Wednesday, August 10, 2016

નિર્દોષ ‘ગુડિયા’ અને મેલી ગંગા

દિવ્યેશ વ્યાસ


દેશના પવિત્ર શહેર બનારસમાં ચાલતા રેડલાઇટ એરિયાની યુવતીઓની હૃદયદ્રાવક કહાણી





‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ 25મી જુલાઈ, 1985ના રોજ રિલીઝ થયેલી. આ ફિલ્મના અતિ જાણીતા શીર્ષક ગીત ‘રામ તેરી ગંગા મૈલી હો ગઈ પાપીઓં કે પાપ ધોતે ધોતે...’ને પાક્કાં 31 વર્ષ વીતી ગયાં છે, પરંતુ ‘ગંગા’ આજે પણ મેલી જ રહી છે, પાપીઓનાં પાપ ધોવામાંથી તેને મુક્તિ મળી નથી! આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો યુટ્યૂબ પર જઈને ‘ગુડિયા’ નામની માંડ 13 મિનિટ્સની ટૂંકી ડૉક્યુમેન્ટરી ફિલ્મ એક વાર જોઈ લેવી.

દેશનાં સૌથી પ્રાચીન શહેરોમાંનું એક બનારસ (વારાણસી) સદીઓથી પવિત્ર યાત્રાધામ તરીકે વિખ્યાત છે. લોકો અહીં ગંગામાં ડૂબકી લગાવીને પોતાનાં પાપ ધોવાઈ જાય, એવી કામના કરે છે અને વિરોધાભાસ તો જુઓ કે આ જ શહેરના એક છેડે યુવતીઓ જ નહીં બાળાઓ સાથે પણ પાપલીલા આચરવામાં આવતી હોય છે. લગભગ દેશભરમાંથી બાળાઓ-યુવતીઓને અહીં લઈ આવવામાં આવે છે અને તેમની પાસે બળજબરીથી દેહવેપાર કરાવાય છે. અહીંના રેડલાઇટ એરિયાની યુવતીઓની જિંદગી નર્કથી પણ બદતર હોય છે. ચિંતાજનક અને આક્રોશપ્રેરક હકીકત એ છે કે આ રેડલાઇટ એરિયાના ગોરખધંધા પોલીસના નાક નીચે જ, તેમની સહમતિ નહીં, સહભાગીદારીથી જ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. યુવા ફિલ્મકાર અનિકેત તારી અને જોયના મુખરજીએ બનારસના શિવદાસપુર વિસ્તારમાં ચાલતા રેડલાઇટ એરિયામાં દેહવેપાર માટે મજબૂર કરાયેલી ત્રણ યુવતીઓની હૃદયદ્રાવક વીતકકથા ‘ગુડિયા’ નામની ડોક્યુમેન્ટરીમાં રજૂ કરી છે.

(‘ગુડિયા’ ડોક્યુમેન્ટરી તમારે જોવી હોય તો નીચે દેખાતા ચિત્ર પર ક્લિક કરવું)




જોરજબરજસ્તીની સાથે સાથે અનેક જુલમો વિતાડીને કઈ રીતે આ યુવતીઓને આ દોજખમાં ધકેલવામાં આવી તેની વાત તેમના જ મોંએ સાંભળતાં તમારાં રૂંવાડાં ઊભાં થયા વિના રહે નહીં. રુહી અને પ્રિયા નામની અનુક્રમે 13 અને 17 વર્ષની તરુણીઓએ કેમેરા સમક્ષ પોતાની વાત મૂકવાની હિંમત કરી છે. 17 વર્ષની પ્રિયા પોતાની વીતકકથા જણાવતાં કહે છે, ‘તેમણે મને એટલી સખત રીતે પકડી રાખેલી કે હું પૂરો શ્વાસ પણ ન લઈ શકું. મેં બૂમાબૂમ કરી, પણ મારી મદદ કરવા કોઈ ન આવ્યું. પેલા બે જણાએ બે દિવસ સુધી મારા પર બળાત્કાર ગુજાર્યો. મારા પર લાતો અને લાફાનો વરસાદ વરસાવાયો અને મને મુંબઈ મોકલી અપાઈ. ચોરસિયા નામના કોઈ પોલીસકર્મીએ પેલા યુવકોને કહેલું કે આને એવી જગ્યાએ પહોંચાડી દઈશ, જ્યાંથી એ ક્યારેય પાછી ફરી શકશે નહીં. આ પૃથ્વી પર સ્વર્ગ અને નર્ક કેવું હોય એ કોઈએ જાણવું હોય તો એક દિવસ આ રેડલાઇટ એરિયામાં રહી આવવું જોઈએ.’ બીજી યુવતીએ જણાવેલું કે તેના જ મિત્રએ તેને ફસાવીને પછી અહીં વેચી દીધી હતી અને તેને આ ધંધામાં ધકેલવામાં આવી ત્યારે તેની ઉંમર માંડ 12 વર્ષની હતી.

આ રેડલાઇટ એરિયામાં 12 વર્ષની તો ઠીક 5 વર્ષની બાળાઓને પણ ગંદા વ્યવસાયમાં ધકેલી દેવાતી હોય છે. ડોક્યુમેન્ટરીમાં કહેવાયું છે કે આ ધંધો ચલાવનારા બાળાઓને હોર્મોનના ઇન્જેક્શન આપી આપીને નાની ઉંમરે ધંધો કરાવવાલાયક બનાવતાં પણ અચકાતા નથી. આ વિસ્તારની મોટા ભાગની યુવતીઓ એઇડ્સ સહિતના ચેપી રોગોથી પીડાતી હોય છે.

આ ડૉક્યુમેન્ટરીમાં અજિત સિંહ અને મંજુ સિંહ નામના દંપતી દ્વારા ચલાવાતી  ‘ગુડિયા’ નામની સમાજસેવી સંસ્થાની કામગીરી દર્શાવવામાં આવી છે. ડૉક્યુમેન્ટરીમાં અજિતભાઈ શબ્દો ચોર્યા વિના કહે છે કે, ‘પોલીસની રહેમનજર હેઠળ જ આ ગોરખધંધા ચાલે છે. પોલીસની સંડોવણી એટલી મજબૂત છે કે ધંધો કરાવનારા વિરુદ્ધ કોઈ ફરિયાદ પણ નોંધાવી શકતું નથી.’ વિસ્ફોટક વાત તો એ છે કે હોસ્પિટલમાંથી નવજાત બાળાઓને પણ ઉઠાવી જઈને આ ધંધા કરનારાઓને વેચી દેવાતી હોય છે. આ ધંધામાં ફસાઈ ગયેલી યુવતીઓનું સમાજમાં પુનર્સ્થાપન પણ બહુ મોટો પડકાર હોય છે, કારણ કે મોટા ભાગે તો તેનાં માતા-પિતા પણ તેને અપનાવતાં અચકાતાં હોય છે.

અલબત્ત, છેલ્લા કેટલાક સમયથી એવા સંજોગો પેદા થયા છે કે કાળાં વાદળોમાં ન્યાયની રૂપેરી કોર જોવા મળી રહી છે. અલાહાબાદ હાઈકોર્ટના આદેશ પછી  યુવતીઓનું વેચાણ કરનારા આશરે 500 જેટલા નરાધમોની ધરપકડ બાદ તેમને જામીન આપવાનો ઇનકાર કરાયો છે.

ગંગાના શુદ્ધીકરણની સાથે સાથે આવી ‘ગુડિયા’ને પણ સ્વાવલંબી-સ્વમાનપૂર્ણ જીવન મળે, એવું કંઈક કરવાની તાતી જરૂર છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 10મી ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)


No comments:

Post a Comment