Wednesday, February 14, 2018

એસિડની પીડા, પ્રેમનું અમૃત

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો  ભોગ બનનારી યુવતીઓને પ્રેમ કરનારા અને જીવનસાથી તરીકે પસંદ કરનારા વીરલાઓને સો સો સલામ મારવી જ પડે! 




ગુજરાતીમાં એક કહેવત છે, દુ:ખનું ઓસડ દહાડા. સમય શ્રેષ્ઠ ઉપચારક મનાય છે. કોઈ પણ દુ:ખ કે પીડા સમય સાથે કાં તો દૂર થઈ જતી હોય છે, કે પછી ભુલાઈ જતી હોય છે. અથવા તો સમય જતાં આપણે આપોઆપ માનસિક રીતે  એટલા સક્ષમ થઈ ગયા હોઈએ છીએ કે જે તે પીડાને અવગણી શકીએ. જોકે, સમય કરતાં પણ ઝડપી અને વધારે અસરકારક ઉપચારક છે - પ્રેમ. પ્રેમ પીડા હરે છે અને પૂર્ણતા બક્ષે છે. પ્રેમનો સ્પર્શ તમારી ગમે તેવી આકરી પીડાને સહ્ય બનાવે છે અને સાથે સાથે સમસ્યાનો સામનો કરવા માટે સશક્ત બનાવે છે. એક ફિલ્મી ગીતનું મુખડું છે, ‘તેરા સાથ હૈ તો મુઝે ક્યા કમી હૈ...’ પ્રેમીનો સાથ મળે ત્યારે વ્યક્તિમાં તમામ સંજોગો અને સમસ્યાઓનો સામનો કરવાની તાકાત આવી જતી હોય છે.

પ્રેમ માટે કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુુ સૌથી મોટો વિરોધાભાસ એ છે કે મોટા ભાગના લોકો સૌંદર્યથી મોહિત થઈને પ્રેમમાં ‘પડતા’ હોય છે. સૌંદર્ય પ્રત્યેનું આકર્ષણ સહજ છે, પરંતુ તે પ્રેમનો પાસપોર્ટ કે પૂર્વશરત તરીકે સ્થાપિત થાય, એ યોગ્ય ન કહેવાય. આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે કેટલાક એવા યુવકોની વાત કરવી છે, જેમણે સૌંદર્ય નહિ માત્ર ને માત્ર સ્નેહ અને સમભાવ સાથે એસિડ એટેક પીડિત યુવતીઓને પ્રેમ કરીને સંસાર માંડ્યો છે.

સૌથી પહેલા વાત કરીએ એસિડ એટેક પીડિતાના રોલમૉડલ તરીકે સ્થાપિત થનાર લક્ષ્મી અગ્રવાલની. દિલ્હીની આ યુવતી પર વર્ષ 2005માં એસિડ એટેક થયો હતો. એકતરફી પ્રેમમાં પાગલ બનેલા  યુવકે તેના પર એસિડ છાંટી દીધેલો. એસિડને કારણે લક્ષ્મીનું 45 ટકા શરીર બળી ગયું. માંડ માંડ જીવ બચ્યો, પણ એસિડે મોં અને શરીર પર એવા ઘા કરેલા કે જીવવું આસાન નહોતું. અધૂરામાં પૂરું તેણે પોતાના પિતા અને નાનો ભાઈ પણ ગુમાવવા પડ્યા. લક્ષ્મીએ ન્યાય માટે સંઘર્ષ કર્યો. આજે એસિડ એટેક પીડિતાઓને જે કંઈ સહાય અને ન્યાય મળી રહ્યા છે, તેમાં લક્ષ્મીબહેનના સંઘર્ષનું ખાસ્સું યોગદાન છે. લક્ષ્મીને સંઘર્ષ દરમિયાન વર્ષ 2013માં આલોક દીક્ષિત સાથે મળવાનું  થયું. આલોક એસિડ એટેક પીડિતાઓ માટે એક એનજીઓ ચલાવતા હતા. એસિડ એટેક પીડિતાઓને ન્યાય અપાવવા અને સમાજમાં ફરી સ્થાપિત કરવાની કામગીરી કરતાં કરતાં બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા અને લગ્ન કર્યા વિના જ જીવનસાથી તરીકે સાથ નિભાવે છે. આજે તેમને પીહુ નામની એક દીકરી પણ છે.

લલિતા બંસી નામની એસિડ એટેક પીડિતાની લવસ્ટોરી પણ ખૂબ જાણીતી છે. પારિવારિક ઝઘડામાં કુટુંબના જ યુવક દ્વારા વર્ષ 2012માં એસિડ એટેકનો ભોગ બનનારી લલિતાએ 17 સર્જરીઓ સહન કરવી પડી હતી. ભૂલથી લાગેલી ગયેલો એક ખોટો નંબર તેમની જિંદગીમાં ખુશીઓ લઈને આવ્યો. એક દિવસ લલિતાથી રાંચીના પેટ્રોલ પમ્પ પર સીસીટીવી ઓપરેટર તરીકે કામ કરતા રવિશંકર સિંહનો નંબર ભૂલથી ડાયલ થઈ ગયો અને તેમની વચ્ચે થોડી વાતો થઈ. પછી નિયમિત વાતો થવા માંડી અને તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં. આખરે તેમણે મે-2017માં લગ્ન કરી લીધા. ફિલ્મ અભિનેતા વિવેક ઓબેરોયે લલિતાના ભાઈ તરીકે આ લગ્નમાં હાજરી આપેલી.

ચિત્તરંજન તિવારીએ પણ સોનાલી મુખરજી નામની એસિડ એટેક પીડિતાના પ્રેમમાં પડીને વિધિવત્ત લગ્ન કર્યા છે અને આજે તેઓ એક દીકરીનાં માતા-પિતા છે. આવાં વધુ ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.
પ્રેમના આવા અપવાદરૂપ જ નહિ, બલકે અણમોલ  કિસ્સાઓ જ પ્રેમને વધારે ઊંચાઈ-સન્માન બક્ષે છે.

No comments:

Post a Comment