Wednesday, July 27, 2016

હચમચાવે છે હિટલરનું ઘર

દિવ્યેશ વ્યાસ


હિટલરના જન્મસ્થાનને ઓસ્ટ્રિયાની સરકારે જપ્ત કર્યું, પણ તેની વિચારધારા વિસ્તરી રહી છે, એનું શું?


(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

‘વિજેતાને કદી પુછાતું નથી કે તે સાચું બોલ્યો હતો?’, ‘મહાન અસત્યવાદી મહાન જાદુગર પણ હોય છે.’, ‘કુશળતાપૂર્વક અને સતત પ્રચાર કરીને લોકોને સ્વર્ગ પણ નરક જેવું દેખાડી શકાય છે કે પછી એકદમ બદતર જીવનને સ્વર્ગ જેવું પણ દેખાડી શકાય છે.’, ‘લોકોનો એક મોટો સમુદાય નાના જૂઠ કરતાં મોટા જૂઠનો આસાનીથી ભોગ બની જાય છે.’, ‘સત્યને અહીં કોણ પૂછે છે, અહીં તો વિજયનું જ મહત્ત્વ છે.’, ‘માનવતાવાદ મૂર્ખતા અને કાયરતાની અભિવ્યક્તિ છે.’, ‘કેટલી સદભાગી છે એ સરકારો, જેમની જનતા વિચાર કરતી નથી.’ આ વાક્યો-વિચારો બીજા કોઈનાં નહીં પણ વિશ્વના સૌથી ક્રૂર શાસક એડોલ્ફ હિટલરનાં છે. આજે હિટલર હયાત નથી, પણ હિટલરના આ વિચારોને સાચા માનનારા, તેને અનુસરનારા લોકોની આપણી આજુબાજુમાં કોઈ કમી નથી.

વીસમી સદીએ બે તદ્દન વિરોધાભાસી વૈશ્વિક નેતા જોયા - એક ગાંધીજી અને બીજા હિટલર. એક સત્યને જ ઈશ્વર ગણે છે, બીજો સત્યની સહેજેય સાડાબારી રાખતો નથી અને વિજેતાને ઈશ્વર માને છે. એક માનવતાને શ્રેષ્ઠ ધર્મ ગણે છે, બીજો માનવતાનો ઘોર વિરોધી છે. એક લોકોને વિચાર કરવામાં માને છે, બીજો ઇચ્છે છે કે લોકો અસત્યથી અંજાયેલા રહેવા જોઈએ, લોકો વિચાર કરે એ તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય! આ વ્યક્તિત્વના ફરકને ઇતિહાસે જબરદસ્ત ન્યાય કર્યો છે. દુનિયામાં આજે ભાગ્યે જ કોઈ એવો દેશ હશે જ્યાં ગાંધીજીની પ્રતિમા ન હોય અને બીજી તરફ નફરત અને ક્રૂરતાના પર્યાય એવા હિટલરની પ્રતિમા તો જર્મનીમાં પણ શોધવી પડે એમ છે!

હિટલરનું જન્મસ્થાન તાજેતરમાં સમાચારોમાં ચમક્યું છે. હિટલરનો જન્મ ઓસ્ટ્રિયાના બ્રોનાઉ અમ ઇન નામના નગરમાં 20મી એપ્રિલ, 1889ના રોજ થયો હતો. ત્રણ માળની જે ઇમારતમાં હિટલર પેદા થયો હતો, તેને જપ્ત કરી લેવા માટે એક કાયદો ઓસ્ટ્રિયાની સંસદે ગત 12મી જુલાઈ, 2016ના રોજ પસાર કર્યો છે.

અત્યાર સુધી આ ઇમારત પર ગેરલિંડ પોમેર નામની એક મહિલાનો કબજો હતો અને તે કોઈ રીતે આ ઇમારત સરકારને વેચવા તૈયાર નહોતી, જેથી સરકારે અંતિમ વિકલ્પ તરીકે આ સંપત્તિને જપ્ત કરવાનો માર્ગ અપનાવવો પડ્યો છે. આમ તો ઓસ્ટ્રિયાની સરકારે આ ઇમારતને 1972થી ભાડે રાખી હતી અને દર મહિને 3 લાખ 80 હજાર રૂપિયા ચૂકવતી હતી, જેથી કોઈ નાઝી વિચારધારાની વ્યક્તિ તેના પર કબજો ન જમાવી લે. આમતો, આ મકાનમાં હિટલરના કોઈ પુરાવા રખાયા નથી કે એના નામે એકેય તકતી પણ રખાઈ નથી. અહીં એક પથ્થર પર માત્ર એટલું જ લખ્યું છે, ‘શાંતિ, સ્વતંત્રતા અને લોકશાહી માટે. ફાસીઝમ હવે ક્યારેય નહીં. લાખો લોકોનાં મોત આપણને યાદ અપાવતાં રહે છે.’ સરકાર દ્વારા આ બિલ્ડિંગમાં વિકલાંગ લોકો માટેનું કેન્દ્ર ચલાવાતું હતું. જોકે, 2011માં સરકારે જ્યારે આ ઇમારતમાં થોડું સમારકામ કરીને તેની રચનામાં થોડા ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે માલિકણે તેનો વિરોધ કરીને વિવાદ જગાવ્યો હતો. એ પછી આ મકાન સાવ ખાલીખમ પડી રહ્યું હતું. મકાન માલિકણની કબજો છોડવાની આનાકાની પાછળ એવી આશંકા વ્યક્ત થતી હતી કે તે આ બિલ્ડિંગ તરફ નવા જમાનાના નાઝીઓને આકર્ષિત કરવા માગતી હતી. જન્મ પછી હિટલર માત્ર ત્રણ વર્ષ જ અહીં રહેલો, છતાં ઘણા નાઝી વિચારસરણીમાં માનનારા લોકો આ બિલ્ડિંગને શ્રદ્ધાધામ તરીકે જોતાં હતા અને વારેતહેવારે નાઝી લોકો અહીં એકત્ર થતાં અને સૂત્રોચ્ચાર પણ કરતા હતા.

આ બિલ્ડિંગ નાઝી પાર્ટીના સમર્થકોની નવી પેઢી માટે તીર્થસ્થાન બની જશે, એવા ડરને કારણે જ ઓસ્ટ્રિયાની સરકારે તેને પોતાના તાબામાં લેવાનો નિર્ણય કર્યો છે. આ ઇમારતનું હવે શું કરવું? એ મોટો સવાલ છે. કોઈ કહે છે કે તેને રહેણાકનાં મકાનોમાં ફેરવી નાખો, કેટલાક અહીં કૉલેજ તો કેટલાક હોસ્પિટલ બનાવવાનું કહે છે. કોઈ કહે છે અહીં સુપરમાર્કેટ બનાવી દો તો કોઈ મ્યુઝિયમ બનાવવાની વાત કરે છે. રશિયન મૂળના સાંસદની જેમ આ બિલ્ડિંગને વિસ્ફોટકોથી ઉડાડી દેવાનો મત ધરાવનારાઓની પણ કમી નથી. અલબત્ત, સરકારે આ બિલ્ડિંગનું શું કરવું, તે નક્કી કરવા માટે 12 સભ્યોની કમિટી રચી છે.

હિટલરનું જન્મસ્થાન તોડી પાડવાથી પણ હિટલરના વિચારો નાબૂદ થઈ શકવાના નથી, એ ઉઘાડું સત્ય છે. આજે દરેક દેશમાં જુદાં જુદાં નામે હિટલરબ્રાન્ડ રાષ્ટ્રવાદની બોલબાલા છે. સત્યની સાડાબારી રાખ્યા વિના પ્રચારશૂરા નેતાઓનો પ્રભાવ વધી રહ્યો છે. પ્રજા તરીકે આપણે ભાવનાઓમાં તણાયા વિના માત્ર તથ્યોનો વિચાર કરીને જ આવા નેતાઓના સદભાગ્યને ડુબાડી શકીએ એમ છીએ. તો ચતુર કરો વિચાર!

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત બિનસંપાદિત ‘સમય સંકેત’ કૉલમ)

Tuesday, July 26, 2016

કારગિલ વિજયની સિદ્ધિ અને શીખ

દિવ્યેશ વ્યાસ


કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ ઉઘાડી પાડી હતી


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.

પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે. (લેખ 2015માં લખાયો હતો, એ મુજબ વર્ષોની ગણતરી કરવી.)

આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો (વર્ષ 2015માં) કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.

હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.

કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?

(‘સંદેશ’ની 26મી જુલાઈ, 2015ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Thursday, July 21, 2016

ટાગોરના અનુવાદિત અવતાર

દિવ્યેશ વ્યાસ


રવીન્દ્રનાથ ટાગોરનું ગુજરાતીમાં અવતરણ કરાવનારા નગીનદાસ પારેખનું મૂલ્ય સ્વીકારવું અને સ્મરવું રહ્યું



(સાહિત્યકારોની તસવીરોની ગ્રાફિક ઇમેજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કરી છે.)

ઇન્ટરનેટ પર ટ્રાન્સલેશનના અનેક સોફ્ટવેર ઉપલબ્ધ છે. હવે તો ગૂગલ ઉપરાંત ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પણ એક ભાષામાં લખાયેલી પોસ્ટ બીજી અનેક ભાષામાં વાંચી શકાય એવી સુવિધા આપી રહી છે. એક વિચારકે ભવિષ્ય ભાખેલું કે એકવીસમી સદી અનુવાદની સદી બની રહેશે. આજે ઇન્ટરનેટ થકી દુનિયા એક નાનકડાં ગામમાં ફેરવાઈ રહી છે અને દેશ-વિદેશના લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે ત્યારે એકબીજાની વાતો, વિચારો અને ભાવના વાંચવા-સમજવા માટે અનુવાદ વિના ચાલી શકે એમ નથી.

અનુવાદના ઉપકારને કારણે જ આપણે ટૉલ્સટૉયથી લઈને ટાગોર અને શેક્સપિયરથી લઈને શરદબાબુની કૃતિઓને માણી શક્યા છીએ, સમજી શક્યા છીએ. કોઈ પણ ભાષાની સમૃદ્ધિમાં જેટલો ફાળો સાહિત્યસર્જક-સાહિત્યકારનો હોય છે એટલું જ યોગદાન અનુવાદકનું પણ હોય છે. અલબત્ત, આપણે ત્યાં અનુવાદકાર્યને મૌલિક સાહિત્યસર્જન જેટલું મહત્ત્વ નથી મળતું, છતાં તેનું મહત્ત્વ અને માહાત્મ્ય બિલકુલ ઓછું નથી અને આજના વૈશ્વીકરણના યુગમાં તો તે ઊલટું વધી ગયું છે. ખાતરી ન હોય તો હવે કોઈ પુસ્તક મેળામાં જાવ ત્યારે જોઈ લેજો, તમને ગુજરાતીમાં લખાયેલાં પુસ્તકોની જેટલાં જ અનુવાદિત પુસ્તકો જોવા મળશે. અનુવાદનો આટલો વાદ-પ્રતિવાદ કરવા માટે નિમિત્ત બન્યા છે - હિંદી સિનેમાના ટોચના ગીતકાર ગુલઝાર. ગયા એપ્રિલ મહિનામાં ગુલઝારનાં બે પુસ્તકો પ્રકાશિત થયાં, પણ નોંધનીય વાત છે કે આ પુસ્તકો ગુલઝારે લખેલાં નહીં, પણ તેમણે કરેલા અનુવાદનાં છે.

ગુલઝારસાહેબ અનુવાદ માટે જેમની કૃતિ પસંદ કરે એ સાહિત્યકાર ટાગોર કે ગાલિબ સિવાય બીજું કોણ હોય! હા, ગુલઝારે રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો છે અને બે અનુવાદિત પુસ્તકો આપ્યાં છે. એકનું નામ છે, ‘નિંદિયા ચોર’ અને બીજા કાવ્યસંગ્રહનું નામ છે, ‘બાગબાન’. ‘નિંદિયા ચોર’માં ટાગોરના બાળકાવ્યોના સંગ્રહ ‘ગાર્ડનર’માંથી કાવ્યોનો અનુવાદ કરાયો છે, જ્યારે ‘બાગબાન’માં ટાગોરના ‘ચિત્રા’, ‘ક્ષણિકા’ અને ‘સોનાર તારી’ જેવાં કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં કાવ્યોના અનુવાદ સમાવ્યા છે. ગુલઝાર જેવા સમર્થ શબ્દસ્વામી અને મૌલિક સર્જકને પણ અનુવાદ કરવાનું સૂઝે, અનુવાદનું કાર્ય કરવું ગમે અને અનુવાદ કર્યા પછી તે કામ કેટલું અઘરું છે, એ કબૂલે એ બહું સમજવા-વિચારવા અને પ્રેરણા લેવા જેવી વાત છે.

ટાગોરની વાત નીકળી જ છે ત્યારે ટાગોરસાહિત્યને ગુજરાતીમાં અવતરણ કરાવનારા ‘ભગીરથી’ નગીનદાસ પારેખનું સ્મરણ થયા વિના રહેતું નથી. નડિયાદના હસિત મહેતા જેવા સાહિત્ય-અભ્યાસી તો ‘નગીનદાસ પારેખ એટલે ગુજરાતના રવીન્દ્રનાથ ટાગોર’ એવું દૃઢપણે માને છે. નગીનદાદાની જિંદગીનાં વર્ષો (90 વર્ષ) કરતાં અનુવાદિત પુસ્તકોનો આંકડો (100થી વધુ )મોટો છે અને એમાંય 30થી વધુ પુસ્તકો તો રવીબાબુનાં છે! ટાગોરનાં નાટકો, નવલકથાઓ, પત્રો જેવા ગદ્યસાહિત્યનો જ નહિ, પરંતુ  પદ્યસાહિત્યમાં તેમના વિશ્વપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’નાં કાવ્યોનો પણ અદ્્ભુત અનુવાદ કર્યો છે. ગાંધી વિચારને સમર્પિત એવા નગીનદાસ લેખક-સાહિત્યકાર, શિક્ષક, વિવેચક, સંશોધક તો હતા જ છતાં તેમણે અનુવાદ ક્ષેત્રે જે માતબર અને મબલખ યોગદાન આપ્યું છે, તેની તોલે કોઈ આવી શકે એમ નથી.

નગીનદાસ પારેખે પોતે તો અનુવાદ કર્યા પરંતુ આવનારી પેઢીઓ પણ અનુવાદનું કૌશલ્ય અને કળાને સમજી શકે એ માટે ઈ.સ. 1958માં ‘અનુવાદની કળા’ નામની પુસ્તિકા પણ લખી હતી. ગુજરાતમાં આજે પણ પુસ્તકોના અનુવાદનું કાર્ય ધમધોકાર ચાલે છે. જોકે, તેમાં નાણાંનો પ્રભાવ જોવા મળે છે, નગીનદાસ જેવી પ્રતિબદ્ધતાની ખોટ વર્તાય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Friday, July 15, 2016

એટમ બૉમ્બથી આપણે શું ‘ધડાકા’ કરી લીધા?

દિવ્યેશ વ્યાસ


અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫ના રોજ એટમ બોમ્બનું પહેલી વાર પરીક્ષણ કર્યું અને માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર વિકસાવ્યું. પછી તો દુનિયાભરમાં પરમાણુ શસ્ત્રો વિકસાવવાની હોડ શરૂ થઈ, પણ એ આંધળી દોડમાંથી માનવજાતને શું મળ્યું?


(તસવીર \ગૂગલ અને વિકિપીડિયા પરથી લીધેલી છે.)


૧૬જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે સૂરજ ઉગવાને હજુ થોડી વાર હતી ત્યારે પૃથ્વીની સપાટી પર એક પ્રચંડ વિસ્ફોટ થયો. વિસ્ફોટને પરિણામે મશરૂમ આકારનો અગનગોળો ઉછળ્યો, જેની આગ ૪૦,૦૦૦ ફીટ ઊંચે સુધી ફેલાઈ હતી. આ પરીક્ષણની સાથે માનવજાતે સૌથી વિનાશક શસ્ત્ર - એટમ બૉમ્બની શોધ કરી હતી. એટમ બૉમ્બ એટલે નામ પ્રમાણે જ પરમાણુમાં રહેલી શક્તિનો વિસ્ફોટ કરતું શસ્ત્ર. એક પરમાણુમાં જ પરમ બ્રહ્માંડનો વિનાશ વેરવાની તાકાત સમાયેલી હોય છે, તે માનવજાતે શોધી કાઢયું હતું. હા, માનવજાતની મૂઢતા અને અણસમજ એ હતી કે ત્યારે આ તાકાતને માણસોના જ વિનાશ માટે પ્રયોજવાનો હેતુ હતો!
દુનિયાનું પહેલું પરમાણુ પરીક્ષણ થયું એ સ્થળ

અમેરિકાએ ૧૬ જુલાઈ, ૧૯૪૫માં વહેલી સવારે ૫:૨૯:૪૫ વાગ્યે ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડોના રણપ્રદેશમાં પરમાણુ બૉમ્બનું પ્રાયોગિક પરીક્ષણ કર્યું અને એક મહિના કરતાં પણ ઓછા સમયમાં એટલે કે ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ એટમ બૉમ્બનું પ્રેક્ટિકલ પરીક્ષણ જાપાનના હિરોશિમા શહેર પર કર્યું. હિરોશિમા પર એટમ બોમ્બ ફેંકીને અમેરિકા અટકી ન ગયું પણ તેણે ત્રણ દિવસ પછી ૯મી ઑગસ્ટના રોજ જાપાનના જ બીજા શહેર નાગાસાકી પર બીજો એટમ બૉમ્બ ઝીંક્યો. આ પરમાણુ બૉમ્બને કારણે ક્ષણ-બેક્ષણમાં હિરોશિમા અને નાગાસાકી શહેરો હતાં-ન હતાં બની ગયાં. ઘડીના છઠ્ઠા ભાગમાં એક સાથે ૮૦,૦૦૦ લોકો હણાયા અને પરમાણુ બૉમ્બના વિકિરણની વિઘાતક અસરથી માત્ર એક વર્ષના ગાળામાં બીજા ૬૦,૦૦૦ લોકો મોતને ભેટયા હતા. માત્ર જાપાનમાં જ નહીં, દુનિયાભરમાં હાહાકાર મચી ગયો. જાપાને ઓન ધ સ્પોટ હાર સ્વીકારી લીધી અને આ સાથે જ બીજું વિશ્વયુદ્ધ ખતમ થઈ ગયું, પણ દુનિયાના દેશો વચ્ચે એક આંધળી હોડ શરૂ થઈ ગઈ - પરમાણુ શસ્ત્રો વિકસાવવાની, પરમાણુ શક્તિસમ્પન્ન રાષ્ટ્ર બનવાની.

વિશ્વવિજેતા બનવાના હિટલરના ખ્વાબને સાકાર કરવા માટે જર્મની પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું હતું ત્યારે અમેરિકા પણ પોતાનું સૈન્યબળ વિકસાવવા વિચારણા કરી રહ્યું હતું. ૧૯૩૯માં અમેરિકામાં રાજ્યાશ્રય ભોગવી રહેલા ઈટાલીના ભૌતિક વિજ્ઞાની એન્રિકો ફર્મી અમેરિકન નેવી ડિપાર્ટમેન્ટના અધિકારીઓને કોલોમ્બિયા યુનિર્વસિટીમાં મળ્યા હતા અને એટમ બૉમ્બ પ્રકારના વિસ્ફોટક શસ્ત્રનો લશ્કરી હેતુથી કઈ રીતે ઉપયોગ કરી શકાય, એની ચર્ચા કરેલી. એ જ વર્ષે આલ્બર્ટ આઇન્સ્ટાઇને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કલીન રુઝવેલ્ટને પત્ર લખીને જર્મનીના સામના માટે એટમ બૉમ્બ બનાવવા માટે આગ્રહભરી વિનંતી કરતો પત્ર લખ્યો હતો. આઇન્સ્ટાઇનના પત્ર પછી અમેરિકા આ અંગે થોડું ગંભીર બન્યું હતું. અમેરિકાએ પરમાણુ બૉમ્બ માટે ફેબ્રુઆરી-૧૯૪૦માં ૬૦૦૦ અમેરિકી ડૉલરનું મામૂલી ગણાય એટલું ભંડોળ ફાળવ્યું હતું. પણ, ડિસેમ્બર, ૧૯૪૧માં જાપાને જ્યારે અમેરિકાના પર્લ હાર્બર પર ઘાતક હુમલો કરીને તેને બીજા વિશ્વયુદ્ધમાં ઢસેડયું અને ૧૯૪૨માં અમેરિકાએ જ્યારે જાણ્યું કે જર્મની યુરોનિયમ બૉમ્બ બનાવવા મથી રહ્યું છે ત્યારે અમેરિકા સફાળું જાગ્યું અને એટમ બૉમ્બ બનાવવાના પ્રોજેક્ટ માટે વધારે નાણાં અને સંસાધનો પૂરાં પાડયાં હતાં. અને આખરે ૧૬ જુલાઈ, ૧૯૪૫ની વહેલી સવારે ન્યૂ મેક્સિકોના રણમાં એટમ બૉમ્બનું પરીક્ષણ શક્ય બન્યું, જેને બે દિવસ પછી ૬૮ વર્ષ થશે. (2013માં લેખ લખાયો હતો.) માનવજાતે એટમ બૉમ્બ બનાવ્યાના સાડા છ દાયકાથી વધારે સમય વીતી ગયો છે, ત્યારે પહેલો વિચાર એ આવે કે એટમ બૉમ્બે આ દુનિયાને શું આપ્યું? તેનાથી આ દુનિયાને ફાયદો થયો કે નુકસાન?

અમેરકા પછી વિશ્વભરના દેશોમાં એટમ બોમ્બ બનાવવાની આંધળી દોડ શરૂ થઈ. ૧૯૪૯માં રશિયાએ એટમ બૉમ્બનું પરીક્ષણ કર્યું, ત્યાર બાદ બ્રિટને ૧૯૫૨, ફ્રાંસે ૧૯૬૦, ચીને ૧૯૬૪માં પરમાણુ પરીક્ષણો કર્યા. એક પછી એક પરીક્ષણોને લીધે આખી દુનિયા '૫૦ અને '૬૦ના દાયકામાં સતત ભય તળે જીવતી હતી. એક અંદાજ મુજબ ૧૯૬૧માં દુનિયાએ એટલા એટમ બૉમ્બ બનાવી નાખ્યા હતા, જેનાથી આખી દુનિયાનો વિનાશ થઈ શકે. છતાં પરમાણુ શસ્ત્રો બનતા રહ્યા છે. હવે તો ભારત, પાકિસ્તાન અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ પરમાણુ શસ્ત્રોથી સજ્જ છે. ઈઝરાયેલ પાસે પણ પરમાણુ શસ્ત્રો હોવાની વાત છે. વિશ્વના મોટાભાગના દેશોએ ન્યૂક્લીઅર નોનપ્રોલીફરેશન ટ્રીટી પર હસ્તાક્ષર તો કર્યા છે, પણ છતાં પરમાણુ સત્તા બનવાની આંધળી દોડ અટકી નથી.

પરમાણુ શસ્ત્રોએ માનવ જાતને એક ભય તળે તો રાખી જ છે ઉપરાંત તેને કારણે દુનિયાનાં અપાર સંસાધનો ઉપરાંત ખર્વો રૂપિયા ખર્ચાયા છે. વિચાર કરો, આટલા રૂપિયા જો ગરીબ-વંચિત લોકો માટે ખર્ચાયા હોત તો દુનિયામાં આજે કોઈ ગરીબ-વંચિત, બીમાર-લાચાર હોત ખરું? ખેર, માનવજાતે હવે પરમાણુ શક્તિનો ઉપયોગ વિનાશ નહીં પણ વિકાસ માટે કરવાની પહેલ કરી છે, તે સારી બાબત ગણી શકાય, છતાં પરમાણુ ઊર્જાનાં જોખમોને નજરઅંદાજ કરી શકાય એમ નથી. દ.આફ્રિકાએ પોતાનાં પરમાણુ શસ્ત્રોનો નાશ કર્યો છે તો જાપાને પરમાણુ ઊર્જાનો વપરાશ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ ભસ્માસૂરનો નાશ કરવો જ રહ્યો!

(‘સંદેશ’ની 14 જુલાઈ, 2013ની ‘સંસ્કાર’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, July 13, 2016

ઇરવિંગ સ્ટોનનો ‘જીવન’સંદેશ

દિવ્યેશ વ્યાસ


મહાન ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગને શબ્દદેહે અમરતા બક્ષનારા ઇરવિંગ સ્ટોનનું જીવન અને લેખન યુવાલેખકો માટે પ્રેરણાદાયક છે


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

વાત ઈ.સ. 1932ની છે. ન્યૂ યૉર્ક શહેરના એક નાટ્યગૃહની બહાર 30 વર્ષના યુવા નાટ્યલેખક અને દિગ્દર્શક સાથે 18 વર્ષની તરુણી વાતચીત કરી રહી હતી. વર્ગખંડમાં ભણવાને બદલે થિયેટરમાં ફિલ્મો જોવાની શોખીન તરુણી પેલા યુવાનને તેણે દિગ્દર્શિત કરેલા નાટક અંગે ધાણીફૂટ સવાલો કરી રહી હતી. હાઈસ્કૂલ પણ પૂરી નહોતી કરી એવી તરુણીના પરિપક્વ સવાલોથી ઇમ્પ્રેશ થયેલો યુવાન કહે છે કે મેં એક વિખ્યાત ડચ કલાકારની જીવનકથા લખી છે, તું એને વાંચીને કહે કે સત્તર સત્તર પ્રકાશકોએ શા માટે તેને છાપવાનો ઇનકાર કર્યો હશે. પેલી તરુણી એ જીવનકથા વાંચે છે અને કથાલેખક યુવાન સાથે ચર્ચા કરે છે. લેખક કહે છે, હું હવે આ જીવનકથા ફરી લખીશ નહીં, એક કામ કર, તું એને જાતે ટાઇપ કર અને તને યોગ્ય ન લાગે એટલું ટાઇપ ન કરતી. આ રીતે પેલી તરુણીએ સંપાદિત કરેલી જીવનકથા પ્રકાશકને મોકલવામાં આવી. પ્રકાશક તેને છાપવા રાજી થઈ ગયા અને 250 ડૉલર્સ એડવાન્સમાં પણ આપ્યા. આ નાણાંમાંથી જ તેમણે બન્નેએ લગ્ન કરી લીધાં!
 

આ યુવા લેખક એટલે વિશ્વવિખ્યાત જીવનકથા લેખક ઇરવિંગ સ્ટોન, સંપાદક તરુણી એટલે વર્લ્ડ ક્લાસ એડિટર જીન સ્ટોન અને એ પુસ્તક હતું - ‘લસ્ટ ફોર લાઇફ’, વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગની જીવનકથા. આ પુસ્તકનો સદ્્ગત વિનોદ મેઘાણીએ ગુજરાતીમાં ‘સળગતાં સૂરજમુખી’ના નામે અદ્્ભુત અનુવાદ કર્યો છે. વાન ગોગનો પરિચય હોય કે નહીં, ચિત્રકળામાં રસ કે સૂઝ હોય કે નહીં, પણ આ પુસ્તક વાંચ્યા પછી તમે જિંદગી (લાઇફ) અને જુસ્સા (પેશન) અંગે જુદી રીતે વિચારતા જરૂર થઈ જાવ. વિનોદભાઈએ આ પુસ્તકનો અનુવાદ એટલી ચીવટ અને જીવટથી કર્યો છે કે વાંચતાં વાંચતાં તમને યાદ જ ન રહે કે તમે મૂળ પુસ્તક વાંચી રહ્યા છો કે અનુવાદિત. ‘સળગતાં સૂરજમુખી’ની વાત વધારે નથી કરવી, કારણ કે એ તો તમે વાંચીને માણી જ શકશો, પરંતુ આજે વાત કરવી છે તેના મૂળ સર્જક ઇરવિંગ સ્ટોનની, જેમનો કાલે (14મી જુલાઈ, 1903) જન્મ દિવસ છે.
 

ઇરવિંગ સ્ટોનને વાંચનનો વારસો તેમની માતા પાસેથી મળેલો. નાનપણથી જ વાંચનના કીડા ઇરવિંગે રાજ્યશાસ્ત્રમાં સ્નાતક થયા પછી અર્થશાસ્ત્ર સાથે માસ્ટર ડિગ્રી મેળવેલી. બર્કલી યુનિવર્સિટીમાં ડૉક્ટરેટની ડિગ્રી માટે પ્રવેશ લીધા પછી તેમને થયું કે કરિયર તો લેખક તરીકે જ બનાવવી છે. ડૉક્ટરેટનો અભ્યાસ છોડીને તે ફ્રાન્સ ગયા. લેખક તરીકે તેમણે નાટ્યલેખનથી શરૂઆત કરેલી. એક જ વર્ષમાં 17 નાટકો લખી નાખ્યાં, પણ એકેયનું કોઈ લેવાલ નહોતું. એવામાં તેમણે પેરીસની રોસનબર્ગ ગેલેરીમાં વિન્સેન્ટ વાન ગોગનાં ચિત્ર પ્રદર્શનને નિહાળ્યું અને નક્કી કરી લીધું કે આ ચિત્રકારના જીવન પરથી પુસ્તક લખવું છે. તેઓ ન્યૂ યૉર્ક પાછા ફર્યા. સડકછાપ સામયિકોમાં રહસ્યકથાઓ લખી લખીને નાણાં એકઠાં કર્યાં અને ફરી યુરોપ જઈને વાન ગોગના જીવન પર સંશોધન શરૂ કર્યું અને એ રીતે લખાયું - ‘લસ્ટ ફોર લાઇફ’. ઇરવિંગ સ્ટોનના પ્રતાપે વાન ગોગનું જીવન અને વ્યક્તિત્વ શબ્દદેહે કામય માટે અમર થઈ ગયું છે.
 

જીવનકથા આધારિત નવલકથાના લેખક તરીકે વિખ્યાત બનેલા ઇરવિંગ સ્ટોને જીવનકથાલેખનમાં એક નવો જ ચીલો ચાતર્યો. ઇરવિંગ સ્ટોને આગળ જતાં માઇકલ એન્જેલો, સિગ્મંડ ફ્રોઇડ, ચાર્લ્સ ડાર્વિન, ચિત્રકાર કામીય પિસારો વગેરે મહાનુભાવોના જીવન આધારિત બે ડઝન જેટલી નવલકથાઓ લખી છે. ગુજરાતીમાં સંશોધન આધારિત લેખન એમાંય નવલકથા લખવાનું હવે સાવ ઠપ જ થઈ ગયું છે ત્યારે ઇરવિંગ સ્ટોનના જીવન અને લેખન પાસેથી યુવા લેખકોએ ઘણું બધું શીખવા જેવું છે. જોકે, આ શીખવાની શરૂઆત તો તેમના પુસ્તક, ખાસ કરીને ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક ‘સળગતાં સૂરજમુખી’ વાંચીને જ કરીએ તો એનાથી રૂડું બીજું શું!

(‘દિવ્ય ભાસ્કર’ની 13 જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Monday, July 11, 2016

ડિજિટલ રિવોલ્યુશનની ચર્ચામાં યાદ રાખવા જેવું નામ - એલ્વિન ટોફલર

દિવ્યેશ વ્યાસ



27 જૂન, 2016ના રોજ અમેરિકાના લૉસ ઍન્જલસ ખાતે 87 વર્ષની વયે અવસાન પામેલા ઍલ્વિન ટોફલર ફ્યુચરોલૉજીના જનક ગણાય છે



(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ (વર્ષ 20015ની વાત છે) વડાપ્રધાન મોદીની અમેરિકાના પ્રવાસ દરમિયાન સિલીકોન વેલીની મુલાકાત અને ખાસ કરીને ગૂગલ-ફેસબુક વગેરેના મુખ્ય કાર્યાલયોના સ્નેહમિલનો ચર્ચામાં છે. ભારતને ડિજિટલ-ઇન્ડિયા બનાવવાની વાતો જોરશોરમાં છે. આપણે માહિતી યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ડિજિટલ ટેક્નોલોજી અપનાવ્યા વિના છૂટકો જ નથી. 

આપણા દેશે છેલ્લાં ૧૫ વર્ષથી ડિજિટલના પથ પર ચાલવાનું શરૂ કરી દીધું છે અને હવે આ માર્ગ પર ચાલવાની નહિ પણ દોડવાની વાત છે. અલબત્ત, દોડ ક્યારેક આંધળી બની જતી હોય છે ત્યારે દોડવા માટે તત્પર આપણે સૌએ કેટલીક બાબતો પ્રત્યે સભાનતા કેળવવી પડશે. બાકી ફેસબુકના સી.ઈ.ઓ. ઝકરબર્ગની વાદે વાદે આપણે પણ પ્રોફાઇલ પિક્ચરો બદલી નાખ્યા એવા ભગા વળતા રહેશે. ખેર દેશને ડિજિટલ હાઇ-વે પર લઈ જવો, એ આજના સમયની જરૂરિયાત છે, તેને અવગણીને વિકાસ શક્ય નથી. ડિજિટલાઇઝેશનના કેટલાક ફાયદામાંનો એક ફાયદો પારદર્શકતા છે, જે પચાવવી થોડી અઘરી છે, પણ સમય સાથે આપણે સર્વસમાવેશક બનવાની સમજ કેળવવી પડશે.
ડિજિટલ ઇન્ડિયાની ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે એક નામ દિમાગમાં ઝળક્યા વિના રહેતું નથી. આ નામ છે - લ્વિન ટોફલર. ગુજરાતના કેટલાક સુજ્ઞ વાચકોએ કાન્તિ શાહ દ્વારા અનુવાદિત અને યજ્ઞ પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ પુસ્તક 'ત્રીજું મોજું' વાંચ્યું હશે. લ્વિન ટોફલરને આજે યાદ કરવાનું બીજું નિમિત્ત છે, તેમનો બર્થ-ડે. ૪ ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ જન્મેલા લ્વિન ટોફલરનો આજે (વર્ષ 2015માં) ૮૭મો જન્મ દિવસ છે. ન્યૂ યોર્કમાં જન્મેલા અમેરિકાના આ લેખક, પત્રકાર અને બિઝનેસ સલાહકાર આખી દુનિયામાં વિશ્વના સૌથી વિખ્યાત ફ્યુચરોલોજિસ્ટ તરીકે જાણીતા છે. બિઝનેસ લીડર્સમાં સૌથી વધારે પ્રભાવી અવાજ અને અસર ધરાવતા લોકોમાં બિલ ગેટ્સ અને પીટર એફ. ડ્રકર પછી ટોફલર ત્રીજા ક્રમે આવે છે. એક વિશ્વસ્તરીય સામયિકે ટોચના ૫૦ બિઝનેસ ઇન્ટેલેક્ચ્યુઅલ્સમાં તેમને આઠમો ક્રમાંક આપ્યો હતો. કારકિર્દીના પ્રારંભિક ગાળામાં ટોફલરે વિશ્વવિખ્યાત 'ફોર્ચ્યુન' મેગેઝિનના એડિટર તરીકે કેટલાંક વર્ષો કામ કર્યું હતું. લ્વિને આઈ.બી.એમ., ઝેરોક્ષ, એ.ટી. એન્ડ ટી. જેવી માંધાતા કંપનીઓમાં વ્યૂહાત્મક સલાહકાર તરીકે ફરજ નિભાવી છે. લ્વિન ટોફલરે કોર્પોરેટ ગૃહો ઉપરાંત એન.જી.ઓ. અને જુદા જુદા દેશોની સરકારોના સલાહકાર તરીકે પણ ભૂમિકા ભજવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ અમેરિકન વિચારકનો આધુનિક ચીનને સાકાર કરવામાં ફાળો આપનારા ૫૦ વિદેશી લોકોમાં પણ સમાવેશ થાય છે.
લ્વિન ટોફલરે 'ધ થર્ડ વેવ', 'ફ્યુચર શોક' અને 'પાવરશિફ્ટ' જેવાં ચર્ચિત પુસ્તકો આપ્યાં છે. ટોફલરે પોતાની પત્ની હૈદી સાથે પણ 'રિવોલ્યુશનરી વેલ્થ', 'વૉર એન્ડ એન્ટિ-વૉર' તથા 'ક્રિએટિંગ અ ન્યૂ સિવિલાઇઝેશન' જેવાં પુસ્તકો આપ્યાં છે, જેમાં નવા જમાના અંગેના અનુમાન અને અપેક્ષા વ્યક્ત થયાં છે. ટોફલર ખાસ કરીને ડિજિટલ રિવોલ્યુશન, કૉમ્યૂનકેશન રિવોલ્યુશન અને ટેક્નોલોજીકલ સિંગ્યુલારિટીની તેમણે કરેલી ચર્ચા માટે વિશ્વભરમાં જાણીતા છે.

આપણે સૌ ડિજિટલાઇઝેશન માટે ઉત્સાહી છીએ ત્યારે ડિજિટલાઇઝ્ડ વિશ્વની કલ્પના કરવા ઉપરાંત તેને આવકારનારા ટોફલરે શબ્દો ચોર્યા વિના કબૂલેલું છે કે ડિજિટલ રિવોલ્યુશન થવાને લીધે લોકોની એકાગ્રતા અને ધ્યાન પહેલાં જેવા સતેજ નથી રહ્યાં. જોકે, ડિજિટલ ક્રાંતિને કારણે તેમને આશા છે કે માનવ સભ્યતાનો ખરા અર્થમાં વિકાસ થઈ શકે છે. હેન્રી ડેવિડ થોરોએ 'વોલ્ડન' નામના પુસ્તકમાં સચોટ સવાલ ઉઠાવેલો કે શિકાર યુગમાં માણસે પેટ ભરવા માટે જેટલા કલાકો ગાળવા પડતાં તેટલા જ કલાકો આજે પણ ગાળવા પડતા હોય તો માનવ સભ્યતા વિકાસ પામી છે, એવું કઈ રીતે કહી શકાય? ખરેખર આજે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સનાં ઉપકરણોએ માનવીનાં અનેક કાર્યો આસાન કર્યા હોવા છતાં આપણે એવી સામાજિક-આર્થિક વ્યવસ્થા ઊભી કરી છે કે એકવીસમી સદીમાં પણ નોકરીની લાંબી સિફ્ટ ઉપરાંત બે-ત્રણ કલાક તો ઘરેથી ઑફિસ અને ઑફિસથી ઘરની આવન-જાવનમાં જ નીકળી જતા હોય છે. પણ, ટોફલર ધારે છે કે "આપણા જ જીવનકાળમાં મોટી મોટી ફેક્ટરીઓ અને બહુમાળી મકાનો અડધાં ખાલી થઈ જશે. તેમના મતે નવલા સ્વરૂપે ઇલેક્ટ્રોનિક્સ પર આધારિત ગૃહઉદ્યોગોનો જમાનો શરૂ થશે. વાહનવ્યવસ્થા પરનો બોજ ઘટશે. આવનજાવનની રોજિંદી તાણ ઘટશે અને પરિવારજીવન પર તેની રૂડી અસર પડશે." આજે કમ્પ્યૂટર, મોબાઇલ અને ઇન્ટરનેટના સમયમાં સ્થળ (ઑફિસ)નું મહત્ત્વ ઘટાડી શકાય છે, પરંતુ સંસ્થાઓ અને સ્થાપિત હિતો એ દિશામાં વિચારતાં હોય એવું હાલ તો જણાતું નથી.

ટોફલરના એક ધારદાર વિચાર સાથે લેખ પૂર્ણ કરીએ, "સમાજને એવા લોકોની જરૂર છે, જે વૃદ્ધજનો અને કઈ રીતે અનુકંપાશીલ તથા પ્રામાણિક બનવું એ જાણનારાની પૂરતી કાળજી લે. સમાજને એવા લોકોની જરૂર છે, જેઓ હોસ્પિટલોમાં સેવાકાર્યો કરે. સમાજને એ તમામ પ્રકારનાં કૌશલ્યોની જરૂર હોય છે, જે માત્ર ચિંતનાત્મક જ નહિ, પણ સંવેદના અને સદ્દભાવથી સભર હોય. તમે માત્ર માહિતી અને કમ્પ્યૂટર્સ થકી સમાજ ન ચલાવી શકો."

(વર્ષ 2015માં એલ્વિન ટોફલરના જન્મ દિવસ નિમિત્તે ‘સંદેશ’ની 4 ઑક્ટોબર, 2015ના ‘સંસ્કાર’માં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ. એલ્વિન ટોફલરના નિધન પછી તેમના પર લખાયેલો લેખ વાંચવા હોય તો ક્લિક કરો આ લિંક - http://opinionmagazine.co.uk/details/2098/alvin-tofler-1928-2016)

Wednesday, July 6, 2016

વાળમાં શું રાખ્યું છે!

દિવ્યેશ વ્યાસ


પોતાના તમામ વાળ ગુમાવી ચૂકેલી અંકિતાનું ઉદાહરણ આપણી સંકુચિત સૌંદર્યદૃષ્ટિને સુધારી શકશે?


(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ઘાટીલો ચહેરો, ગોરો વાન, લાંબા કાળા વાળ અને સુંદર આંખો...’ સ્ત્રીના સૌંદર્ય માટેનું આ ચોકઠું આપણા દિલોદિમાગમાં સજ્જડ રીતે અંકિત થયેલું છે. આપણાં કાવ્યો અને વાર્તાઓમાં પણ સ્ત્રીઓનું વર્ણન આ ચોકઠાની આજુબાજુ જ ગરબે ઘૂમતું હોય છે. આપણી ફિલ્મો અને નાટકોની હિરોઇનો પણ આ ચોકઠા મુજબ જ પસંદ કરાતી હોય છે કે વ્યક્ત કરાતી હોય છે. આ ચોક્કસ ચોકઠાને કારણે આપણી સૌંદર્યદૃષ્ટિ એટલી તો સંકુચિત થઈ ગઈ છે કે આ લક્ષણોમાં સહેજ પણ ફેરફાર હોય તો આપણે તેને પસંદ તો નથી જ કરતા, એને સ્વીકારી કે પચાવી પણ નથી શકતા. આ સંકુચિત સૌંદર્યદૃષ્ટિનો ભોગ સ્ત્રીઓ જ બનતી હોય છે.
સૌંદર્યના ચોક્કસ માપદંડોમાં ફિટ ન બેસતી યુવતીઓની ક્યાંક હસી-મજાક ઊડે છે તો ક્યાંક ઘોર અવગણના કરવામાં આવતી હોય છે. સૌંદર્યની સંકુચિત સમજને કારણે ભોગ બનતી યુવતીઓ-સ્ત્રીઓમાં લઘુતાગ્રંથિ પેદા થતી હોય છે. અનેક યુવતીઓ તો  ડિપ્રેશનનો ભોગ પણ બનતી હોય છે.
 

આપણી સંકુચિત સૌંદર્યદૃષ્ટિનો ‘લાભ’ સૌંદર્યપ્રસાધનના ઉત્પાદકોએ ઉઠાવ્યો છે. બજારમાં ગોરા બનાવતી જાતજાતની ક્રીમ અને લાંબા-ઘાટા-કાળા વાળની ખાતરી બંધાવતાં તેલ-શેમ્પૂની ભરમાર જોવા મળે છે.
સૌંદર્ય ક્ષેત્રે ખરી ક્રાંતિ તો ત્યારે થયેલી ગણાશે, જ્યારે કાળા વાળ કે ગોરા વાન જેવા ઉપરછલ્લા માપદંડોને ફગાવી દેવામાં આવશે. આવી ક્રાંતિની એક ચિનગારી મુંબઈ શહેરમાં પ્રગટી ચૂકી છે. આ ચિનગારીનું નામ છે - અંકિતા વાડેકર. માથામાં સમ ખાવા પૂરતોય એક પણ વાળ ન ધરાવતી અંકિતાએ અનેક વર્ષોની માનસિક યાતના પછી હવે સફાચટ માથાને સંતાડ્યા વિના ઉન્નત મસ્તક સાથે બધે હરવાફરવા લાગી છે.
 

ગયા માર્ચ મહિનામાં અંકિતાએ સોશિયલ મીડિયા પર પોતાની વીતકકથા જણાવી હતી. તેની એ પોસ્ટ માત્ર 24 કલાકમાં 18 હજાર લોકોએ શેર કરી હતી. અંકિતાએ જણાવ્યું હતું કે તે સાતમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના વાળ મોટા પાયે ખરવા લાગ્યા હતા. અનેક પ્રયાસો અને દવાઓ છતાં વાળ ખરતા ગયા અને તેનું માથું સફાચટ થઈ ગયું. એલોપેસિયા અરીટા નામની ઓટોઇમ્યુન બીમારીનું નિદાન થયું. તેણે વાળ પાછા લાવવા સ્ટીરોઇડ પણ લીધું, જેના કારણે થોડા સમય માટે વાળ આવ્યા પણ તે લાંબું ટક્યા નહીં. આખરે તેણે વિગનો સહારો લીધો. જોકે, એક દિવસ મુંબઈની લોકલ ટ્રેનની ધક્કામુક્કીમાં અચાનક તેની વિગ ખેંચાઈને નીકળી ગઈ ત્યારે લોકોની પ્રતિક્રિયાએ અંકિતાને મોટો આઘાત આપ્યો. જોકે, એ આઘાતે જ અંકિતામાં એવો અભિગમ પેદા કર્યો કે બસ હવે બહુ થયું. હવે હું આ રીતે મારા કોરાકટ માથાને છુપાવી છુપાવીને જીવવાની નથી. તેણે ખુલ્લા માથે જ ઑફિસ જવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે સામાન્ય જીવન જીવવા માંડી. 

અંકિતાને લાગુ પડેલો એલોપેસિયા અરીટા રોગ દુનિયામાં 14 કરોડ 70 લાખ લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક લાગુ પડતો હોવાનો અંદાજ છે, પરંતુ જ્યારે આ રોગ કોઈ સ્ત્રીને લાગુ પડે છે ત્યારે તેના માથે જાણે આભ પડ્યું હોય એવું બનતું હોય છે. કેન્સરની સારવારમાં પણ ઘણી સ્ત્રીઓને મરવાના જોખમ કરતાં પણ વાળ ગુમાવવાનું જોખમ વધારે ચિંતા કરાવતું હોય છે. 

જ્યાં સુધી ‘યે રેશમી ઝુલ્ફેં યે શરબતી આંખેં...’ અને ‘ઓ હસીના ઝુલ્ફોંવાલી જાને જહાં...’ જેવાં ગીતો ગણગણ્યાં કરીશું, જ્યાં સુધી ‘ગોરો વાન અને કાળા વાળ’નાં વર્ણનો પર વાહ વાહ કરીશું ત્યાં સુધી આપણા સમાજની સ્ત્રીઓને આપણે અન્યાય કરતાં રહીશું, પ્રત્યક્ષ નહીં તોય પરોક્ષ રીતે તેના પર અત્યાચાર કરતાં રહીશું. શું આપણે એવું ન કહી શકીએ - ‘વાળમાં શું રાખ્યું છે!’


(‘દિવ્ય ભાસ્કર’ની 6 જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)