Wednesday, August 24, 2016

જ્યારે વ્હાઇટહાઉસ ભડકે બળ્યું

દિવ્યેશ વ્યાસ


1812ના યુદ્ધમાં બ્રિટિશ આર્મીએ વૉશિંગ્ટન ડીસીમાં વ્હાઇટહાઉસ સહિતની જાહેર ઇમારતોને આગ ચાંપેલી

(તસવીરો વિકિસ્રોત અને અન્ય વેબસાઇટ પરથી લીધેલી છે.)

અમેરિકામાં પ્રમુખપદ માટે ચૂંટણી લડનારાં હિલેરી ક્લિન્ટન અને ડોનલ્ડ ટ્રમ્પને આજકાલ કદાચ વ્હાઇટહાઉસમાં વસવાનાં સ્વપ્નો આવી રહ્યાં હશે. વ્હાઇટહાઉસ એક ઇમારત જ નથી, પરંતુ દુનિયાની એકમાત્ર મહાસત્તાના પાવરનું પ્રતીક બની ગયું છે. પણ, શું તમે કલ્પના કરી શકો કે આ જ વ્હાઇટહાઉસને વિરોધી દેશના સૈન્યએ આગ ચાંપી દીધી હતી? હા, વ્હાઇટહાઉસ એક દિવસ ભડકે બળ્યું હતું અને વ્હાઇટહાઉસને આગ લગાડનાર સૈન્ય હતું બ્રિટનનું! અમેરિકાના ઇતિહાસમાં તેની રાજધાની વૉશિંગ્ટન ડીસી પર માત્ર એક જ વાર દુશ્મન દેશ કબજો કરી શક્યું છે. વૉશિંગ્ટન પર પહેલી અને છેલ્લી વાર કબજો કરીને બ્રિટિશ આર્મીએ માત્ર વ્હાઇટહાઉસ જ નહીં, અમેરિકી સરકારના મુખ્યાલય કેપિટલ, યુએસ ટ્રેજરી બિલ્ડિંગ, યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વૉર સહિતની અમેરિકન સરકારની મહત્ત્વપૂર્ણ ઇમારતોને આગ ચાંપી દેવાઈ હતી. કેપિટલ બિલ્ડિંગની સાથે સાથે લાઇબ્રેરી ઑફ કૉંગ્રેસના 30,000 જેટલા ગ્રંથો અને ઐતિહાસિક દસ્તાવેજો આગમાં ખાખ થઈ ગયા હતા.

છેલ્લી બે સદીથી અમેરિકા અને બ્રિટન દુનિયાના કોઈ પણ દેશ સામે ખભેખભો મિલાવીને લડે છે, પરંતુ એક જમાનો એવોય હતો જ્યારે બ્રિટિશ અને અમેરિકા પણ સામસામે યુદ્ધે ચડતાં હતાં. વાત 1812ની છે જ્યારે અમેરિકાએ બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું હતું, એ વખતે બ્રિટિશ આર્મી નેપોલિયન સામે કરો યા મરોનો જંગ ખેલી રહ્યું હતું. 1814માં નેપોલિયનને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ અમેરિકાને પાઠ ભણાવવા માટે કમર કસી હતી. બ્રિટિશ આર્મીએ અમેરિકાનાં કેટલાંક બંદરો જીતી લીધાં હતાં. અમેરિકાનું સૈન્ય એ વખતે એટલું મજબૂત નહોતું. વળી, અમેરિકાના ચોથા રાષ્ટ્રપ્રમુખ જેમ્સ મેડીસનને અમેરિકાના સૈન્ય અને શસ્ત્રસરંજામને સમૃદ્ધ-શક્તિશાળી બનાવવાની જરૂર નહોતી વર્તાતી એટલે અમેરિકામાં મોટા પ્રમાણમાં તાલીમબદ્ધ સૈનિકો કે આધુનિક શસ્ત્રોનો અભાવ હતો. આ નબળાઈને કારણે જ મેરીલેન્ડના બ્લેડન્સબર્ગ ખાતે બ્રિટિશ આર્મી સામે અમેરિકાના જવાનો ખાસ ઝીંક ઝીલી શક્યા નહોતા. અમેરિકાના પ્રમુખ મેડીસન પોતે બ્લેડન્સબર્ગનું યુદ્ધ લડ્યા હતા, છતાં અમેરિકાએ ભૂંડા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. નોંધનીય વાત એ છે કે જેમ્સ મેડીસન અમેરિકાના પહેલા અને છેલ્લા એવા રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે સામી છાતીએ યુદ્ધ લડ્યું હોય!

એ સમયે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતા વ્હાઇટહાઉસને આગ લગાડાયેલી પણ વરસાદી વાવાઝોડાએ આગ બુઝાવી દીધી હતી.

 બ્લેડન્સબર્ગમાં અમેરિકાને પરાસ્ત કરીને બ્રિટિશ આર્મીએ મેજર જનરલ રોબર્ટ રોસની આગેવાનીમાં અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડીસી તરફ કૂચ કરી હતી. યુદ્ધમાં અમેરિકા હાર્યાના સમાચારને કારણે રાજધાનીમાંથી પ્રધાનો, રાજકીય નેતાઓ અને અધિકારીઓ વૉશિંગ્ટન છોડીને ભાગી ગયા હતા. રોબર્ટ રોસને ખુલ્લું મેદાન મળી ગયેલું અને તેણે આજના દિવસે એટલે કે ઈ.સ. 1814ની 24મી ઑગસ્ટના રોજ વૉશિંગ્ટન પર આસાનીથી કબજો જમાવી દીધો હતો. ખાલી પડેલા વ્હાઇટહાઉસમાં, જેને ત્યારે પ્રેસિડેન્સિયલ મેન્સન કહેવાતું તેમાં રોબર્ટ રોસે વટભેર ભોજન લીધું હતું અને પછી બ્રિટિશ આર્મીએ વ્હાઇટહાઉસ સહિતની અમેરિકી સરકારની ઇમારતોને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું અને અમેરિકાની રાજધાની ભડભડ બળી હતી. એ દિવસે કુદરત અમેરિકાની વહારે આવી હતી અને વરસાદી વાવાઝોડુ ફૂંકાતાં લગાડવામાં આવેલી આગ બુઝાઈ ગયેલી અને વધુ નુકસાન અટક્યું હતું.


કહેવાય છે કે અમેરિકન દળોએ અગાઉ કેનેડાની સરકારી ઇમારતોને આગ ચાંપી હતી, તેનો આ રીતે બદલો લેવામાં આવ્યો હતો. જોકે, બિટિશ આર્મીએ એક દેશની રાજધાની અને સંસદને આ રીતે સળગાવી હોવાની ટીકા ખુદ બ્રિટનમાં મોટા પાયે થઈ અને બ્રિટિશ આર્મીએ 26મી ઑગસ્ટે વૉશિંગ્ટન પરનો કબજો છોડી દીધો હતો. બાદમાં તો યુદ્ધ પણ પૂરું થયું અને અમેરિકામાં રાજધાની કોઈ અન્ય શહેરમાં ખસેડવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. અલબત્ત, અમેરિકી સંસદે વૉશિંગ્ટનને જ રાજધાની રાખવાનો નિર્ણય કર્યો હતો. 1815થી 1819 દરમિયાન કેપિટલ બિલ્ડિંગ અને 1815થી 1817 દરમિયાન વ્હાઇટહાઉસનું પુનર્નિર્માણનું કામ ચાલ્યું હતું. આ પરાજય અને નાલેશી પછી જ અમેરિકાએ પોતાનાં સૈન્ય અને શસ્ત્રોને સશક્ત-સક્ષમ બનાવવા કમર કસી હતી.

(‘દિવ્ય ભાસ્કર’ની 24 ઑગસ્ટ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

No comments:

Post a Comment