Tuesday, May 17, 2016

કોમેડી કિંગ ચાર્લી ચેપ્લીનની અંતિમ ટ્રેજેડી

દિવ્યેશ વ્યાસ


ચાર્લી ચેપ્લિનની લાશ ચોરાયાના અગિયાર મહિના પછી ૧૭મી મે, ૧૯૭૮ના રોજ ચાર્લીના મૃતદેહને પાછો મેળવી શકાયો હતો અને પછી ફરી દફનાવવામાં આવેલો.


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

મહાન માણસ સુખી પણ હોય એવું જરૂરી નથી અને એનું જગજાણીતું ઉદાહરણ ચાર્લી ચેપ્લીન છે. હોલિવૂડમાં ચાર્લી ચેપ્લીન જેવો અભિનેતા અને ફિલ્મકાર બીજો થયો નથી. મૂક ફિલ્મોના દોરમાં ચાર્લીની ફિલ્મો દર્શકોના ખડખડાટ હાસ્યથી થિયેટર્સને ગજવી નાખતી હતી. સિલ્વર સ્ક્રીન પર એક પણ શબ્દ બોલ્યા વિના જ્યાં ત્યાં અથડાતા-કુટાતા રહેતા ચાર્લી ચેપ્લીન પોતાની ટ્રેજેડીઓ થકી લોકોને હસાવી હસાવીને હળવાફુલ કરી નાખતા હતા. પણ આ કોમેડી કિંગનું જીવન અનેક ટ્રેજેડીઓથી ભરેલું હતું. બાળપણથી જ સતત સંઘર્ષમય જીવન જીવતા ચાર્લીએ હોલિવૂડમાં સ્થાન જમાવ્યા છતાં સુખ-શાંતિ અને ચેનથી તેમને હંમેશાં થોડું છેટું જ રહી ગયેલું.

અત્યંત ગરીબાઈભર્યું બાળપણ, સંઘર્ષમય સિનેસફર, ત્રણ ત્રણ વખત લગ્નભંગ અને સામ્યવાદી ઝોકને કારણે અમેરિકન સરકાર તરફથી સતત અવગણના-અવમાનના... જેવી અનેક ટ્રેજેડીઓને પોતાની જિંદગીમાં જીરવી જનારા ચાર્લી ચેપ્લીનને મૃત્યુ પછી કબરમાં પણ શાંતિ મળી શકી નહોતી. સ્વિત્ઝર્લેન્ડમાં ૮૮ વર્ષની વયે ૨૫ ડિસેમ્બર, ૧૯૭૭ના રોજ અંતિમ શ્વાસ લીધા પછી બે દિવસ બાદ તેમના મૃતદેહની દફનવિધિ કરવામાં આવી હતી. તેમના ઘરેથી માંડ દોઢ-બે કિલોમીટર દૂર આવેલા કબ્રસ્તાનમાં તેમને દફનાવવામાં આવ્યા હતા. એવામાં બેરોજગારી અને આર્થિક સમસ્યાથી પીડાતા બે પરદેશી વ્યક્તિઓને એવું સૂઝ્યું કે ચાલો ચાર્લી ચેપ્લીનની લાશનું અપહરણ કરી લઈએ અને લાશ પાછી આપવાની મસમોટી કિંમત વસૂલીએ. પહેલી માર્ચની મોડી રાત એટલે કે બીજી માર્ચ, ૧૯૭૮ના રોજ આ બે ચોરોએ કબ્રસ્તાનમાં જઈને ચાર્લી ચેપ્લીનના મૃતદેહને કોફીન સહિત ઉઠાવી લીધો. ચાર્લી ચેપ્લીનની લાશ ચોરાઈ ગયાની ઘટનાથી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકો એવું પણ માનતા હતા કે નાઝી લોકો ચાર્લીની 'ધ ડિક્ટેટર' ફિલ્મનો બદલો લેવા માટે લાશને ઉઠાવી ગયા હતા. અનેક શંકા-કુશંકાઓ વ્યક્ત થઈ હતી.

અલબત્ત, આ શંકાઓ આખરે ખોટી પુરવાર થઈ હતી. નાણાં માટે જ ચાર્લીની લાશ ચોરવામાં આવી હતી. લાશચોરો દ્વારા ચાર્લી ચેપ્લીનની વિધવા ઉના ચેપ્લીન પર ફોન આવવા માંડયા અને તેમણે લાશના બદલામાં ચાર લાખ પાઉન્ડ (અંદાજે ચાલીસ લાખ રૂપિયા) જેવી મોટી રકમની માગણી કરી. જોકે, ઉના ચેપ્લીન એમ ગભરાયા નહીં, તેમણે લાશચોરોને ચોખ્ખું સંભળાવી દીધું કે ચાર્લીની લાશના બદલામાં હું રૂપિયા ચૂકવું એ ચાર્લીને જ ગમશે નહીં અને લાશચોરોની માગણી ઠુકરાવી દીધી હતી. ઉના ચેપ્લીને આ દિવસોમાં એક સુંદર વાત કરેલી કે ચાર્લીની લાશનું જે થયું હોય તે બાકી ચાર્લી તો અત્યારે સ્વર્ગમાં અને મારા હ્ય્દયમાં જ છે! લાશચોરોએ ઉના ચેપ્લીનને તેમનાં બે નાનાં બાળકોને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપી હતી. જોકે, ઉના ટસના મસ થયા નહોતા અને પોલીસની મદદ માગી હતી.

સ્વિત્ઝર્લેન્ડની પોલીસે પણ ચાર્લીની લાશ અને તેના ચોરો-ખંડણીખોરોની સઘનપણે તપાસ આદરી. ચાર્લી ચેપ્લીનના ઘરના ફોન ઉપરાંત આશરે ૨૦૦ જેટલા પબ્લિક ટેલિફોન બુથના કોલ ટેપ કરવાનું અને લાશચોરોનો ફોન ટ્રેક કરવાની યુક્તિ અજમાવી. ચાર્લીની લાશ ચોરાયાના અગિયાર મહિના પછી પબ્લિક ટેલિફોન બુથ પરથી કોલ કરતાં લાશચોરોને પકડી શકાયા હતા. લાશચોરો પાસેથી માહિતી ઓકાવીને ૧૭મી મે, ૧૯૭૮ના રોજ ચાર્લીના મૃતદેહને પાછો મેળવી શકાયો હતો અને પછી ફરી દફનાવવામાં આવેલો. ચાર્લીના મૃતદેહને ફરી વાર કોઈ ચોરી ન જાય એ માટે કબર ઉપર સિમેન્ટ કોંક્રિટનો મોટો ઓટલો તૈયાર કરીને કબરને થેફ્ટ-પ્રૂફ બનાવવામાં આવી હતી.

ચાર્લીની લાશ ચોરનારા બન્ને પરદેશી હતા અને મોટર મિકેનિક હતા. આ ગુનાને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ પોલેન્ડનો રોમન વાર્ડસ હતો. વાર્ડસને સાડા ચાર વર્ષની સખત જેલની સજા ફટકારવામાં આવેલી, જ્યારે તેને બલ્ગેરિયાના સાથી ગન્ટ્સો ગાનેવને ૧૮ મહિનાની જેલની સજા થઈ હતી.

મહાન લોકોના જીવનમાં ટ્રેજેડી પણ મહાન હોય છે!

(‘સંદેશ’ની 17મી મે, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment