Wednesday, February 28, 2018

યુદ્ધ પહેલાંની શાંતિ?

દિવ્યેશ વ્યાસ


આક્રમક નેતાઓની બોલબાલા જોતાં કહેવાતો ‘દીર્ઘ શાંતિકાળ’ હજુ કેટલો ટકશે, એ મોટો સવાલ છે


(તસવીર ગૂગલ ઇમેજ પરથી લીધી છે.)

યુદ્ધમાં વિજય કે પરાજય મળે, એ તો એક મોટો ભ્રમ છે. યુદ્ધ એટલે યાતના. વિજેતા હોય કે પરાજિત, યુદ્ધ કરનાર તમામને યાતના ભોગવવી જ પડે છે. વિજેતા કદાચ જીત્યાનું અભિમાન દાખવી શકે, છતાં યાતનાથી બચી શકતો નથી. યુદ્ધની પીડા રણમેદાનમાં લડનારા સૈનિક સુધી સીમિત ન રહેતાં તેના પરિવાર અને સમાજ સુધી વિસ્તરતી હોય છે. યુદ્ધની કથા ભલે રમ્ય રીતે રજૂ કરાતી આવી હોય, બાકી વાસ્તવિકતા રમ્ય નહીં, રક્તરંજિત હોય છે. કોઈ પણ યુદ્ધનો અંત લોહી અને આંસુ જ હોય છે. ડાહ્યા લોકો યુદ્ધને ‘છેલ્લો ઉપાય’ તરીકે પસંદ કરતા હોય છે. અલબત્ત, ઇતિહાસના અનુભવો જોતાં કહી શકાય કે યુદ્ધથી કદાચ ઉકળાટની અભિવ્યક્તિ શક્ય બને પણ ઉકેલ ભાગ્યે જ મળતો હોય છે.

આપણે છેલ્લાં 70 વર્ષથી પ્રમાણમાં શાંતિપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં નાનાં-મોટાં યુદ્ધો જરૂર થયાં છે, છતાં મહાયુદ્ધો ટાળી શકાયાં છે. દુનિયા અને યુદ્ધો અંગે કોલોરાડો યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્ટિસ્ટ ડૉ. એરોન ક્લોસેટ દ્વારા એક આંકડાકીય અભ્યાસ કરવામાં આવ્યો છે. ડૉ. એરોને ‘ધ કૉરલેટ ઑફ વૉર પ્રોજેક્ટ’ના અધિકૃત ગણાતા આંકડાના આધારે ઈ.સ. 1823થી 2003 દરમિયાન દુનિયામાં થયેલાં યુદ્ધોનું વિશ્લેષણ કરીને કેટલાંક રસપ્રદ તારણો કાઢ્યાં છે. 1823થી 2003નાં વર્ષોમાં દુનિયાએ કુલ 95 યુદ્ધો જોયાં છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધનો ઈ.સ. 1914થી 1945નો સમયગાળો માનવ ઇતિહાસનો સૌથી વધારે રક્તરંજિત સમયગાળો છે.

ડૉ. એરોને આ સમગ્ર સમયખંડને ત્રણ ભાગમાં વહેંચી દીધો છે. 1823થી 1914ના ગાળામાં ઘણાં મોટાં યુદ્ધો થયાં હતાં. આ ગાળામાં કુલ 19 મોટાં યુદ્ધો થયેલાં. આમ, દર 6.2 વર્ષે એક મોટું યુદ્ધ દુનિયાએ જોયું હતું. તે પછીનો 1914થી 1945ના તબક્કામાં દુનિયાએ ઉપરાઉપરી બે મહાયુદ્ધો જોયાં અને લાખો લોકોનાં લોહી વહ્યાં હતાં. દર 2.7 વર્ષે કોઈ ને કોઈ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

ઈ.સ. 1945થી આજ દિન સુધી 70 વર્ષમાં મોટાં કહી શકાય એવાં 10 યુદ્ધો જ થયાં છે. આમ, બીજા વિશ્વયુદ્ધ પછી દર 12.8 વર્ષે એક યુદ્ધ થયું છે. આમ, આ ગાળામાં યુદ્ધોની સંખ્યા અને યુદ્ધમાં મરનારાઓની સંખ્યાની સરખામણીએ ખાસ્સો ઘટાડો થયો હોવાથી આ સમયગાળાને ‘દીર્ઘ શાંતિકાળ’ ગણવામાં આવે છે. આ શાંતિકાળ લાંબો ચાલવા પાછળનાં પરિબળોની ચર્ચા નિષ્ણાતો વચ્ચે થતી રહે છે. દુનિયામાં વિસ્તરેલી અને વિકસતી લોકશાહી, વૈશ્વિકીકરણના સમયમાં બે દેશો વચ્ચે વધતું આર્થિક પરસ્પરાવલંબન તથા પરમાણુ યુદ્ધથી સાર્વત્રિક વિનાશનો ડર, આ ત્રણ કારણો બે કે તેથી વધુ દેશો વચ્ચેના યુદ્ધને અટકાવવા મજબૂર કરતાં હોવાનું મનાય છે.

ડૉ. એરોનનું એક તારણ છે કે બીજા વિશ્વયુદ્ધ જેવું વિનાશક મહાયુદ્ધ દર 205 વર્ષે થતું હોય છે. એ દૃષ્ટિએ આપણે આશ્વાસન લઈ શકીએ કે હવે પછીનું મહાયુદ્ધ 135 વર્ષે થશે. જોકે, વર્તમાન આંતરરાષ્ટ્રીય સ્થિતિ-સંજોગો જોતાં આ અંદાજ ગળે ઊતરે એમ નથી. ખુદ ડૉ. એરોન પણ સ્વીકારે છે કે આ માત્ર આંકડાકીય તારણ છે, એટલે કોઈ ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. દુનિયામાં અત્યારે જે પ્રકારનું નેતૃત્વ વિકસી રહ્યું છે. પુતિનનો ભાઈ ઘંટી ટ્રમ્પ સત્તામાં આવી રહ્યો છે, તે જોતાં યુદ્ધની આશંકા તીવ્ર બનતી જાય છે.

તાજેતરમાં સીરિયાના ઘોઉટા નગર પર સીરિયા અને રશિયાના લશ્કરે કરેલા હુમલામાં પાંચ દિવસમાં કુલ 462 લોકોનાં મોત થયાં અને એમાં 99 તો બાળકો હતાં, એ હકીકત જાણીને સમગ્ર વિશ્વમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ગમે તે માનો, લોકો વધારે સંવેદનશીલ બન્યા છે અને એટલે જ લોકશાહી ધરાવતા દેશો માટે યુદ્ધે ચડવું એટલું આસાન નથી. તમને લોકશાહી પસંદ છે કે લોહિયાળ યુદ્ધો?

(‘દિવ્ય ભાસ્કર’ની 28મી ફેબ્રુઆરી, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment