Wednesday, May 23, 2018

ઉનાળાને માણી શકાય?

દિવ્યેશ વ્યાસ


ઉનાળો એવો જામ્યો છે કે કાકાસાહેબ કાલેલકરના લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ને ફરી વાંચવાનું મન થઈ જાય



‘શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને મળવા ગયો હતો. મેં એમને કહ્યું: ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું: ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું: ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાંવેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ મેં બીતાં બીતાં વિનોદ કર્યો: ‘રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય!’

કાકા સાહેબનો આ સુંદર સ્કેચ અશોકભાઈ ખાંટે બનાવેલો છે
ગરમીનું નામ પડતાં જેઓ રાતાચોળ થઈ જતા હોય, તેમને આ સંવાદ વાંચીને આશ્ચર્ય થઈ શકે, પરંતુ ઉનાળા અને તડકા પર આવો રસિક અને ‘કૂલ’ સંવાદ થયો હતો કાકાસાહેબ કાલેલકર અને મહાકવિ રવીન્દ્રનાથ ટાગોર વચ્ચે. કાકાસાહેબે પોતાના વિખ્યાત લલિત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ના અંતે આ પ્રસંગ ટાંકેલો છે.

ઉનાળાનો તાપ-તડકો સહન કરવો આકરો થઈ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ એવું હશે, જે કહેતું હોય કે ઉનાળો મારી સૌથી વધુ ગમતી (ફેવરિટ) ઋતુ છે. ઉનાળાને પસંદ કરનારા લોકો આપણે ત્યાં લઘુમતી નહિ પણ અણુમતીમાં જ હોવાના. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એ વાત ઉનાળાને ચાહવાની બાબતમાં પણ  સાચી ઠરે છે. રવીન્દ્રનાથની સૌંદર્યદૃષ્ટિ ગ્રીષ્મને પણ ગળે ન લગાડે તો જ નવાઈ! ઉપરના સંવાદ પરથી બીજી એક વાત પણ બહાર આવે છે કે રવિબાબુ લૂમાં નહાવાનો આનંદ લે છે તો કાકાસાહેબ પણ ઉનાળાનો આનંદ લૂંટે છે!

કાકાસાહેબે ઉનાળાનો આનંદ માત્ર લૂંટ્યો જ નથી, બલકે એ આનંદને પોતાના વિખ્યાત નિબંધ ‘મધ્યાહનનું કાવ્ય’ થકી સૌ સાથે વહેંચ્યો પણ છે. આ લલિત નિબંધ વાંચતાં કાકાસાહેબની સૌંદર્યદૃષ્ટિ અને સમજનો પણ અંદાજ આવી શકે છે. કાકાસાહેબે લખ્યું છે, ‘સાચે જ તડકાનો રંગ મને ખૂબ ગમે છે. કેટલીક વસ્તુઓ પ્રત્યે આપણે તટસ્થ નથી થઈ શકતા તેથી તેનું સૌંદર્ય ગુમાવીએ છીએ.’ આગળ બિહારના તળાવમાં બાઝતી નયનરમ્ય લાલ રંગની લીલનું ઉદાહરણ આપીને સમજાવે છે, ‘માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી ઊગરી ન જાય ત્યાં સુધી સૌંદર્યનું હાર્દ સમજી ન શકે. મારી દલીલ એ છે કે જે તડકામાં કુમળાં ફૂલો પણ ખીલે છે તે તડકાનો વાંક તમે શી રીતે કાઢી શકો? જે તડકો કેળના પેટમાંનું પાણી પણ લૂંટતો નથી તેને તમે ત્રાસદાયક કહો શા હિસાબે?’

ઉનાળાના તકડામાં આપણને ભડકા દેખાતા હોય છે, પરંતુ કાકા તો સાવ જુદું જુએ છે, ‘તડકો પુરજોશમાં પડતો હોય તે વખતે આકાશની શોભા ખાસ જોવા લાયક હોય છે. ભેંસો દૂધ દેતી વખતે જેમ આંખ મીંચીને નિસ્તબ્ધ ઊભી રહે છે તેમ આકાશ તડકાની સેરો છોડતું જ રહે છે. ન મળે વાદળાં, ન મળે ચાંદલો. ચાંદો હોય તોયે વાસી રોટલાના કકડા જેવો ક્યાંક પડ્યો હોય. બધે એક જ રસ ફેલાયેલો હોય છે. એને વીરરસ કહીએ કે રૌદ્ર? હું તો એને શાંતરસ જ કહું! શાંતરસ શીતળ જ શા માટે હોય? તપ્ત પણ કેમ ન હોય?’ સાચી વાત છે, ઉનાળાની બપોરે શહેરોના માર્ગો પર શાંતિરસ જરૂર છવાતો હોય છે!

કાકાસાહેબ નિબંધમાં એક સુંદર ટકોર કરી છે, ‘તડકાનો આનંદ પ્રત્યક્ષ મળતો હોય તો તે વખતે શબ્દો લખવાનું પણ સૂઝવું ન જોઈએ. લાંબું લખીએ તો લેખિની પણ સુકાઈ જવી જોઈએ. ’ ચાલો, આપણે પણ લેખ ટૂંકાવીએ. ઉનાળાને પણ માણીએ, ન હોય તો કાકાસાહેબ સરીખા સૌંદર્યપૂજકોની સૌંદર્યદૃષ્ટિ ઉધાર લઈને!

(દિવ્ય ભાસ્કરની 23મી મે, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(કાકા કાલેલકરનો આ વિખ્યાત નિંબંધ તમે આ લિંક http://www.readgujarati.com/2012/04/24/madhyan-kavya/ પરથી વાંચી શકો છો.)

No comments:

Post a Comment