Thursday, July 21, 2016

ટાગોરના અનુવાદિત અવતાર

દિવ્યેશ વ્યાસ


રવીન્દ્રનાથ ટાગોરનું ગુજરાતીમાં અવતરણ કરાવનારા નગીનદાસ પારેખનું મૂલ્ય સ્વીકારવું અને સ્મરવું રહ્યું



(સાહિત્યકારોની તસવીરોની ગ્રાફિક ઇમેજ ‘દિવ્ય ભાસ્કર’ના ડિઝાઇનર શોએબ મન્સુરીએ તૈયાર કરી છે.)

ઇન્ટરનેટ પર ટ્રાન્સલેશનના અનેક સોફ્ટવેર ઉપલબ્ધ છે. હવે તો ગૂગલ ઉપરાંત ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પણ એક ભાષામાં લખાયેલી પોસ્ટ બીજી અનેક ભાષામાં વાંચી શકાય એવી સુવિધા આપી રહી છે. એક વિચારકે ભવિષ્ય ભાખેલું કે એકવીસમી સદી અનુવાદની સદી બની રહેશે. આજે ઇન્ટરનેટ થકી દુનિયા એક નાનકડાં ગામમાં ફેરવાઈ રહી છે અને દેશ-વિદેશના લોકો એકબીજાની નજીક આવી રહ્યા છે ત્યારે એકબીજાની વાતો, વિચારો અને ભાવના વાંચવા-સમજવા માટે અનુવાદ વિના ચાલી શકે એમ નથી.

અનુવાદના ઉપકારને કારણે જ આપણે ટૉલ્સટૉયથી લઈને ટાગોર અને શેક્સપિયરથી લઈને શરદબાબુની કૃતિઓને માણી શક્યા છીએ, સમજી શક્યા છીએ. કોઈ પણ ભાષાની સમૃદ્ધિમાં જેટલો ફાળો સાહિત્યસર્જક-સાહિત્યકારનો હોય છે એટલું જ યોગદાન અનુવાદકનું પણ હોય છે. અલબત્ત, આપણે ત્યાં અનુવાદકાર્યને મૌલિક સાહિત્યસર્જન જેટલું મહત્ત્વ નથી મળતું, છતાં તેનું મહત્ત્વ અને માહાત્મ્ય બિલકુલ ઓછું નથી અને આજના વૈશ્વીકરણના યુગમાં તો તે ઊલટું વધી ગયું છે. ખાતરી ન હોય તો હવે કોઈ પુસ્તક મેળામાં જાવ ત્યારે જોઈ લેજો, તમને ગુજરાતીમાં લખાયેલાં પુસ્તકોની જેટલાં જ અનુવાદિત પુસ્તકો જોવા મળશે. અનુવાદનો આટલો વાદ-પ્રતિવાદ કરવા માટે નિમિત્ત બન્યા છે - હિંદી સિનેમાના ટોચના ગીતકાર ગુલઝાર. ગયા એપ્રિલ મહિનામાં ગુલઝારનાં બે પુસ્તકો પ્રકાશિત થયાં, પણ નોંધનીય વાત છે કે આ પુસ્તકો ગુલઝારે લખેલાં નહીં, પણ તેમણે કરેલા અનુવાદનાં છે.

ગુલઝારસાહેબ અનુવાદ માટે જેમની કૃતિ પસંદ કરે એ સાહિત્યકાર ટાગોર કે ગાલિબ સિવાય બીજું કોણ હોય! હા, ગુલઝારે રવીન્દ્રનાથ ટાગોરનાં કાવ્યોનો હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો છે અને બે અનુવાદિત પુસ્તકો આપ્યાં છે. એકનું નામ છે, ‘નિંદિયા ચોર’ અને બીજા કાવ્યસંગ્રહનું નામ છે, ‘બાગબાન’. ‘નિંદિયા ચોર’માં ટાગોરના બાળકાવ્યોના સંગ્રહ ‘ગાર્ડનર’માંથી કાવ્યોનો અનુવાદ કરાયો છે, જ્યારે ‘બાગબાન’માં ટાગોરના ‘ચિત્રા’, ‘ક્ષણિકા’ અને ‘સોનાર તારી’ જેવાં કાવ્યસંગ્રહોમાંથી પસંદ કરેલાં કાવ્યોના અનુવાદ સમાવ્યા છે. ગુલઝાર જેવા સમર્થ શબ્દસ્વામી અને મૌલિક સર્જકને પણ અનુવાદ કરવાનું સૂઝે, અનુવાદનું કાર્ય કરવું ગમે અને અનુવાદ કર્યા પછી તે કામ કેટલું અઘરું છે, એ કબૂલે એ બહું સમજવા-વિચારવા અને પ્રેરણા લેવા જેવી વાત છે.

ટાગોરની વાત નીકળી જ છે ત્યારે ટાગોરસાહિત્યને ગુજરાતીમાં અવતરણ કરાવનારા ‘ભગીરથી’ નગીનદાસ પારેખનું સ્મરણ થયા વિના રહેતું નથી. નડિયાદના હસિત મહેતા જેવા સાહિત્ય-અભ્યાસી તો ‘નગીનદાસ પારેખ એટલે ગુજરાતના રવીન્દ્રનાથ ટાગોર’ એવું દૃઢપણે માને છે. નગીનદાદાની જિંદગીનાં વર્ષો (90 વર્ષ) કરતાં અનુવાદિત પુસ્તકોનો આંકડો (100થી વધુ )મોટો છે અને એમાંય 30થી વધુ પુસ્તકો તો રવીબાબુનાં છે! ટાગોરનાં નાટકો, નવલકથાઓ, પત્રો જેવા ગદ્યસાહિત્યનો જ નહિ, પરંતુ  પદ્યસાહિત્યમાં તેમના વિશ્વપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ ‘ગીતાંજલિ’નાં કાવ્યોનો પણ અદ્્ભુત અનુવાદ કર્યો છે. ગાંધી વિચારને સમર્પિત એવા નગીનદાસ લેખક-સાહિત્યકાર, શિક્ષક, વિવેચક, સંશોધક તો હતા જ છતાં તેમણે અનુવાદ ક્ષેત્રે જે માતબર અને મબલખ યોગદાન આપ્યું છે, તેની તોલે કોઈ આવી શકે એમ નથી.

નગીનદાસ પારેખે પોતે તો અનુવાદ કર્યા પરંતુ આવનારી પેઢીઓ પણ અનુવાદનું કૌશલ્ય અને કળાને સમજી શકે એ માટે ઈ.સ. 1958માં ‘અનુવાદની કળા’ નામની પુસ્તિકા પણ લખી હતી. ગુજરાતમાં આજે પણ પુસ્તકોના અનુવાદનું કાર્ય ધમધોકાર ચાલે છે. જોકે, તેમાં નાણાંનો પ્રભાવ જોવા મળે છે, નગીનદાસ જેવી પ્રતિબદ્ધતાની ખોટ વર્તાય છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી જુલાઈ, 2016ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

No comments:

Post a Comment