Wednesday, April 18, 2018

લોહીભીની માટી, લોખંડી નિર્ધાર

દિવ્યેશ વ્યાસ


જલિયાંવાલા બાગ હત્યાકાંડને 100 વર્ષ થવા આવ્યાં છે. સેંકડો લોકોની શહીદીએ લાખોમાં એક એવા શહીદ પેદા કરેલા!



જલિયાંવાલા બાગ હત્યાકાંડનું નામ કાને પડે કે તરત શરીરમાંથી લખલખું પસાર થયા વિના રહે નહીં. 13મી એપ્રિલ, 1919ના રોજ અમૃતસરમાં ઘટેલી ઇતિહાસની આ સૌથી ઘાતકી ઘટનાનું સોમું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. કાળની પીઠ પર પડેલા લોહીઝાણ ઉઝરડા આજેય લોહીતરસી માનસિકતાના પાક્કા પુરાવા સમાન છે. આ હત્યાકાંડ શાસકોની કઈ હદે ક્રૂર બની શકે છે, તેનું નિર્લજ્જ ઉદાહરણ છે. જલિયાંવાલા હત્યાકાંડ પછી બ્રિટિશર્સ પ્રત્યેનો ભારતીયોનો ગુસ્સો રાતોરાત હજાર ગણો વધી ગયો હતો, એટલું જ નહીં ખુદ બ્રિટિશરો પણ આ હત્યાકાંડથી છોભીલા પડી ગયા હતા. ચર્ચિલ સહિતના બ્રિટિશ નેતાઓએ આ હત્યાકાંડને શબ્દો ચોર્યા વિના વખોડ્યો હતો. બ્રિટિશ અફસર દ્વારા આચરવામાં આવેલા આ હત્યાકાંડની દુનિયાભરમાં ખૂબ જ ટીકા થઈ હતી. જોકે, હત્યાકાંડમાં માર્યા ગયેલા હજારથી વધારે લોકોની શહીદી એળે ગઈ નહોતી. બ્રિટિશરો વિરુદ્ધનો સંઘર્ષ વધારે તીવ્ર બન્યો હતો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે આ નરસંહારનો વિરોધ કરીને પોતાનો નાઇટહૂડનો ખિતાબ બ્રિટિશ સરકારને પાછો આપી દીધો હતો!

જલિયાંવાલા બાગ હત્યાકાંડના નોંધાયેલા આંકડા અનુસાર જનરલ ડાયરના આદેશ મુજબ નિ:શસ્ત્ર લોકો પર 90 જેટલા સૈનિકો દ્વારા 1650 રાઉંડ ફાયર કરવામાં આવ્યા હતા. સરકારી આંકડા મુજબ આ હત્યાકાંડમાં માત્ર 379 લોકો માર્યા ગયા હતા, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી ત્રણેક ગણો વધારે હતો. આશરે એક હજારથી વધારે લોકોએ આ હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. આમ, આ હત્યાકાંડમાં હજારેક લોકો શહીદ થયા હતા, પરંતુ તેમની શહીદી એળ નહોતી ગઈ, કારણ કે સમગ્ર દેશમાં જનાક્રોશ જાગવાની સાથે સાથે આ હત્યાકાંડે એક બાળકમાં ક્રાંતિની એવી જ્યોત જગાવી  હતી કે તે આગળ જતાં શહીદ-એ-આઝમ બન્યો હતો. આ બાળક એટલે બીજું કોઈ નહિ, ખુદ ભગતસિંહ!

ભગતસિંહનો જન્મ 28 સપ્ટેમ્બર, 1907ના રોજ હાલના પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામમાં થયો હતો. બાળવયે ખેતરમાં બંધૂક વાવીને બહુ બધી બંધૂકોનો પાક લણીને તેનાથી અંગ્રેજોને ભગાડવાના મનસૂબા સેવનાર ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યું ત્યારે તેમનું લોહી ઉકળી ઊઠ્યું હતું. હત્યાકાંડ થયો ત્યારે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. આ હત્યાકાંડની ભગતસિંહ પર કેવી અસર પડેલી, તે અંગેનો કિસ્સો ખૂબ જાણીતો છે. કહેવાય છે કે ભગતસિંહે જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ અંગે જાણ્યા પછીના એક દિવસે તેઓ શાળાએ જવાને બદલે અમૃતસર પહોંચી ગયા હતા. જલિયાંવાલા બાગની મુલાકાત લીધી હતી અને હજારો લોકોના લોહીથી રંગાયેલી એ શહીદભૂમિની લોહીભીની માટી તેમણે એક  કાચની શીશીમાં ભરી લીધી હતી. કહેવાય છે કે સાંજે ઘરે પાછા ફરીને તેઓ પોતાનાં બહેન સમક્ષ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. ભગતસિંહે લાંબા સમય સુધી શીશી પોતાની પાસે સાચવી રાખી હતી અને ક્યારેક ક્યારેક એ શીશીની માટીથી તિલક પણ કરતાં હતા અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનો મનસૂબો મજબૂત કરતા હતા. આમ, એ લોહીભીની માટીએ તેમને દેશને આઝાદી અપાવવાનો લોખંડી નિર્ધાર લેવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.

દેશ માટે હસતાં મોંએ ફાંસીના ફંદાને ચુમનારા ભગતસિંહના વિચારો આજે પણ આપણામાં ક્રાંતિની ચિનગારી જગાવે એટલા પ્રભાવશાળી છે, પણ હા, એ માટે આપણે તેમના લખાણો-વિચારો વાંચવાની તસદી લેવી પડે!

(‘દિવ્ય ભાસ્કર’ની 18મી એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment