Tuesday, May 31, 2016

ટાવરની ઘડિયાળના હવે 'ડંકા વાગતા' નથી!

દિવ્યેશ વ્યાસ



સમય જેટલો શક્તિશાળી છે, એટલો ક્રુર પણ છે અને સમયની ક્રુરતાથી સમયના સાક્ષી જ નહિ બલકે પ્રવક્તા ગણાય, એવી ટાવર ઘડિયાળો પણ બચી શકી નથી


 (તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

પંજાબના વિદ્રોહી કવિ 'પાશ'ની અંગારા જેવી ધગધગતી એક કાવ્યપંક્તિ છે, "સમય બડા કૂત્તા હૈ મેરી બુલબુલ...." સમય માટેના આક્રોશનું કારણ એ છે કે સમય કોઈનો થયો નથી કે થવાનો પણ નથી. સમય પોતાની ગતિએ ચાલે છે, તે કોઈની શેહમાં આવતો નથી અને સમય સામે સૌ મજબૂર હોય છે. સમય જ તમને બળવાન બનાવે છે અને સમય જ તમારી શક્તિઓ હણી લેતો હોય છે, એનો એક સજ્જડ દાખલો મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. મહાભારતની એક જાણીતી પંક્તિ છે, સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ.... સમય જેટલો શક્તિશાળી છે, એટલો ક્રુર પણ છે અને સમયની ક્રુરતાથી સમયના સાક્ષી જ નહિ બલકે પ્રવક્તા ગણાય, એવી ઘડિયાળો પણ બચી શકી નથી. એકવીસમી સદીમાં કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનનો સમય જામ્યો છે ત્યારે પરંપરાગત ઘડિયાળોનો અંતિમ સમય આવી પૂગ્યો હોય એવું લાગે છે. કાંડા ઘડિયાળ હવે સમય જોવાના સાધન તરીકે નહીં તોપણ ફેશનની ચીજ કે એક્સેસરીઝ તરીકે પહેરાય છે, પણ સૌથી દયનીય હાલત ટાવર પરની ઘડિયાળોની થઈ ગઈ છે. એક જમાનામાં સમય જોવાના સાધન તરીકે દુનિયાભરમાં જેના ડંકા વાગતા હતા, એવી ટાવરની ઘડિયાળના વાગતા ડંકા પર આજે ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. લોકો પાસે જાણે ટાવરની ઘડિયાળ પર નજર નાખવાનો 'સમય' જ નથી રહ્યો!

આજે ટાવરની ઘડિયાળને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડનાર છે - દુનિયાની ડંકા વગાડતી સૌથી ઊંચી ટાવર ઘડિયાળ બિગ બેન. બ્રિટનના પાર્લમેન્ટ હાઉસ એટલે કે લંડનના વેસ્ટમિનિસ્ટર મહેલના ઉત્તર છેડે ઊભેલા એલિઝાબેથ ટાવર પરની આ ઘડિયાળની આજે વર્ષગાંઠ છે. ૩૧મી મે, ૧૮૫૯ના રોજ આ ઘડિયાળ કાર્યરત થઈ હતી અને તેના ડંકા વાગવા માંડયા હતા. બિગ બેનનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો ઓક્ટોબર-૧૮૩૪માં વેસ્ટમિનિસ્ટર મહેલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ મહેલને ફરી બાંધવામાં આવ્યો અને તેના ઉત્તર છેડે દુનિયાની સૌથી ઊંચી અને સમયમાં એકદમ ચોક્કસ ઘડિયાળ બેસાડવાનો નિર્ણય કરાયો. રોયલ એસ્ટ્રોનોમર સર જ્યોર્જ એરીએ સમયમાપનના વિજ્ઞાાનમાં ખાંટું મનાતા એડમંડ બેકેટ ડેનિસનની મદદથી સમયની સાથે ચુસ્તપણે ચાલતી ઘડિયાળ તૈયાર કરી હતી. સમયે સમયે ડંકા વગાડવા માટે સોળ ટનનો મોટો ટોકરો (ઘંટ) તેની સાથે જોડવામાં આવ્યો હતો. આા ટોકરો ગ્રેટ બેલ તરીકે જાણીતો છે અને તેના આધારે જ આ ઘડિયાળ અને ટાવર બિગ બેન તરીકે ઓળખાય છે. બિગ બેનના સેન્ટ સ્ટીફન્સ ટાવરનું નામ ૨૦૧૨માં ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ-બીજાના શાસનના હીરક મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે બદલીને એલિઝાબેથ ટાવર કરાયું હતું. જોકે દુનિયા તેને બિગ બેન ટાવર તરીકે જ ઓળખે છે.

રાજબાઈ ટાવર, મુંબઈ
૧૮મી સદીમાં કાંડા ઘડિયાળ તો દૂરની વાત થઈ પણ ઘરમાં દીવાલો ઘડિયાળો પણ દુર્લભ હતી. એ જમાનામાં લોકોને સમયનો અંદાજ આવે એ માટે નગરોમાં ઊંચા ટાવર પર ઘડિયાળ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ટાવર ઘડિયાળનું ચલણ વિકસ્યું એમાં પણ બિગ બેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. દુનિયાની ઐતિહાસિક ટાવર ઘડિયાળોમાં મુંબઈની રાજબાઈ ટાવર ઘડિયાળનો સમાવેશ થાય છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પાયો નાખનારા પ્રેમચંદ રાયચંદે પોતાના વૃદ્ધ માતાની સગવડ માટે અને તેમનો ચોવિયારનો સમય સચવાય એવા ઉદ્દેશથી આ ટાવર ઘડિયાળ બનાવડાવી હતી. અંગ્રેજ આર્કિટેક્ટ જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે લંડનની બિગ બેનના આધારે જ રાજબાઈ ટાવર ઘડિયાળ બનાવી હતી..

સમયના વહેણમાં ટાવર ઘડિયાળો વહી જવાની છે, પણ જૂની પેઢીનાં તેની સાથેનાં સ્મરણો સાચવી રાખવાં જેવાં છે. તમારાં માતા-પિતા કે દાદા-દાદી પાસેથી જાણીને તેને નોંધી લેવાનું ચૂકતાં નથી, બાકી તમે જાણો જ છો, સમય બડા કૂત્તા હૈ...!

(31મી મે, 2015ની ‘સંદેશ’ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, May 25, 2016

ત્રીજા નેત્ર સમી તકનીક

દિવ્યેશ વ્યાસ


મે-2014માં યુરોપની એક મોબાઇલ કંપનીએ 3D પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન લૉન્ચ કર્યો હતો. શું આ ફોન ભારતમાં ઉપલબ્ધ બન્યો છે?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

શારીરિક રીતે વિકલાંગ લોકો માટે સહાનુભૂતિ હોય છે, પરંતુ તેમને સક્ષમ બનાવવા માટેની સભાનતાનો અભાવ પ્રવર્તતો હોય છે. વિકલાંગ લોકો સુધી તકનીકી વિકાસનાં ફળ પહોંચતાં નથી હોતાં ત્યારે પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિકસાવાયેલા થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ મોબાઇલે ઘણી મોટી આશા જગાવી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ વિશ્વમાં આશરે ૨૮ કરોડ ૫૦ લાખ લોકો નબળી આંખો ધરાવે છે. આમાંથી ૨૪ કરોડ ૬૦ લાખ લોકો વધુ-ઓછી દૃષ્ટિ ધરાવે છે, પણ ૩ કરોડ ૯૦ લાખ લોકો તો સાવ નેત્રહીન છે. વિશ્વની કુલ વસતીની દૃષ્ટિએ આ આંકડો બહુ મોટો નહીં ગણાય, પરંતુ એક સંખ્યા તરીકે આ આંકડો અનેક નાના દેશોની વસતી કરતાં પણ મોટો છે.
 
આંખ વિના તો સાવ અંધારું. આંખ નથી તો નથી રંગનો કંઈ અર્થ કે નથી આકારનો કોઈ મતલબ. જોકે, આંખ વિના પણ જીવન તો હોય જ છે! જીવન શું શું નથી માગતું? આંખ ન હોવા છતાં જીવનમાં આનંદ વિના ચાલતું નથી, સંબંધો અને સંપર્કો વિના ચાલતું નથી, સુવિધા વિના ચાલતું નથી કે નથી ચાલતું સિદ્ધિઓ હાંસલ કર્યા વિના. અલબત્ત, આંખ ન હોય ત્યારે અવરોધોનો કોઈ પાર હોતો નથી.

આપણા સમાજમાં વિકલાંગ લોકો માટે સૌનાં દિલમાં સહાનુભૂતિ તો ચોક્કસ હોય છે, પરંતુ તેમની જિંદગી કઈ રીતે સુગમ બને, તેઓ કઈ રીતે સશક્ત બની શકે, કઈ રીતે તેઓ પોતાની ખામીને ઈગ્નોર કરીને આગળ વધી શકે, એ અંગેની સભાનતાનો મોટા ભાગે અભાવ પ્રવર્તતો હોય છે. આપણે મકાન-ઇમારત બાંધતી વખતે ભાગ્યે જ ધ્યાન રાખીએ છીએ કે અંધ-અપંગ લોકોને તે અનુકૂળ આવશે કે નહીં. આપણી શાળા-દવાખાનાની રચનામાં પણ પ્રજ્ઞાાચક્ષુ-વિકલાંગ લોકોની સુગમતા માટે ભાગ્યે જ કોઈ વિશેષ સુવિધા ઊભી કરવાની સભાનતા જોવા મળતી હોય છે. જાહેર રસ્તા હોય કે બસસ્ટેન્ડ જેવાં જાહેરસ્થળો પર પણ વિકલાંગોની સુગમતા માટે કોઈ વ્યવસ્થા દેખાતી નથી. આ દુઃખદ બાબત છે. આ એક વર્ગની ચોખ્ખી અવગણના જ ગણાય. શું માનવજાતે સાધેલી પ્રગતિનાં ફળ ખાવા માટે વિકલાંગ લોકો હકદાર નથી? જોકે, છેલ્લા કેટલાક દાયકાઓમાં થોડી ઘણી જાગૃતિ વધી છે, જેનો શ્રેય વિકલાંગ લોકો માટે કાર્યરત સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓને આપવો પડે.

મે-2014માં પ્રક્ષાચક્ષુ લોકો માટે એક શુભ સમાચાર જાણવા મળ્યા હતા. લંડનની ઓન ફોન નામની કંપનીએ પ્રજ્ઞાાચક્ષુઓ માટે વિશ્વનો પ્રથમ થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બ્રેઇલ ફોન માર્કેટમાં મૂક્યો છે. આ મોબાઇલ ફોનથી પ્રજ્ઞાાચક્ષુ બંધુઓ પણ હવે આસાનીથી મોબાઇલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવી શકશે અને પોતાના મિત્રો-સંબંધીઓના સંપર્કમાં રહી શકશે. બ્રેઇલ ફોન નામ સાંભળીને જ અંદાજ આવી જાય છે કે તેમાં બ્રેઇલ લિપિનો સમાવેશ થતો હશે. હા, આ ફોનમાં કોનો ફોન આવી રહ્યો છે, તેવી વિગતોથી માંડીને મળેલા એસએમએસને બ્રેઇલ લિપિમાં વાંચી શકાશે. બ્રેઇલ લિપિ એટલે ટપકાં ટપકાંથી રચાતી સંજ્ઞાાઓવાળી લિપિ, જેને સ્પર્શીને પ્રજ્ઞાાચક્ષુ લોકો લખેલું વાંચી શકે છે. વાચકોને હવે એ જાણવામાં રસ પડી શકે કે મોબાઇલમાં બ્રેઇલ સંજ્ઞાાઓ કઈ રીતે ઉપસશે. આ મોબાઇલની ઉપલી અને નીચલી સપાટીને થ્રી-ડી પ્રિન્ટ ટેક્નોલોજીથી સજ્જ બનાવાઈ છે. થ્રી-ડી પ્રિન્ટરની મદદથી જ મોબાઇલ પર બ્રેઇલ લિપિમાં લખાણ ઉપસી આવશે, જેને પ્રજ્ઞાાચક્ષુ મિત્રો આસાનીથી ઉકેલીને સંદેશાની આપ-લે કરી શકશે. બધા પ્રજ્ઞા ચક્ષુ લોકો બ્રેઇલ લિપિ જાણતા હોય, એવું જરૃરી નથી, એ વાસ્તવિકતા જોઈને કંપનીએ થ્રીડી પ્રિન્ટરની મદદથી અક્ષરો (સ્પેલિંગ) ઉપસાવી શકાય, એવો વિકલ્પ પણ તૈયાર રાખ્યો છે. આ ઉપરાંત અગત્યના બે-પાંચ સંપર્ક નંબર પહેલેથી જ ફિટ કરાવી શકાય અને અન્ય સુવિધાઓ પણ એડજસ્ટ કરાવી શકાય, એવી વ્યવસ્થા ગોઠવી છે. નિષ્ણાતો માને છે કે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીને કારણે આ ફોન સસ્તો બનાવી શકાયો છે. નાનો અને અનેક રંગોમાં ઉપલબ્ધ બ્રેઇન ફોન બ્રિટનમાં ૬૦ પાઉન્ડની કિંમતે (રૂ. ૬૦૦૦) ઉપલબ્ધ છે. આમ, પ્રમાણમાં ગરીબને પણ આ કિંમત પરવડે એવી છે.

માર્કેટમાં વિશ્વનો પ્રથમ બ્રેઇલ ફોન આવી ગયો છે, પરંતુ અહીં ગૌરવ થાય એવી વાસ્તવિકતા એ છે કે બ્રેઇલ ફોનનો કોન્સેપ્ટ એક ભારતીય યુવાને વિકસાવ્યો હતો. અમદાવાદની એનઆઈડીમાં જ ભણેલા સુમિત ડગરની મહેનતના પરિણામે ભારતીય આઈટી કંપની ક્રિયેટે ૨૦૧૩માં બ્રેઇલ ફોનનો નમૂનો રજૂ કરીને અંધજનોને પોતાના સ્માર્ટ ફોનની આશા જગાવી હતી. સુમિતે ઇન્ટયુટિવ હેપ્ટિક ફીડબેક ટેક્નોલોજીની મદદથી બનાવેલા સ્માર્ટ ફોનમાં કી-પેડ બ્રેઇલ લિપિમાં હતું. મળતા ઈ-મેઇલ અને એસએમએસ બ્રેઇલ લિપિમાં કન્વર્ટ થાય, એવી તકનીક વિકસાવાઈ હતી. તેમાં અપાતા કમાંડ અંગેની સૂચના બીપ કે વાઇબ્રેશનથી મળતી હતી, જેથી પ્રજ્ઞાાચક્ષુ આસાનીથી ઓપરેટ કરી શકે.

વિશ્વના કુલ પ્રજ્ઞા ચક્ષુઓમાંના બાવીસ ટકા ભારતમાં વસે છે ત્યારે આશા રાખીએ કે આપણા દેશમાં પણ બ્રેઇલ ફોન ઝડપથી મળવા માંડે. આમીન!


(‘સંદેશ’ની 25 મે, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

સફેદ વાળનો વૈભવ

દિવ્યેશ વ્યાસ


કેરળના બે વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા પ્રેરે છે



(અચ્યુતાનંદન અને રાજગોપાલની તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ગયા સપ્તાહમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામોએ અનેક રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ છેડી છે, પરંતુ એક ઓછો ધ્યાને લેવાયેલો મુદ્દો છે - વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ. ખાસ કરીને કેરળના બે નેતાઓએ ઉંમરની સાડાબારી રાખ્યા વિના જે સિદ્ધિ હાંસલ કરી છે, તે રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને સત્તા પર લાવવામાં જેમનો સિંહફાળો મનાય છે, એવા 93 વર્ષના નેતા વી.એસ. અચ્યુતાનંદન કદાચ મુખ્યમંત્રી પદ નહીં હાંસલ કરી શકે, છતાં કેરળમાં ડાબેરી મોરચાના વિજયનું શ્રેય તેમને જ જાય છે. નેવું વર્ષથી મોટી વયના લોકો માંડ ચાલી શકતા હોય છે ત્યારે અચ્યુતાનંદન પોતાના પક્ષને સફળતા તરફ તેજ ગતિએ દોડાવવામાં સફળ રહ્યા છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લી એક-બે ચૂંટણીઓથી વિરોધી પક્ષના નેતાઓ અચ્યુતાનંદનના વિરોધનો એક મુદ્દો તેમની ઉંમરને બનાવતા રહ્યા છે, છતાં મતદારો આ નેતાની ઉંમર નહીં પણ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને સલામ કરીને સફળ બનાવતા રહ્યા છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અચ્યુતાનંદનની વય પર કૉમેન્ટ કરીને ટોણો માર્યો હતો, એ વખતે અચ્યુતાનંદને રાહુલને ‘અમૂલ બેબી’ એવું નામ આપેલું, જે આજેય બહુ જાણીતું છે! જોકે, રાહુલના મુદ્દાનો વિરોધ કરતાં તેમણે જે મલિયાલમ કવિતા સંભળાવી હતી, તે ધ્યાનાકર્ષક છે. કાવ્યનું ગુજરાતી કંઈક આવું કરી શકાય: ‘સફેદ વાળ મારી વધતી વય નથી દર્શાવતા, ન કોઈની ઓછી વય હોવી તેની યુવાનીનો સંકેત, મૂડીવાદી સામે સામી છાતીએ ઊભા રહેવામાં જ મારી જવાની છે.’

કહેવાય છે કે કેરળમાં અચ્યુતાનંદનની બરનો બીજો કોઈ નેતા નથી. કેરળમાં ભાગ્યે જ કોઈ જનવાદી આંદોલન હશે, જેનો તેઓ હિસ્સો ન બન્યા હોય. કેરળના મુખ્યમંત્રી રહી ચૂકેલા અચ્યુદાનંદન ભલે 90 વર્ષને પાર કરી ગયા હોય, પરંતુ વિધાનસભા બેઠકમાં તેમના તોફાની પ્રચાર અભિયાન વિના એલડીએફ માટે ફરી સત્તારોહણ શક્ય નહોતું. એક જમાનામાં જે ડાબેરીઓનો ગઢ મનાતું હતું એ પશ્ચિમ બંગાળમાં પણ સતત બીજી વખત ડાબેરીઓનું ધોવાણ થયું છે, એટલું જ નહીં સમગ્ર દેશમાં ડાબેરી વિચારધારા હવે અપ્રસ્તુત બની રહી છે ત્યારે ડાબેરી પક્ષને સત્તા મળવી લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ આમ આદમીના કમ્યુનિસ્ટ નેતા ગણાતા અચ્યુતાનંદને પોતાની સાદગી, પ્રતિબદ્ધતા અને પરિશ્રમ થકી મોટી સિદ્ધિ મેળવી છે.

કેરળના જ બીજા નેતા છે, જેમણે પોતાના સફેદ વાળને શોભાવીને ભલભલા યુવાનોને શરમાવે એવી સિદ્ધિ મેળવી છે. આ નેતાનું નામ છે - ઓ. રાજગોપાલ. આ એ જ 86 વર્ષના નેતા છે, જેમણે કેરળમાં ભાજપને પહેલી વિધાનસભા બેઠક જિતાડીને પક્ષનું ખાતું ખોલાવી આપ્યું છે. કેરળમાં લઘુમતી મતોનું વર્ચસ્વ (48 ટકા) છે તથા ડાબેરી વિચારધારાના સમર્થકો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે આ પ્રદેશમાં જમણેરી અને હિન્દુત્વ વિચારધારામાં માનતા નેતા માટે જીતવું કેટલું મુશ્કેલ હોય એ સમજી શકાય છે. જોકે, રાજગોપાલે વર્ષો નહીં, દાયકાઓ પછી કેરળની ધરતી પર પોતાના પક્ષને વિજય અપાવવામાં સફળતા મેળવી છે.
રાજગોપાલે તિરુવનંતપુરમની નેમમ બેઠક પર 8 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો છે. આ જીત કેટલી મીઠી લાગી હશે તે કદાચ રાજગોપાલ સિવાય ભાગ્યે જ કોઈ જણાવી શકે, કારણ કે જનસંઘના જમાનામાં ઈ.સ. 1964થી પોતાનું જાહેરજીવન પ્રારંભ કરનારા રાજગોપાલ અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ હારી ચૂક્યા છે. રાજગોપાલ બે વખત રાજ્યસભામાં સાંસદ રહ્યા છે અને વાજપેયી સરકારમાં કાયદો, ન્યાય અને કંપની અફેર્સના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી પહેલી વાર જીત્યા છે.

અચ્યુતાનંદન અને રાજગોપાલ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ફરી અને પહેલાં કરતાં ભવ્ય વિજય મેળવનારાં મમતા બેનરજી 61 વર્ષનાં છે તો તમિલનાડુમાં પોતાના પક્ષને ફરી સત્તા પર લાવનારાં જયલલિતા પણ 68 વર્ષનાં છે. આમ, રાજકારણમાં વયનો અને વયનિવૃત્તિનો મુદ્દો જરા જુદી રીતે વિચાર માગી લે છે. જોકે, આપણે ત્યાં યુવા નેતૃત્વને નામે ખરેખર તો વડીલ નેતાઓને હાંસિયામાં ધકેલવાની વ્યૂહરચના જ અપનાવાતી હોય છે. બાકી, મહાભારતનો શ્લોક છે કે જે સભામાં સફેદ વાળવાળા વૃદ્ધો નથી, એ સભા જ નથી! પણ સત્તાકાંક્ષીઓને મહાભારતનાં મહાબોધવચનો સાથે શું લાગેવળગે!
(‘દિવ્ય ભાસ્કર’ની 25 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, May 18, 2016

સ્માઇલિંગ ઇન્દિરા ગાંધી!

દિવ્યેશ વ્યાસ


પોખરણમાં પરમાણુ પરીક્ષણ હાથ ધરાયું સમયે ઇન્દિરાજીના હાવભાવ અને મનોભાવ કેવા હતા?


(ઇન્દિરા ગાંધીએ પોખરણ સાઇટની મુલાકાત લીધેલી એ વખતની તસવીર ગૂગલ પરથી મેળવી છે.) 

‘મેં દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમણે (ઇન્દિરા ગાંધીએ) કહ્યું આવો. જોકે, મને જોતાં જ તેઓ પરેશાન થઈ ગયાં. મેં તેમને નમસ્તે કર્યું, પણ તેમનો કોઈ પ્રતિભાવ ન મળ્યો. મને બેસવા માટે પણ ન કહ્યું. મેં પ્રયાસપૂર્વક તેમની સાથે હળવી વાતો શરૂ કરી, પરંતુ તેમણે મારી તરફ ધ્યાન જ ન આપ્યું. મેં એક વાત નોંધી. તેમની નજર વારંવાર ટેલિફોન તરફ જતી હતી, જાણે તે કોઈના ફોનની રાહ જોઈ રહ્યાં હોય. ત્યાં જ એક નોટબુક રાખી હતી, જેના પર હાથેથી ગાયત્રી મંત્ર લખેલા હતા. થોડી વારમાં મને અજુગતું લાગવા માંડ્યું. મેં કહ્યું હું જાઉં, તમારું ચેકઅપ કરવા પછી કોઈ દિવસ આવી જઈશ. તેઓ આ માટે તરત રાજી થઈ ગયાં. તેમણે પોતે જ મારા બહાર જવા માટે દરવાજો ખોલી આપ્યો.’
 

‘મને તેમના વર્તન પરથી લાગ્યું કે તેઓ ઇચ્છતાં જ હતાં કે હું વહેલામાં વહેલી તકે ત્યાંથી નીકળી જાઉં. પછી મને ખબર પડી કે ભારતે પોખરણમાં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું છે. એ વખતે મને ખ્યાલ આવ્યો કે તેઓ (ઇન્દિરાજી) શા માટે પોતાના ઘરમાં મને જોઈને મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. કારણ એ હતું કે એ વખતે તેઓ પરમાણુ પરીક્ષણ અંગે આવનારા ફોનની રાહ જોઈ રહ્યાં હતાં અને તેઓ જરાય નહોતાં ઇચ્છતાં કે આનો (પરમાણુ પરીક્ષણનો) અણસાર સુધ્ધાં કોઈ અન્યને આવે.'




આ ઐતિહાસિક પ્રસંગનું આંખેદેખ્યું વર્ણન અન્ય કોઈનું નહીં, પરંતુ ઇન્દિરા ગાંધીના અંગત ડૉક્ટરનું છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં એ સમયે તેમના અંગત ડૉક્ટર તરીકે નિમાયેલા ડૉ. કે.પી. માથુરે સળંગ 18 વર્ષ સુધી ઇન્દિરાજીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હતું. તાજેતરમાં ડૉક્ટર માથુરનું સંસ્મરણાત્મક પુસ્તક ‘ધ અનસીન ઇન્દિરા ગાંધી થ્રૂ હર ફિઝિશ્યન્સ આઇઝ’ પ્રકાશિત થયું છે, જેમાં તેમણે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ દરમિયાન તેની સફળતા-નિષ્ફળતાની ચિંતા અને ઉત્તેજના બન્ને અનુભવતાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હાવભાવ અને મનોભાવનું સચોટ વર્ણન કરેલું છે.

ડૉ. માથુરનું વર્ણન વાંચતાં રસ પડે એવી એક વાત એ છે કે ‘લોખંડી મહિલા’ તરીકે વિખ્યાત ઇન્દિરાજીએ ગોપનીય મિશનની વાતને લોખંડી હોઠ વચ્ચે કઈ રીતે દબાવી રાખી હતી. પરમાણુ પરીક્ષણ કરાયું ત્યારે તેની સફળતા-નિષ્ફળતાની અવઢવ વચ્ચે ઇન્દિરાજીએ સ્ટ્રેસબસ્ટર માટે ગાયત્રી મંત્રલેખનનો સહારો લીધો હતો!
 

ખેર, આજે આ પ્રસંગની ચર્ચા કરવાનું કારણ એ છે કે ઈ.સ. 1974માં આજની તારીખ એટલે કે 18મી મેના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે સફળ પરમાણુ પરીક્ષણ કરીને ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિથી સંપન્ન દેશ બન્યો હતો. 1971માં પાકિસ્તાનના ઊભા ફાડિયા પડાવવામાં સફળ રહેલાં ઇન્દિરા ગાંધીએ 1974માં ભારતને પરમાણુ પાવર બનાવીને પોતાના લોખંડી નેતૃત્વનો વધુ એક પરચો આપ્યો હતો.
 

ભારતની પરમાણુ સંપન્નતા અંગે નોંધનીય મુદ્દો એ છે કે એ વખતે સલામતી સમિતિના સભ્યો એવી પાંચ મહાસત્તા જ પરમાણુ શક્તિ ધરાવતી હતી, ભારત છઠ્ઠો દેશ બન્યો, છતાં આજ દિન સુધી સલામતી સમિતિમાં તેને કાયમી સભ્યપદ મળી શક્યું નથી. વળી, આજે પાકિસ્તાન જેવા દેશો પણ પરમાણુ શસ્ત્રો વિકસાવવા માંડ્યા છે અને પરમાણુ શસ્ત્રોની હરીફાઈએ માઝા મૂકી છે, જેનાથી સમગ્ર વિશ્વ પર જોખમ તોળાઈ રહ્યું છે



પરમાણુ પરીક્ષણના આ સમગ્ર ઑપરેશનને ‘સ્માઇલિંગ બુદ્ધા’ એવું કોડનેમ અપાયું હતું. ક્યાં બુદ્ધની અહિંસા, કરુણા અને મૈત્રી અને ક્યાં પરમાણુ શસ્ત્રોની વિનાશકતા! ‘સ્માઇલિંગ ઇન્દિરા’ નામ ચાલી જાત, પણ જવા દો... નામમાં શું રાખ્યું છે!


(‘દિવ્ય ભાસ્કર’ની 18મી મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)


Tuesday, May 17, 2016

કોમેડી કિંગ ચાર્લી ચેપ્લીનની અંતિમ ટ્રેજેડી

દિવ્યેશ વ્યાસ


ચાર્લી ચેપ્લિનની લાશ ચોરાયાના અગિયાર મહિના પછી ૧૭મી મે, ૧૯૭૮ના રોજ ચાર્લીના મૃતદેહને પાછો મેળવી શકાયો હતો અને પછી ફરી દફનાવવામાં આવેલો.


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

મહાન માણસ સુખી પણ હોય એવું જરૂરી નથી અને એનું જગજાણીતું ઉદાહરણ ચાર્લી ચેપ્લીન છે. હોલિવૂડમાં ચાર્લી ચેપ્લીન જેવો અભિનેતા અને ફિલ્મકાર બીજો થયો નથી. મૂક ફિલ્મોના દોરમાં ચાર્લીની ફિલ્મો દર્શકોના ખડખડાટ હાસ્યથી થિયેટર્સને ગજવી નાખતી હતી. સિલ્વર સ્ક્રીન પર એક પણ શબ્દ બોલ્યા વિના જ્યાં ત્યાં અથડાતા-કુટાતા રહેતા ચાર્લી ચેપ્લીન પોતાની ટ્રેજેડીઓ થકી લોકોને હસાવી હસાવીને હળવાફુલ કરી નાખતા હતા. પણ આ કોમેડી કિંગનું જીવન અનેક ટ્રેજેડીઓથી ભરેલું હતું. બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન જીવતા ચાર્લીએ હોલિવૂડમાં સ્થાન જમાવ્યા છતાં સુખ-શાંતિ અને ચેનથી તેમને હંમેશાં થોડું છેટું જ રહી ગયેલું.

અત્યંત ગરીબાઈભર્યું બાળપણ, સંઘર્ષમય સિનેસફર, ત્રણ ત્રણ વખત લગ્નભંગ અને સામ્યવાદી ઝોકને કારણે અમેરિકન સરકાર તરફથી સતત અવગણના-અવમાનના... જેવી અનેક ટ્રેજેડીઓને પોતાની જિંદગીમાં જીરવી જનારા ચાર્લી ચેપ્લીનને મૃત્યુ પછી કબરમાં પણ શાંતિ મળી શકી નહોતી. સ્વિત્ઝર્લેન્ડમાં ૮૮ વર્ષની વયે ૨૫ ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ અંતિમ શ્વાસ લીધા પછી બે દિવસ બાદ તેમના મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી. તેમના ઘરેથી માંડ દોઢ-બે કિલોમીટર દૂર આવેલા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. એવામાં બેરોજગારી અને આર્થિક સમસ્યાથી પીડાતા બે પરદેશી વ્યક્તિઓને એવું સૂઝ્યું કે ચાલો ચાર્લી ચેપ્લીનની લાશનું અપહરણ કરી લઈએ અને લાશ પાછી આપવાની મસમોટી કિંમત વસૂલીએ. પહેલી માર્ચની મોડી રાત એટલે કે બીજી માર્ચ, ૧૯૭૮ના રોજ આ બે ચોરોએ કબ્રસ્તાનમાં જઈને ચાર્લી ચેપ્લીનના મૃતદેહને કોફીન સહિત ઉઠાવી લીધો. ચાર્લી ચેપ્લીનની લાશ ચોરાઈ ગયાની ઘટનાથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકો એવું પણ માનતા હતા કે નાઝી લોકો ચાર્લીની 'ધ ડિક્ટેટર' ફિલ્મનો બદલો લેવા માટે લાશને ઉઠાવી ગયા હતા. અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ હતી.

અલબત્ત, આ શંકાઓ આખરે ખોટી પુરવાર થઈ હતી. નાણાં માટે જ ચાર્લીની લાશ ચોરવામાં આવી હતી. લાશચોરો દ્વારા ચાર્લી ચેપ્લીનની વિધવા ઉના ચેપ્લીન પર ફોન આવવા માંડયા અને તેમણે લાશના બદલામાં ચાર લાખ પાઉન્ડ (અંદાજે ચાલીસ લાખ રૂપિયા) જેવી મોટી રકમની માગણી કરી. જોકે, ઉના ચેપ્લીન એમ ગભરાયા નહીં, તેમણે લાશચોરોને ચોખ્ખું સંભળાવી દીધું કે ચાર્લીની લાશના બદલામાં હું રૂપિયા ચૂકવું એ ચાર્લીને જ ગમશે નહીં અને લાશચોરોની માગણી ઠુકરાવી દીધી હતી. ઉના ચેપ્લીને આ દિવસોમાં એક સુંદર વાત કરેલી કે ચાર્લીની લાશનું જે થયું હોય તે બાકી ચાર્લી તો અત્યારે સ્વર્ગમાં અને મારા હ્ય્દયમાં જ છે! લાશચોરોએ ઉના ચેપ્લીનને તેમનાં બે નાનાં બાળકોને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપી હતી. જોકે, ઉના ટસના મસ થયા નહોતા અને પોલીસની મદદ માગી હતી.

સ્વિત્ઝર્લેન્ડની પોલીસે પણ ચાર્લીની લાશ અને તેના ચોરો-ખંડણીખોરોની સઘનપણે તપાસ આદરી. ચાર્લી ચેપ્લીનના ઘરના ફોન ઉપરાંત આશરે ૨૦૦ જેટલા પબ્લિક ટેલિફોન બુથના કોલ ટેપ કરવાનું અને લાશચોરોનો ફોન ટ્રેક કરવાની યુક્તિ અજમાવી. ચાર્લીની લાશ ચોરાયાના અગિયાર મહિના પછી પબ્લિક ટેલિફોન બુથ પરથી કોલ કરતાં લાશચોરોને પકડી શકાયા હતા. લાશચોરો પાસેથી માહિતી ઓકાવીને ૧૭મી મે, ૧૯૭૮ના રોજ ચાર્લીના મૃતદેહને પાછો મેળવી શકાયો હતો અને પછી ફરી દફનાવવામાં આવેલો. ચાર્લીના મૃતદેહને ફરી વાર કોઈ ચોરી ન જાય એ માટે કબર ઉપર સિમેન્ટ કોંક્રિટનો મોટો ઓટલો તૈયાર કરીને કબરને થેફ્ટ-પ્રૂફ બનાવવામાં આવી હતી.

ચાર્લીની લાશ ચોરનારા બન્ને પરદેશી હતા અને મોટર મિકેનિક હતા. આ ગુનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ પોલેન્ડનો રોમન વાર્ડસ હતો. વાર્ડસને સાડા ચાર વર્ષની સખત જેલની સજા ફટકારવામાં આવેલી, જ્યારે તેને બલ્ગેરિયાના સાથી ગન્ટ્સો ગાનેવને ૧૮ મહિનાની જેલની સજા થઈ હતી.

મહાન લોકોના જીવનમાં ટ્રેજેડી પણ મહાન હોય છે!

(‘સંદેશ’ની 17મી મે, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, May 11, 2016

માફી : મહાનતાનો શોર્ટકટ?

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખેથી ‘સોરી’ સાંભળવા મળ્યું છે. દિમાગથી નહિ, દિલથી માગેલી માફીનું જ મહત્ત્વ છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

મને માફ કરી દો’, ‘આઇ એમ સોરી’, ‘મારી ભૂલ હતી’, ‘મને ક્ષમા કરો’... આ સાવ સાદાં અને સરળ લાગતાં વાક્યો જ્યારે બોલવાનાં થાય ત્યારે ભલભલાને ગેંગેંફેંફેં થઈ જાય છે, કારણ કે પહાડ જેવો અહંકાર આડો આવી જતો હોય છે. માફી માગવામાં નાનપ અનુભવાતી હોય છે. પોતાનાથી કોઈ ભૂલ થઈ છે, એવું સ્વીકારવું એટલે જાણે હાર સ્વીકારવી, એવું માનનારા ઓછા નથી. માફી એવા લોકો માગી શકે છે, જે આત્મમંથન કરીને પોતાની ભૂલોને સ્વીકારવાની નિખાલસતા અને તેને સુધારવાની મક્કમતા ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ પોતાના અહંને સત્યના તાપથી ઓગાળી નાખવાની તાકાત ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ સત્યને સમર્પિત થવાનું સાહસ દાખવી શકતા હોય. માફી માગવા માટે મરદનું કાળજું જોઈએ.

તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખે સોરી સાંભળવા મળ્યું છે. ગયા સપ્તાહે 6 મેના રોજ સમાચાર મળ્યા કે 1984નાં દિલ્હી શીખ રમખાણના મુખ્ય આરોપી જગદીશ ટાઇટલરને દુર્ઘટનાનાં 32 વર્ષ પછી હવે શીખોની માફી માગવાનું સૂઝ્યું છે. ટાઇટલરે ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 1984નાં શીખ રમખાણો સાથે તેમને કોઈ લેવાદેવા નથી કે તેમાં તેમની કોઈ ભૂમિકા પણ નહોતી, આમ છતાં તેઓ અકાલ તખ્ત સાહેબ પર હાજર થઈને લેખિત રીતે માફી માગવા તૈયાર છે. ટાઇટલરને સીબીઆઈ દ્વારા ક્લીનચિટ મળી છે. રમખાણોમાં ટાઇટલરની ખરેખર કોઈ ભૂમિકા હતી કે નહીં, એ કદાચ આપણે ક્યારેય જાણી શકીશું નહીં, પરંતુ તેમને મોડે મોડે પણ માફી માગવાનું શા  માટે સૂઝ્યું, એ વિચારવાનો મુદ્દો છે. પંજાબની આગામી વિધાનસભા ચૂંટણી સાથે આ માફી કોઈ સંબંધ હોઈ શકે, એવી આશંકા પણ અસ્થાને નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગયા એપ્રિલમાં જ બૈશાખીના ઉત્સવમાં સામેલ થતી વખતે જાહેરાત કરી દીધી હતી કે કામારૂટા મારુ ઘટના માટે તેઓ સંસદમાં 18મી મે, 2016ના રોજ સત્તાવાર માફી માગશે. આશરે 102 વર્ષ પહેલાં મે-1914માં જાપાનીઝ જહાજ કામારૂટા મારુ પર સવાર શીખ પ્રવાસીઓને પોતાને ત્યાં શરણ નહીં આપીને મોતના મુખમાં ધકેલી દીધા. ડિસેમ્બર-2015માં જાપાનના વડાપ્રધાન શિંઝો અાબેએ દ. કોરિયા સાથે સમજૂતી કરી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ સૈનિકો દ્વારા કોરિયાઈ મહિલાઓને સેક્સ સ્લેવ બનાવવા બદલ માત્ર માફી જ નહોતી માગી, બલકે પીડિત મહિલાઓને વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી હતી.

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે હારવા ઉપરાંત અત્યંત કંગાળ દેખાવ માટે શાહિદ આફ્રિદીએ પણ પાકિસ્તાનના ક્રિકેટ રસિયાઓની માફી માગી હતી. હજુ હમણાં જ કંગના સાથેના ઝઘડાના સંદર્ભમાં પોતાના એક ટ્વીટમાં પોપ વિશે વાંધાજનક ઉલ્લેખના મામલે હૃતિક રોશને પણ જાહેરમાં માફી માગી હતી. તો અક્ષય કુમારે પણ ‘બોર્ડીગાર્ડ’ દ્વારા ફેનની મારપીટ બદલ સોશિયલ સાઇટ પર આઇ એમ સોરી કહ્યું હતું. સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ દિલ્હીમાં ઓડ-ઇવન ફોર્મ્યૂલાના ભંગ બદલ દંડ ભરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર કેજરીવાલની માફી માગી હતી.

માફી માગવાનું વધેલું ચલણ આવકાર્ય છે, પણ આજકાલ લોકો પબ્લિસિટી માટે પણ ‘સોરી’નો સહારો લેવા માંડ્યા છે! લોકો માટે માફી માગવી એ જાણે પોતાની મહાનતા દર્શાવવાનો શોર્ટકટ બની ગયો છે. ખાસ કરીને રાજકારણીઓ માફી પણ મોકો જોઈને માગતા હોય છે. ભૂલનો સ્વીકાર જેવું સારું કામ મોડે મોડે પણ કરવા જેવું તો છે, પણ તેની પાછળ કોઈ સ્વાર્થ કે સ્ટ્રેટેજી ન હોવી જોઈએ. માફી દિલથી માગેલી હોવી જોઈએ, જ્યારે તેનો નિર્ણય દિમાગથી લેવાયો હોય છે ત્યારે માફી પણ તમને મુક્તિ અપાવી શકતી નથી, પવિત્ર કરી શકતી નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, May 5, 2016

સ્ત્રીનાં વસ્ત્રો, સમાજના વહેમો

 દિવ્યેશ વ્યાસ


સ્ત્રીએ કેવાં કપડાં પહેરવાં, એનો કકળાટ કમનસીબે એકવીસમી સદીમાં પણ શમ્યો નથી


આજની યુવતી અન્યાય-અત્યાચાર સામે મૂંગી રહેવાની નથી. આજની યુવતી શરમના નામે શોષાવાની નથી. આજની યુવતીને સ્વતંત્રતા નહીં આપો તો તે છીનવી લેવાની છે. આજની યુવતીઓ એરાગેરાઓનું સાંભળી લેવાની નથી, એટલું નહીં, એવા લોકોને મોઢેમોઢ સંભળાવી દેવાનું પણ ચૂકવાની નથી. આનું લેટેસ્ટ ઉદાહરણ ગયા સપ્તાહમાં બેંગલુરુ ખાતે જોવા મળ્યું. પોતાનાં વસ્ત્રો અંગે ટિપ્પણી કરનારા એક રિક્ષા ડ્રાઇવરને યુવતીએ જાહેરમાં તો ઝાટકી નાખ્યો, સાથે સાથે તેણે આ કિસ્સો સોશિયલ સાઇટ પર શેર કર્યો અને હોબાળો મચી ગયો. યુવતીની ગુસ્સામાં રાતીચોળ પોસ્ટને આશરે 1700થી વધુ લોકોએ પસંદ કરી છે અને હજારો લોકોએ યુવતીને બિરદાવી છે, જે સમાજ અંગે શુભ સંકેતો આપે છે.

ગત 24મી એપ્રિલ અને રવિવારની બપોરની ઘટના છે. બેંગલુરુમાં રહેતી ઐશ્વર્યા સુબ્રહ્મણ્યન નામની પત્રકાર યુવતી શ્રીકાંત નામના ડ્રાઇવરની ઑટોરિક્ષામાં બેસીને પોતાના ઘરે આવે છે. રિક્ષાભાડું 40 થતું હોય છે, પણ તે આવા કાળા તકડામાં પોતાને સહીસલામત પહોંચાડવા બદલ ખુશ થઈને 50 રૂપિયાની નોટ આપી દે છે. પેલો રિક્ષાવાળો દોઢડાહ્યો થાય છે કે તમારી જેવી યુવતીએ આવાં અભદ્ર કપડાં પહેરીને ઘરબહાર ન નીકળવું જોઈએ. પેલી યુવતી સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે તમે તમારા ભાડાથી મતલબ રાખો, મારાં વસ્ત્રોની વાત કરવી રહેવા દો, પણ પેલા ભાઈ તો છાલ છોડતા નથી અને યુવતીઓએ આવાં વેશ્યા જેવાં વસ્ત્રો ન પહેરવાં જોઈએ, એવી ફિલોસોફી ઝાડવા બેસી જાય છે. જોવાની વાત છે કે રિક્ષાવાળા અને યુવતીની ચર્ચામાં આજુબાજુના લોકો પણ જોડાય છે. યુવતીને સારું લાગે, માફક આવે, યોગ્ય  લાગે તે પહેરે, એમાં આપણે પડવાનું ન હોય - એવી રિક્ષાવાળાને સલાહ આપવાને બદલે બધા તેનો પક્ષ ખેંચે છે! યુવતીને ભારોભાર શરમ આવે છે, પોતાનાં વસ્ત્રો પર નહીં, પોતે જે સમાજ વચ્ચે જીવી રહી છે, એના પર. તે વધુ કશું બોલતી નથી, પણ રિક્ષાવાળાની તસવીરો લે છે અને આ કિસ્સાને ફેસબુક પર મૂકવાની ચીમકી આપે છે. રિક્ષાવાળો ત્યારે પણ બિન્ધાસ્ત રહીને કહે છે, જરૂર મૂકજો, તમારા કરતાં મારી વાતને સમર્થન આપનારા વધુ મળી રહેશે! આવા લોકોનો વિશ્વાસ આપણે ખોટો પાડવો રહ્યો.

આપણે ત્યાં પોષાકની બાબતે ખાસ કરીને સ્ત્રીઓ હંમેશાં શોષાતી આવી છે. તેમણે શું પહેરવું અને શું ન પહેરવું, પુરુષપ્રધાન સમાજ નક્કી કરતો આવ્યો છે. ધર્મ-સંસ્કૃતિથી લઈને મર્યાદાના નામે સ્ત્રીને પોતાનાં ઇચ્છિત-અનુકૂળ વસ્ત્રો પહેરવાની પણ સ્વતંત્રતા હોતી નથી. ધર્મસ્થળોમાં પણ માત્ર યુવતી-સ્ત્રીઓ માટે જિન્સ પહેરીને ન આવવું, ફલાણું પહેરવું-ઢીંકણું ન પહેરવું, એવી વાતો 'હુકમથી' લખાતી હોય છે. વસ્ત્રો શોખની વસ્તુ હોઈ શકે, પણ જ્યારે તે શેખીનો (ફેશનનો) કે સંસ્કૃતિના રક્ષણનો મુદ્દો બની જાય ત્યારે અનેક સમસ્યાઓ પેદા થાય છે અને તે મોટાભાગે સ્ત્રીઓએ સહેવી પડે છે. ફરજિયાત બુરખો પહેરવાની વાત હોય કે લાજ કાઢવાની પ્રથા હોય, બધું જ્યારે સ્ત્રીઓ પર થોપવામાં આવે છે ત્યારે નિંદનીય બની જાય છે.
કોણે શું પહેરવું શું ન પહેરવું, જે તે વ્યક્તિનો અધિકાર છે. વ્યક્તિગત સ્વતંત્રતાના પાયા પર આપણી લોકશાહી વ્યવસ્થા ઊભી છે, ભૂલવું ન જોઈએ. કોણે કેવાં કપડાં પહેરવાં આપણે નક્કી કરવાનું ન હોય, એટલો વિવેક તો આપણે સૌએ કેળવવો પડશે. વસ્ત્રો અને ખાસ કરીને મહિલાઓનાં વસ્ત્રો બાબતે આપણો સમાજ બહુ વહેમીલો છે. અમુક પ્રકારનાં વસ્ત્રો પહેરતી સ્ત્રીઓને લોકો ચરિત્રહીન ગણી લેતા હોય છે, આનો કોઈ ઇલાજ ખરો?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. યુવતીની પોસ્ટ તમે ફેસબુક પર તેની વૉલ ઉપરાંત આ લિંક - http://www.dailymail.co.uk/femail/article-3559292/Woman-exposes-men-slut-shamed-wearing-summer-dress.html પરથી વાંચી શકો છો.)