Wednesday, February 7, 2018

આરોગ્ય અને આપણો ‘અભય’

દિવ્યેશ વ્યાસ


તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કારથી નવાજાયેલા ડૉ. અભય અને ડૉ. રાની બંગના ‘આરોગ્ય અનુષ્ઠાન’માંથી ઘણું બધું શીખવા જેવું છે


(ડૉ. અભય બંગ અને ડૉ. રાની બંગની આ તસવીર વિકિ સ્રોતમાંથી મેળવી છે.)

કેન્દ્રીય બજેટમાં વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજનાની જાહેરાત કરવામાં આવી છે. રાજકીય લાભાલાભની વરવી ગણતરીઓ બાજું પર મૂકીએ તો એક વાતનો ચોક્કસ આનંદ વ્યક્ત કરી શકાય કે દેશની સૌથી મોટી સરકારે પોતાનાં આયોજનોમાં આરોગ્ય ક્ષેત્રને આટલું બધું પ્રાધ્યાન્ય આપ્યું છે. હેલ્થકેર યોજના ક્યારે સાકાર થશે, કેવું આયોજન થશે,  ખરેખર ગરીબ-વંચિત લોકો સુધી આરોગ્ય સુવિધાઓ ક્યારે પહોંચશે, એ બધા મહાપ્રશ્નો ઊભા જ છે, છતાં આરોગ્ય ક્ષેત્ર પર ફોકસ કરાયું, તે સકારાત્મક સંકેત છે. આપણા દેશની અનેક સમસ્યાઓનાં મૂળમાં બે મુખ્ય સમસ્યાઓ છે - આરોગ્ય અને શિક્ષણ. આ બે ક્ષેત્રમાં દેશ જેટલો સશક્ત બનશે, એટલા જ આપણે અન્ય તમામ ક્ષેત્રોમાં સશક્ત બની શકીશું. હેલ્થકેર યોજનાની સાથે સાથે તાજેતરમાં બીજા પણ એક સારા સમાચાર મળ્યા હતા કે મહારાષ્ટ્રના અંતરિયાળ ગઢચિરોલી જિલ્લામાં દાયકાઓથી ‘આરોગ્ય અનુષ્ઠાન’ ચલાવનાર દંપતી અભય અને  રાની બંગને પદ્મશ્રી પુરસ્કાર આપવાનું જાહેર થયું છે.

ડૉ. અભયભાઈ અને ડૉ. રાનીબહેને ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે જે અમૂલ્ય યોગદાન  આપ્યું છે, તેના માટે તેઓ પદ્મશ્રી કરતાં પણ મોટા સન્માનને હકદાર છે. ખેર, વર્તમાન સંજોગોમાં તેમના નામ અને કામની જે કદર થઈ છે અને તેમનાં સેવાકાર્યોની ચર્ચા શરૂ થઈ છે, એ ખરેખર આવશ્યક હતું જ અને આવકાર્ય પણ છે. ગઢચિરોલીમાં તેમણે આરોગ્યનો જે યજ્ઞ પ્રગટાવ્યો છે, તેનો દિવ્ય ઉજાસ સમગ્ર દેશમાં ફેલાય, એ સમયની માગ છે.

ગાંધીજીના સેવાગ્રામ આશ્રમમાં ઉછરેલા ડૉ. અભય બંગ ગાંધી વિચારની સાથે સાથે આચારનું પણ અનુસરણ કરનારા છે. તેમણે ધાર્યું  હોત તો તેઓ પણ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરીને કરોડો કમાઈ શક્યા હોત, પરંતુ તેમના દિલોદિમાગમાં છવાયેલું ‘ગાંધી તાવીજ’ તેમને એકદમ અંતરિયાળ અને તદ્દન પછાત વિસ્તાર ભણી લઈ ગયું. વર્ષ 2001માં કેનેડાના કેલગરી શહેરમાં બૃહન્મહારાષ્ટ્ર અધિવેશન દરમિયાન અમેરિકા-કેનેડામાં વસતા ભારતીયો સમક્ષ અભયભાઈએ પોતાનું ખૂબ જ જાણીતું ‘સેવાગ્રામથી શોધગ્રામ’ વક્તવ્ય આપ્યું હતું. ગુજરાત માટે રાજી થવાય એવી વાત એ છે કે આ ભાષણની પુસ્તિકા સૌથી પહેલાં અંગ્રેજી અને ગુજરાતીમાં વર્ષ 2001માં પ્રકાશિત થઈ હતી અને ત્યાર પછી તેનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયેલો.

ડૉ. અભય બંગે ‘સેવાગ્રામથી શોધગ્રામ’માં પોતાના આરોગ્ય અનુષ્ઠાનની વિગતે વાત કરી છે. અભયભાઈની આ સેવા-સફરમાંથી પસાર થઈએ તો દેશના ગ્રામીણ વિસ્તારોની આરોગ્યની અનેક સમસ્યાઓના ઉકેલ આપણને સાંપડી શકે છે. આદિવાસી બહુમતી ધરાવતા ગઢચિરોલીમાં ડૉ. અભયભાઈ અને ડૉ. રાનીબહેને મહિલાઓની આરોગ્ય સમસ્યાઓથી માંડીને નવજાતશિશુઓનાં મોતને નિવારવા માટે જે કંઈ પ્રયોગો-પ્રયાસો અને સંશોધનો કર્યા તથા લોકોના સહકાર થકી જે કંઈ સફળતાઓ મેળવી, તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાઈ છે તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પોતાની નીતિ-રણનીતિઓમાં પણ પરિવર્તનો કરેલાં છે. આ ડૉક્ટર દંપતીએ આદિવાસી સમાજની સેવા કરવાની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે સંશોધનનું બહુ પાયાનુ કામ કર્યું છે. તેઓનાં સંશોધન-પત્રો (રિસર્ચ પેપર્સ) અનેક પ્રતિષ્ઠિત હેલ્થ જર્નલ્સમાં છપાયાં છે અને માર્ગદર્શક નીવડ્યા છે.

આશા રાખીએ વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના વહેલી તકે દેશમાં અમલી બને અને તેનાં આયોજનો અને અમલીકરણ વેપારી મનોવૃત્તિવાળા લોકોના હાથમાં જવાને બદલે સેવાવૃત્તિ ધરાવતાં ડૉ. અભય અને ડૉ. રાની બંગ જેવા નિષ્ઠાવાન લોકોને સોંપાય.

(‘દિવ્ય ભાસ્કર’ની 7મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કટારની મૂળ પ્રત)
(‘સેવાગ્રામથી શોધગ્રામ’ની હિંદી આવૃત્તિ માટે આ લિંક https://www.freehindipdfbooks.com/download-now/sevagram-se-shodhgram-abhay-bang/ અને  અંગ્રેજી આવૃત્તિ માટે આ લિંક http://www.vidyaonline.org/dl/s2s-english.pdf ક્લિક કરી શકો છો. આ બન્ને લિંક પરથી તમે આ પુસ્તિકા પીડીએફ ફોર્મેટમાં ફ્રી ડાઉનલોડ કરી શકો છો.)

No comments:

Post a Comment