Wednesday, May 16, 2018

મારે પીડિતા બની રહેવું નથી!

દિવ્યેશ વ્યાસ


ગેંગરેપનો ભોગ બનનાર ડૉ. સુનિતા પીડાને પછાડીને સાહસ અને હિંમતની લહેરોની લહાણી કરી રહ્યાં છે


એક સમાજ તરીકે આપણે બળાત્કાર-પીડિતાને પીડિત કરવામાં પીએચડી થયેલા છીએ.’ અત્યંત કડવી છતાં સાવ સાચી વાત કરી છે ડૉ. સુનિતા કૃષ્ણને. સુનિતાબહેનનું આ વાક્ય આપણા દિલોદિમાગમાં આરપાર ઊતરી જાય એવું છે. તેમના આ વાક્યની ધાર માટે સત્ય ઉપરાંત તેમનો સ્વાનુભવ પણ એટલો જ જવાબદાર છે. કેરળમાં એક સુખી-સમૃદ્ધ પરિવારમાં 1972માં જન્મેલાં સુનિતાબહેનને નાનપણથી જ સામાજિક કાર્ય કરવાનો શોખ હતો. માત્ર આઠ વર્ષની વયે તેમણે મેન્ટલી ચેલેન્જ્ડ બાળકોને નૃત્ય શીખવવાનું શરૂ કરેલું. તેઓ 15 વર્ષનાં હતાં ત્યારે તેમણે સાક્ષરતા અભિયાનમાં જોડાઈને દલિત સમાજના લોકોને ભણાવવાનું બીડું ઝડપ્યું. જોકે, સમાજના કેટલાક લોકોથી એ સહન ન થતાં તેમને પાઠ ભણાવવા માટે આઠ પુરુષો દ્વારા તેમના પર ગેંગરેપ કરવામાં આવ્યો. એક તરફ ગેંગરેપનો અસહ્ય આઘાત અને બીજી તરફ સગાંસંબંધીઓ અને સમાજના લોકો દ્વારા સાંત્વનાની જગ્યાએ સલાહ-મારો ભોગવતાં ભોગવતાં પણ સુનિતાબહેને સ્વ કરતાં સર્વનો વિચાર કર્યો. પોતે ભોગવ્યું, એવું કોઈ ન ભોગવે, એવી ભાવનાને કારણે તેમને પોતાનું જીવનકાર્ય જડ્યું

સુનિતાબહેને નિર્ધાર કર્યો કે મારે પીડિતા બની રહેવું નથી. તેમણે સંઘર્ષ અને સમાજસેવાનો માર્ગ પસંદ કર્યો. સુનિતાબહેને વિચાર્યું કે આપણા સમાજમાં એક એવી સંસ્થા સ્થાપવાની અત્યંત જરૂર છે, જ્યાં સેક્સ ટ્રાફિકિંગ અને સેક્સ ક્રાઇમનો ભોગ બનતાં બાળકો અને સ્ત્રીઓને આશ્રય મળે. એક એવું રહેઠાણ જ્યાં પીડિતાને ન કોઈ સવાલ કરવામાં આવે, ન સાંત્વનાને નામે દંભી શીખામણો આપવામાં આવે. એવી સંસ્થા જ્યાં પીડિત વ્યક્તિ પોતાના આઘાતમાંથી ધીમે ધીમે બહાર આવી શકે અને એટલી શક્તિશાળી અને સાહસિક બની શકે કે પોતાની બાકીની જિંદગી સન્માનપૂર્વક જીવી શકે.

સુનિતાબહેન પોતાના સ્વપ્નની સંસ્થા સ્થાપીને જ રહ્યાં. તેમની સંસ્થાનું નામ છે - પ્રજ્વલા. પ્રજ્વલા સંસ્થા થકી તેમણે હજારો પીડિતાઓને ‘પીડિતા’ના કોચલામાંથી બહાર નીકળીને સામાન્ય જીવન જીવવા, પગભર થવાનો માર્ગ બતાવ્યો છે. પીડિતાને બચાવવી આસાન નથી હોતી, અનેક પારિવારિક-સામાજિક સમસ્યાઓ સામે ઝઝૂમવું પડતું હોય છે. સુનિતાબહેન પર આ કામ કરવા બદલ એક-બે નહિ પણ 17 વખત હુમલાઓ થઈ ચૂક્યા છે. એક વાર તો તેમના પર એસિડ એટેક પણ કરવામાં આવ્યો હતો, પરંતુ બચી ગયેલા. આવા હુમલાઓમાં તેમણે પોતાનો કાન ગુમાવ્યો છે અને તેમના એક હાથમાં કાયમી ખોટ રહી જવા પામી છે. સુનિતાબહેનના સંઘર્ષની સૌથી મોટી સિદ્ધિ એ છે કે સેક્સ ટ્રાફિકિંગ અને ક્રાઇમનો ભોગ બનેલાં 17,800 બાળકો અને મહિલાઓને નવજીવન પ્રાપ્ત થયું છે. પોતાની સામાજિક સેવાને કારણે સુનિતાબહેનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરનાં અનેક પુરસ્કારો અને સન્માનો પણ પ્રાપ્ત થયાં છે. વર્ષ 2016માં તેમને પદ્મ શ્રીથી નવાજવામાં આવ્યાં હતાં.

સુનિતાબહેન આજકાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે, કારણ કે માનવતાને જાગૃત કરવા માટે અપાતા પ્રતિષ્ઠિત ઓરોરા પ્રાઇઝના ત્રણ નામાંકિતોમાં તેમનો પણ સમાવેશ થયો છે. ઓરોરા પ્રાઇઝનો પ્રારંભ વર્ષ 2015થી થયો છે અને તેને આપવાની શરૂઆત 2016 જ થઈ છે, છતાં તેણે સમગ્ર વિશ્વમાં એક પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ એવોર્ડનો ઇતિહાસ રસપ્રદ છે. આર્મેનિયામાં 1915થી 1923નાં વર્ષો દરમિયાન ભયંકર નરસંહાર થયો હતો. આ નરસંહાર માનવતાના ઇતિહાસના કલંક સમાન ગણાય છે. વર્ષ 2015માં નરસંહારને સો વર્ષ થયાં ત્યારે આર્મેનિયાના લોકોએ આ આઘાતજનક ઘટનાની શતાબ્દી જુદી રીતે ઊજવવાનું નક્કી કર્યું અને કેટલાક કાર્યક્રમો શરૂ કર્યા, જેમાંથી એક કાર્યક્રમ માનવતાના ક્ષેત્રે કામ કરનારા લોકોને સન્માનીને એક લાખ અમેરિકન ડૉલરનું (રૂ. 66.3 લાખ ) અધધ મોટું ઈનામ આપવાનું નક્કી થયું. આ વર્ષે 115 દેશોના 509 લોકોમાંથી સુનિતાબહેન ઉપરાંત બીજા બે સંઘર્ષવીરોનું પણ નામાંકન કરવામાં આવ્યું છે, કોને પ્રાઇઝ મળશે, તેનો ખ્યાલ તો આગમી 9મી જૂનના રોજ આવશે, પરંતુ આ પ્રાઇઝ માટે પહેલી વખત એક ભારતીયનું નામાંકન થયું છે, એ ગૌરવ લેવા જેવી વાત છે. પ્રાર્થના કરીએ કે સુનિતાબહેનને આ પ્રાઇઝ મળે. વળી, આ પ્રાઇઝની ખાસિયત એ છે કે પ્રાઇઝ મેળવનાર વ્યક્તિ જે સંસ્થાઓની ભલામણ કરે તેને પણ કુલ દસ લાખ અમેરિકન ડૉલરની (રૂ. 6.63 કરોડ) આર્થિક સહાય પણ આપવામાં આવે છે.

સુનિતાબહેનના મિજાજને સમજવામાં મદદરૂપ થાય એવા તેમના એક વાક્ય સાથે લેખ પૂર્ણ કરીએ: ‘બાહ્ય જગતને તો પીડિતાને પીડિતા તરીકે જોવી જ ગમે છે. તેઓ ઇચ્છે છે કે પીડિતાએ રડવું જોઈએ, તેઓ ઇચ્છે છે કે પીડિતાએ પોતાનો ચહેરો છુપાવીને રહેવું જોઈએ. હું આ બાબતે સાવ ઊલટું વિચારું છું. મને હંમેશાં લાગ્યું છે કે કોઈએ મારી સાથે ઊભા રહેવાની જરૂર નથી. હું મારી રીતે જીવવા પૂર્ણપણે સક્ષમ છું.’


(દિવ્ય ભાસ્કરની 16મી માર્ચ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

4 comments:

  1. સુનિતાબહેન જેવી સશક્ત મહિલા સમાજ માટે શું શું કરી શકે છે અને 'સ્ત્રી શક્તિ સ્વરૂપા' વિધાન સાર્થક કરે છે. પોતાની પીડાથી હતાશ થવાને બદલે બમણી તાકાતથી સમાજ સામે લડીને આ બહેને કહેવાતી અબળાઓ માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    ભાઈ દિવ્યેશ, આપની કલમ પણ તીક્ષ્ણતાથી આવા મુદ્દાઓ ઉઠાવે તે જરૂરી છે. તમે એમાં સફળ છો તેનો આનંદ - અભિનંદન

    ReplyDelete
    Replies
    1. પ્રોત્સાહક પ્રતિભાવ માટે આપનો આભારી છું.

      Delete
  2. Jordar... Thanks for sharing... other media should take a note of this..

    ReplyDelete
    Replies
    1. તમારી વાત સાથે સહમત. કદાચ સુનિતાબહેનને એ એવોર્ડ મળશે તો નોંધ પણ લેવાશે. જોકે, તેમનું કામ બહુ સારું છે. પ્રતિભાવ માટે આભાર

      Delete