી જવું તો આપણા સમાજમાં કોઈને નથી પોષાતું, સૌ જાણે છે કે પોતાનો શ્યામ રંગ તેમને ક્યાંક ને ક્યાંક તો જરૂર નડવાનો છે! કોઈનું વિધાન સાંભળેલું છે, રૂપાળો ચહેરો પ્રમાણપત્રની ગરજ  સારે છે. દુનિયામાં રૂપાળી વ્યક્તિને શ્યામવર્ણની ટેલેન્ટેડ વ્યક્તિ કરતાં વધારે મહત્ત્વ મળે, એ સાવ સહજ મનાય છે.

ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ઘડાયેલા ડીએનએ મુજબ આપણને આપણો વર્ણ (વાન, ત્વચાનો રંગ) સાંપડતો હોય છે. વ્યક્તિની ટેલેન્ટને તેના વાન સાથે કોઈ લેવાદેવા હોતી નથી, છતાં મોટા ભાગના લોકો વ્યક્તિની મૂલવણી માટે સૌથી પહેલા તેના વાનને ધ્યાનમાં લેતા હોય છે. આપણે ત્યાં અમેરિકા સહિતના પશ્ચિમી દેશોની જેમ રંગભેદ ભલે નથી, છતાં શ્યામવર્ણની વ્યક્તિને ગોરી વ્યક્તિ કરતાં ઊતરતી માનવાની માનસિકતા બધે છવાયેલી જોવા મળે છે.

શ્યામ રંગના લોકો, એમાંય ખાસ કરીને સ્ત્રીઓએ જીવનના તમામ તબક્કે ભેદભાવ સહન કરવા પડતા હોય છે. મુંબઈમાં રહેતાં હેમાબહેન ગોપીનાથન સાહે શ્યામવર્ણી મહિલાઓએ આજીવન સહેવા પડતાં ભેદભાવોનો હૃદયવિદારક ચિતાર એક કાવ્ય થકી રજૂ કર્યો છે. હેમાબહેનના આ અછાંદસ કાવ્યનું શીર્ષક છે, ‘કાલી’. આ કાવ્યની ચર્ચા કરતાં પહેલાં થોડી વાત હેમાબહેન વિશે જાણી લેવા જેવી છે. તેઓ ‘યુ આર એ નથિંગ’ (www.youareanothing.com) નામનો બ્લોગ લખે છે, જેમાં કળા, ફિલ્મ, હોમસ્કૂલિંગ, માયથોલોજી જેવા વિષયો પર પોતાની વાત લખવા ઉપરાંત પોતાનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પણ મૂકતાં હોય છે.

આ બ્લોગમાં તેમણે પોતાનો પરિચય આપવાની સાથે સાથે બ્લોગના નામકરણ પાછળની નાની સ્ટોરી પણ લખી છે. હેમાબહેન લખે છે, ‘તમે તો કશું નથી (યુ આર એ નથિંગ), આ આરોપ મારી ચાર વર્ષની દીકરીએ મારા પર કરેલો. તેના આ આરોપ પાછળનું કારણ એ છે કે તેના સહપાઠીઓની માતાઓમાં કોઈ બેન્કર છે, ડૉક્ટર છે, શિક્ષક છે અને હું એવું કોઈ પદ ધરાવતી નથી. વળી, હું એવું કોઈ કામ કરતી નથી, જેના આધારે તે મને આવા કોઈ ચોકઠામાં બેસાડી શકે.’ હા, આવાં હેમાબહેન એવાં કાવ્યો જરૂર રચે છે, જે સોશિયલ મીડિયામાં વાઇરલ થાય. હેમાબહેને 9મી એપ્રિલ, 2018ના રોજ ફેસબુક પર ‘કાલી’ કાવ્ય રજૂ કર્યું અને જોતજોતાંમાં તેમના કાવ્યને 9600થી વધારે લાઇક્સ મળી, 575થી વધુ કૉમેન્ટ મળી અને અધધ 5600થી વધારે લોકોએ તેને શેર કરતાં તેમનું કાવ્ય વાઇરલ બન્યું અને અખબારોએ પણ નોંધ લેવી પડી હતી.

‘કાલી’ કાવ્યનો પ્રારંભ જ જોરદાર છે, ‘વાંક મારી માતાનો હતો, જેણે મને કાવેરીના કાંઠે જન્મ આપ્યો, તેણે પ્રયાસ તો કરી જોયો હશે, પણ તે મારા ચહેરાનો કાંપવાળી માટી જેવો કાળો રંગ ધોઈ શકી નહોતી...’ આખા કાવ્યનો અનુવાદ આપવાનો અર્થ નથી, એ તો મૂળ અંગ્રેજીમાં જ સારી રીતે માણી શકાશે, પણ કાવ્યના કેટલાક ચોટદાર અંશો જોઈએ: મારા મમ્મીના ભાઈ (મામા) મને ‘કોલસાનો નાનકડો ટુકડો’ કહીને બોલાવતા’ તો પપ્પા ‘ઓવનમાં સહેજ વધારે શેકાઈ ગયેલ’ કહીને મારા પર હસતા. હું માત્ર છ વર્ષની હતી ત્યારે સમજાઈ ગયેલું કે મારે ભલે 99 ટકા આવ્યા હોય, છતાં મારી ખાસ બહેનપણી, જેને મારા કરતાં ગોરી હોવાનો ગર્વ હતો, તે 73 ટકા માર્ક્સ સાથે પણ મારા કરતાં આગળ હતી! ત્રીજા ધોરણમાં મારી સાથે ભણતો રાહત અલી મને જાતભાતના નામે બોલાવીને ચીડવતો. કાવ્યમાં વધુ એક હૃદયદ્રાવક અનુભૂતિ વર્ણવતાં હેમાબહેને લખ્યું છે, આરંગેત્રમ વખતે ચહેરો ધોળો પણ કાળી ડોક દેખાતી હોય એવો મેક-અપ જોઈને મને શરમ આવેલી. હું કદાચ રંગલા જેવી દેખાતી હતી, છતાં એટલિસ્ટ બે કલાક ગોરી બનેલી, એનો છુપો આનંદ પણ હતો!

લગ્નની વાત આવે ત્યારે વ્યક્તિનો રંગનો મુદ્દો રાતોરાત મહત્ત્વપૂર્ણ બની જતો હોય છે. કાવ્યમાં લખ્યું છે, એક અમીર પરિવારની માતા પોતાના દીકરા માટે ‘દૂધ જેવી ધોળી’ યુવતી શોધી રહ્યાં હતાં! દીકરી કાળી ન પડી જાય કે પછી વધારે કાળી ન દેખાય, એ માટે કેવી કેવી ચેતવણીઓ અપાતી હોય છે, તેની ઝલક પણ કાવ્યમાં રજૂ કરવામાં આવી છે. કાવ્યના અંતે મા કાલીનું પણ જોરદાર સ્મરણ કરવામાં આવ્યું છે.

હેમાબહેને આ કાવ્યની સાથે એક શ્યામ વર્ણની તરુણીની તસવીર મૂકી છે. કાવ્યના અંતે નોંધ લખી છે કે આ મારી યુવા મિત્ર કેથરીન છે, જે માંડ 17 વર્ષની છે. તેને ખુદની તસવીરો લેવી બહુ ગમે છે. તે જ્યારે પોતાની તસવીરો સોશિયલ મીડિયામાં મૂકે છે ત્યારે કેટલાક લોકો દ્વારા તેના રંગ અંગે ખરાબ ટિપ્પણીઓ કરવામાં આવે છે, તેના પરથી મને આ કાવ્ય લખવાની પ્રેરણા મળી છે. શ્યામ વર્ણને કારણે ક્યાં સુધી સાવ નિર્દોષ દીકરીઓએ સહન કરવું પડશે? આપણો સમાજ ક્યારે ‘ગોરાપણા’ની ગુલામીમાંથી છૂટશે?

હેમાબહેને કઠુઆની ઘટના પછી ‘એક માતાનું શોકગીત’ (એ મધર્સ લમેન્ટ ) નામનું હૃદયદ્રાવક કાવ્ય લખ્યું છે, સમય મળ્યે તેમના બ્લોગ પર જઈ વાંચી આવજો!

(દિવ્ય ભાસ્કરની 25મી એપ્રિલ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમ)

No comments:

Post a Comment