Wednesday, May 18, 2016

સ્માઇલિંગ ઇન્દિરા ગાંધી!

દિવ્યેશ વ્યાસ


પોખરણમાં પરમાણુ પરીક્ષણ હાથ ધરાયું સમયે ઇન્દિરાજીના હાવભાવ અને મનોભાવ કેવા હતા?


(ઇન્દિરા ગાંધીએ પોખરણ સાઇટની મુલાકાત લીધેલી એ વખતની તસવીર ગૂગલ પરથી મેળવી છે.) 

‘મેં દરવાજો ખટખટાવ્યો ત્યારે તેમણે (ઇન્દિરા ગાંધીએ) કહ્યું આવો. જોકે, મને જોતાં જ તેઓ પરેશાન થઈ ગયાં. મેં તેમને નમસ્તે કર્યું, પણ તેમનો કોઈ પ્રતિભાવ ન મળ્યો. મને બેસવા માટે પણ ન કહ્યું. મેં પ્રયાસપૂર્વક તેમની સાથે હળવી વાતો શરૂ કરી, પરંતુ તેમણે મારી તરફ ધ્યાન જ ન આપ્યું. મેં એક વાત નોંધી. તેમની નજર વારંવાર ટેલિફોન તરફ જતી હતી, જાણે તે કોઈના ફોનની રાહ જોઈ રહ્યાં હોય. ત્યાં જ એક નોટબુક રાખી હતી, જેના પર હાથેથી ગાયત્રી મંત્ર લખેલા હતા. થોડી વારમાં મને અજુગતું લાગવા માંડ્યું. મેં કહ્યું હું જાઉં, તમારું ચેકઅપ કરવા પછી કોઈ દિવસ આવી જઈશ. તેઓ આ માટે તરત રાજી થઈ ગયાં. તેમણે પોતે જ મારા બહાર જવા માટે દરવાજો ખોલી આપ્યો.’
 

‘મને તેમના વર્તન પરથી લાગ્યું કે તેઓ ઇચ્છતાં જ હતાં કે હું વહેલામાં વહેલી તકે ત્યાંથી નીકળી જાઉં. પછી મને ખબર પડી કે ભારતે પોખરણમાં પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું છે. એ વખતે મને ખ્યાલ આવ્યો કે તેઓ (ઇન્દિરાજી) શા માટે પોતાના ઘરમાં મને જોઈને મૂંઝવણમાં મુકાઈ ગયાં હતાં. કારણ એ હતું કે એ વખતે તેઓ પરમાણુ પરીક્ષણ અંગે આવનારા ફોનની રાહ જોઈ રહ્યાં હતાં અને તેઓ જરાય નહોતાં ઇચ્છતાં કે આનો (પરમાણુ પરીક્ષણનો) અણસાર સુધ્ધાં કોઈ અન્યને આવે.'




આ ઐતિહાસિક પ્રસંગનું આંખેદેખ્યું વર્ણન અન્ય કોઈનું નહીં, પરંતુ ઇન્દિરા ગાંધીના અંગત ડૉક્ટરનું છે. ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં એ સમયે તેમના અંગત ડૉક્ટર તરીકે નિમાયેલા ડૉ. કે.પી. માથુરે સળંગ 18 વર્ષ સુધી ઇન્દિરાજીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું હતું. તાજેતરમાં ડૉક્ટર માથુરનું સંસ્મરણાત્મક પુસ્તક ‘ધ અનસીન ઇન્દિરા ગાંધી થ્રૂ હર ફિઝિશ્યન્સ આઇઝ’ પ્રકાશિત થયું છે, જેમાં તેમણે ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણ દરમિયાન તેની સફળતા-નિષ્ફળતાની ચિંતા અને ઉત્તેજના બન્ને અનુભવતાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હાવભાવ અને મનોભાવનું સચોટ વર્ણન કરેલું છે.

ડૉ. માથુરનું વર્ણન વાંચતાં રસ પડે એવી એક વાત એ છે કે ‘લોખંડી મહિલા’ તરીકે વિખ્યાત ઇન્દિરાજીએ ગોપનીય મિશનની વાતને લોખંડી હોઠ વચ્ચે કઈ રીતે દબાવી રાખી હતી. પરમાણુ પરીક્ષણ કરાયું ત્યારે તેની સફળતા-નિષ્ફળતાની અવઢવ વચ્ચે ઇન્દિરાજીએ સ્ટ્રેસબસ્ટર માટે ગાયત્રી મંત્રલેખનનો સહારો લીધો હતો!
 

ખેર, આજે આ પ્રસંગની ચર્ચા કરવાનું કારણ એ છે કે ઈ.સ. 1974માં આજની તારીખ એટલે કે 18મી મેના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે સફળ પરમાણુ પરીક્ષણ કરીને ભારત દુનિયાનો છઠ્ઠો પરમાણુ શક્તિથી સંપન્ન દેશ બન્યો હતો. 1971માં પાકિસ્તાનના ઊભા ફાડિયા પડાવવામાં સફળ રહેલાં ઇન્દિરા ગાંધીએ 1974માં ભારતને પરમાણુ પાવર બનાવીને પોતાના લોખંડી નેતૃત્વનો વધુ એક પરચો આપ્યો હતો.
 

ભારતની પરમાણુ સંપન્નતા અંગે નોંધનીય મુદ્દો એ છે કે એ વખતે સલામતી સમિતિના સભ્યો એવી પાંચ મહાસત્તા જ પરમાણુ શક્તિ ધરાવતી હતી, ભારત છઠ્ઠો દેશ બન્યો, છતાં આજ દિન સુધી સલામતી સમિતિમાં તેને કાયમી સભ્યપદ મળી શક્યું નથી. વળી, આજે પાકિસ્તાન જેવા દેશો પણ પરમાણુ શસ્ત્રો વિકસાવવા માંડ્યા છે અને પરમાણુ શસ્ત્રોની હરીફાઈએ માઝા મૂકી છે, જેનાથી સમગ્ર વિશ્વ પર જોખમ તોળાઈ રહ્યું છે



પરમાણુ પરીક્ષણના આ સમગ્ર ઑપરેશનને ‘સ્માઇલિંગ બુદ્ધા’ એવું કોડનેમ અપાયું હતું. ક્યાં બુદ્ધની અહિંસા, કરુણા અને મૈત્રી અને ક્યાં પરમાણુ શસ્ત્રોની વિનાશકતા! ‘સ્માઇલિંગ ઇન્દિરા’ નામ ચાલી જાત, પણ જવા દો... નામમાં શું રાખ્યું છે!


(‘દિવ્ય ભાસ્કર’ની 18મી મે, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)


No comments:

Post a Comment