Wednesday, May 11, 2016

માફી : મહાનતાનો શોર્ટકટ?

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખેથી ‘સોરી’ સાંભળવા મળ્યું છે. દિમાગથી નહિ, દિલથી માગેલી માફીનું જ મહત્ત્વ છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

મને માફ કરી દો’, ‘આઇ એમ સોરી’, ‘મારી ભૂલ હતી’, ‘મને ક્ષમા કરો’... આ સાવ સાદાં અને સરળ લાગતાં વાક્યો જ્યારે બોલવાનાં થાય ત્યારે ભલભલાને ગેંગેંફેંફેં થઈ જાય છે, કારણ કે પહાડ જેવો અહંકાર આડો આવી જતો હોય છે. માફી માગવામાં નાનપ અનુભવાતી હોય છે. પોતાનાથી કોઈ ભૂલ થઈ છે, એવું સ્વીકારવું એટલે જાણે હાર સ્વીકારવી, એવું માનનારા ઓછા નથી. માફી એવા લોકો માગી શકે છે, જે આત્મમંથન કરીને પોતાની ભૂલોને સ્વીકારવાની નિખાલસતા અને તેને સુધારવાની મક્કમતા ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ પોતાના અહંને સત્યના તાપથી ઓગાળી નાખવાની તાકાત ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ સત્યને સમર્પિત થવાનું સાહસ દાખવી શકતા હોય. માફી માગવા માટે મરદનું કાળજું જોઈએ.

તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખે સોરી સાંભળવા મળ્યું છે. ગયા સપ્તાહે 6 મેના રોજ સમાચાર મળ્યા કે 1984નાં દિલ્હી શીખ રમખાણના મુખ્ય આરોપી જગદીશ ટાઇટલરને દુર્ઘટનાનાં 32 વર્ષ પછી હવે શીખોની માફી માગવાનું સૂઝ્યું છે. ટાઇટલરે ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 1984નાં શીખ રમખાણો સાથે તેમને કોઈ લેવાદેવા નથી કે તેમાં તેમની કોઈ ભૂમિકા પણ નહોતી, આમ છતાં તેઓ અકાલ તખ્ત સાહેબ પર હાજર થઈને લેખિત રીતે માફી માગવા તૈયાર છે. ટાઇટલરને સીબીઆઈ દ્વારા ક્લીનચિટ મળી છે. રમખાણોમાં ટાઇટલરની ખરેખર કોઈ ભૂમિકા હતી કે નહીં, એ કદાચ આપણે ક્યારેય જાણી શકીશું નહીં, પરંતુ તેમને મોડે મોડે પણ માફી માગવાનું શા  માટે સૂઝ્યું, એ વિચારવાનો મુદ્દો છે. પંજાબની આગામી વિધાનસભા ચૂંટણી સાથે આ માફી કોઈ સંબંધ હોઈ શકે, એવી આશંકા પણ અસ્થાને નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગયા એપ્રિલમાં જ બૈશાખીના ઉત્સવમાં સામેલ થતી વખતે જાહેરાત કરી દીધી હતી કે કામારૂટા મારુ ઘટના માટે તેઓ સંસદમાં 18મી મે, 2016ના રોજ સત્તાવાર માફી માગશે. આશરે 102 વર્ષ પહેલાં મે-1914માં જાપાનીઝ જહાજ કામારૂટા મારુ પર સવાર શીખ પ્રવાસીઓને પોતાને ત્યાં શરણ નહીં આપીને મોતના મુખમાં ધકેલી દીધા. ડિસેમ્બર-2015માં જાપાનના વડાપ્રધાન શિંઝો અાબેએ દ. કોરિયા સાથે સમજૂતી કરી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ સૈનિકો દ્વારા કોરિયાઈ મહિલાઓને સેક્સ સ્લેવ બનાવવા બદલ માત્ર માફી જ નહોતી માગી, બલકે પીડિત મહિલાઓને વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી હતી.

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે હારવા ઉપરાંત અત્યંત કંગાળ દેખાવ માટે શાહિદ આફ્રિદીએ પણ પાકિસ્તાનના ક્રિકેટ રસિયાઓની માફી માગી હતી. હજુ હમણાં જ કંગના સાથેના ઝઘડાના સંદર્ભમાં પોતાના એક ટ્વીટમાં પોપ વિશે વાંધાજનક ઉલ્લેખના મામલે હૃતિક રોશને પણ જાહેરમાં માફી માગી હતી. તો અક્ષય કુમારે પણ ‘બોર્ડીગાર્ડ’ દ્વારા ફેનની મારપીટ બદલ સોશિયલ સાઇટ પર આઇ એમ સોરી કહ્યું હતું. સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ દિલ્હીમાં ઓડ-ઇવન ફોર્મ્યૂલાના ભંગ બદલ દંડ ભરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર કેજરીવાલની માફી માગી હતી.

માફી માગવાનું વધેલું ચલણ આવકાર્ય છે, પણ આજકાલ લોકો પબ્લિસિટી માટે પણ ‘સોરી’નો સહારો લેવા માંડ્યા છે! લોકો માટે માફી માગવી એ જાણે પોતાની મહાનતા દર્શાવવાનો શોર્ટકટ બની ગયો છે. ખાસ કરીને રાજકારણીઓ માફી પણ મોકો જોઈને માગતા હોય છે. ભૂલનો સ્વીકાર જેવું સારું કામ મોડે મોડે પણ કરવા જેવું તો છે, પણ તેની પાછળ કોઈ સ્વાર્થ કે સ્ટ્રેટેજી ન હોવી જોઈએ. માફી દિલથી માગેલી હોવી જોઈએ, જ્યારે તેનો નિર્ણય દિમાગથી લેવાયો હોય છે ત્યારે માફી પણ તમને મુક્તિ અપાવી શકતી નથી, પવિત્ર કરી શકતી નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment