Wednesday, May 25, 2016

સફેદ વાળનો વૈભવ

દિવ્યેશ વ્યાસ


કેરળના બે વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા પ્રેરે છે



(અચ્યુતાનંદન અને રાજગોપાલની તસવીરો ગૂગલ પરથી મેળવી છે.)

ગયા સપ્તાહમાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામોએ અનેક રાજકીય મુદ્દાઓ પર ચર્ચાઓ છેડી છે, પરંતુ એક ઓછો ધ્યાને લેવાયેલો મુદ્દો છે - વયોવૃદ્ધ નેતાઓની સિદ્ધિઓ. ખાસ કરીને કેરળના બે નેતાઓએ ઉંમરની સાડાબારી રાખ્યા વિના જે સિદ્ધિ હાંસલ કરી છે, તે રાજકીય ક્ષેત્રમાં વયનિવૃત્તિ મામલે નવેસરથી વિચારવા મજબૂર કરે છે.

કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ)ને સત્તા પર લાવવામાં જેમનો સિંહફાળો મનાય છે, એવા 93 વર્ષના નેતા વી.એસ. અચ્યુતાનંદન કદાચ મુખ્યમંત્રી પદ નહીં હાંસલ કરી શકે, છતાં કેરળમાં ડાબેરી મોરચાના વિજયનું શ્રેય તેમને જ જાય છે. નેવું વર્ષથી મોટી વયના લોકો માંડ ચાલી શકતા હોય છે ત્યારે અચ્યુતાનંદન પોતાના પક્ષને સફળતા તરફ તેજ ગતિએ દોડાવવામાં સફળ રહ્યા છે. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે છેલ્લી એક-બે ચૂંટણીઓથી વિરોધી પક્ષના નેતાઓ અચ્યુતાનંદનના વિરોધનો એક મુદ્દો તેમની ઉંમરને બનાવતા રહ્યા છે, છતાં મતદારો આ નેતાની ઉંમર નહીં પણ ઉત્સાહ અને પ્રતિબદ્ધતાને સલામ કરીને સફળ બનાવતા રહ્યા છે. ગત ચૂંટણીમાં કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ અચ્યુતાનંદનની વય પર કૉમેન્ટ કરીને ટોણો માર્યો હતો, એ વખતે અચ્યુતાનંદને રાહુલને ‘અમૂલ બેબી’ એવું નામ આપેલું, જે આજેય બહુ જાણીતું છે! જોકે, રાહુલના મુદ્દાનો વિરોધ કરતાં તેમણે જે મલિયાલમ કવિતા સંભળાવી હતી, તે ધ્યાનાકર્ષક છે. કાવ્યનું ગુજરાતી કંઈક આવું કરી શકાય: ‘સફેદ વાળ મારી વધતી વય નથી દર્શાવતા, ન કોઈની ઓછી વય હોવી તેની યુવાનીનો સંકેત, મૂડીવાદી સામે સામી છાતીએ ઊભા રહેવામાં જ મારી જવાની છે.’

કહેવાય છે કે કેરળમાં અચ્યુતાનંદનની બરનો બીજો કોઈ નેતા નથી. કેરળમાં ભાગ્યે જ કોઈ જનવાદી આંદોલન હશે, જેનો તેઓ હિસ્સો ન બન્યા હોય. કેરળના મુખ્યમંત્રી રહી ચૂકેલા અચ્યુદાનંદન ભલે 90 વર્ષને પાર કરી ગયા હોય, પરંતુ વિધાનસભા બેઠકમાં તેમના તોફાની પ્રચાર અભિયાન વિના એલડીએફ માટે ફરી સત્તારોહણ શક્ય નહોતું. એક જમાનામાં જે ડાબેરીઓનો ગઢ મનાતું હતું એ પશ્ચિમ બંગાળમાં પણ સતત બીજી વખત ડાબેરીઓનું ધોવાણ થયું છે, એટલું જ નહીં સમગ્ર દેશમાં ડાબેરી વિચારધારા હવે અપ્રસ્તુત બની રહી છે ત્યારે ડાબેરી પક્ષને સત્તા મળવી લોઢાના ચણા ચાવવા જેવું હતું, પરંતુ આમ આદમીના કમ્યુનિસ્ટ નેતા ગણાતા અચ્યુતાનંદને પોતાની સાદગી, પ્રતિબદ્ધતા અને પરિશ્રમ થકી મોટી સિદ્ધિ મેળવી છે.

કેરળના જ બીજા નેતા છે, જેમણે પોતાના સફેદ વાળને શોભાવીને ભલભલા યુવાનોને શરમાવે એવી સિદ્ધિ મેળવી છે. આ નેતાનું નામ છે - ઓ. રાજગોપાલ. આ એ જ 86 વર્ષના નેતા છે, જેમણે કેરળમાં ભાજપને પહેલી વિધાનસભા બેઠક જિતાડીને પક્ષનું ખાતું ખોલાવી આપ્યું છે. કેરળમાં લઘુમતી મતોનું વર્ચસ્વ (48 ટકા) છે તથા ડાબેરી વિચારધારાના સમર્થકો પણ મોટા પ્રમાણમાં છે ત્યારે આ પ્રદેશમાં જમણેરી અને હિન્દુત્વ વિચારધારામાં માનતા નેતા માટે જીતવું કેટલું મુશ્કેલ હોય એ સમજી શકાય છે. જોકે, રાજગોપાલે વર્ષો નહીં, દાયકાઓ પછી કેરળની ધરતી પર પોતાના પક્ષને વિજય અપાવવામાં સફળતા મેળવી છે.
રાજગોપાલે તિરુવનંતપુરમની નેમમ બેઠક પર 8 હજારથી વધારે મતોથી વિજય મેળવ્યો છે. આ જીત કેટલી મીઠી લાગી હશે તે કદાચ રાજગોપાલ સિવાય ભાગ્યે જ કોઈ જણાવી શકે, કારણ કે જનસંઘના જમાનામાં ઈ.સ. 1964થી પોતાનું જાહેરજીવન પ્રારંભ કરનારા રાજગોપાલ અત્યાર સુધીમાં 13 ચૂંટણીઓ હારી ચૂક્યા છે. રાજગોપાલ બે વખત રાજ્યસભામાં સાંસદ રહ્યા છે અને વાજપેયી સરકારમાં કાયદો, ન્યાય અને કંપની અફેર્સના રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, પરંતુ ચૂંટણી પહેલી વાર જીત્યા છે.

અચ્યુતાનંદન અને રાજગોપાલ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં ફરી અને પહેલાં કરતાં ભવ્ય વિજય મેળવનારાં મમતા બેનરજી 61 વર્ષનાં છે તો તમિલનાડુમાં પોતાના પક્ષને ફરી સત્તા પર લાવનારાં જયલલિતા પણ 68 વર્ષનાં છે. આમ, રાજકારણમાં વયનો અને વયનિવૃત્તિનો મુદ્દો જરા જુદી રીતે વિચાર માગી લે છે. જોકે, આપણે ત્યાં યુવા નેતૃત્વને નામે ખરેખર તો વડીલ નેતાઓને હાંસિયામાં ધકેલવાની વ્યૂહરચના જ અપનાવાતી હોય છે. બાકી, મહાભારતનો શ્લોક છે કે જે સભામાં સફેદ વાળવાળા વૃદ્ધો નથી, એ સભા જ નથી! પણ સત્તાકાંક્ષીઓને મહાભારતનાં મહાબોધવચનો સાથે શું લાગેવળગે!
(‘દિવ્ય ભાસ્કર’ની 25 મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment