Showing posts with label રમખાણો. Show all posts
Showing posts with label રમખાણો. Show all posts

Wednesday, June 20, 2018

શરણાર્થીઓની સિતમયાત્રા

દિવ્યેશ વ્યાસ


સમગ્ર વિશ્વમાં શરણાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિસ્થાપન એક વૈશ્વિક સમસ્યા બની ગયું છે

(શરણાર્થી શિબિરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધીને મૂકી છે)

‘મુઝસે મિલને કે લિયે, કિસી કો ખટખટાના નહીં હોગા દરવાજા, કેવલ ફટેહાલ સરકારી તંબૂ કા પર્દા સરકાના હોગા’ વિસ્થાપિત કાશ્મીરી પંડિત અને કવિ મહારાજ કૃષ્ણ ભરતની આ પંક્તિમાં છુપાયેલા દર્દની આપણે તો પૂરી કલ્પના પણ ન કરી શકીએ. જિંદગીમાં એક વસ્તુ ખોવાઈ જાય કે એક વ્યક્તિ સાથેનો નાતો તૂટી જાય, એનું દુ:ખ પણ આપણાથી જીરવાતું નથી હોતું ત્યારે પોતાના જીવનનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય, એવી વ્યક્તિનું દર્દ કેટલું વસમું હશે, એ તો જેના પર વીતી હોય એ જ જાણે! 21મી સદીમાં દુનિયા જે અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, એમાંની એક સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. દુનિયામાં શરણાર્થીઓની સંખ્યા સતત વધતી જાય છે, એમ એમ વિસ્થાપનની સમસ્યા વકરતી જાય છે.

શરણાર્થી બનવા જેવી મોટી લાચારી બીજી કોઈ હોઈ ન શકે. પોતાનું ઘર છૂટી જાય, પોતાનું ગામ છૂટી જાય, પોતાનાં સગાંસંબંધીઓનો સાથ છૂટી જાય, નસીબ ફૂટેલાં હોય તો પરિવારજનો પણ છૂટી જાય, પોતાની જમીન-જાયદાદ છૂટી જાય, નોકરી-ધંધો છૂટી જાય... શું શું નથી છૂટી જતું એક શરણાર્થીના જીવનમાંથી? ટૂંકમાં, જીવનમાં જે કંઈ પોતાનું ગણીને પ્રેમથી જીવન જીવી રહ્યા હોઈએ, એ સઘળું એક ઝાટકે છૂટી જાય ત્યારે બચેલું જીવન વરદાન છે કે શાપ, એ નક્કી કરવું મુશ્કેલ બની જતું હોય છે. આજે વિશ્વ શરણાર્થી દિવસ (20 જૂન, વર્લ્ડ રેફ્યુજી ડે) છે ત્યારે શરણાર્થીઓની સિતમયાત્રાને જાણવી અને સંવેદવી જરૂરી છે.

વર્તમાન વિશ્વમાં વ્યક્તિને શરણાર્થી બનાવતાં મુખ્ય ચાર કારણો પર નજર નાખીએ તો સૌથી પહેલાં આવે છે, યુદ્ધ. બે દેશોની સરહદ પર તણખા ઝરે ત્યારે ઘર-ગામ છોડવા પડતાં હોય છે. બીજું કારણ છે, આતંકવાદ. અમુક ક્ષેત્રોમાં જ્યારે કટ્ટરવાદીઓનું વર્ચસ્વ વધી જાય ત્યારે સામાન્ય લોકો ગામ-દેશ છોડવા મજબૂર બનતા હોય છે. ત્રીજું કારણ છે કોમી-વંશીય રમખાણો. રોહિંગ્યા મુસ્લિમોએ હાલમાં મ્યાનમાર છોડવા મજબૂર બનવું પડ્યું છે, તે આ કારણનું જલદ ઉદાહરણ છે. ચોથું અને સામાન્ય લોકોને ધ્યાનમાં ન આવતું કારણ છે, આર્થિક પરિયોજનાઓ. વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટને કારણે હજારો લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિકાસ કરવો હોય તો ભોગ તો આપવો પડે, એ બોલવું સહેલું છે, પરંતુ મૂળ સાથે ઊખડવાની પીડા તો જેણે ભોગવી હોય એ જ જાણતું હોય છે. વિસ્થાપન માટેનાં કારણો જુદાં જુદાં હોઈ શકે છે, પરંતુ મોટા ભાગના વિસ્થાપનોમાં એક નોંધપાત્ર સામ્યતા એ જોવા મળી છે કે ગરીબ, વંચિત, પછાત, હાંસિયામાં ધકેલાયેલા અને આદિવાસી સમૂહોએ જ વિસ્થાપનની વસમી પીડા વધારે ભોગવવી પડતી હોય છે, કારણ કે તેઓ પોતાનો અવાજ રજૂ કરવા માટે કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સક્ષમ હોતા નથી. આથી તેમણે વસવાટ માટે અન્ય પ્રદેશ અપનાવવો પડે છે અને નવા પ્રકારની આજીવિકા ઊભી કરવા માટે મથવું પડે છે. અજાણ્યા લોકો, અજાણ્યા દેશ-પ્રદેશમાં જ્યાં પોતાનું કોઈ નથી હોતું ત્યાં તેમણે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવું પડે છે. શૂન્યમાંથી સર્જન કરવા માટે ઓછામાં ઓછી એક પેઢીએ તો ભોગ આપવો જ પડે છે.

શરણાર્થીઓને સામનો કરવો પડે એવી બીજી સમસ્યા એ છે કે દુનિયાના ભાગ્યે જ કોઈ સ્થળે તેમને આવકાર મળતો હોય છે. બહારથી આવેલાને શંકાથી કે ડરથી જોવામાં આવતાં હોય છે. વળી, શરણાર્થીઓના પુન:સ્થાપન માટે રાજ્ય કે દેશ પર જે આર્થિક ભારણ આવે છે, એની પણ અવગણના થઈ શકે નહીં.

શરણાર્થીઓની સિતમયાત્રા ઘણી લાંબી ચાલતી હોય છે. ચાલો, આપણે એવો સમાજ રચીએ, વિકાસનો એવો અભિગમ અપનાવીએ કે કદી કોઈએ વિસ્થાપિત ન થવું પડે.

(દિવ્ય ભાસ્કરની 20મી જૂન, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, May 11, 2016

માફી : મહાનતાનો શોર્ટકટ?

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખેથી ‘સોરી’ સાંભળવા મળ્યું છે. દિમાગથી નહિ, દિલથી માગેલી માફીનું જ મહત્ત્વ છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

મને માફ કરી દો’, ‘આઇ એમ સોરી’, ‘મારી ભૂલ હતી’, ‘મને ક્ષમા કરો’... આ સાવ સાદાં અને સરળ લાગતાં વાક્યો જ્યારે બોલવાનાં થાય ત્યારે ભલભલાને ગેંગેંફેંફેં થઈ જાય છે, કારણ કે પહાડ જેવો અહંકાર આડો આવી જતો હોય છે. માફી માગવામાં નાનપ અનુભવાતી હોય છે. પોતાનાથી કોઈ ભૂલ થઈ છે, એવું સ્વીકારવું એટલે જાણે હાર સ્વીકારવી, એવું માનનારા ઓછા નથી. માફી એવા લોકો માગી શકે છે, જે આત્મમંથન કરીને પોતાની ભૂલોને સ્વીકારવાની નિખાલસતા અને તેને સુધારવાની મક્કમતા ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ પોતાના અહંને સત્યના તાપથી ઓગાળી નાખવાની તાકાત ધરાવતા હોય, માફી એવા લોકો માગી શકે, જેઓ સત્યને સમર્પિત થવાનું સાહસ દાખવી શકતા હોય. માફી માગવા માટે મરદનું કાળજું જોઈએ.

તાજેતરમાં અનેક મહાનુભાવોના મુખે સોરી સાંભળવા મળ્યું છે. ગયા સપ્તાહે 6 મેના રોજ સમાચાર મળ્યા કે 1984નાં દિલ્હી શીખ રમખાણના મુખ્ય આરોપી જગદીશ ટાઇટલરને દુર્ઘટનાનાં 32 વર્ષ પછી હવે શીખોની માફી માગવાનું સૂઝ્યું છે. ટાઇટલરે ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે 1984નાં શીખ રમખાણો સાથે તેમને કોઈ લેવાદેવા નથી કે તેમાં તેમની કોઈ ભૂમિકા પણ નહોતી, આમ છતાં તેઓ અકાલ તખ્ત સાહેબ પર હાજર થઈને લેખિત રીતે માફી માગવા તૈયાર છે. ટાઇટલરને સીબીઆઈ દ્વારા ક્લીનચિટ મળી છે. રમખાણોમાં ટાઇટલરની ખરેખર કોઈ ભૂમિકા હતી કે નહીં, એ કદાચ આપણે ક્યારેય જાણી શકીશું નહીં, પરંતુ તેમને મોડે મોડે પણ માફી માગવાનું શા  માટે સૂઝ્યું, એ વિચારવાનો મુદ્દો છે. પંજાબની આગામી વિધાનસભા ચૂંટણી સાથે આ માફી કોઈ સંબંધ હોઈ શકે, એવી આશંકા પણ અસ્થાને નથી.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ગયા એપ્રિલમાં જ બૈશાખીના ઉત્સવમાં સામેલ થતી વખતે જાહેરાત કરી દીધી હતી કે કામારૂટા મારુ ઘટના માટે તેઓ સંસદમાં 18મી મે, 2016ના રોજ સત્તાવાર માફી માગશે. આશરે 102 વર્ષ પહેલાં મે-1914માં જાપાનીઝ જહાજ કામારૂટા મારુ પર સવાર શીખ પ્રવાસીઓને પોતાને ત્યાં શરણ નહીં આપીને મોતના મુખમાં ધકેલી દીધા. ડિસેમ્બર-2015માં જાપાનના વડાપ્રધાન શિંઝો અાબેએ દ. કોરિયા સાથે સમજૂતી કરી હતી અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનીઝ સૈનિકો દ્વારા કોરિયાઈ મહિલાઓને સેક્સ સ્લેવ બનાવવા બદલ માત્ર માફી જ નહોતી માગી, બલકે પીડિત મહિલાઓને વળતર ચૂકવવાની જાહેરાત પણ કરી હતી.

ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે હારવા ઉપરાંત અત્યંત કંગાળ દેખાવ માટે શાહિદ આફ્રિદીએ પણ પાકિસ્તાનના ક્રિકેટ રસિયાઓની માફી માગી હતી. હજુ હમણાં જ કંગના સાથેના ઝઘડાના સંદર્ભમાં પોતાના એક ટ્વીટમાં પોપ વિશે વાંધાજનક ઉલ્લેખના મામલે હૃતિક રોશને પણ જાહેરમાં માફી માગી હતી. તો અક્ષય કુમારે પણ ‘બોર્ડીગાર્ડ’ દ્વારા ફેનની મારપીટ બદલ સોશિયલ સાઇટ પર આઇ એમ સોરી કહ્યું હતું. સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ દિલ્હીમાં ઓડ-ઇવન ફોર્મ્યૂલાના ભંગ બદલ દંડ ભરવા ઉપરાંત સોશિયલ મીડિયા પર કેજરીવાલની માફી માગી હતી.

માફી માગવાનું વધેલું ચલણ આવકાર્ય છે, પણ આજકાલ લોકો પબ્લિસિટી માટે પણ ‘સોરી’નો સહારો લેવા માંડ્યા છે! લોકો માટે માફી માગવી એ જાણે પોતાની મહાનતા દર્શાવવાનો શોર્ટકટ બની ગયો છે. ખાસ કરીને રાજકારણીઓ માફી પણ મોકો જોઈને માગતા હોય છે. ભૂલનો સ્વીકાર જેવું સારું કામ મોડે મોડે પણ કરવા જેવું તો છે, પણ તેની પાછળ કોઈ સ્વાર્થ કે સ્ટ્રેટેજી ન હોવી જોઈએ. માફી દિલથી માગેલી હોવી જોઈએ, જ્યારે તેનો નિર્ણય દિમાગથી લેવાયો હોય છે ત્યારે માફી પણ તમને મુક્તિ અપાવી શકતી નથી, પવિત્ર કરી શકતી નથી.

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)