Friday, October 28, 2016

આવા 'પ્રકાશ' થકી જ સુધરી શકે દેશની દિવાળી

દિવ્યેશ વ્યાસ


આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે


(તસવીર રીડિફ ડોટ કોમ પરથી મેળવી છે.)

દિવાળી એ અંધકાર પર અજવાળાના વિજયનો ઉત્સવ છે. દિવાળીના દિવસોમાં દીપ પ્રગટાવીને આપણે અંધકાર સામે ઝીંક ઝીલવાનો જુસ્સો દેખાડીએ છીએ. જો કે, દેશ અને સમાજમાં અખંડ દિવાળી લાવવી હોય તો અજ્ઞાન, અંધશ્રદ્ધા, અસમાનતા અને અન્યાયના અંધકાર સામે જંગ માંડવો પડે. આ જંગ પ્રતિબદ્ધ માનવદીપકો વિના કેમ લડી શકાય? આજે એક એવા માનવદીપકની વાત કરવી છે, જેણે પોતાનું પ્રકાશ નામ સાર્થક કરીને મહારાષ્ટ્રના એક અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં એવો ઉજાસ ફેલાવ્યો છે, જેનો ઝગમગાટ પાવક, પ્રેરક અને પ્રોત્સાહક છે. તાજેતરમાં ડો. પ્રકાશ આમટેના જીવન અને કાર્યને રજૂ કરતી ફિલ્મ 'ડો. પ્રકાશ બાબા આમટે - ધ રિયલ હીરો' મરાઠી ઉપરાંત હિંદી અને અંગ્રેજીમાં પણ રિલીઝ થઈ છે. (વાત 2014ની છે) નાના પાટેકર અભિનીત આ ફિલ્મ સારી બની છે, પરંતુ અહીં આ ફિલ્મની નહીં, પણ એ નિમિત્તે ડો. પ્રકાશ આમટેના સાદગીભર્યા જીવન અને સંઘર્ષપૂર્ણ સેવાકાર્યની વાત કરવી છે.

પદ્મશ્રી, પદ્મભૂષણ અને રેમન મેગસેસે જેવાં ખ્યાતિપ્રાપ્ત સન્માનો મેળવનારા મહારાષ્ટ્રના સમાજસેવક બાબા આમટે અને સાધના આમટેના ઘરે ૨૬ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ જન્મેલા ડો. પ્રકાશ આમટેને સમાજસેવા તો જાણે ડી.એન.એ.માં જ મળી હતી. ડો. પ્રકાશ અને તેમના મોટા ભાઈ વિકાસ આમટેએ પિતાના સેવાના વારસાને માત્ર જાળવ્યો અને ઉજાળ્યો નથી, બલકે પોતાની આગલી પેઢીમાં આગળ પણ વધાર્યો છે. આજે આ બે ભાઈઓનાં ઉચ્ચ ડિગ્રીપ્રાપ્ત સંતાનો પણ સમાજસેવાના મિશનમાં સક્રિય છે. ડો. પ્રકાશ આમટે પદ્મશ્રી સન્માન ઉપરાંત પોતાનાં પત્ની ડો. મંદા સાથે એશિયાના નોબેલ પારિતોષિક ગણાતા રેમન મેગસેસે એવોર્ડથી પોંખાયાં છે.

ડો. પ્રકાશ આમટે અને તેમનાં પત્ની ડો. મંદા અભ્યાસે અને વ્યવસાયે ડોક્ટર છે. ડોક્ટરનું ભણ્યા પછી તેમણે ધાર્યું હોત તો લાખો રૂપિયા કમાઈને સુખી-સમૃદ્ધ જીવન જીવી શક્યાં હોત, પણ તેમના લોહીમાં અને દિલમાં રહેલી સમાજસેવાની ભાવનાને કારણે તેમણે સાદગીપૂર્ણ જીવન અને સંઘર્ષભર્યો જનસેવાનો માર્ગ અપનાવ્યો. સેવા કરવા માટે એમણે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશની સરહદો જ્યાં મળે છે, એવા અંતરિયાળ, અતિ પછાત અને અડાબીડ અગવડોવાળા હેમલકસા અને તેની આજુબાજુના વિસ્તાર પર પસંદગી ઉતારી. માર્ચ-૧૯૭૪થી આ દંપતી જ્યાં વસ્યું એ હેમલકસામાં ન તો વીજળી હતી, ન સડક, ન સંદેશાવ્યવહારનાં સાધનો. આટલું અધૂરું હોય એમ તેઓ જે માડિયા ગોંડ આદિવાસી લોકોની સેવા કરવા તત્પર હતા, એ લોકોએ તેમને સહકાર તો ઠીક શરૂઆતના ગાળામાં સ્વીકાર્યા પણ નહોતા ! દુનિયાથી સાવ અલિપ્ત અને પ્રાણીઓનો શિકાર કરીને પેટ ભરનારા આદિવાસી લોકો માટે તેઓ પરગ્રહવાસી જેવા હતા. લોકો તેમને જોઈને સંતાઈ જતા હતા. વળી, તેમની ભાષા અલગ અને સંસ્કૃિત પણ સાવ નોખી. આ લોકો માટે બીમારી એટલે કાં તો દેવીનો કોપ કે પછી કોઈએ મૂઠ મારી હોય, એવી અંધશ્રદ્ધા. સારવાર લેવાનું તો તેમને ગળે જ ન ઊતરે. આવા લોકોની ટાંચાં સાધનો સાથે સારવાર કરવા કરતાં પણ અઘરું કામ હતું, તેમને સારવાર લેતા કરવાનું. જો કે, ડો. પ્રકાશ અને તેમના સાથીઓના વ્યવહાર અને ભાવનાશીલ વર્તનને કારણે ધીમે ધીમે લોકોના વલણમાં પરિવર્તન આવ્યું. ગરીબ અને પછાત આદિવાસીઓ સાથે હમદર્દીની હદ તો જુઓ કે આદિવાસી પાસે પહેરવા માટે પૂરતાં કપડાં નહોતાં, એ જોઈને ડો. પ્રકાશે રોજિંદા જીવનમાં અરધી ચડ્ડી અને બંડ્ડી પહેરવાનું જ અપનાવી લીધું! આખરે ડો. પ્રકાશ અને તેમના સાથીઓની ભાવના અને મહેનત રંગ લાવ્યાં. હેમલકસાનાં લોકો જ નહીં પ્રાણીઓ (ડો. પ્રકાશ પ્રાણીઓ માટે અનાથાલય પણ ચલાવે છે.) સહિત સમગ્ર વિસ્તારે તેમને પોતીકા બનાવી લીધા છે. આજે આશરે ચારેક દાયકાની મહેનત પછી હેમલકસાનો એટલો વિકાસ થયો છે કે ત્યાંની નવી પેઢી સમાજના મુખ્ય પ્રવાહમાં વહેતી થઈ છે. લોક બિરાદરી પ્રકલ્પ અંતર્ગત ચાલતી શાળામાં ભણેલાં બાળકો આજે શિક્ષકો, ડોક્ટરો, પોલીસ, વનરક્ષકો, વકીલો બન્યાં છે.

એક ડોક્ટર તરીકે પ્રકાશભાઈને થયેલા અનુભવો ગમે તેવા કઠણ હૃદયના માણસને હચમચાવે એવા છે, સાથે સાથે પ્રેરણારૂપ પણ છે. ડો. પ્રકાશે પોતાનાં સંભારણાંઓ મરાઠીમાં 'પ્રકાશ વાટા' નામના પુસ્તકમાં સમાવ્યાં છે. જેનો ગુજરાતી અનુવાદ 'પ્રકાશની પગદંડીઓ'ના નામે સંજય શ્રીપાદ ભાવેએ કરેલો છે.

દેશના દરેક પછાત-અંતરિયાળ વિસ્તારને ડો. પ્રકાશ આમટે જેવો ડોક્ટર મળવો જોઈએ. ડો. પ્રકાશ જેવા લોકો સમગ્ર દેશમાં ફેલાય-કાર્યરત થાય તો દેશમાં ન રહે બીમારી, ન રહે અજ્ઞાાન કે અંધશ્રદ્ધાનો અંધકાર કે ન રહે નક્સલવાદ જેવી સમસ્યાઓ.

દેશની દિવાળી સુધારવા માટે આવા અનેક પ્રકાશ પેદા થાય, એવી પરમપ્રભુને પ્રાર્થના.

(‘સંદેશ’ની 19 ઑક્ટોબર, 2014ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 26, 2016

‘ભગવાન કે નામ પે કુછ દે દે!’

દિવ્યેશ વ્યાસ


આ વખતે લક્ષ્મીપૂજનમાં પોતાના ઉપરાંત દેશના ભિખારીઓ પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!


(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સપ્ટેમ્બર 2012માં ડૉ. પ્રકાશ આમટે પોતાની જીવનકથાની ગુજરાતી આવૃત્તિ ‘પ્રકાશની પગદંડીઓ’ના વિમોચન પ્રસંગે અમદાવાદ આવ્યા હતા. પ્રકાશ આમટે મહારાષ્ટ્રના સાવ અંતરિયાળ આદિવાસી વિસ્તાર ગઢચિરોલીના હેમલકસા ગામમાં રહે છે અને આશરે સાડા ચાર દાયકાથી આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરી રહ્યા છે. તેમણે એ સાંજે પોતાના અનુભવો વર્ણવતાં એક જબરદસ્ત વાત કરેલી કે ગઢચિરોલીમાં વસતા આદિવાસીઓ અતિશય નિર્ધન છે. બે ટંક પેટ ભરવા માટે પણ તેમણે સખત પરિશ્રમ કરવો પડે છે, છતાં તેઓ ક્યારેય ભીખ માગતા નથી. કોઈ સામેથી કશું આપે તો પણ તે લેવાનો સ્વાભિમાનપૂર્વક ઇનકાર કરતા હોય છે! એ વિસ્તારમાં અતિશય ગરીબ અને ભૂખમરાથી પીડિત લોકો જોયા, પણ ક્યારેય ભિખારી જોવા મળ્યો નથી. ભીખ માગવી એ આપણી સંસ્કૃતિમાં શરમજનક બાબત ગણાય છે. આજેય ગામડાંઓમાં ગરીબ લોકો મોટી સંખ્યામાં છે, પણ લોકો ભીખ માગતા તો શું કશુંક ઉછીનું માગતાં પણ પારાવાર શરમ અનુભવતા હોય છે. ધાર્મિક સ્થળો ઉપરાંત આપણાં મોટા ભાગનાં નગરો અને શહેરોમાં ભિખારીઓની ભરમાર જોવા મળે છે. શહેરના મુખ્ય ચાર રસ્તાઓના સિગ્નલ પર વાહન રોકાતાં દયામણું મોં કરીને કરગરતા ચહેરાઓ અચૂક જોવા મળી જતા હોય છે.

એક તરફ દેશ સુપરપાવર બનવાનું સપનું જોઈ રહ્યો છે ત્યારે લાખો લોકો માગીભીખીને બે ટંકનું ભોજન માંડ મેળવી રહ્યા છે, એ દેશ માટે શરમજનક છે. જાણીતાં પ્રવાસન કેન્દ્રો, શ્રદ્ધાધામો અને શહેરનાં જાહેરસ્થળો પર મોટી સંખ્યામાં ભિખારીઓની ઉપસ્થિતિ આપણા દેશની આર્થિકની સાથે સાથે સાંસ્કૃતિક દરિદ્રતાનાં પણ દર્શન કરાવે છે. સત્તાવાર આંકડા દેશમાં ભિખારીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવે છે. વર્ષ 2001ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દેશમાં 6,30,940 ભિખારીઓ હતા, જેમાં દસ વર્ષમાં મોટો ઘટાડો થયો અને વર્ષ 2011ના સેન્સસ ડેટા મુજબ દેશમાં 3,72,217 ભિખારીઓ હતા. લેટેસ્ટ આંકડા જોઈએ તો ઑગસ્ટ 2015માં એક પ્રશ્નના લેખિત જવાબમાં સામાજિક ન્યાયના રાજ્યમંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં 4,13,670 ભિખારીઓ છે. 2.2 લાખ પુરુષો અને 1.91 લાખ સ્ત્રીઓ ભિક્ષાવૃત્તિથી પેટ ભરી રહ્યાં છે. આ આંકડા સત્તાવાર છે, પરંતુ વાસ્તવિક આંકડો આનાથી મોટો-વિકરાળ હોઈ શકે છે.  દેશમાં સૌથી વધારે ભિખારી ધરાવતું રાજ્ય પશ્ચિમ બંગાળ છે અને દેશમાં સૌથી વધુ ભિખારી ધરાવતું શહેર દિલ્હી છે, જ્યાં 81,000 ભિખારીઓ છે. દેશની રાજધાની દિલ્હીમાં જ મોટી સંખ્યામાં ભિખારીઓ હોવાને કારણે દિલ્હીને ભિખારીમુક્ત બનાવવાની ઝુંબેશ છેલ્લાં કેટલાંય વર્ષોથી ચાલી રહી છે.

ભીખ માગનારા મૂળભૂત રીતે ગરીબ-બેકાર-લાચાર લોકો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભિખારીઓના કલ્યાણ (વેલફેર) માટે કેટલાક લોકો અને માનવ અધિકાર માટે કાર્યરત સંસ્થાઓ પ્રયત્નશીલ છે. ભિખારીઓને સન્માનપૂર્વકની જિંદગી આપવા માટે અનેક પ્રયાસોની સાથે સાથે કાયદાની મદદ પણ લેવાઈ રહી છે. તાજેતરમાં જ ભિખારીઓના મૂળભૂત નાગરિક અધિકારો અંગે થયેલી જાહેર હિતની બે અરજીઓની દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેન્દ્રના સામાજિક ન્યાય મંત્રાલય અને દિલ્હી સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે અમે ટૂંક સમયમાં પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન (પ્રોટેક્શન, કેર એન્ડ રિહેબિલિટેશન) મૉડલ બિલ, 2016 લાવી રહ્યા છીએ, જે ભિખારીઓના મૂળભૂત માનવ અધિકારોનું રક્ષણ કરશે, તેમને રક્ષણ પૂરું પાડશે, તેમની સંભાળ લેશે અને તેઓને તાલીમ આપીને રોજગારી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવશે. કોર્ટને આ વિધેયકની નકલ પણ આપવામાં આવી હતી. ગયા બુધવારે જ આ વિધેયક અંગે ચર્ચા કરવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાયમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી.

ભિખારીઓ અને ઘરબાર કે કશાય આધારવિહોણા લોકો માટેના આ વિધેયકની રચના આમ તો વર્ષ 2015માં જ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેને સંસદમાંથી પસાર કરીને નક્કર કાયદાનું સ્વરૂપ મળી શક્યું નથી. ભિખારી અંગે આપણા દેશમાં કાયદો તો છે, પરંતુ તે વ્યક્તિને ભિખારી બનાવતા સંજોગો કે વ્યવસ્થાની વિરુદ્ધ નહીં, પરંતુ ભિક્ષાવૃત્તિ કરવા મજબૂર લોકોની વિરુદ્ધ છે! વર્ષ 1959માં મુંબઈ સરકારે (એ વખતે મહારાષ્ટ્ર રાજ્ય મુંબઈ સ્ટેટ તરીકે જાણીતું હતું) ધ બૉમ્બે પ્રિવેન્ટિંગ ઑફ બેગિંગ એક્ટ ઘડેલો અને પછી આ કાયદાને લગભગ તમામ રાજ્યોએ અપનાવેલો. આ કાયદો ભિક્ષાવૃત્તિ નાબૂદ કરવા માટે ભિખારીઓને પકડીને કાં તો સંરક્ષણ ગૃહમાં કે પછી જેલમાં ધકેલી દેવાના માર્ગે લઈ જનારો છે. આ કાયદા મુજબ માત્ર ભીખ માગનારા જ નહીં, પરંતુ જાહેર માર્ગો કે સ્થળો પર ગીત ગાઈને, નૃત્ય કરીને કે કરતબ બતાવીને લોકો પાસેથી રૂપિયા મેળવતા લોકોને પણ લાગુ પડે છે. આ કાયદામાં ભીખ માગવાનો ગુનો કરનારને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે! જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ કાયદાનો સખત વિરોધ થઈ રહ્યો છે અને સરકાર આ કાયદાને નાબૂદ કરવા માટે વિચારણા કરી રહી છે. કેન્દ્ર સરકાર જો પર્સન્સ ઇન ડિસ્ટિટ્યુશન એક્ટ વહેલી તકે અમલમાં મૂકે, એવી આશા રાખીએ.

ભિક્ષુકોના હાલહવાલ અને અંગભંગિમાઓ જોઈને સંવેદનશીલ લોકોનું હૃદય પીગળી જતું હોય છે અને તેઓ બે-પાંચ રૂપિયા આપતાં જોવા મળે છે. ઘણા લોકોને ભિખારીઓની દયા આવે છે, પરંતુ તેઓ રૂપિયા આપવાનું પસંદ કરતાં નથી, કારણ કે આજકાલ ભિક્ષાવૃત્તિને વ્યવસાય બનાવી દેનારાની પણ કમી નથી! ભીખ માગવાની રીતો પણ હવે લોકોને ઠગ બનાવવા જેવી સ્માર્ટ થતી જાય છે! છતાં એક વાત સ્વીકારવી અને સમજવી રહી કે આપણો દેશ-સમાજ અને સરકાર જો ધારે તો દરેક હાથને કામ અને રોટી માટે વ્યવસ્થા કરી શકે છે, દરેક નાગરિક સન્માનપૂર્વકની આજીવિકા રળી શકે, એ માટે યોજના બનાવી શકે છે. જોકે, છેવાડેના માણસો માટે હજુ આપણા રાજકીય-સામાજિક નેતાઓની સંવેદના ઓછી પડે છે. દિવાળીના દિવસોમાં તમે લક્ષ્મીપૂજન કરો ત્યારે પોતાની સાથે સાથે દેશના એ લાખો ભિખારીઓ અને કરોડો ગરીબ દેશબાંધવો પર પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય એવા આશીર્વાદ માગજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 26મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ, બિનસંપાદિત)

વાહ રાજા! Wow રાજા!

દિવ્યેશ વ્યાસ


એકવીસમી સદીમાં પણ જાપાન અને થાઇલેન્ડના રાજાઓએ મેળવેલી લોકચાહના નોંધપાત્ર છે


(બે રાજા અને એક મહારાણીનું રંગીન કોલાજ શોએબ મન્સુરીએ બનાવેલું છે.)

થાઇલેન્ડના રાજા ભૂમિબોલ અતુલ્યતેજનું (થાઇમાં અદુલ્યદેજ)  13મી ઑક્ટોબર, 2016ના રોજ 88 વર્ષની વયે નિધન થયું. થાઇલેન્ડમાં માતમ છવાઈ ગયો. રાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ઘેરાયેલા આ દેશમાં લોકોના ચહેરા પર નોધારાં થઈ ગયાં હોય એવા ભાવ સ્પષ્ટ વર્તાતા હતા. રાજા ભૂમિબોલ વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટોમાંના છે. માત્ર 18 વર્ષની વયે રાજા બનનારા ભૂમિબોલે પાક્કા સાત દાયકા સુધી ગાદી સંભાળી. પોતાની લોકપ્રિયતાની તાકાત અને સૂઝબૂઝથી રાજા ભૂમિબોલે અનેક ઉતારચડાવ અને અફરાતફરીના ગાળામાં પણ દેશમાં સ્થિરતા ટકાવી રાખવામાં બહુ મોટી ભૂમિકા ભજવી હતી અને એને કારણે જ તેમના પ્રત્યે સમગ્ર દેશને માન હતું.

રાજા ભૂમિબોલને જ્યારથી રાજગાદી મળી ત્યારથી રાજા તરીકે તેમને કોઈ વિશેષ સત્તાઓ કે અધિકારો મળ્યા નહોતા. તેમનું રાજાપણું પ્રતીકાત્મક હતું, કારણ કે દેશમાં નવા બંધારણ અનુસાર લોકશાહીની સ્થાપના થઈ ચૂકી હતી અને વચ્ચે વચ્ચે લશ્કર બળવો કરીને સત્તા પર આધિપત્ય જમાવી દેતું હતું. જોકે, ભૂમિબોલે જરૂર પડી ત્યારે પોતાના સત્તાક્ષેત્રમાં ન હોય એવી બાબતોમાં પણ હસ્તક્ષેપ કર્યો અને પોતાની રાજકીય કુનેહથી અસ્થિર અને અનિશ્ચિત સ્થિતિઓમાંથી દેશને હંમેશાં ઉગાર્યો હતો. રાજાની આ ઓથ અને સાથ ગુમાવતાં થાઇલેન્ડ શોકમાં સરી પડ્યું છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં ચૂંટાયેલી સરકારો શાસન સંભાળી રહી છે, છતાં આજે પણ ભૂમિબોલ જેવા સમ્રાટોએ પોતાની પ્રસ્તુતતા અને લોકપ્રિયતા ગુમાવી નથી એ નોંધપાત્ર બાબત છે.

થાઇલેન્ડ ઉપરાંત જાપાનના રાજા અકિહિતો પણ એટલા જ લોકપ્રિય છે. એકદમ ઉદારવાદી વિચાર ધરાવનારા અને સત્તાથી સાવ નિર્લેપ એવા અકિહિતોને પણ લોકોનો પ્રેમ મળ્યો છે. અકિહિતો પણ સીમિત સત્તાઓ ધરાવે છે. રોજિંદા શાસનમાં તેમની કોઈ ભૂમિકા નથી, પરંતુ દેશના પ્રતિનિધિ તરીકે તેઓ વિશ્વસ્તરે એક સ્ટેટ્સમેન તરીકે ઊભરી આવ્યા છે. ગત ઑગસ્ટ મહિનામાં જ તેમણે પોતાની વય અને શારીરિક સમસ્યાઓનો હવાલો આપીને પોતે નિવૃત્ત થવા માગે છે, એવું કહીને મોટો આંચકો આપ્યો હતો. જોકે, લોકોના પ્રતિભાવ અને જાપાનની પરંપરાને ધ્યાનમાં રાખીને તેઓ પદત્યાગ બાબદે કોઈ નક્કર નિર્ણય સુધી આવ્યા નથી, પરંતુ લોકોની પ્રતિક્રિયાએ તેમની લોકપ્રિયતા વધુ એકવાર પુરવાર કરી દીધી.
બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ બીજા પણ ખાસ્સાં લોકપ્રિય છે. તેમણે તો 75 વર્ષ સુધી શાસન કર્યું છે. 90 ક્રિસમસ જોઈ ચૂકેલાં એલિઝાબેથ હજુ કડેધડે છે અને પ્રિન્સ ચાર્લ્સ આજીવન પ્રિન્સ જ રહી શકે એવી સંભાવના જણાય છે. એલિઝાબેથે પોતાનો ઠસ્સો આજેય અકબંધ રાખ્યો છે.

આપણા દેશમાં પણ લોકશાહી હોવા છતાં ઘણા રાજપરિવારો દ્વારા રાજ્યાભિષેકના સમાચારો આવતા હોય છે. રાજાઓને માન-સન્માન મળે છે. લોકશાહીના વૈશ્વિક માહોલમાં રાજાશાહી હવે અપ્રસ્તુત બની છે, છતાં કેટલાક રાજાઓ ‘તાજ’ વિના પણ પોતાની લોકપ્રિયતા જાળવી શક્યા છે. રાજા એટલે કે લીડરમાં લોકો વિશ્વાસ મૂકે છે, પણ તેનું ટકાઉપણું રાજાના ચારિત્ર્ય પર આધારિત છે. નેતૃત્વ ક્યારેય સત્તાનું મોહતાજ  હોતું નથી!

(‘દિવ્ય ભાસ્કર’ની 19 ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

ગેરસમજ હટાવીશું કે ગાંધીને?

દિવ્યેશ વ્યાસ


ઘાના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરના દબાણથી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાઈ. સબ કો સન્મતિ દે ભગવાન!

ગાંધીજીની આ પ્રતિમા હટાવવામાં આવી

વિખ્યાતિ અને વિવાદ ક્યારેક તો બે સિક્કાની બે બાજુ હોય એટલાં એકબીજા સાથે જોડાયેલાં લાગે. બહુ ઓછા વિખ્યાત લોકો ઇતિહાસે જોયા છે, જેમની સાથે કોઈ ને કોઈ વિવાદ ન જોડાયેલો હોય. વીસમી સદીના મહામાનવ ગણાયેલા મહાત્મા ગાંધી પણ વિવાદથી પર રહી શક્યા નહોતા. ગાંધીજી તેમના જીવનકાળ દરમિયાન તો ઠીક આજે તેમના મૃત્યુને સાત દાયકા કરતાં વધારે સમય વીતી ગયો છે, છતાં તેમના નામે કોઈ ને કોઈ વિવાદ ચાલુ જ રહેતો હોય છે. ગાંધીજી અંગેની વાંધાજનક ટિપ્પણીઓથી પેદા થયેલા વિવાદોની પરવા ન કરીએ તોપણ ગાંધીજીનાં કાર્યો, વિચારો અને અભિગમ અંગે ચાલતી ચર્ચા અને તેમાંથી સર્જાતો વિવાદ અવગણી ન શકાય. ગાંધીજી પણ ટીકાથી પર ન હોઈ શકે, ગાંધીજીના આચાર-વિચાર અંગે ચર્ચા થવી જ જોઈએ, તેમના વિચારોને પ્રસ્તુતતાની કસોટીએ કસવા સામે પણ કોઈ વાંધો-વિરોધ ન હોઈ શકે. અલબત્ત, ચર્ચાનો ઉદ્દેશ ગાંધીજીની છબીને ખરડવાનો નહીં, પણ તેમની ખામી કે ખૂબીમાંથી કંઈક શીખવાનો હોય તો એ કવાયત ચોક્કસપણે સાર્થક નીવડી શકે.

ગયા સપ્ટેમ્બર મહિનામાં ઘાનામાં મહાત્મા ગાંધીને લઈને એક નવો વિવાદ પેદા થયો હતો. જૂન-2016માં આપણા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઘાનાની મુલાકાત લીધી હતી. પ્રણવદાની મુલાકાત દરમિયાન ઘાના યુનિવર્સિટીના સંકુલમાં ગાંધીજીની માનવકદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કેમ્પસમાં ગાંધીજીની પ્રતિમાનું સ્થાપન ત્યાંના કેટલાક પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને પસંદ આવ્યું નહોતું. પ્રતિમાનો વિરોધ શરૂ થયો અને ધીમે ધીમે જોર પકડતો ગયો. સપ્ટેમ્બર મહિનાથી ગાંધીજીની પ્રતિમાને હટાવવા માટે વ્યવસ્થિત ઝુંબેશ શરૂ થઈ ગઈ. આ લોકોના મતે ગાંધીજી વંશવાદી હતા. તેમના તરફથી ગાંધીજી માટે એવો આક્ષેપ પણ કરાયો કે તેઓ ભારતીયોની સરખામણીમાં આફ્રિકાના અશ્વેત લોકોને ઊતરતાં ગણતા હતા. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો દ્વારા એક ઓનલાઇન પિટિશન પણ ચલાવવામાં આવી હતી, જેમાં ગાંધીજીના 1894ના ‘નાતાલ મર્ક્યુરી’ નામના અખબારમાં પ્રસિદ્ધ ખુલ્લા પત્રનો હવાલો આપીને કહેવાયું છે કે ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ જેવો હીણો શબ્દપ્રયોગ કર્યો હતો. આ પિટિશનમાં ગાંધીજીની ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થાના સમર્થન તરીકે પણ ટીકા કરવામાં આવી છે. આ પિટિશનને એક હજારથી વધારે લોકોએ સમર્થન આપ્યું છે.
સ્થાનિક વિરોધ અને ઊહાપોહને જોઈને ત્યાંની સરકારે ઘાના યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમાને હટાવી લેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય ચોક્કસપણ અફસોસજનક છે, પણ વિરોધીઓ પ્રતિમાને કોઈ નુકસાન પહોંચાડે કે તેનું અપમાન થાય, એ પહેલાં વિવાદને શાંત પાડવા માટે સરકારે આવો નિર્ણય કર્યો હશે, એવું સમજી શકાય.

ગાંધીજીની વિશ્વમાં એટલી પ્રતિમાઓ છે કે ક્યાંકથી પ્રતિમા હટાવી લેવાય, એનાથી તેમની પ્રતિષ્ઠાને કોઈ મોટો ફરક પડી જવાનો નથી. એટલે અફસોસ પ્રતિમા હટાવવા કરતાં પણ ગાંધીજી અંગે જે ગેરસમજ ઊભી થઈ, તે માટે કરવો જોઈએ. ગાંધીજીએ આફ્રિકન લોકો માટે ‘કાફિર’ શબ્દ લખેલો, એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી, પરંતુ આ શબ્દપ્રયોગ જે જમાનામાં થયો હતો, ત્યારે એને આજના જેટલો અપમાનજનક કે વાંધાજનક માનવામાં આવતો નહોતો. (કદાચ એટલે તો ત્યાંના અખબારે પણ છાપ્યો હતો.) આફ્રિકાનો ઇતિહાસ જોઈએ તો અરબના જે મુસ્લિમ વેપારીઓ આફ્રિકામાં વ્યવસાય અર્થે આવતાં તેઓ આફ્રિકાના મૂળ નિવાસી જૂલુ લોકો માટે કાફિર શબ્દ વાપરતા હતા. ત્યાર પછી આ પ્રદેશોમાં સ્થાયી થયેલા યુરોપિયન લોકોએ પણ અજાણ્યે જ આ શબ્દ બોલવા લાગેલા. જેમ કોલંબસે અમેરિકાના મૂળ નિવાસીઓને ઇન્ડિયન માનેલા અને તેઓ રેડ ઇન્ડિયન તરીકે આજે પણ જાણીતા છે, એવું જ આફ્રિકન લોકો માટે કાફિર શબ્દનું થયેલું. ગાંધીજી આફ્રિકા ગયા એ પછી આશરે 85 વર્ષ પછી એટલે કે છેક 1976માં કાફર શબ્દને આફ્રિકામાં કાનૂની દૃષ્ટિએ વાંધાજનક અને દંડનીય ઠેરવવામાં આવ્યો હતો. આમ, ગાંધીજીના એક સદીજૂના શબ્દપ્રયોગને આધાર બનાવીને તેમનો વિરોધ કરવો બિલકુલ વાજબી નથી. પિટિશનમાં પ્રતિમા કોઈ આફ્રિકનની હોવી જોઈએ, એવી માગણીમાં સ્થાનિક અસ્મિતાના રાજકારણની ગંધ આવે છે. ખેર, જેની જેવી સમજ! સબ કો સન્મતિ દે ભગવાન!

(‘દિવ્ય ભાસ્કર’ની 12મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - મૂળ પ્રત)

Tuesday, October 11, 2016

જયપ્રકાશ નારાયણ : કાલીઘેલી વાતોના નહિ, પણ ક્રાંતિના લોકનાયક

દિવ્યેશ વ્યાસ


યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા



બિહાર વિધાનસભાની ચૂંટણીની ચર્ચા સમગ્ર દેશમાં ચાલી રહી છે. બિહારની ચૂંટણીમાં વારંવાર લેવાતું એક નામ છે - જયપ્રકાશ નારાયણ, ટૂંકમાં જેપી. એક તરફના નેતાઓ ખુદને જેપીના શિષ્યો ગણાવી રહ્યા છે તો બીજી તરફનાં લોકો પણ જયપ્રકાશનું સપનું સાકાર કરવાનો દાવો કરી રહ્યા છે. અલબત્ત, ખુદને જેપીના શિષ્યો ગણાવનારા હોય કે જેપી માટે ભારોભાર માન હોવાનો દાવો કરનારા હોય, તમામને જેપીનાં નામે 'સારા' દેખાઈને મતો મેળવવા છે, બાકી લોકનાયક જયપ્રકાશ નારાયણે કલ્પેલી સંપૂર્ણ ક્રાંતિ અંગેની સમર્પણભરી સમજ કે પછી સંપૂર્ણ ક્રાંતિ માટે જરૂરી સંઘર્ષ આદરવાનું સાહસ ભાગ્યે જ કોઈનામાં શોધ્યું જડે એમ છે.

યુવાનીમાં આઝાદી આંદોલનમાં ઝુકાવનારા અને જીવનના ઉત્તરાર્ધમાં દેશની અવળે માર્ગે ચડી જઈને તાનાશાહીમાં ફેરવાતી લોકશાહીને ટકાવનારા નેતા તરીકે જયપ્રકાશ નારાયણ ખરા અર્થમાં 'ભારત રત્ન' હતા. ૧૯૭૦ના દાયકામાં દેશભરમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી અને રાજકીય અંધાધૂંધી પ્રવર્તતી હતી એવા માહોલમાં દેશના યુવાનો અકળાઈ ઊઠયા હતા. યુવાનોની અકળામણ અને આક્રોશની એ આગને યોગ્ય દિશા દઈને દેશહિતમાં વાળનારા જયપ્રકાશ જેવા નેતાની ખોટ આજે 'આંદોલનમય' ગુજરાતને પણ સાલી રહી છે ત્યારે ચાલો, આજે ૧૧મી ઓક્ટોબરે જયપ્રકાશ નારાયણના જન્મદિવસ નિમિત્તે તેમનાં વ્યક્તિગત કદ અને કાર્યક્ષેત્રની વિશાળતાની ઝલક મેળવવા સાથે તેમના ક્રાંતિકારી વિચારો વાગોળીએ ...


આજીવન રાજકીય ક્ષેત્રે સક્રિય અને લોકપ્રિય છતાં સત્તાનો મોહ તેમને ભાગ્યે જ ચળાવી શક્યો હતો. જયપ્રકાશના ક્રાંતિકારી જીવે તેમને ક્યારે ય સત્તાકારી બનવા જ ન દીધા. બાકી ભારતને હજુ આઝાદી નહોતી મળી ત્યારે જ તેઓ પોતાનાં વિચારો અને કાર્યોથી આંતરરાષ્ટ્રીય સ્તરે  ખ્યાતિ ધરાવતા હતા. ૧૯૪૨ના આંદોલન વખતે તેઓ 'યુવાહૃદય સમ્રાટ'નું બિરૂદ પામેલા. એક જમાનામાં જવાહરલાલ પછી ભારતના વડા પ્રધાન તરીકે તેમની જ યોગ્યતાનાં ગુણગાન ચારેકોર ગવાતાં હતાં. જેપી થોડીક 'વ્યાવહારિકતા' દાખવીને કોંગ્રેસમાં જ રહ્યા હોત તો વડા પ્રધાનપદ માટે તેમણે કોઈ ખાસ પ્રયાસો કરવાની જરૂર પડી ન હોત પણ તેમની દૃષ્ટિ ક્યારે ય ખુરશી-સત્તા તરફ રહી જ નહીં, દેશના આમ આદમીની ભલાઈ પર રહી અને તેઓ સામાન્ય જનતાની સેવા માટે અવિરત કાર્યરત રહ્યા. જેપી ક્રાંતિદૃષ્ટા હતા. જેપી ઝુઝારુ લડવૈયા ખરા પણ એ ઉપરાંત તેમનામાં બાહોશ સેનાપતિના ગુણો અને ચતુર મંત્રી તથા શાણા રાજા પેઠે દેશનું લાંબા ગાળાનું ભલું વિચારવાની કુનેહ પણ હતી અને એને કારણે જ તેઓ કાલીઘેલી ને ઠાલી વાતો નહિ ક્રાંતિના 'લોકનાયક' પુરવાર થયા હતા.

સ્વાતંત્રોત્તર ભારતમાં આંદોલનોનો ઇતિહાસ લખાશે ત્યારે જેપીનું સંપૂર્ણ ક્રાંતિનું આંદોલન સુવર્ણ અક્ષરે લખાશે. જેપીએ આદરેલું દરેક આંદોલન વિશાળ પટે ફેલાયેલું રહેતું, તે કદી એકાંગી જોવા ન મળે. જયપ્રકાશ નારાયણે જ્યારે બિહાર સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં ચાલી રહેલા આંદોલનનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે માત્ર નેતાઓ અને સરકારી અધિકારીઓ જ ભ્રષ્ટ છે, એ દૃષ્ટિએ નહીં પરંતુ સમગ્ર સમાજમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે અને દરેક સ્તરેથી તેને દૂર કરવો જરૂરી છે, એવી દીર્ઘદૃષ્ટિ સાથે આંદોલન આગળ વધારેલું. બિહાર આંદોલન સંદર્ભે ગુજરાતે ગર્વ લેવા જેવી વાત એ છે કે ગુજરાતના યુવાનોએ મોંઘવારી અને ભ્રષ્ટાચાર બાબતે ચીમનભાઈ પટેલની સરકાર વિરુદ્ધ ચલાવેલા નવનિર્માણ આંદોલ થકી જેપીને આશા અને દિશા સાંપડેલી. નવનિર્માણ આંદોલનથી સફળતા બાદ દેશના યુવાનોમાં ચેતના વ્યાપી ગયેલી. ૧૯૭૪ના પ્રારંભમાં બિહારમાં પણ કોંગ્રેસી સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પોતાની મેળે આંદોલન શરૂ કરેલું, જેની કુલ ૧૨ માગણીઓ હતી. આઠ માગણીઓ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત હતી જ્યારે બાકીની ચાર માગણીઓ રાષ્ટ્રજીવન સંબંધિત હતી, જેમાં ભ્રષ્ટાચાર દૂર કરો, મોંઘવારી દૂર કરો, બેકારી દૂર કરો અને શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવવાની માગણી સામેલ હતી. બિહાર સરકારે વિદ્યાર્થી આંદોલનને લક્ષ્યમાં લીધું નહોતું અને આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કાળો કેર વર્તાવ્યો હતો. લાઠીચાર્જ તો ઠીક ગોળીબારો પણ કરાયા હતા. જેપીની તબિયત સાથ નહોતી આપતી છતાં તેમણે વિદ્યાર્થીઓની વિનંતીઓ અને સરકારનાં અમાનુષી વલણ-વર્તન જોઈને આંદોલનનો દોર પોતાના હાથમાં સંભાળ્યો હતો.

તેમણે આંદોલન પૂર્ણપણે અહિંસક રાખવા માટે લોકો-યુવાનોનું ઘડતર શરૂ કરેલું. તેમણે પટનામાં મૌન સરઘસ યોજ્યું અને જાહેરસભામાં જે વાત કરેલી એ યાદ રાખવા જેવી છે, "આ શાંતિમય આંદોલનનો પ્રારંભ છે, હવે પછી આપણે સત્યાગ્રહની ભૂમિકામાં કામ કરવાનું છે. એક સરકાર જશે અને બીજી સરકાર આવશે તેટલા માત્રથી આપણું કામ સરવાનું નથી, એ તો ભૂત જશે અને પલીત જાગશે! માટે આપણે સમાજના રોગોનાં મૂળમાં જવાનું છે. હું તમારી સામે કાર્યક્રમ રજૂ કરીશ, પરંતુ આ લાંબી યાત્રા છે. આ કાંઈ અમુક પ્રધાનમંડળને ઊથલાવવાનું કામ નથી." અહિંસક આંદોલનની નીંભર સરકાર પર કોઈ અસર જ નહોતી જોવા મળતી, ઊલટું સરકાર તો પોતાની સત્તાનો દુરુપયોગ કરીને આંદોલનને કચડવા અને જેપીને બદનામ કરવા પર ઊતરી આવી હતી, આખરે જેપીને વિધાનસભા વિસર્જનની માગણી કરવાનું ઉપયુક્ત લાગ્યું હતું.

પાંચ જૂન, ૧૯૭૪ના રોજ પટણામાં વિશાળ સરઘસ કાઢવામાં આવ્યું. રાજ્યભરમાં લાખો લોકોએ વિધાનસભાનાં વિસર્જનનાં આવેદનપત્રો પર સહીઓ કરી હતી. સહી કરેલાં આવેદનપત્રોની એક આખી ટ્રક ભરાયેલી જે રાજ્યપાલને સોંપવામાં આવેલી ત્યાર બાદ જનસભામાં જયપ્રકાશ નારાયણે સંપૂર્ણ ક્રાંતિનું એલાન કર્યું હતું. તેમણે પોતાનાં ભાષણમાં કહેલું કે "હવે આ સંઘર્ષ માત્ર વિદ્યાર્થીઓના બાર મુદ્દા પૂરતો અને સરકારની બરતરફી અને વિધાનસભાનાં વિસર્જન પૂરતો જ મર્યાદિત રહેતો નથી, આ હવે સમગ્ર જનતાની સંપૂર્ણ ક્રાંતિ માટે લડત બને છે." જેપીનું બિહાર આંદોલનથી સરકાર ઊથલવા જેવું દેખીતું મોટું પરિવર્તન નહીં આવેલું, પરંતુ આ આંદોલને દેશની ચેતનાને જગાડી હતી. દેશનો યુવાન સરકારના અનાચાર-ભ્રષ્ટાચાર સામે જાગ્રત થઈ ગયો હતો, જેણે કેન્દ્રમાં ઇન્દિરા ગાંધીની ઊંઘ પણ હરામ કરી હતી.

જયપ્રકાશ નારાયણની સંપૂર્ણ ક્રાંતિને સપ્તક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સમાજનાં સર્વ અંગોના ઝડપી પરિવર્તનની આહ્લેક હતી, જેપી માત્ર રાજકીય પરિવર્તન જ નહીં, પરંતુ મૂલ્યોનું, મનોવૃત્તિનું, સંબંધોનું, માળખાનું પરિવર્તન ઇચ્છતા હતા. જેપીએ કહેલું કે "સાત પ્રકારની ક્રાંતિઓ મળીને એક સંપૂર્ણ ક્રાંતિ બને છે - સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, રાજનૈતિક ક્રાંતિ, સાંસ્કૃિતક ક્રાંતિ, વૈચારિક અથવા બૌદ્ધિક ક્રાંતિ, શૈક્ષણિક ક્રાંતિ અને નૈતિક કે આધ્યાત્મિક ક્રાંતિ. આ ક્રાંતિ શબ્દમાં પરિવર્તન અને નવનિર્માણ બંને અભિપ્રેત છે." આમ, જેપી જડમૂળમાંથી પરિવર્તન આવે એવી ક્રાંતિમાં માનનારા હતા.

સંપૂર્ણ ક્રાંતિના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્યા હતા, તેવામાં ઇન્દિરા ગાંધીએ ૨૬ જૂન, ૧૯૭૫ના રોજ દેશ પર કટોકટી લાદી. જયપ્રકાશ જેવા મોટા મોટા તમામ નેતાઓને રાતોરાત જેલભેગા કરી દેવામાં આવેલા, જો કે જયપ્રકાશે જગાવેલી આંદોલનની જ્યોતિને પ્રતાપે ઇન્દિરાજીએ ઝૂકવું પડયું અને કટોકટી હટાવીને ચૂંટણીઓ જાહેર કરવી પડી, જેમાં ઇન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયેલાં. દેશમાં મોરચા સરકાર આવેલી, જે આંતરિક ડખાઓને કારણે લાંબું ટકી શકેલી નહીં અને જેપીનું ભ્રષ્ટાચાર નાબૂદીનું સપનું રોળાઈ ગયેલું.

જેપીનું આ સપનું સાકાર કરવાની દાનત આજે કોનામાં દેખાય છે?

(‘સંદેશ’ની 11 ઑક્ટોબર, 2015ની ‘સંદેશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, October 7, 2016

માથે મેલુંના મુદ્દે બેશરમ તંત્ર-સમાજ સુધરશે?

દિવ્યેશ વ્યાસ


માથે મેલું જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી કરાવવાની જરૂર છે. દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

(તસવીર ગૂગલ પરથી મેળવી છે)

સંસદનું ચોમાસુ સત્ર પૂરું થયું પછી કેન્દ્ર સરકારે (વર્ષ 2013માં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર હતી.) હાશકારો અનુભવ્યો હશે, કારણ કે તે પોતાના માટે મતના ડુંગરા ખડા કરે એવાં બે વિધેયકો - ખાદ્ય સુરક્ષા વિધેયક અને જમીન સંપાદન વિધેયક પસાર કરાવવામાં આખરે સફળ થઈ હતી. આ મહત્ત્વાકાંક્ષી વિધેયકોની ચર્ચામાં અન્ય એક મહત્ત્વપૂર્ણ વિધેયકની ચર્ચા કોરાણે રહી ગઈ, ન સત્તાધારી પક્ષ કે ન તો વિપક્ષોમાંથી કોઈને એ વિધેયક માટે કોઈ ખાસ પરવા હતી, કારણ કે તેનાથી નહોતો ફાયદો કોઈ ચૂંટણી ભંડોળ છલકાવતી મલ્ટિનેશનલ કંપનીઓનો કે નહોતો કોઈ મોટી મતબેન્કનો. એટલે આખરે આ વિધેયકની નિયતિ પણ એ જે લોકો માટે ઘડાયું છે એમના જેવી થઈ!

આ વિધેયક માથે મેલું ઉપાડવા જેવી અમાનવીય અને સામાજિક શરમસમી પ્રવૃત્તિની નાબૂદી માટેનું અને આ પ્રવૃત્તિમાં જોડાયેલા લોકોના પુનર્વસનનું છે. આ વિધેયકનું પૂરું નામ છે - ધ પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન બિલ, ૨૦૧૨. ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ ને શુક્રવારના રોજ આ વિધેયક લોકસભામાં પસાર કરાયું અને બીજા દિવસે એટલે કે શનિવારે તેને રાજ્યસભામાંથી પણ પસાર કરી દેવાયું. ધ એમ્પ્લોયમેન્ટ ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ડ્રાઇ લેટ્રીન્સ (પ્રોહિબિશન) એક્ટ, ૧૯૯૩ને બદલે હવે આ નવી-સુધારેલી જોગવાઈઓ સાથેનો કાયદો અમલમાં આવશે. જૂના કાયદાની જગ્યાએ આવેલો નવો કાયદો ચોક્કસ કેટલીક આવકાર્ય જોગવાઈઓ ધરાવે છે, છતાં કાયદાકીય જાણકારો અને દલિત અધિકારો માટે વર્ષોથી કાર્યરત સામાજિક કાર્યકરોના મતે આ વિધેયકમાં ઠેર ઠેર 'કન્ડિશન એપ્લાય'વાળી ફુદરડીઓ નજરે પડે છે, જેના કારણે માથે મેલું ઉપાડનારા અને સફાઈ કામદારોનાં જીવનમાં રાતોરાત કંઈ પરિવર્તનનો પ્રકાશ વ્યાપી જશે, એવું માનીને રાજી થવા જેવું નથી.

૧૯૯૩ના કાયદા કરતાં આ નવા કાયદામાં સજાની જોગવાઈ કડક કરવામાં આવી છે. માથે મેલું ઉપાડવાની પ્રવૃત્તિ કરાવનાર સામે હવે ક્રિમિનલ કેસ થશે અને એ બિનજામીનપાત્ર ગુનો ગણાશે. વળી, સજાની જોગવાઈ પણ વધારવામાં આવી છે. બે વર્ષની કેદ કે વધુમાં વધુ ૫૦,૦૦૦નો દંડ અથવા તો બન્નેની સજા ફટકારી શકાશે. કોઈ વ્યક્તિએ મેન્યુઅલી સાફ કરવાં પડે એવાં સૂકાં શૌચાલયોના બાંધકામ પર જ પ્રતિબંધ છે અને એવાં હયાત શૌચાલયોને તોડી પાડવાની વાત પણ કરવામાં આવી છે. મેન હોલમાં ઊતરીને સફાઈ કરવાની થતી હોય ત્યાં જરૂરી સુરક્ષાનાં સાધનો અને માસ્ક વગેરે પૂરાં પાડવાની પણ ફરજ પાડવામાં આવી છે. વળી, અત્યારે જે લોકો આ વ્યવસાયમાં છે, તેમના માટે વૈકલ્પિક રોજગારીનું નિર્માણ કરીને તેમનું પુનર્વસન કરવાની પણ આવકારદાયક બાબતોનો સમાવેશ કરાયો છે, છતાં ખાટલે મોટી ખોટ એ છે કે તેમાં રેલવે સહિતનાં સરકારી તંત્રો અને નિગમોને પહેલેથી જ કેટલીક છૂટછાટ આપી દેવામાં આવી છે, જે આ કાયદાની હવા કાઢી નાખવા માટે પૂરતી છે.

જો સરકારી તંત્રોમાં જ આનો અમલ કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો પછી ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિગત ધોરણે તો તમે કઈ રીતે ચુસ્ત અમલ કરાવી શકવાના? બીજો મોટો મુદ્દો એ છે કે આ કાયદાના અમલીકરણ અને તેની દેખરેખની જવાબદારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર જ છોડી દેવામાં આવી છે. સ્થાનિક તંત્ર પોતે જ આ અંગે સર્વે કરશે, એનો અહેવાલ બનાવશે અને તેના પર કાર્યવાહી કરશે, એવી વ્યવસ્થા છે. હવે કયું તંત્ર સામેથી ગુનો કબૂલશે, એને સુધારવાની તસ્દી લેશે કે સજા ભોગવશે? ગુજરાતમાં હાઈકોર્ટના ચુકાદા છતાં પણ આજે ય સફાઈ કર્મચારીઓ મેઇન હોલમાં ડૂબી કે ગૂંગળાઈને કમોતે મરી રહ્યા છે. એ કર્મચારીના પરિવારને વળતરની વાત તો દૂર રહી પણ આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટો પર નિર્ભર બનેલું સરકારી તંત્ર પાછું શાણું થઈને પોતાનો બચાવ કરતું હોય છે અને આવી કોઈ સ્થિતિ હોવાનો ઇનકાર કરતું હોય છે. ગરીબી ઘટયાનું સાબિત કરવા માટે બીપીએલ કાર્ડ ઇશ્યૂ ન કરતાં રીઢા તંત્ર પાસે આ કાયદાના અમલ માટે કેટલી આશા રાખી શકાય, એ યક્ષપ્રશ્ન છે.

વર્ષ ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર દેશમાં ૭,૫૦,૦૦૦ એવા પરિવારો છે, જે મેલું ઉપાડવાના અમાનવીય વ્યવસાયમાં સંકળાયેલા છે. વળી, માથે મેલું ઉપાડનારામાં ૯૮ ટકા તો મહિલા જ હોય છે, જે દલિતોમાં પણ પછાત કે અસ્પૃશ્ય ગણાતી જ્ઞાતિમાંથી આવતી હોય છે. આ ઉપરાંત આપણાં મોટા ભાગની ગટર વ્યવસ્થા અને તેની સાફ-સફાઈની પદ્ધતિ આજે પણ જરીપુરાણી છે અને એટલે ગંધાતી ગટરને સાફ કરવા માટે સફાઈકર્મીઓએ મેઇન હોલમાં ઊતરવું પડે છે, જે માથે મેલું ઉપાડવા કરતાં ક્યાંક વધારે જોખમી અને દુષ્કર હોય છે. ઈ-ગવર્નન્સની શેખીઓ મારતી સરકારોને ગટર સાફ કરવાનાં આધુનિક સાધનો વસાવવાનું કેમ સૂઝતું નહીં હોય? આપણે આધુનિક સમાજ હોવાનો ગર્વ અનુભવીએ છીએ, પણ આપણી વર્ણવ્યવસ્થાથી પેદા થયેલી અસ્પૃશ્યતાએ અમુક વર્ગ માટે સર્જેલી અમાનવીય સ્થિતિ બાબતે લાપરવા છીએ. કાયદાની જરૂર ત્યારે પડે જ્યારે સમાજને તે અંગે સભાનતા ન હોય અને આવી સ્થિતિમાં કાયદો જરૂરી હોય ત્યારે એ કાયદો કલ્યાણકારી, સ્પષ્ટ અને છટકબારી વિનાનો હોવો જોઈએ.

દશેરાના દિવસે દસથી પણ વધારે માથાંવાળા અસ્પૃશ્યતા-અમાનવીયતાના રાવણને હણવાની જરૂર છે. તમે તૈયાર છો?

(‘સંદેશ’ની 6 ઑક્ટોબર, 2013ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, October 5, 2016

એસિડ એટેક વિ. આર્ટ એક્ટ

દિવ્યેશ વ્યાસ


એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ ઉપરાંત સમગ્ર સમાજ માટે સંદેશો આપતી કૉમિક બુક ‘પ્રિયાઝ મિરર’ એક કાબિલેદાદ પ્રયાસ છે


(તસવીરો પ્રિયાઝ મિરરની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી છે)

ભારત નં.1 દેશ બને, એ તો આપણા સૌનું સપનું છે, પરંતુ આપણો દેશ આજેય કેટલીક એવી બાબતોમાં નંબર વન છે, જેના માટે આપણું શીશ શરમથી ઝૂકી શકે છે. તમને જાણીને આઘાત લાગી શકે કે મહિલાઓ પર થતાં એસિડ એટેકની બાબતમાં ભારત વિશ્વમાં પહેલા નંબરે આવે છે. દુનિયામાં થતાં કુલ એસિડ એટેકમાંથી સૌથી વધારે આપણા દેશમાં થઈ રહ્યા છે અને દુખદ વાત એ છે કે તેમાં સતત વધારો થતો જાય છે. વર્ષ 2011માં ભારતમાં એસિડ એટેકના 83 કેસ નોંધાયા હતા, પરંતુ એ આંકડો 2015માં ઉછળીને 349 થઈ ગયો હતો. દેશમાં એસિડ એટેકના વધતાં કેસને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા એસિડના વેચાણ પર નિયંત્રણો મૂકવાનો આદેશ આજથી ત્રણ વર્ષ અગાઉ આપેલો છે, છતાં સ્થિતિમાં જોઈએ એવો સુધારો જોવા મળતો નથી.

સ્ત્રીઓ પર થતાં અત્યાચારોમાં એસિડ એટેકને બળાત્કાર કરતાં પણ વધારે ક્રૂર, અમાનવીય અને ઘાતક માનવામાં આવે છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતી પોતાનો મૂળ દેખાવ કે ચહેરાની ઓળખ ગુમાવી બેસે છે. કેટલાક કિસ્સાઓમાં તો તેની આંખો બળી જવાથી અંધાપો પણ આવી જાય છે. સારવારમાં, ખાસ કરીને પ્લાસ્ટિક સર્જરીના અનેક ઑપરેશન્સ જરૂરી બને છે, જેમાં લાખો રૂપિયા ખર્ચાય છે, જે પીડિતાના પરિવારને આર્થિક રીતે બરબાદ કરી નાખે છે. (નોંધ. સરકાર એસિટ એટેકની પીડિતાને વળતર પેટે રૂ. 3 લાખ ચૂકવે છે, જ્યારે શ્રેણીબદ્ધ પ્લાસ્ટક સર્જરીનો ખર્ચ 35થી 50 લાખ થઈ જતો હોય છે.) ગમે તેટલી સારવાર પછી પણ યુવતીનો મૂળ દેખાવ કે ચહેરો તો પાછો લાવી શકાતો નથી. એસિડ એટેકની નિશાનીઓ આજીવન તેના ચહેરા પર અંકિત થઈ જાય છે, જે તેને સમાજમાં સામાન્ય જીવન જીવવા દેતી નથી. પુરુષવાદી સમાજમાં એસિડ હુમલાનો ભોગ બનનારી યુવતી માટે ફરી હસીખુશીથી જિંદગી જીવવી કે આજીવિકા રળવી અશક્યવત્ અઘરું થઈ પડતું હોય છે.


યુવતીઓ પર થઈ રહેલા એસિડ એટેક પુરુષના ક્રોધ અને ક્રૂરતા ઉપરાંત તેના અહંકારનું આત્યંતિક પરિણામ હોય છે. સ્ત્રીની ‘ના’ નહીં સહી શકનારા પુરુષોનો અહં ઘવાય છે, ત્યારે તે હિંસક સ્વરૂપ ધારણ કરે છે. ‘તું મારી ન થઈ શકે તો બીજા કોઈની પણ નહીં થવા દઉં’, ‘તને બરબાદ કરી દઈશ’, ‘તારી જિંદગી નર્ક બનાવી નાખીશ’ એવા વિચારો કે વાતો જ્યારે દેખાડી દેવાની હદે તીવ્ર બને છે ત્યારે એસિડ એટેક સર્જાય છે, જે યુવતીના જીવનની સાથે તેના પરિવારને પણ બેહાલ કરી મૂકતા હોય છે.

2012માં દિલ્હી ગેંગરેપની ઘટના પછી રામ દેવીનેની નામના ફિલ્મમેકરને બળાત્કાર પીડિતાને જ સુપરહીરોના સ્વરૂપે દર્શાવીને આ સમસ્યાનો સર્જનાત્મકતાથી સામનો કરવાનો વિચાર આવ્યો અને તેણે ડેન ગોલ્ડમેન સાથે મળીને ‘પ્રિયા શક્તિ’ નામની એક કોમિક બુક તૈયાર કરી, જેને દેશ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બહુ પ્રશંસા સાંપડી હતી. રામભાઈએ હવે ‘પ્રિયા શક્તિ’ શ્રેણીની બીજી કૉમિક બુક તૈયાર કરી છે, જેનું નામ છે - ‘પ્રિયાઝ મિરર’. આ કૉમિક બુક એસિડ એટેકની પીડિતાઓના પુનર્વસનનો સંદેશ લઈને આવી છે. આ કૉમિક બુકનું લૉન્ચિંગ ન્યૂ યૉર્ક ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન લિંકન સેન્ટર ખાતે બીજી ઑક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસે જ કરાયું.

‘પ્રિયાઝ મિરર’ પણ ‘પ્રિયા શક્તિ’ની જેવી જ પૌરાણિક કથા આધારિત પાત્રોને સામેલ કરીને એસિડ એટેક અને તેની પીડિતાઓની વ્યથા તેમજ કઈ રીતે તેઓ તેમાંથી બહાર આવી શકે, એની વાત કરે છે. ‘પ્રિયાઝ મિરર’માં નામ પ્રમાણે જ પ્રિયા એવો અરીસો લઈને આવે છે, જે એસિડ એટેકની પીડિતાઓને પોતાની વાસ્તવિકતાને સ્વીકારી-પચાવીને, પોતાની જિંદગી આનાથી પણ વિશેષ છે, એવો સુંદર સંદેશ પાઠવે છે. આ કૉમિક સમાજ સામે પણ અરીસો ધરે છે.

ક્રૂરતા વિરુદ્ધ ક્રિએટિવિટીનો આ સંઘર્ષ ખરેખર મનનીય અને પ્રશંસનીય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 5મી ઑક્ટોબર, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)
(આ કૉમિક બુક ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને ફ્રીમાં ડાઉનલોડ કરવા
ક્લિક કરો આ લિંક - http://www.priyashakti.com/ )