Wednesday, December 27, 2017

મહાન ‘ભક્ત’ મહાદેવભાઈ

દિવ્યેશ વ્યાસ


મહાત્મા ગાંધી અને કસ્તૂરબાના ‘પાંચમા પુત્ર’ મહાદેવભાઈની યાદમાં 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરવો જોઈએ




છાકો પાડીને છવાઈ જવાની અને અસત્ય વાતોથી લોકોને માત્ર આંજી જ ન નાખવા, પણ આંધળા કરી દેવાની ગળાકાપ સ્પર્ધા ચાલી રહી હોય એવા રાજકીય માહોલમાં ‘ભક્ત’ શબ્દ હાંસીપાત્ર બની ગયો છે ત્યારે મહાદેવભાઈ દેસાઈને ‘મહાન ભક્ત’નું વિશેષણ લગાડવાથી ગેરસમજ થવાની શક્યતા છે. ભક્ત અને ભક્તિ જેવા પવિત્ર શબ્દોની પ્રતિષ્ઠા ખરડનારા કદાચ જાણતા નથી કે આ શબ્દોમાં સમર્પણભાવ ઠાંસોઠાંસ ભરેલો છે. મહાદેવભાઈના ગાંધીજી પ્રત્યેના સમર્પણના પુરાવારૂપ એક કિસ્સો ખૂબ જાણીતો છે: મહાદેવભાઈને પહેલેથી સંતોનું સાંનિધ્ય ગમતું હતું. જમનાલાલ બજાજ રમણ મહર્ષિના આશ્રમમાં જઈ આવ્યા હતા. તેમણે મહાદેવભાઈને એ આશ્રમ અંગે ઘણી વાતો કરી અને સૂચવ્યું કે તમે પણ જઈ આવો. મહાદેવભાઈએ ત્યાં જવાની તૈયારી કરી. જતી વખતે ગાંધીજીએ કહ્યું, ‘તમને ત્યાં શાંતિનો અનુભવ થાય તો ખુશીથી થોડા વધારે દિવસ રોકાઈ જજો. અહીંના કામની ચિંતા કરશો નહીં.’ ગાંધીજીથી છૂટા પડવાનું મહાદેવભાઈને ગમતું નહોતું. ‘વધારે દિવસ રોકાજો’ એ શબ્દોએ મહાદેવભાઈને ચમકાવ્યા. એમણે તરત ગાંધીજીને કહ્યું, ‘મેં જવાનો વિચાર માંડી વાળ્યો છે.’ ગાંધીજી કહે, ‘કેમ?’ મહાદેવભાઈ બોલ્યા, ‘મારે એક જ સ્વામી બસ છે.’

આગામી 1 જાન્યુઆરી, 2018ના દિવસે મહાદેવભાઈને આ ધરતી પર અવતર્યાને સવાસો વર્ષ થશે. મહાદેવભાઈ ગાંધીજીના સેક્રેટરી (રહસ્ય સચિવ) તરીકે જાણીતા છે, પરંતુ તેઓ સેક્રેટરીથી  વિશેષ ઘણું બધું હતા. રામચંદ્ર ગુહાએ પોતાના પુસ્તકમાં નોંધ્યું છે કે એક સમયગાળામાં ગાંધીજી માટે જવાહરલાલ નેહરુ અને સરદાર કરતાં પણ મહાદેવભાઈ વધારે મહત્ત્વ ધરાવતા હતા. ‘નવજીવન’ હોય, ‘યંગ ઇન્ડિયા’ હોય કે ‘હરિજન પત્રો’... ગાંધીજીનાં અખબારોના તંત્રી તરીકે તેમણે વર્ષો સુધી સેવાઓ આપી હતી. ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ હોય કે ગીતા પરનું પુસ્તક ‘અનાસક્તિયોગ’, એના અંગ્રેજીમાં અનુવાદ પણ મહાદેવભાઈએ જ કર્યા હતા.

પચાસ વર્ષના જીવનમાં મહાદેવભાઈએ અડધોઅડધ પચીસ વર્ષ ગાંધીજીની નિશ્રા અને સેવામાં જ વિતાવ્યાં હતાં. અઢી દાયકા દરમિયાન તેમણે ગાંધીજીના એક એક શબ્દને ઝીલ્યા અને એક એક પ્રસંગને શબ્દદેહે પોતાની ડાયરીમાં ઉતાર્યા હતા. મહાદેવભાઈની ડાયરીના કુલ 23 ગ્રંથો થયા છે. સમગ્ર વિશ્વમાં ડાયરી-સાહિત્યની વાત નીકળે ત્યારે મહાદેવ દેસાઈનું નામ અચૂકપણે અને આદરપૂર્વક લેવાય છે. મહાદેવભાઈની ડાયરી ઉપલબ્ધ ન હોત તો આજે આપણી પાસે અધૂરા ગાંધી હોત, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. ગાંધીજીને મહાત્મા બનાવનારા ગણતરીના લોકોમાં એક મહાદેવભાઈનું નામ પણ અચૂક લેવું જ પડે.

મહાદેવભાઈનું નિધન થયું ત્યારે ગાંધીજીએ કહેલું, ‘મહાદેવ મારો દીકરો જ છે ને હું જ એના અગ્નિસંસ્કાર કરીશ.’ આગાખાન મહેલમાં જ મહાદેવભાઈની સમાધિ બનાવાઈ હતી. જેલમાં રહ્યા ત્યાં સુધી ગાંધીજી અને સાથીઓ રોજ એ સમાધિ પર પ્રાર્થના કરતા. કસ્તૂરતાનું માતૃહૃદય બોલી ઊઠતું કે, ‘આ તો મહાદેવનું મંદિર છે. આવા લાખેણા પુત્રનો ભોગ લીધો છે એટલે હવે આ (અંગ્રેજ) સરકાર ટકી શકશે જ નહીં.’ આમ, મહાદેવભાઈને ગાંધીજીના પાંચમા પુત્ર ગણવા પડે.

મહાદેવભાઈના અનેક સદ્્ગુણો જીવનમાં ઉતારવા જેવા છે. આપણાથી બીજું કંઈ ન થઈ શકે તો પણ તેમની જેમ ડાયરી લેખનની ટેવ પાડવા જેવી છે. નવું વર્ષ શરૂ થવાને થોડા દિવસ બચ્યા છે ત્યારે વર્ષના પહેલા જ દિવસે અને મહાદેવભાઈના જન્મ દિવસથી ડાયરી લેખન શરૂ કરવાનું પ્રણ લેવા જેવું છે. મહાદેવભાઈ અને તેમના જીવનકાર્યને સન્માનવું હોય તો 1 જાન્યુઆરીને ‘ડાયરી લેખન દિવસ’ જાહેર કરીને રાજ્યભરમાં તેની ઉજવણી કરવી જોઈએ.

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 20, 2017

ચાણક્યની નજરે શાસક

દિવ્યેશ વ્યાસ


ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. જોકે, ખરા ચાણક્યના રાજા અને રાજનીતિ અંગેના વિચારો જાણવા જેવા છે

(ચાણક્ય પર દ. ભારતની કોઈ ભાષામાં લખાયેલા પુસ્તકના મુખપૃષ્ઠ પરથી આ ચિત્ર લીધું છે.)

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. નવા મુખ્યમંત્રી અને તેમનું તાજું મંત્રીમંડળ હવે ટૂંક સમયમાં સત્તાનું સુકાન સંભાળી લેશે. ગુજરાતની આ વખતની ચૂંટણી અનેક રીતે યાદગાર બની રહેશે, કારણ કે આશરે બે-અઢી દાયકા પછી ચૂંટણી જંગમાં કાંટે કી ટક્કર જોવા મળી. દરેક ચૂંટણીમાં બનીબેઠેલા ચાણક્યોની બોલબાલા વધી જતી હોય છે. ચૂંટણીના ચક્રવ્યૂહને ભેદીને પોતાના પક્ષને સત્તા સુધી પહોંચાડવા માટે જાતભાતના ખેલ પાડનારાઓને ચાણક્યનું બિરુદ આપી દેવાનો વાહિયાત ટ્રેન્ડ આપણે ત્યાં શરૂ થયો છે. ચાણક્યની ઓળખ, જીવનકાર્ય અને તેમના વિચારો-નીતિની સહેજેય સમજ ન હોય એવા લોકો જ ચૂંટણીલક્ષી રાજકારણ કરનારાઓને તેમની સાથે સરખાવવાની નાદાની કરતા હોય છે. ખેર, ચાણક્ય મહાન હતા અને તેમણે જે ગ્રંથો-સાહિત્ય રચ્યું હતું, તેમણે જે નીતિ આપી, તેમાંની ઘણીબધી આજેય પ્રેરણાદાયી અને મનનીય છે. ચાણક્યના કેટલાક વિચારો અને વચનોને કદાચ આજે અપ્રસ્તુત ઠેરવી શકાય, છતાં તેમણે જે મૂલ્યો અને માપદંડો આપ્યા છે, તે આજે પણ પ્રસ્તુત છે.

ગુજરાતને નવા શાસકો મળ્યા છે ત્યારે ચાણક્ય દ્વારા એ જમાનાના રાજા અને આજના જમાનાના શાસકો અંગે જે વિચારો આપ્યા છે, તેના જાણવા રસપ્રદ રહેશે. ‘ચાણક્ય નીતિ’ના સોળમા અધ્યાયમાં એક જોરદાર વાત લખવામાં આવી છે, જે કોઈ પણ ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિએ દિલોદિમાગમાં અંકિત કરી રાખવા જેવી છે: ‘વ્યક્તિ પોતાના ગુણોથી ઉપર ઊઠે છે, ઊંચા પદ પર બેસીને ઊંચો (મોટો-મહાન) થઈ જતો નથી. શું કાગડો ઊંચી ઇમારત પર બેસેલો હશે તો તમે તેને ગરુડ કહેશો?’

શાસક માટે બીજી પણ એક અનુકરણીય સલાહ ચાણક્યે આપી છે કે ‘મૂરખાઓ તરફથી પ્રશંસા સાંભળવા કરતાં બુદ્ધિશાળીની ટીકા સાંભળવી વધારે ફાયદાકારક છે.’ મોટા ભાગના શાસકોને પોતાની ટીકા સાંભળવી ગમતી નથી અને આપણે ત્યાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધિકોને ગાળ આપવાનું સામાન્ય બન્યું છે ત્યારે ચાણક્યની આ વાત ઘણી પ્રસ્તુત છે. શાસક સારો હોય તો તે પ્રજાને લીલાલહેર થાય છે અને ખરાબ હોય તો કાળોકેર પણ વર્તાવતો હોય છે. ચાણક્ય આ મામલે ચોખ્ખી વાત કરે છે, ‘ખરાબ રાજાના રાજમાં ન તો જનતા સુખી થાય છે અને ન તેનાથી લોકોને ક્યારેય ફાયદો થાય છે. ખરાબ રાજા કરતાં તો સારું છે કે રાજા જ ન હોય.’

આપણે ત્યાં સંસ્કૃત સુક્તિ છે કે યથા રાજા તથા પ્રજા. આવી જ વાત ‘ચાણક્ય નીતિ’ના તેરમા અધ્યાયમાં કરવામાં આવી છે, ‘રાજા જો પુણ્યાત્મા હોય તો પ્રજા પણ એવી જ બને છે. રાજા પાપી હોય તો પ્રજા પણ પાપી બને છે. રાજા સામાન્ય હોય તો પ્રજા પણ સામાન્ય બને છે. પ્રજા સમક્ષ રાજાનું ઉદાહરણ હોય છે અને તે એનું અનુસરણ કરતી હોય છે.’ આ દૃષ્ટિએ શાસકની નૈતિક જવાબદારીઓ ઓર વધી જતી હોય છે.

દરેક નવી સરકારે જૂની સરકારની નિષ્ફળતાઓમાંથી શીખવું જ જોઈએ. ચાણક્ય કહી ગયા છે કે ‘બીજા લોકોની ભૂલોમાંથી શીખો. પોતાની રીતે જ અખતરા કરીને શીખવામાં તમારી ઉંમર નાની પડી જશે.’ આપણે ત્યાં તો સરકાર પાસે પાંચ વર્ષનો જ સમય હોય છે, એટલે નવી સરકારે અગાઉની સરકારોના અનુભવમાંથી બોધપાઠ લઈને લોકકલ્યાણનાં કાર્યોને વહેલી તકે આદરી દેવા જોઈએ.

આપણી કમનસીબી છે કે રાજનીતિમાં ધર્મનું આચરણ કરવામાં આવે કે ન આવે, પરંતુ ધર્મના નામે રાજકારણ જરૂર રમવામાં આવે છે. આ ચૂંટણીમાં મંદિર-મુલાકાતો ચર્ચાનો વિષય બની, પરંતુ શાસકની દાનત ખરેખર રામરાજ્ય લાવવાની હોય તો તેણે રામ જેવા ગુણો આત્મસાત્ કરવા પડે. ‘ચાણક્ય નીતિ’ના બારમા અધ્યાયમાં રામના ગુણોની યાદ અપાઈ છે: ‘ભગવાન રામમાં આ તમામ ગુણ છે: 1. સદ્્ગુણોમાં પ્રીતિ, 2. મીઠાં વચન, 3. દાન દેવાની તીવ્ર ઇચ્છાશક્તિ, 4. મિત્રો સાથે કપટરહિત વ્યવહાર, 5. ગુરુની હાજરીમાં વિનમ્રતા, 6. મનની ઊંડી શાંતિ, 7. શુદ્ધ આચરણ, 8. ગુણોની પરખ, 9. શાસ્ત્રનું જ્ઞાન અને અનુભૂતિ, 10. રૂપની સુંદરતા, 11. ભગવત ભક્તિ.’ આપણા કયા શાસકમાં આ સદ્્ગુણો જોવા મળે છે, એ જોતાં રહેવું જરૂરી છે.

આપણે ત્યાં આજકાલ ખોટા આંકડા અને વિગતો દર્શાવીને ભ્રમ ફેલાવવાની પ્રવૃત્તિ વધી છે. રાજકારણીઓ પોતાની લોકપ્રિયતા ટકાવવા અને પોતાની સિદ્ધિઓ બતાવવા માટે ખોટી માહિતીની ફેંકમફેંક કરતાં જરાય અચકાતા નથી. મોટા મોટા નેતાઓમાં સત્ય પ્રત્યે આદર કે તેની પરવા જોવા મળતી નથી ત્યારે આ નેતાઓએ ચાણક્યનું એક વચન ગાંઠે બાંધી રાખવા જેવું છે, ‘સત્યની તાકાત જ આ દુનિયાને ધારણ કરે છે. સત્યની તાકાતથી જ સૂર્ય પ્રકાશમાન છે. હવાઓ ચાલે છે, ખરેખર સઘળું સત્ય પર આશ્રિત છે.’ સત્યની શક્તિ અંગે ચાણક્ય દ્વારા જે વાત કરવામાં આવી છે, તે  ગાંધીજીના ‘સત્ય એ જ ઈશ્વર’ વચન સાથે પણ મેચ થાય છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલ ગાંધી એક નેતા તરીકે ઉભરી આવ્યા છે, એ જોતાં ચાણક્યનું આ વાક્ય પણ યાદ રાખવા જેવું છે, ‘કોઈ પણ વ્યક્તિની વર્તમાન સ્થિતિ જોઈને તેના ભવિષ્યની મજાક ન ઉડાવો, કારણ કે આવનાર કાલમાં એટલી તાકાત હોય છે કે તે એક મામૂલી કોલસાના ટુકડાને પણ હીરામાં પરિવર્તિત કરી શકે છે.’

‘ચાણક્ય નીતિ’માં એવા સાત લોકોની યાદી આપવામાં આવે છે, જે સૂઈ ગયા હોય તો તેમને જગાડવા ન જોઈએ. આમાંના એક છે - રાજા. પરંતુ લોકશાહીમાં તમારો રાજા એટલે કે શાસક (મુખ્યમંત્રી) જો સૂઈ ગયો હોય એવું લાગે તો જરૂર જગાડવો રહ્યો!

(‘દિવ્ય ભાસ્કર’ની 20મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 13, 2017

મંદિર અને સ્વચ્છતા

દિવ્યેશ વ્યાસ


રાજકારણીઓની મંદિર-મુલાકાતો વધી રહી છે ત્યારે નીમચ શહેરના એક સરકારી અધિકારીની મંદિરોમાં સ્વચ્છતા અંગેની પહેલ આવકાર્ય છે


(તસવીર પ્રતીકાત્મક છે. તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધેલી છે.)

‘બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયું તેથી દુ:ખ જ પામ્યો. સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં. જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે! મંદિરે પહોંચતાં દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ.’ કાશીવિશ્વનાથ મંદિર અને ત્યાંના માહોલનું વર્ણન કરનાર છે, મહાત્મા ગાંધી. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ના ત્રીજા ભાગમાં ‘કાશીમાં’ નામનું એક પ્રકરણ અલગથી લખ્યું છે. આ પ્રકરણમાં કાશી જેવા પવિત્રધામમાં જોવા મળેલી ગંદકી-અસ્વચ્છતાનું વર્ણન શબ્દો ચોર્યા વિના કરવામાં આવ્યું છે. દુ:ખની વાત એ છે કે આજે પણ કાશી સહિતનાં આપણાં મોટા ભાગનાં પવિત્રધામોમાં સ્વચ્છતાની હાલતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી.

ગુજરાતમાં કેટલાંક હાઇપ્રોફાઇલ મંદિરોના અપવાદ બાદ કરતાં મોટા ભાગનાં મંદિરોમાં સડેલાં ફૂલોના ઢગલા ઉપરાંત પૂજાપાને એવી રીતે ફેંકી દેવામાં આવે છે કે એ જોઈને કોઈ પણ શ્રદ્ધાળુને દુ:ખ થાય. ભગવાનને ચડાવાતાં ફૂલો, પૂજાપો અને અન્ય સામગ્રીને નદી કે જળાશયોમાં પધરાવી દેવાનો રિવાજ જોવા મળે છે, પરંતુ આપણે જોયું છે કે આ કારણે પેદા થતી ગંદકી યાત્રાધામોની પવિત્રતાને હાનિ પહોંચાડતી હોય છે. ગંગા-યમુના જેવી પવિત્ર નદીના કાંઠે આવેલાં મંદિરો પણ નદીના પ્રદૂષણમાં મોટી ભૂમિકા ભજવે છે, એવા અહેવાલો આપણને વાંચવા મળતા હોય છે.
 
મંદિરો અને તેની આજુબાજુ જોવા મળતી ગંદકીના મુદ્દે વાત કરવાનું એટલે સૂઝી રહ્યું છે કે હાલમાં રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણી દરમિયાન દરરોજ રાજકારણીઓની મંદિર-મુલાકાતોના સમાચારો ચમક્યા કરે છે. બહુમત હિન્દુઓના દિમાગમાં જગ્યા બનાવીને સત્તાના આસને પહોંચવા માટે રાજકારણીઓને મંદિરો અને અન્ય તીર્થસ્થાનો યાદ આવે છે, પરંતુ આ જ મંદિરોની સ્વચ્છતા-પવિત્રતા જળવાય, મંદિરની આજુબાજુનો માહોલ શાંતિપૂર્ણ અને ખરા અર્થમાં પવિત્ર બને, એની ચિંતા ભાગ્યે જ કરવામાં આવે છે. આ માહોલમાં મધ્યપ્રદેશના નીમચ શહેરના એક સરકારી અધિકારીએ મંદિરોની અને સાથે સાથે શહેરની સ્વચ્છતા માટે એક પહેલ કરી છે, જે આવકાર્ય તો છે જ સાથે સાથે અપનાવવા જેવી છે. લીમડાનાં અઢળક વૃક્ષો માટે જાણીતું અને તેના પરથી જ જેનું નામકરણ થયું છે, એવા આ નીમચ શહેરમાં અમુક પ્રસિદ્ધ મંદિરો સહિત 50થી વધારે મંદિરો આવેલાં છે. આ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપા અને નારિયેળનો યોગ્ય નિકાલ ન થવાથી ન તો લોકોની શ્રદ્ધાનું માન જળવાતું હતું, ન સ્વચ્છતા જળવાતી હતી. નીમચ શહેરના ચીફ મ્યુનિસિપલ ઑફિસર સંદેશ ગુપ્તાએ શહેરનાં તમામ મંદિરોમાં ચડાવાતાં ફૂલો, પૂજાપાની સામગ્રી અને નારિયેળનાં છીલકાંઓના નિકાલ માટે નવા અભિગમ સાથે પ્રયાસ કર્યો છે. સંદેશ ગુપ્તાએ પોતાના સરકારી નિવાસની પાછળ નેશનલ એગ્રિકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના (NAFED) સહયોગથી બે વિશાળ ખાડાઓ ખોદાવ્યા છે. વિશેષ વ્યવસ્થા કરીને તમામ મંદિરોમાંથી ચડાવાયેલાં ફૂલો અને અન્ય સેન્દ્રિય પૂજાપો તથા નારિયેળનાં છોતરાં રોજેરોજ એકત્ર કરવામાં આવે છે. આ સામગ્રીને કમ્પોસ્ટિંગ માટે ખાડામાં પધરાવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીની સાથે સાથે લીમડાનાં પાન પણ નાખીને તેમાંથી ઉત્તમ પ્રકારનું ખાતર મેળવવામાં આવે છે. પૂજાપાની સામગ્રીમાંથી પેદા થતું સેન્દ્રિય ખાતર વેચીને કોર્પોરેશન આવક પણ મેળવે છે. સંદેશ ગુપ્તાની આ પહેલની ચર્ચા હવે ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં પણ રંગ લાવી રહી છે.

દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સંદેશ ગુપ્તાની પહેલનો સંદેશો સૌએ ઝીલવા જેવો છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, December 6, 2017

ડૉ. આંબેડકર : એક વિચારસ્તંભ

દિવ્યેશ વ્યાસ


આજે બાબાસાહેબના પરિનિર્વાણ દિવસે તેમના વિચાર-વારસાની મૂડીની એક ઝલક મેળવવા જેવી છે


(આ તસવીર ડૉ. બાબાસાહેબ આંબેડકર, સંપૂર્ણ અક્ષરદેહ, ગ્રંથ - 19-ના મુખપૃષ્ઠ પરથી લીધેલી છે. લેખમાં ડૉ. આંબેડકરનાં જે પણ અવતરણો છે, તે પણ અક્ષરદેહમાંથી જ લીધાં છે.)

આજે 6ઠ્ઠી ડિસેમ્બર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે સ્વાભાવિક જ આ દિવસે બાબરી ધ્વંસની 25મી વરસી નિમિત્તે જોરશોરથી ચર્ચા થવાની. દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે વિસ્ફોટક વિભાજન કરનારી આ ઘટના અંગે ચર્ચા જરૂર થવી જોઈએ, પરંતુ મતબેન્કની લાલચે અને ધ્રુવીકરણના ઉદ્દેશ સાથે આ મુદ્દે ચર્ચા થાય છે ત્યારે વિમર્શ ગાયબ થઈ જાય છે અને વિવાદોની આગમાં રાજકીય રોટલા શેકાવાનું શરૂ થઈ જતું હોય છે. જોકે, આપણે 6ઠ્ઠી ડિસેમ્બરે સામાજિક વિખવાદ પેદા કરનારા મુદ્દાને ચર્ચવો બિલકુલ જરૂરી નથી. આપણે ધારીએ તો આ દિવસે સામાજિક સમાનતા અને ન્યાયની ચર્ચા-સમીક્ષા જરૂર કરી શકીએ, કારણ કે આ દિવસ ડૉ. બાબાસાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિન છે.

ઈ.સ. 1956ની 6ઠ્ઠી ડિસેમ્બરે બાબાસાહેબે અંતિમશ્વાસ લીધા હતા. બાબાસાહેબે એવી જિંદગી જીવી ગયા, એવો સંઘર્ષ કરી ગયા, એવો વિચારવારસો આપી ગયા છે કે તેમના દેહોત્સર્ગ પછી પણ તેઓ સદાય અમર રહેવાના છે. ડૉ. આંબેડકરની બંઘારણના ઘડવૈયા તરીકેની ઓળખ તો બહુ અધૂરી ગણાય. તેઓ એક સંઘર્ષવીર ઉપરાંત અર્થશાસ્ત્રી, રાજનેતા, કાયદાવિદ્, સંશોધક, લેખક અને મૌલિક વિચારક હતા. બાબાસાહેબ બહુઆયામી વિચારવારસો આપી ગયા છે. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે તેમના કેટલાક વિચારોની ઝાંખી મેળવીએ.

આજકાલ દેશમાં ઇતિહાસના મામલે બહુ રકઝક ચાલી રહી છે. ઇતિહાસ નવેસરથી લખવાનો વ્યાયામ પણ શરૂ થયો છે ત્યારે ડૉ. આંબેડકરના આ શબ્દો દિમાગમાં અંકિત કરી રાખવા જેવા છે: ‘એક ઇતિહાસકાર ચોક્કસ, નિખાલસ, નિષ્પક્ષ, આવેગમુક્ત, સ્વાર્થ, ભય અને અનુરાગથી પર તેમજ સત્યનિષ્ઠ હોવો જોઈએ. એક ઇતિહાસકાર ખુલ્લા દિમાગનો હોવો જોઈએ, પણ ખાલી દિમાગનો હોવો જોઈએ નહીં.’

આપણા દેશમાં આજકાલ બૌદ્ધિકોને ગાળો દેવાની ફેશન ચાલી રહી છે ત્યારે આંબેડકરજીની એક નિષ્પક્ષ વાત યાદ આવે છે, ‘કોઈ પણ દેશનું ભાવિ તેના બુદ્ધિજીવી વર્ગ પર નિર્ભર હોય છે, એ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી. જો બુદ્ધિજીવી વર્ગ ઈમાનદાર, સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય તો તેની ઉપર ભરોસો મૂકી શકાય કે તે સંકટના સમયમાં પહેલ કરી, ઉચિત નેતૃત્વ પ્રદાન કરે.’ આપણે ત્યાં પ્રશ્નો પૂછનારાને હતોત્સાહી કરવામાં આવે છે, શંકા કરનારાને શંકાની નજરે જોવામાં આવે છે ત્યારે આંબેડકરના શબ્દો યાદ કરવા જેવા છે, ‘એ વાત સ્પષ્ટ છે કે જ્યાં સુધી સંદેહ ઉપજતો નથી, ત્યાં સુધી પ્રગતિ થઈ શકતી નથી. જે વ્યક્તિ પોતાના જ્ઞાન અને વિચારોને સંપૂર્ણ માને છે, અને તેના જ્ઞાનના આધારને ઢંઢોળવાનું કષ્ટ ઉઠાવતા નથી તેમના જ્ઞાનમાં વૃદ્ધિ થતી નથી.’

છેલ્લા કેટલાક સમયથી સમાજ સુધારણાની વાત આઉટ ઑફ ડેટ બની ગઈ હોય, એવો માહોલ પ્રવર્તે છે. પરંપરાપ્રેમ દિવસે દિવસે વધતો જાય છે અને કટ્ટરતાનું સંકીર્ણ સ્વરૂપ પકડતો જોયા છે. આ સંજોગોમાં ડૉ. આંબેડકરની વર્ષો પહેલાં કહેવાયેલી વાત આજે પણ ગાંઠે બાંધી રાખવા જેવી છે, ‘ભારતમાં સમાજ સુધારણાનો માર્ગ સ્વર્ગના માર્ગ જેટલો જ કઠિનતાઓથી ભરેલો છે. ભારતમાં સમાજ સુધારકોના પ્રશંસકો અલ્પ અને આલોચકો વધારે છે. મારા મનમાં એ પ્રશ્ને જરાય સંદેહ નથી કે જ્યાં સુધી આપણે વર્તમાન સમાજનો ઢાંચો નહીં બદલીએ ત્યાં સુધી પ્રગતિના રૂપમાં આપણે ખાસ કશું પામી શકવાના નથી.’

રાષ્ટ્રવાદની બોલબાલા દિવસે દિવસે વધી રહી છે. રાષ્ટ્રવાદના નામે ભળતીસળતી જ ગતિવિધિઓ ચાલતી હોય છે. દેશમાં અસમાનતાના માહોલમાં રાષ્ટ્રવાદ એક દંભ-દેખાડાથી વિશેષ કશું રહેતો નથી. બાબાસાહેબનું એક વાક્ય વાંચવા-વિચારવા જેવું છે: ‘રાષ્ટ્રવાદ ત્યારે જ ઔચિત્ય ગ્રહણ કરી શકે, કે જ્યારે લોકો જાતિ, કુળ અને ઉંચનીચના ભેદભાવ ભૂલી સામાજિક ભાતૃભાવને સર્વોચ્ચ સ્થાન આપે.’

ભાતૃભાવ કે બંધુત્વની લોકશાહીમાં શું ભૂમિકા છે, તે અંગે બાબાસાહેબની બીજી એક વાત પણ યાદ કરી લેવા જેવી છે, ‘આદર્શ સમાજ ગતિશીલ હોવો જોઈએ. તેમાં સામાજિક ઉર્ધ્વગામીતા હોવી જોઈએ. બંધુત્વ તો લોકશાહીના પર્યાયરૂપ છે. લોકશાહી તે સરકારનું સ્વરૂપ માત્ર નથી, તે મુખ્યત્વે તો સંયુક્ત જીવનની, અરસપરસના સંયુક્ત અનુભવોની રીતિ છે. દેશબાંધવો પ્રત્યેના માન તથા આદરનું તે આવશ્યક વલણ છે.’

લેખનો અંત પણ બાબાસાહેબના એક વાક્ય સાથે જ કરીએ: ‘જ્યારે કેટલાક લોકો એમ કહે છે, અમે હિંદુ અથવા મુસલમાન પહેલાં છીએ અને ત્યાર બાદ ભારતીય છીએ, તે મને ગમતું નથી. હું સાફ સાફ કહું છું કે મને તેનાથી સંતોષ થતો નથી. હું તમામ લોકોને ભારતીય પહેલાં અને ભારતીય છેલ્લા જોવા માગું છું. અને બીજું કશું જ નહિ પણ માત્ર ભારતીય જ જોવા માગું છું.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6ઠ્ઠી ડિસેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 29, 2017

જાતિવાદ : આ પણ એક ઉકેલ

દિવ્યેશ વ્યાસ


ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં હવે જુદા જુદા વંશના લોકો પ્રત્યે સમભાવ-સદભાવ પેદા કરતો કોર્સ ફરજિયાત કરાયો છે


(મેગડેલન કૉલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટીની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

જાતિવાદનો જ્વાળામુખી ચૂંટણીના માહોલમાં અચૂક ફાટતો હોય છે. આપણું રાજકારણ જાતિકેન્દ્રિત થઈ ગયું છે, તે વાસ્તવિકતા છે. રાજકીય પક્ષો દરેક જાતિને પોતાની મતબેન્કની જેમ જોતા હોય છે. ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીની વ્યૂહરચનામાં જાતિનાં સમીકરણો જ કેન્દ્રસ્થાને હોય છે. રાજકીય પક્ષો ‘સારા’ નહિ, ’જીતાડે’ એવા ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળતા હોય છે. મોટા ભાગના લોકો મત આપવા જાય ત્યારે ઉમેદવારની જાતિને અચૂક ધ્યાને લેતા હોય છે, એ રાજકારણીઓ જાણે છે. સત્તાલોલુપ રાજનેતાઓ લોકોની નાડ (આમ તો નબળી કડી) પારખી ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓની ધમાધમી ચાલી રહી છે ત્યારે સામસામે જાતિવાદ ચલાવવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, છતાં સૌ જાણે છે કે બધા પક્ષો જાતિવાદનું રાજકારણ જ રમતા હોય છે. દરેક પક્ષ અન્ય પક્ષો પણ જાતિવાદ ચલાવવાનો આક્ષેપ અચૂક મૂકે છે, છતાં તેઓ જ્યારે ઉમેદવારની પસંદગીથી માંડીને ચૂંટણીનાં સમીકરણો માંડે ત્યારે જાતિવાદનું પડખું જરૂર સેવતા હોય છે.

જાતિવાદનો જ્વાળામુખી કોઈ જાતિનું ભલું કરી નાખે, એવું માનવાને કોઈ કારણ નથી. જાતિનાં સંગઠનોની પ્રવૃત્તિનો તમે ઝીણવટથી અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે આ બધી પ્રવૃત્તિ પર માન-મોભા-પ્રતિષ્ઠા માટે વધારે હોય છે, જાતિના મોટા ભા બનેલાઓ એકબીજાની પીઠ થાબડતા રહેતા હોય છે, પરંતુ તેનાથી જાતિના જ છેવાડેના, કચડાયેલા, વંચિત, ગરીબના જીવનમાં કોઈ મોટો ફરક આવતો નથી. જાતિના નામે નાની મોટી સખાવતો થાય છે, અમુક પ્રસંગો સચવાય છે, પરંતુ લાંબેગાળાનો હિસાબ માંડતા આ બધું સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવું જ બની રહેતું હોય છે.

જાતિ જાણે આપણા સામાજિક ડીએનએનો ભાગ બની ગઈ હોય, એટલી જડ છે, કદાચ એટલે જ વિનોબા ભાવે દ્વારા કહેવાયું હતું કે ‘જો જાતી નહિ વહ જાતિ હૈ!’ જોકે, આપણે ભારતને સુપરપાવર બનાવવા માગતા હોઈએ તો સમાજને જાતિના વાડાઓથી મુક્ત કર્યા વિના છૂટકો નથી. સત્તાલોલુપો જાતિવાદી રાજકારણ રમીને લોલીપોપથી વિશેષ કશું આપતા નથી અને તેને કારણે સમાજનો અને દેશનો વિકાસ રૂંધાતો રહે છે. આધુનિક સમયમાં જાતિવાદ ઓગળવાને બદલે વધારે ઘટ્ટ બન્યો છે ત્યારે આપણે એના વિશે વધારે ગંભીરતાથી વિચારવું રહ્યું.
ભારતમાં જેમ જાતિવાદ છે તેમ પશ્ચિમી દેશોમાં રંગભેદ અને વંશવાદ છે. અમેરિકા અને યુરોપે રંગભેદને મીટાવવા માટે વ્યવસ્થાગત-માળખાગત પગલાં (એફર્મેટિવ એક્શન્સ) ભરીને ઘણા અંશે સફળતા મેળવી છે. યુરોપમાં દુનિયાભરના અનેક દેશોના લોકો સ્થાયી થયા છે અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ત્યાં વંશવાદનો મુદ્દો ગંભીર બન્યો છે. યુરોપમાં પણ મૂળનિવાસી જેવા વંશો અંગેના સવાલો પેદા થયા છે. વંશવાદ વધુ વકરે તો સામાજિક ભેદભાવ આગળ જતાં રમખાણોનું પણ સ્વરૂપ ધારણ કરી શકે છે. આ સ્થિતિને નિવારવા માટે ત્યાંના રાજનેતાઓ કેટલું વિચારે છે, એ ખબર નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓએ પોતાની જવાબદારી સમજીને આગળ વધવાનું મુનાસિબ માન્યું છે.

તાજેતરમાં એવા સમાચાર મળ્યા હતા કે ઓક્સફર્ડ યુનિવર્સિટીની સૌથી માલદાર ગણાતી મેગડેલન કૉલેજે આવતા વર્ષથી નવા વિદ્યાર્થીઓ માટે વંશ જાગૃતિ અભ્યાસક્રમ ફરજિયાત કરી દીધો છે. આ કોર્સ અંતર્ગત યુરોપના પરંપરાગત લઘુમતી વંશો અંગે જાણકારી આપવામાં આવશે. જોકે, જાણકારી કોરી નહીં હોય, પરંતુ તેમણે એ વંશના લોકોની પરંપરાઓ, ભોજન, વસ્ત્રો વગેરેનો જાતઅનુભવ પણ મેળવવાનો રહેશે. યુરોપમાં ભારતીય લોકો સારી એવી સંખ્યામાં છે, તેને ધ્યાનમાં રાખીને આ કોર્સ અંતર્ગત ભારતીય ભોજનની વાનગી ઇન્ડિયન ફિશ પાઇનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે!

વિદ્યાર્થીઓને જુદા જુદા વંશ અને તેમની પરંપરાથી પરિચિત કરીને વંશવાદને બદલે તમામ વંશ પ્રત્યે સમભાવ-સદ્્ભાવ કેળવવાની આ કોશિશ ખરેખર અનુકરણીય જણાય છે. આપણે જો ખરેખર જાતિવાદથી મુક્ત થવા માગતા હોઈએ તો જાતિઓ વચ્ચે સંવાદ અને વ્યવહાર વધે એવા પ્રયાસોના ભાગ રૂપે નવી પેઢીને જુદા અભિગમથી કેળવવાની દિશામાં વિચારવું રહ્યું. ચૂંટણીની ચર્ચામાંથી ફ્રી પડો ત્યારે જરા વિચારજો!

(‘દિવ્ય ભાસ્કર’ની 29મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિની ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 22, 2017

અંધશ્રદ્ધાને પંપાળવાની શી જરૂર?

દિવ્યેશ વ્યાસ


મહારાષ્ટ્ર પછી હવે કર્ણાટકે પણ અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવાની દિશા પકડી છે. શું ગુજરાતમાં આવા કાયદાની જરૂર નથી?

(તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આજે આપણા દેશમાં લોકશાહીની જે કંઈ અવદશા થઈ છે, તેના મૂળમાં છે આપણા સમાજજીવનમાં વિમર્શનો અભાવ. જાહેર જીવનમાંથી વિમર્શ જ્યારે ગાયબ થાય છે ત્યારે વિખવાદ અચૂક વકરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે રાજકારણના નામે જે કાવાદાવા, ષડ્યંત્રો અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની મારામારી ચાલી રહી છે, તે ગુણવંતા ગુજરાતીઓને શોભે એવી છે? આવી ચિંતાજનક સ્થિતિ પેદા થવાનું કારણ છે કે આપણે ત્યાં કોઈ પણ મુદ્દે જાહેર ચર્ચા-વિચારણા થાય, એવી સંસ્કૃતિ લગભગ લુપ્ત થઈ ગઈ છે. ચૂંટણીના માહોલમાં તમે કોઈ પણ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હોય એવું જોયું? ટીવી ચેનલો સહિતનાં માધ્યમો ચર્ચા કરાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાં ચર્ચાના નામે કકળાટ અને કાદવઉછાળ જ ચાલતો હોય છે. દેશનું એક વિકસિત રાજ્ય પાંચ વર્ષ માટે પોતાના સત્તાધીશોની પસંદગી કરવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતના પ્રાણપ્રશ્નો, આરોગ્ય-શિક્ષણ અંગેના મુદ્દાઓ, નાગરિકોને મળતી સુવિધાઓ અને કનડતી સમસ્યાઓ, મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કે ભાવિ આયોજનો વગેરે અંગે વિચાર-વિમર્શ થવા જોઈએ, પરંતુ કદાચ એકેય રાજકીય પક્ષને આવી બાબતોમાં રસ નથી અને લોકો પણ જોઈએ એટલા સભાન-સક્રિય નથી. તેને કારણે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ હાંસિયામાં જ ધકેલાયેલા રહે છે. સરકારનું એક અગત્યનું કામ સામાજિક વિકાસ પણ હોય છે, પરંતુ જ્ઞાતિવાદી વિખવાદોની આગમાં મૂળ મુદ્દાઓનું બાષ્પીભવન થઈ જતું હોય છે. આવો જ એક મુદ્દો છે આપણા સમાજમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા.

ગુજરાત આમ તો પ્રગતિશીલ રાજ્ય છે. અન્ય રાજ્યોની સરખામણીમાં આપણે ત્યાં શહેરીકરણનો દર વધારે છે, તેમ સાક્ષરતાનો દર પણ વધારે છે. ગુજરાતના લોકો આધુનિક અભિગમ ધરાવતા હોવાની છાપ છે, છતાં આપણા રાજ્યમાં પણ અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાના બનાવો વારંવાર અખબારોમાં ચમકતા જોવા મળે છે. સતનાં પારખાં માટે ઉકળતા તેલમાં હાથ નાખવાથી માંડીને માતાજીના નામે આર્થિક છેતરપિંડી થતી હોવાના અનેક કિસ્સાઓ આપણી આજુબાજુ બનતા જોવા મળે છે. એવા કેટલાય રિવાજોનાં ઉદાહરણ આપી શકાય, જે આજે પણ જાતિભેદને ઘાટો બનાવતા હોય. અમુક તહેવારો પર એવી વિધિઓ અને ઉજવણીઓ પણ થતી હોય છે, જે માનવીય ધોરણે યોગ્ય ન લાગે. ધર્મ અને પરંપરાના નામે અનેક કુરિવાજો લગભગ તમામ ધર્મોમાં જોવા મળે છે. જોકે, ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષ આવા કુરિવાજો કે અંધશ્રદ્ધા વિરુદ્ધ લડવા માટે પ્રતિબદ્ધ જણાય છે. આજે સ્થિતિ એવી છે કે ચૂંટણીમાં મત ગુમાવવાના ડરે આવો કોઈ મુદ્દો ઊભો થાય તોપણ ઢાંકપિછોડો કરવામાં આવે છે કે પછી રૂઢિવાદીઓને જાહેરમાં સમર્થન આપી દેવામાં આવે છે.

શું ગુજરાતમાં ચૂંટણી લડતો એક પણ પક્ષ એવી જાહેરાત કરવાની હિંમત દાખવશે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકની જેમ તેઓ સત્તા પર આવશે તો અંધશ્રદ્ધા અને મેલીવિદ્યા વિરોધી કાયદો ઘડવામાં આવશે? આવા સવાલોને મોટા ભાગે અવગણવામાં જ આવતા હોય છે. જોકે, કર્ણાટકના રાજકારણીઓ એક રીતે સાહસિક કહેવાય કે તેમણે સામી ચૂંટણીએ પણ અંધશ્રદ્ધા વિરોધી વિધેયકને વિધાનસભામાંથી પસાર કર્યું છે. કર્ણાટકની કૉંગ્રેસ સરકારની પ્રતિબદ્ધતાની સાથે સાથે ભાજપ અને જનતા દળ (એસ) સહિતના પક્ષોના સહકારને કારણે લગભગ સર્વસંમતિથી આ વિધેયક વિધાનસભામાંથી પસાર થયું છે અને ટૂંક સમયમાં કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.

કર્ણાટક પહેલાં મહારાષ્ટ્રે દેશમાં સૌપ્રથમ આવો કાયદો બનાવીને નવો ચીલો પાડ્યો હતો. નરેન્દ્ર દાભોળકરના અંતિમ શ્વાસ સુધીના અથાક પ્રયાસોને પરિણામે મહારાષ્ટ્ર સરકાર પર અંધશ્રદ્ધા વિરોધી કાયદો ઘડવાનું દબાણ ઊભું થયું હતું. કર્ણાટકમાં પણ એમ.એમ. કલબુર્ગી સહિતના રેશનાલિસ્ટોએ અંધશ્રદ્ધામાં હોમાતા અજ્ઞાની નાગરિકોને બચાવવા માટે રાજ્ય સરકાર પર દબાણ કર્યું હતું. મહારાષ્ટ્રમાં જેમ દાભોળકરની હત્યા પછી આવો કાયદો થયો, એવું જ કર્ણાટકમાં પણ કલબુર્ગી અને આવા કાયદાની પ્રબળ માગણી કરનારાં ગૌરી લંકેશની હત્યા પછી આવો કાયદો બનાવવાની ગંભીરતા ઊભી થઈ હતી. કર્ણાટકના અંધશ્રદ્ધા વિરોધી કાયદાને કદાચ કલબુર્ગીના નામ સાથે જોડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી શકે છે. અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાનાં મૂળિયાં આપણે ત્યાં એટલાં ઊંડાં અને મજબૂત થઈ ગયાં છે કે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવનારે જીવ પણ ગુમાવવો પડતો હોય છે.

અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને કારણે લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, ભેદભાવનો સામનો કરી રહ્યા છે, મહિલાઓ જાતીય શોષણનો ભોગ બનતી હોય છે, એટલું જ નહીં સેંકડો લોકો જીવ પણ ગુમાવતા હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2015માં 135 મહિલાને ડાકણ જાહેર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી!

હવે તમે જ નક્કી કરો, ધર્મ-પરંપરાના નામે ફેલાવાતી અંધશ્રદ્ધા અને મેલી વિદ્યાને સમાજમાં સ્થાન હોઈ શકે? હા, કાયદો બનાવી દેવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી, છતાં એ દિશામાં ડગ માંડવા માટે કાયદો ઉપયોગી બને છે. ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદાની પહેલ કોણ કરશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 22મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 15, 2017

ગિજુભાઈનું અધૂરું ‘દિવાસ્વપ્ન’

દિવ્યેશ વ્યાસ


બાળ શિક્ષણ બાબતે આપણી સરકાર અને સમાજ તરીકે આપણે બાઘા પુરવાર થઈ રહ્યા છીએ ત્યારે ગિજુભાઈનું સ્મરણ વધુ તીવ્ર બને છે




ગિજુભાઈ બધેકા. આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લાગણી અને લગાવ ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.

આજે ગિજુભાઈનો જન્મદિવસ (15 નવેમ્બર, 1884) છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે મબલખ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની હાલત કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કોઈ વિચાર કરતા નથી.

યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળી માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. દરમિયાન તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજી રાજી થઈને વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.

ગિજુભાઈએ બાળ કેળવણીનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી કામ કર્યું અને એક ફિલોસોફી વિકસાવી, એક દર્શન (વિઝન) પૂરું પાડ્યું, જે આજે પણ અગાઉ ક્યારેય નહોતું એટલું માર્ગદર્શક અને ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું મૂલ્યવાન પુસ્તક દરેક શિક્ષકે, એમાંય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે તો ગિજુભાઈનું સપનું પૂરું કરવાની દિશામાં આગળ વધી શકાશે.

લેખના અંતિમ પડાવમાં ગિજુભાઈની એક રચના વાંચીએ:

જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય,
શેરીમાં દુર્ગંધ ખાય અને શાળામાં ગાળ ખાય
- ત્યાં સુધી જંપ કેમ વળે?

જ્યાં સુધી આંધળા અને લૂલાં, ગાંડાં ને બાંડાં,
નાદાન અને ઊખડેલનો કોઈ બેલી નથી, ધણી નથી
- ત્યાં સુધી જંપ કેમ વળે?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી સ્થળે સ્થળે, બાળકો માટે શાળા નથી,
વાંચનાલય નથી, ક્રીડાંગણો નથી,
બાગબગીચા નથી, નાટકો નથી, સિનેમા નથી?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી એક પણ બાળક સન્માન વિનાનું છે,
 અસ્પૃશ્ય છે, માંદું છે, ગંદું છે, અવ્યવસ્થિત છે?

બાળ શિક્ષણની વર્તમાન સ્થિતિ જોઈને તમને અજંપો થાય છે ને? ગિજુભાઈ જિંદાબાદ!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 8, 2017

વીસ વર્ષની વિદ્યાદાત્રી

દિવ્યેશ વ્યાસ


બિહારની છોટી કુમારી સિંહને મહાદલિત મુસહર જાતિનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવવા બદલ આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે



ગયા સપ્તાહમાં એક સારા સમાચાર મળ્યા કે કેરળમાં કોચીન દેવસ્વમ્ બોર્ડે જાતિવાદી બંધનો અને ભેદભાવોની ભીંતો ભાંગવા માટે દલિત પૂજારીની નિમણૂક કરી છે. મથિલાકમના કુઝુપુલી ઉમેશ કૃષ્ણન હવે પૂજારી તરીકે કોચીન દેવસ્વમ્ બોર્ડના તાબા હેઠળના મહાદેવના મંદિરમાં સેવાપૂજા કરી શકશે. આ અગાઉ કેરળના જ ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે છ દલિતોને અધિકૃત રીતે પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા. ત્રાવણકોર દેવસ્વમ્ બોર્ડે રાજ્યમાં સંચાલિત પોતાનાં 1,504 મંદિરોના પૂજારીઓની નિયુક્તિમાં સરકારની અનામત નીતિનું પાલન કરવાનો નિર્ણય લીધો અને લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ જેવી પ્રક્રિયામાંથી છ દલિત પૂજારીની નિયુક્તિ કરવામાં આવી.

કેરળના દલિતોને તેમનો અધિકાર મળી રહ્યો છે, એ ચોક્કસપણે આનંદની વાત છે, પરંતુ ગુજરાત જેવા પ્રગતિશીલ મનાતાં રાજ્યો સહિતના દેશનાં અન્ય રાજ્યોમાં આઝાદીના સાત દાયકા પછી પણ દલિતની આર્થિક, સામાજિક કે રાજકીય સ્થિતિમાં કોઈ ગૌરવલાયક સુધારો જોવા મળતો નથી. બિહાર દેશનું એવું રાજ્ય છે, જ્યાં દલિતોમાં પણ અતિ પછાત હોય એવા સમુદાયો માટે મહાદલિત શ્રેણી ઊભી કરવામાં આવી છે. બિહારનો સૌથી પછાત અને વંચિત સમુદાય છે - મુસહર. બે ટંક ભોજન પણ ન પામી શકે, એવું આર્થિક પછાતપણું ભોગવતા આ સમુદાયના લોકો એક સમયે ઉંદરો પકડીને પેટ ભરતા હતા અને એટલે જ તેમની જાતિનું નામ મુસહર પડ્યું હતું.

મુસહર સમુદાયના લોકો બિહાર, ઉત્તર પ્રદેશ ઉપરાંત નેપાળના તરાઈ પ્રદેશમાં વસે છે. આ સમુદાયના 96.3 ટકા લોકો જમીનવિહોણા છે અને 92.5 ટકા લોકો ખેતમજૂર તરીકે પેટિયું રળે છે. આ સમુદાયમાં સાક્ષરતાનો દર માંડ 9 ટકા છે. આઝાદીનાં 70 વર્ષમાં મુસહર જાતિમાંથી માત્ર એક વ્યક્તિ મેડિકલ ડૉક્ટર બન્યો છે અને એક જ વીરલો પીએચ.ડી. જેવી ઉચ્ચ ડિગ્રી હાંસલ કરી શક્યો છે. આમ, સામાજિક ઉપરાંત આર્થિક અને શૈક્ષણિક રીતે પણ આ સમુદાય અત્યંત પછાત છે.

કોઈ પણ સમુદાયના વિકાસ માટે સાક્ષરતા-શિક્ષણ અનિવાર્ય છે, છતાં આ સમુદાયના લોકોમાં પોતાનાં સંતાનોને શિક્ષણ આપવા બાબતે આજે પણ ઉદાસીનતા જોવા મળે છે. આ સ્થિતિમાં બિહારની 20 વર્ષની છોટી કુમારી સિંહે મુસહર સમુદાયનાં બાળકો માટે શિક્ષણનો યજ્ઞ પ્રગટાવ્યો છે અને તાજેતરમાં છોટી કુમારીની પ્રવૃત્તિ અને પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખવામાં આવી છે. છોટી કુમારીને ‘વિમેન્સ ક્રિએટિવિટી ઇન રૂરલ લાઇફ એવોર્ડ’ અપાયાના સમાચાર ગત 25મી ઑક્ટોબરના રોજ ચમક્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડની વિમેન્સ વર્લ્ડ સમિટ ફાઉન્ડેશન નામની સંસ્થા 1994થી આ એવોર્ડ આપી રહી છે. આ એવોર્ડ ગ્રામીણ સમુદાયોના જીવનની ગુણવત્તાને સુધારવા માટે સર્જનાત્મકતા, સાહસ અને પ્રતિબદ્ધતા દર્શાવનારા અને કંઈક હટકે કામગીરી કરનારને અપાય છે. અત્યાર સુધી આ એવોર્ડ હાંસલ કરનારાઓમાં છોટી કુમારીએ પોતાના નામ પ્રમાણે સૌથી નાની વયે જ હાંસલ કરવાની સિદ્ધિ મેળવી છે.

બિહારના ભોજપુર જિલ્લાના રતનપર ગામની છોટીકુમારી આમ તો રાજપૂત પરિવારની દીકરી છે, પરંતુ માતા અમૃતાનંદમયી મઠ સાથે સંકળાયા પછી તેણે પોતાના ગામના મુસહર સમુદાયનાં બાળકોને નિ:શુલ્ક ટ્યુશન આપવાનું બીડું વર્ષ 2014થી ઝડપ્યું છે. શિક્ષણ અંગે બેપરવા માતા-પિતાઓને પોતાનાં સંતાનોને ટ્યુશન માટે મોકલવા માટે રાજી કરવા કંઈ આસાન નહોતું, પરંતુ છોટી કુમારીએ ધીમે ધીમે માતા-પિતાનો વિશ્વાસ અને બાળકોનો પ્યાર હાંસલ કર્યો છે. છોટી કુમારી બાળકોને શિક્ષણ અને સ્વચ્છતાના પાઠ ભણાવવાની સાથે સાથે ગામની મહિલાઓને આરોગ્ય અને આર્થિક સ્વાવલંબનના પાઠ પણ ભણાવી રહી છે. રતનપર હવે ખુલ્લામાં શૌચમુક્ત ગામ બની ગયું છે. આજે રતનપરમાં શિક્ષણ અને સ્વચ્છતા અંગે અભૂતપૂર્વ કહી શકાય, એટલી જાગૃતિ આવી છે, તેમાં છોટી કુમારીની મોટી ભૂમિકા છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 8મી નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, November 1, 2017

મૂછો : અહંકાર નહિ, આરોગ્ય

દિવ્યેશ વ્યાસ


નવેમ્બરના મહિનાને મોવેમ્બર તરીકે પણ મનાવવામાં આવે છે. મૂછોના પ્રતીક સાથે પુરુષોના આરોગ્યને સાંકળવામાં આવે છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી, બોલ બોલતો તોળી તોળી, છેલછબીલો ગુજરાતી હું છેલછબીલો ગુજરાતી...’ ગુજરાતના વિશિષ્ટ નાટ્યપ્રકાર ભવાઈમાં ખાસ ગવાતી આ પંક્તિથી ભાગ્યે જ કોઈ અજાણ્યું હશે. અહીં વાંકડી મૂછોને ગુજરાતીની ઓળખ તરીકે ઉપસાવવામાં આવી છે. ખરેખર તો સમગ્ર ભારતમાં કે ભારતીય સંસ્કૃતિમાં મૂછો એ પુરુષોની, પુરુષત્વની, મરદાનગીની નિશાની મનાઈ છે. મૂછો એ સ્વાભિમાન અને નાસમજ હોય તેમના માટે અભિમાનનું પણ પ્રતીક ગણાય છે. મૂછો અંગેના રૂઢિપ્રયોગો જોઈએ તો તેમાં ‘મૂછ ઊંચી રહેવી’, ‘મૂછ ચડાવવી’, ‘મૂછ નીચી કરવી’, ‘મૂછ નીચી થઈ જવી’, ‘મૂછ પર લીંબુ રાખવા’, ‘મૂછ મરડવી’ કે ‘મૂછમાં હસવું’ વગેરમાં પણ પુરુષના સ્વમાનનો જ સંદર્ભ જોવા મળે છે. ‘મરદમૂછાળા’ એવો શબ્દપ્રયોગ પણ આપણે ત્યાં જાણીતો છે. આમ, મૂછ એ પુરુષત્વની નિશાનીની સાથે સાથે તેમાં પુરુષાભિમાન પણ વરતાતું હોય છે. જોકે, આપણે આજે મૂછને પુરુષના અભિમાન નહીં, પરંતુ આરોગ્ય સાથે સાંકળીને વાત કરવી છે.
નવેમ્બર મહિનાને દુનિયાના કેટલાક દેશોમાં મોવેમ્બર તરીકે મનાવવામાં આવે છે. મોવેમ્બર એ ખરેખર તો એક ઝુંબેશનું નામ છે, જેમાં પુરુષોના આરોગ્ય બાબતે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે. મોવેમ્બર શબ્દને ‘મૂછો’ (moustache) અને ‘નવેમ્બર’ને જોડીને રચવામાં આવ્યો છે. દર વર્ષે નવેમ્બરમાં મૂછો વધારવાની સાથે સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની ઝુંબેશ ચલાવવામાં આવે છે. આમ તો મોવેમ્બર સાથે બે ઝુંબેશ જોડાયેલી છે, જેમાંની એક ઝુંબેશ મોવેમ્બર ફાઉન્ડેશન નામની ઓસ્ટ્રેલિયાની બિનસરકારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે. આ ઝુંબેશની શરૂઆત 2003થી થઈ હતી. આ ઝુંબેશ અંતર્ગત પુરુષોમાં પ્રોસ્ટેટ અને ટેસ્ટીક્યુલરના કેન્સર અંગે જાણકારી વધારવાના પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે જરૂરી આર્થિક સંસાધનો માટે દાન પણ ઉઘરાવવામાં આવે છે.
મોવેમ્બરની બીજી ઝુંબેશ સમગ્ર નવેમ્બર મહિના દરમિયાન મૂછો વધારવા પ્રોત્સાહન આપે છે. અમેરિકન કેન્સર સોસાયટી સાથે સંકળાયેલી સ્વૈચ્છિક સંસ્થા 2009થી મૂછો વધારવાની સાથે સાથે કેન્સર અંગે પુરુષોમાં જાગૃતિ કેળવવાની કોશિશ કરે છે. સમગ્ર વિશ્વમાં મોટા ભાગે પુરુષપ્રધાન સમાજ જોવા મળે છે. પુરુષપ્રધાન સમાજમાં પુરુષોને દરેક વાતે જલસા જ હોય એવું જરૂરી નથી, પરંતુ સમગ્ર પરિવારનું ભરણપોષણ-સંચાલન કરવાની જવાબદારી નિભાવવાની હોય છે. કેન્સર જેવી મહામારી જ્યારે પુરુષને થાય છે ત્યારે પોતાના આરોગ્ય કે જીવન કરતાં તેને વધારે ચિંતા પરિવારના ભવિષ્યની હોય છે. વળી, ઘરમાં કમાનારી વ્યક્તિ જ્યારે મહામારીનો ભોગ બને ત્યારે પરિવાર પર બેવડો ફટકો પડતો હોય છે. આ સ્થિતિમાં ઘણા પુરુષો હતાશામાં પણ ધકેલાઈ જતા હોય છે. આવા પુરુષોનું કાઉન્સેલિંગનું કામ પણ મોવેમ્બર ફાઉન્ડેશન અને તેના જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
સોશિયલ મીડિયાના આગમન પછી મોવેમ્બર અંગેની જાગૃતિ સતત વધતી જાય છે અને દર વર્ષે મોવેમ્બરની ઉજવણી અને પ્રવૃત્તિઓને વેગ મળતો જાય છે. મોવેમ્બરની ઉજવણી આજે ઓસ્ટ્રેલિયા ઉપરાંત દુનિયાના 21 દેશોમાં થાય છે. આ વર્ષે પૂનામાં મોવેમ્બર નિમિત્તે દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
મૂછો અંગે દુનિયામાં અવનવા રેકોર્ડ પણ નોંધાતા હોય છે. મૂછોની લંબાઈથી માંડીને તેની તાકાતની કસોટીએ રેકોર્ડ રચવામાં આવે છે. વળી, મૂછોની જુદી જુદી ફેશન અને શૉઝ પણ અવારનવાર ચર્ચામાં આવે છે. જોકે, મૂછોને, પુરુષત્વની નિશાનીને આ રીતે પુરુષોના આરોગ્ય સાથે સાંકળવાનો પ્રયાસ ખરેખર સરાહનીય છે. મરદ કો દર્દ નહીં હોતા, એવા ડાયલોગ હિન્દી ફિલ્મોમાં ચાલે, બાકી જાતજાતનાં અને કેન્સર જેવાં જીવલેણ દર્દોથી પીડાતા મરદોની સારવાર અને સારસંભાળ જરૂરી છે. આ અંગે સભાનતા કેળવવા માટે મોવેમ્બર નામની ઝુંબેશ આદરવામાં આવી છે. નવેમ્બર મહિનો આવી પહોંચ્યો છે, મૂછો વધારો કે નહીં, આરોગ્ય અંગેની જાગૃતિ વધારવી જરૂરી છે.

(‘દિવ્ય ભાસ્કર’ની 1 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ - બિનસંપાદિત)

Wednesday, October 25, 2017

કચરો! એ વળી કઈ બલા?

દિવ્યેશ વ્યાસ


તમે માનશો? લોરેન સિંગર નામની અમેરિકન યુવતી છેલ્લાં પાંચ વર્ષથી કચરામુક્ત જીવન જીવી રહી છે!


(લોરેન સિંગરની આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવેલી છે.)

આપણે સૌએ રંગેચંગે દિવાળી ઊજવી અને નવા વિક્રમ સંવતને હેમખેમ વધાવી પણ લીધું. દિવાળી દીપ, રંગોળી, ફટાકડા, શુભેચ્છાઓની સાથે સાથે સ્વચ્છતાનું પણ પર્વ છે! ભાગ્યે જ એવું કોઈ ઘર હશે, જ્યાં દિવાળીને વધાવવા-ઊજવવા માટે સાફસફાઈ અભિયાન ન ચલાવાતું હોય. આખા વર્ષમાં ઘરના ખૂણેખાંચરે એકઠા થતાં કચરા-ધૂળ-બાવાજાળાંને એકઝાટકે ઘરવટો આપી દેવામાં આવતો હોય છે. સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની બોલબાલા વધી છે ત્યારે શું આપણે કલ્પના કરી શકીએ કે કચરામુક્ત જીવન પણ જીવી શકાય? કોઈ પણ પ્રકારનો કચરો પેદા કર્યા વિના રોજિંદી જિંદગી જીવી શકાય? આપણા માન્યામાં ન આવે એવી હકીકત છે કે અમેરિકાની એક 26 વર્ષની યુવતી છેલ્લાં પાંચ વર્ષથી ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’ના સિદ્ધાંતનું સુપેરે પાલન કરી રહી છે.

હાલ ન્યૂ યૉર્કમાં રહેતાં લોરેન સિંગરે વર્ષ 2012થી કચરામુક્ત જીવન અપનાવ્યું છે અને આજે તેઓ સફળતાપૂર્વક અને સહજતાપૂર્વક 100 ટકા કચરામુક્તિનો લુત્ફ ઉઠાવી રહી છે. લોરેન મૂળે તો પર્યાવરણની વિદ્યાર્થિની હતી અને ત્યાંથી જ તેમને પર્યાવરણ-મિત્ર જીવન જીવવાનો ‘સોલો’ ચડેલો. કચરામુક્ત જીવન માટે લોરેન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવે છે. ‘TED’માં ટૉક આપી ચૂકેલાં લોરેન www.trashisfortossers.com નામનો બ્લોગ ચલાવે છે તથા યુ ટ્યૂબ પર પોતાના વીડિયો થકી રોજિંદા જીવનમાં કઈ રીતે કચરાને પેદા થતો અટકાવી શકાય, એ માટે ટિપ્સ આપે છે અને લોકોના પ્રશ્નો-મૂંઝવણોનો જવાબ આપે છે.

લોરેને પોતાને કચરામુક્ત જીવન જીવવાનો ધક્કો ક્યાંથી અને કઈ રીતે લાગ્યો, એ અંગે પોતાના લેખોમાં ખુલાસો કરેલો છે કે ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાં પર્યાવરણની વિદ્યાર્થી તરીકે ભણતી વખતે જ પર્યાવરણની મોટી મોટી વાતો અને નવા નવા સમજાયેલા ખયાલોથી હું મારી જાતને મોટી પર્યાવરણવાદી માનવા માંડેલી. એ સમયે અમારી એક સહપાઠી યુવતી રોજ પ્લાસ્ટિકની થેલીમાં પ્લાસ્ટિકના ડબ્બાઓમાં તૈયાર ખાવાનું લાવતી, તેમાં ડિસ્પોઝેબલ ડિસ અને ચમચી-કાંટા વગેરે પણ રહેતાં. તે ભોજન કરીને આ બધી સામગ્રી કચરાપેટીમાં પધરાવી દેતી. આ જોઈને મને રોજ ખીજ ચડતી, પણ હું અંદરથી સમસમીને ચૂપ રહેતી. એક દિવસ મને પેલી વિદ્યાર્થિની પર ગુસ્સો ચડ્યો જ હતો ને હું ઘરે ગઈ. મૂડ ઠીક કરવા મેં રસોઈ બનાવવા વિચાર્યું. મેં જેવું મારું ફ્રીઝ ખોલ્યું કે કે હું થીજી ગઈ. મેં જોયું કે ફ્રીઝમાં દરેક વસ્તુ કાં તો પ્લાસ્ટિકના ડબ્બામાં હતી કે પછી પ્લાસ્ટિકની થેલીમાં. મને અહેસાસ થયો કે પર્યાવરણપ્રેમીના નામે હું તો નર્યો દંભ જ કરું છે. આ અહેસાસે મારી આંખ ઉઘાડી અને કચરામુક્ત જીવન જીવવાની દૃષ્ટિ મળી.

લોરેને કોઈ મુલાકાતમાં કબૂલ કર્યું છે કે સંપૂર્ણ કચરામુક્ત (ઝીરો પર્સેન્ટ વેસ્ટ) જીવન કંઈ એક રાતમાં લાવી શકાય એવી પ્રક્રિયા નથી. મેં મહિનાઓ સુધી મારા રોજિંદા જીવનનો અભ્યાસ કર્યો, ક્યાં, કેવો અને કઈ રીતે કચરો પેદા થાય છે, તેનું નિરીક્ષણ કર્યું અને પછી કચરો કઈ રીતે નિવારી શકાય, એ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. લગભગ એક-દોઢ વર્ષે અનેક પ્રયોગો અને પ્રયાસોથી આખરે કચરામુક્તિ સિદ્ધ થઈ શકી. ચાર વર્ષના અંતે એક નાની કાચની બરણીમાં સમાઈ જાય, એટલો જ કચરો તેણે પેદા કર્યો હતો.

કચરામુક્ત જીવન જીવવા માટે પ્રેરણારૂપ બનેલાં લોરેન કહે છે કે ઝીરો પર્સેન્ટ વેસ્ટને કારણે હું આજે ઘણા બધા પૈસા બચાવું છું, સારું-પૌષ્ટિક-તાજું ભોજન લઉં છું અને વધારે સુખી છું, સ્વસ્થ છું અને આનંદમાં રહી શકું છું.

આવતી દિવાળીએ ઘરમાં કચરો સાફ કરવાની ઝંઝટમાંથી સંપૂર્ણપણે મુક્ત થવું હોય તો તમે પણ ‘ઝીરો પર્સેન્ટ વેસ્ટ’નો સિદ્ધાંત અપનાવો. 100 ટકા કચરામુક્તિ શક્ય ન બને તોપણ ‘શક્તિ (કે સમજ) એટલી ભક્તિ (પ્રયાસ)’ કરીને કચરાને ઓછામાં ઓછો કરીને પોતાની સાથે સાથે પર્યાવરણનું પણ કલ્યાણ કરી શકો છો. પૃથ્વી અને પર્યાવરણના અસ્તિત્વ માટે કંઈક તો કરવું જ પડશે. બોલો, ક્યારથી શરૂ કરવું છે?

(‘દિવ્ય ભાસ્કર’ની 25મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 18, 2017

દિવાળી અને સમૃદ્ધિની કામના

દિવ્યેશ વ્યાસ


દિવાળીના પર્વ પર લક્ષ્મીજીની પૂજા સાથે સુખ-સમૃદ્ધિની કામના કરવામાં આવે છે. સમૃદ્ધિ અંગેની સમજ ‘ગરીબ’ ન ચાલે! સંત વિનોબાના લક્ષ્મી અંગેના વિચારો જાણીને આપણી સમજ સમૃદ્ધ કરીએ... 


(આ તસવીર ગૂગલ ઇમેજ પરથી મેળવી છે.)

દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે. ભારતનાં અન્ય રાજ્યો-પ્રદેશો કરતાં ગુજરાતમાં દિવાળીનો ઉત્સાહ બેગણો વધારે હોય છે, કારણ કે આપણે ત્યાં દિવાળીના બીજે દિવસે નવા વર્ષના વધામણા પણ કરવામાં આવે છે. ગુજરાત વિક્રમ સંવતનું નવું વર્ષ ઊજવે છે, જેની ઉજવણી બહુ ઓછા પ્રદેશોમાં થતી હોય છે.
પ્રકાશમય આ પર્વ આપણા જીવનમાં ઉજાસ ફેલાવવાની પ્રેરણા આપે છે. આ ઉજાસ જ્ઞાનનો પણ હોઈ શકે, વિદ્યા-વિવેકનો પણ હોઈ શકે છે, સમજ-સંસ્કારનો પણ હોઈ છે, સંવેદનાનો પણ હોઈ શકે, પરિશ્રમ અને પુણ્યતાનો હોઈ શકે અને સુખ-સમૃદ્ધિનો પણ હોઈ શકે. દિવાળીના જુદા જુદા દિવસોના તહેવારોમાં ખાસ કરીને લક્ષ્મીજી અને સરસ્વતી દેવી તથા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મા સરસ્વતી વિદ્યાની દેવી ગણાય છે, જ્યારે લક્ષ્મીજી સમૃદ્ધિની દેવી ગણાય છે. દિવાળીની શુભેચ્છાઓની સાથે નૂતન વર્ષના અભિનંદન પાઠવતું એક વાક્ય બહુ સર્વસામાન્ય રીતે જોવા-વાંચવા મળતું હોય છે, ‘આપનું નવું વર્ષ સુખ-સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છાઓ.’ સુખમય જીવન માટે સમૃદ્ધિ જરૂરી છે. લોકો શ્રદ્ધાપૂર્વક એવું માનતા હોય છે કે લક્ષ્મીજીની કૃપાથી આપણે સમૃદ્ધિ પામી શકીએ છીએ. સમૃદ્ધિને આપણે લક્ષ્મીજીનું સ્વરૂપ જ માનીએ છીએ અને મોટા ભાગે લક્ષ્મી જ કહીએ છીએ.

લક્ષ્મી કે સમૃદ્ધિ અંગેની આપણી સમજ ‘ગરીબ’ હોય એ તો કેમ ચાલે! આપણે મોટા ભાગે પૈસાને જ લક્ષ્મી ગણી લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. વિનોબા ભાવેએ રોજિંદા જીવનમાં પૈસા/રૂપિયાનો વ્યવહાર જ ન રહે એવી નવી વ્યવસ્થા માટે કાંચનમુક્તિનો પ્રયોગ આદર્યો હતો. એ સમયગાળામાં વિનોબાની ‘લફંગા પૈસાનું અનર્થકારણ’ નામની પુસ્તિકા પ્રસિદ્ધ થઈ હતી, જેમાં પૈસા અને લક્ષ્મી કે શ્રી વચ્ચે કેવો અને કેટલો મોટો ભેદ છે, એ ખૂબ સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું, ‘લક્ષ્મી અને પૈસાને એક માની લેવા જેવી ગેરસમજ બીજી કોઈ નથી. આ ભારે મોટો ગોટાળો થઈ ગયો છે. લક્ષ્મી અને પૈસો હરગિજ એક નથી. પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. તેની કિંમત કાયમ ઓછીવત્તી થયા કરે છે, કારણ કે તેની પોતાની કિંમત જ નથી હોતી. એટલે મેં તો તેને લફંગો પૈસો જ કહ્યો છે અને પાછો આપણે તેને આખા સમાજનો કારભારી બનાવી દીધો છે! તેને લીધે સમાજની આજે બહુ જ ભયાનક અવસ્થા થઈ ગઈ છે.’

વિનોબાએ આગળ લક્ષ્મી એટલે શું એ સુંદર રીતે સમજાવ્યું છે, ‘લક્ષ્મી એટલે તો શ્રી, શોભા, ઉત્પાદન, સૃષ્ટિનું ઐશ્વર્ય, સૃષ્ટિની વિષ્ણુશક્તિ, સૃષ્ટિનું નિર્માણ. જ્યારે પૈસા તો કૃત્રિમ વસ્તુ છે. નાસિકના સરકારી પ્રેસમાં નોટો છપાય છે. એક ઠપ કર્યો કે એક રૂપિયાની નોટ અને એક ઠપ કર્યો કે એકસો રૂપિયાની નોટ! એક રૂપિયાની ને એકસો રૂપિયાની નોટ પાછળ એટલો ને એટલો એક સરખો પરિશ્રમ! આવી છે રૂપિયાની ઘટોત્કચની માયા! પૈસાનું કોઈ સ્થિર મૂલ્ય નહીં. જ્યારે લક્ષ્મીનું તો સ્થિર મૂલ્ય છે. અનાજ લક્ષ્મી છે. પહેલાં જેટલા અનાજથી પેટ ભરાતું, આજે પણ તેટલા જ અનાજથી પેટ ભરાય છે. એક શેર અનાજ ઉત્પન્ન કરવા જેટલો પરિશ્રમ કરવો પડે છે, તેના કરતાં બે શેર અનાજના ઉત્પાદન માટે બમણો પરિશ્રમ કરવો પડે છે.’
વિનોબાએ લક્ષ્મી અંગે બીજી એક મહત્ત્વની વાત કરેલી છે, ‘લક્ષ્મી તો દેવી છે અને તે શ્રમથી ઉત્પન્ન થાય છે. જે શ્રમનો ઉપાસક હશે, ઉદ્યોગ કરનારો હશે, તેને જ લક્ષ્મી વરશે. અનાજ, શાકભાજી, ફળફૂલ એ બધું લક્ષ્મી છે. તેને ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી પડે છે. લક્ષ્મી તો આપણા હાથની આંગળીઓમાં વસે છે! ‘કરાગ્રે વસતે લક્ષ્મી’. ભગવાને આપણને જે હાથ આપ્યા છે, તેનાથી પરિશ્રમ કરવાથી લક્ષ્મી મળશે, પરંતુ આપણે આજે શ્રમને બદલે પૈસાને મહત્ત્વ આપી દેવાયું છે. આ બહુ ખોટું થયું છે.’

વિનોબા સોય ઝાટકીને કહેતાં, ‘સુર અને અસુર વચ્ચે જેટલો ફરક હોય તેટલો લક્ષ્મી અને પૈસા વચ્ચે ફરક છે. લક્ષ્મી દેવતા છે, પૈસો દાનવ. પૈસાને લક્ષ્મી માની લેવાથી મોટો ભ્રમ બીજો કયો હોય?’
આમ, પૈસો મારો પરમેશ્વર ક્યારેય ગણી શકાય નહીં. લક્ષ્મીજીની પૂજા કરતાં પહેલાં તેમનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે. લક્ષ્મી અને પૈસા વચ્ચે કરાતી ગેરસમજનાં જાળાં હટાવવાનું રખે ચુકાય!

(‘દિવ્ય ભાસ્કર’ની 18 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 11, 2017

નોબેલ અને ન્યુક્લિયર બૉમ્બ

દિવ્યેશ વ્યાસ


આ વર્ષે જાહેર થયેલા શાંતિ અને સાહિત્યના નોબેલ પારિતોષિકોમાં પરમાણુ શસ્ત્રોનો મુદ્દો સંકળાયેલો છે

(તસવીર ગૂગલ ઇમેજ પરથી શોધી છે.)

દર વર્ષે 5 ઑક્ટોબરથી 12 ઑક્ટોબરના દિવસોમાં નોબેલ પુરસ્કારો જાહેર થતા હોય છે. કોઈ પણ પુરસ્કાર કે એવોર્ડ વિવાદોથી પર હોય, એવું આપણે જાણ્યું નથી. નોબેલનું નામ પડતાં જ આપણને તરત રવીન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધી યાદ આવી જતા હોય છે. ટાગોરને એવોર્ડ મળ્યો હતો, એટલા માટે અને મહાત્મા ગાંધીને નહોતો મળ્યો એટલા માટે. ટાગોરને તો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મળવો જ જોઈતો હતો, પરંતુ  દુનિયામાં શાંતિના નોબેલ પારિતોષિક માટે જો કોઈ સૌથી વધારે લાયક હોય તો એ ગાંધીજી ગણાય, છતાં તેમને નહોતો મળ્યો અને એટલે જ એ વિવાદનો મુદ્દો આજેય ભૂલ્યે ભુલાતો નથી. અલબત્ત, ગાંધીજીની પ્રેરણાથી આગળ વધેલા કે તેમના વિચારોનું પાલન કરનારા ઘણા લોકો શાંતિનો નોબેલ મેળવી શક્યા છે, એ સંતોષકારક હકીકત છે.

ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મેડિસિન કે અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં અપાતા નોબેલ પારિતોષિક અંગે ભાગ્યે જ વિવાદ પેદા થતો હોય છે, પરંતુ સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક કોઈ ને કોઈ કારણસર વિવાદમાં આવતો હોય છે. જોકે, આ વર્ષે સાહિત્ય અને શાંતિનો નોબેલ પારિતોષિક જેમને અપાયો છે, તેનો કોઈ ખાસ વિવાદ પેદા થયો નથી. અલબત્ત, ઉલ્લેખનીય મુદ્દો એ છે કે આ બન્ને એવોર્ડ હાંસલ કરનારા કોઈ ને કોઈ રીતે પરમાણુ શસ્ત્રો સાથે જોડાયેલા છે.

‘રિમેઇન્સ ઑફ ધ ડે’ નામની નવલકથા માટે મેન બુકર પ્રાઇઝ જીતેલા બ્રિટિશ સાહિત્યકાર કાઝુઓ ઇશિગુરોને આ વર્ષનું સાહિત્યનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. દુનિયા સાથે જોડાયેલી આપણી ગૂઢ સંવેદનાઓને શબ્દયાત્રા કરાવનારા કાઝુઓ પાંચ વર્ષની વયથી બ્રિટનમાં રહે છે, પરંતુ તેઓ મૂળ તો જાપાનના છે. કાઝુઓનો પરમાણુ શસ્ત્રો સાથેનો સંબંધ સાહિત્યને લગતો નહીં પણ જીવનને લગતો છે. કાઝુઓનો જન્મ ઈ.સ. 1954માં જાપાનના નાગાસાકી શહેરમાં થયો હતો, આ એ જ શહેર છે, જ્યાં અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુ બૉમ્બ ઝીંક્યો હતો. તેમના સાહિત્યમાં, ખાસ કરીને ‘રિમેઇન્સ ઑફ ધ ડે’માં બીજા વિશ્વયુદ્ધની વાતો આવે છે.

ખેર, આપણો મૂળ મુદ્દો તો શાંતિનું નોબેલ પારિતોષિકનો છે, જે આ વર્ષે ઇન્ટરનેશનલ કેમ્પેઇન ટુ અબોલિશ ન્યુક્લિયર વેપન્સ (ICAN)ને મળ્યો છે. આ વર્ષે શાંતિના નોબેલ માટેના દાવેદારોમાં આ સંસ્થાનો ભાગ્યે જ ક્યાંય ઉલ્લેખ જોવા મળતો હતો, છતાં આ સંસ્થા મેદાન મારી ગઈ છે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું છે. અલબત્ત, આ સંસ્થાને શા માટે પસંદ કરવામાં આવી, એ અંગેની સ્પષ્ટતા નોબેલ પસંદગી સમિતિએ કરી છે. નોર્વેની સમિતિએ 2017ના શાંતિના નોબેલને પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશોને 15000 પરમાણુ હથિયારો નષ્ટ કરી દેવાની અપીલ ગણાવી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે અંટશ વધી રહી છે અને યુદ્ધનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. એમાંય ઉત્તર કોરિયા તો પરમાણુ હુમલાની ધમકીઓ આપ્યા કરે છે. આવા માહોલમાં પરમાણુ શસ્ત્રો જગતની શાંતિ જ નહીં અસ્તિત્વ સામેનો પણ મોટો પડકાર બની ગયો છે. આ સંજોગોમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા જ્યારે દુનિયાને પરમાણુ શસ્ત્રોથી મુક્ત કરાવવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરમાણુ સંપન્ન દેશોને પરમાણુ શસ્ત્રોનો નાશ કરી દેવા સમજાવી રહી છે, એ પ્રશંસનીય અને પોંખવાલાયક પ્રયાસ છે.

ICAN નામની સંસ્થા છેલ્લા એક દાયકાથી દુનિયાને પરમાણુ શસ્ત્રથી મુક્ત કરવા મથી રહી છે અને તેની સાથે દુનિયાના કુલ 101 દેશોની 468 સંસ્થાઓ પણ આ મામલે સક્રિય છે. આ સંસ્થાને હમણાં જુલાઈ-2017માં જ એક મોટી સફળતા મળી હતી. આ સંસ્થાના પ્રયાસોને કારણે જ 7 જુલાઈ, 2017ના રોજ ન્યૂ યૉર્ક ખાતે દુનિયાના 122 દેશોએ યુનાઇટેડ નેશન્સ ન્યુક્લિયર વેપન બાન ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા હતા. અલબત્ત, પરમાણુ હથિયારો ધરાવતા દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર કર્યા નહોતા, છતાં આજે દુનિયા પરમાણુ મુક્ત થવા માગે છે, એ વાત વધારે નક્કર રીતે વ્યક્ત થઈ હતી અને પરમાણુ હથિયારો માટે મૂછો મરડનારાને કડક સંદેશો આપવામાં આવ્યો હતો. આ સંસ્થાને નોબેલ મળ્યો, તેની સૌથી વધારે ખુશી જાપાનીઝ લોકોને થઈ છે, કારણ કે તેઓ પરમાણુ શસ્ત્રનો ભોગ બની ચૂક્યા છે. અમેરિકા સહિતના પરમાણુ શસ્ત્રોસમ્પન્ન દેશો પણ શું આવી દુર્ઘટનાનો ભોગ બન્યા પછી જ જાગશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 11મી ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, October 4, 2017

ઘડવૈયા મારે ‘કુમારી’ નથી થાવું!

દિવ્યેશ વ્યાસ


નેપાળમાં ‘જીવતી દેવી’ની પ્રથા સદીઓથી ચાલે છે. તાજેતરમાં ત્રણ વર્ષની એક બાળાને ‘કુમારી’ જાહેર કરવામાં આવી છે

(તસવીર ગૂગલ ઇમેર પરથી મેળવી છે)

થોડા દિવસ પહેલાં જ આશરે ત્રણેક વર્ષની ઈભ્યા ગુજરાતનાં અખબારોમાં ચમકી હતી. આ દીકરીનાં પિતા તથા માતા, એમ બન્નેએ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કરતાં આટલી નાની બાળાનું હવે શું થશે? માતા-પિતાની ગેરહાજરીમાં તેનું બાળપણ કેવું અને કેવી રીતે વીતશે? એવી ચિંતાઓ રાજ્યભરમાં પડઘાવા માંડી હતી. આ સમાચારના તરંગો હજુ શમ્યા નહોતા ત્યાં ઇન્ટરનેટ પર બીજા એક સમાચાર વાંચવા મળ્યા કે નેપાળમાં એક ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ (જીવતી દેવી) જાહેર કરવામાં આવી છે. આ બાળાએ હવે પોતાનું ઘર અને માતા-પિતાને છોડી દેવાં પડશે અને આશરે દશેક વર્ષ સુધી ઘર-પરિવારથી દૂર કુમારીઘરમાં રહેવાનું થશે!

નેપાળમાં ગત 28મી સપ્ટેમ્બરની મધરાતે શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા તૃષ્ણા શાક્ય નામની ત્રણ વર્ષની બાળાને ‘કુમારી’ તરીકે સ્થાપિત કરવામાં આવી. દેવી બનવા માટે શાસ્ત્રોમાં વર્ણિત તમામ 32 લક્ષણો ધરાવતી તૃષ્ણા હવે તલેજુ (તુલજા) માતા તરીકે પૂજાશે. તૃષ્ણાએ હવે ઘર-પરિવારથી દૂર ચોવીસેય કલાક ‘કુમારી ઘર’માં જ રહેવાનું થશે. તૃષ્ણાકુમારી ઘરમાંથી બહાર નીકળી શકશે, પરંતુ વર્ષમાં માત્ર 13 વખત અને એ પણ વારે-તહેવારે- માત્ર ‘દર્શન’ આપવા માટે! જીવતી દેવી તરીકે તેની કાળજી બહુ લેવાશે, તેનો પડ્યો બોલ ઝિલાશે, તેની મોટા ભાગની જીદ પણ પૂરી કરાશે, તેને માન-સન્માન પણ ખૂબ મળશે, લોકો તેને દેવી તરીકે પૂજશે, પરંતુ એનું બાળપણ તો છિનવાઈ જ જશે. ‘કુમારી’ તરીકે તે પૂજાશે, પરંતુ તેના પર કેવાં કેવાં નિયંત્રણો હશે, કેવા નિયમો તેણે પાળવા પડશે, એનો બિચારી ત્રણ વર્ષની બાળાને અંદાજ પણ નહીં હોય.

નેપાળમાં કુમારીપ્રથા કંઈ આજકાલની નથી, આશરે અઢીસો વર્ષથી ચાલી આવે છે. કુમારિકાને તેઓ જીવતી દેવી ગણીને પૂજે છે. કુમારિકામાં સાક્ષાત્ મા દુર્ગાનાં દર્શન કરે છે. નેપાળમાં હવે રાજાશાહી નથી રહી, બાકી પહેલાં તો નેપાળના રાજા પણ કુમારીને વંદન કરીને આશીર્વાદ મેળવતા હતા. આજે પણ રાજપરિવાર જીવતી દેવી પર આસ્થા ધરાવે છે. પહેલી નજરે તો આ વાત જાણીને કોઈ પણને અહોભાવ થઈ શકે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આજે પણ ‘જીવતી દેવી’ આકર્ષણનું એક કેન્દ્ર છે જ. અલબત્ત, જીવતી દેવી બનાવાયેલી બાળાની દૃષ્ટિએ વિચારીએ તો તેનો સામાન્ય બાળકની જેમ બાળપણ ભોગવવાનો અધિકાર છિનવાઈ જતો હોય છે. દીકરી બનીને લાડકોડ કરવાની વયે તેણે માતા-દેવી બનવાનો ભાર ભોગવવો પડે છે. ખુલ્લા આકાશમાં રમવાની ઉંમરે તેણે મંદિરમાં કેદ થઈ જવું પડતું હોય છે. ખેલવા-કૂદવાની અવસ્થામાં તેણે પાલખીમાં ખોડાઈ જવું પડે છે. નથી તે પોતાના ઘરે જઈ શકતી કે નથી પોતાનાં ભાઈ-બહેનો સાથે રમી શકતી. કુમારી જાહેર થયેલી બાળાના બાળપણનાં સુવર્ણ વર્ષો છિનવાઈ જાય છે. આગળ જતાં તે તરુણાવસ્થામાં પ્રવેશે અને માસિક ધર્મની શરૂઆત થાય ત્યારે તેને ‘કુમારી’ કે ‘જીવતી દેવી’ તરીકે નિવૃત્ત કરવામાં આવે છે. કુમારી કે જીવતી દેવી ન રહ્યાં પછી પણ તે સામાન્ય યુવતી જેવું જીવન જીવી શકતી નથી. શાસ્ત્ર પ્રમાણે તે ‘કુમારી’ મટી ગયા પછી પરણીને સંસાર પણ માંડી શકે છે, પરંતુ દેવી બનેલી યુવતીને પરણવાનું પાપ કરનાર નાની વયે મૃત્યુ પામે છે, એવી લોકમાન્યતાને કારણે ભાગ્યે જ કોઈ તેની સાથે લગ્ન કરવા તૈયાર થતું હોય છે. વળી, તેને શિક્ષણ પણ અપાતું નથી, એટલે સ્વતંત્ર-આત્મનિર્ભર જીવન પણ જીવી શકતી નથી અને પોતાના પરિવાર પર અવલંબિત રહેવું પડે છે. જોકે, બાળ અધિકારના કર્મશીલોની અરજી પછી નેપાળની સુપ્રીમ કોર્ટે વર્ષ 2006માં પોતાના ચુકાદામાં કુમારીના અધિકારોનું હનન ન કરવા માટે તાકીદ કરી હતી અને હવે કુમારીઘરમાં જ કુમારી માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે છે. કુમારી જેવી પ્રથાથી સમાજનું કે ધર્મનું શું ભલું થતું હશે, આપણે જાણતા નથી, પણ જીવતી દેવી બનતી બાળાનું ભલું તો ભાગ્યે જ થતું હોય છે.

ઈભ્યા અને તૃષ્ણા, આ બન્ને બાળાઓનાં દૂધમલ જીવનમાં ધર્મ ખરેખર તો સાકર બનવો જોઈતો હતો, પરંતુ નમક કઈ રીતે બની ગયો? ધર્મ તો સૌનું રક્ષણ કરે છે, ત્યારે આપણે ધર્મને એવા તે કયા રસ્તે લઈ ગયા છીએ કે તે બાળાઓના નાજુક અધિકારોનું પણ રક્ષણ કરવા સમર્થ નથી રહ્યો? મનોમંથન જરૂરી છે. કરશોને?

(‘દિવ્ય ભાસ્કર’ની 4 ઑક્ટોબર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-મૂળ પ્રત)

Wednesday, September 27, 2017

દાસ કેપિટલ : શ્રમનો સૂર્યોદય

દિવ્યેશ વ્યાસ


કાર્લ માર્ક્સના શકવર્તી પુસ્તક ‘દાસ કેપિટલ’ના પ્રકાશનને 150 વર્ષ થયાં છે. માર્ક્સે દુનિયાને શ્રમનું મૂલ્ય સમજાવ્યું હતું 

(તસવીરો વિકિપીડિયાની સાઇટ પરથી લીધેલી છે.)

‘દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી જંજીરો સિવાય કશું ગુમાવવાનું નથી.’ આ વાક્ય કોનું? એવો સવાલ આપણને ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછવામાં આવે તો મોટાભાગના સાચો જવાબ આપી શકે - કાર્લ માર્ક્સ. માર્ક્સનું બીજું એક વાક્ય પણ આપણા કાને અને આંખે વારંવાર અથડાતું હોય છે, ‘ધર્મ એ સમાજનું અફીણ છે.’ મૂડીવાદી માહોલમાં માર્ક્સ વિશે આનાથી વધારે આપણે ભાગ્યે જ જાણી શકવાના! પણ, કાર્લ માર્ક્સ એવા મહાનુભાવ છે, જેનું નામ દુનિયાના ઇતિહાસમાં કાલજયી છે અને રહેવાનું છે. કાર્લ માર્ક્સને આટલા બધા ‘માર્ક્સ’ તેમના પ્રત્યેના ભક્તિભાવને કારણે નહીં, પરંતુ તેમના વિચારો અને પુસ્તકોએ દુનિયા પર જે પ્રભાવ પાડ્યો, એને ઇતિહાસ અવગણી શકે એમ નથી. માર્ક્સના વિચારો સાથે કેટલા સહમત થવું, કેટલા અસહમત થવું, એ આપણી સમજ અને વિવેક પર આધીન છે, પરંતુ માર્ક્સના એકેય વિચારો સાથે સહમત ન હોવા છતાં તેમના વિચારો દ્વારા અનેક રાષ્ટ્રોમાં પેદા થયેલી ક્રાંતિ અને તેનાં વ્યાપક પરિણામોની વાતો કોઈને પણ પ્રભાવિત કરી શકે છે.

માર્ક્સવાદી વિચારસરણીમાં હિંસાના સ્વીકારનો આપણે કોઈ કાળે સ્વીકાર કરી શકીએ નહીં, પરંતુ તેમણે શ્રમિકો-કામદારો-મજૂરોના (આમાં માત્ર મજૂરો જ નહીં, તમામ નોકરિયાતો-પગારદારો પણ આવી જાય!) શોષણ અને અન્યાયની વિરુદ્ધ લડત-સંઘર્ષની વાત કરી છે, એ  શું આજે પણ પ્રસ્તુત નથી? અમુક મૂડીપતિઓના હાથમાં જ સત્તાનાં સૂત્રો રહે એવા સંજોગોમાં, આર્થિક અસમાનતા પેદા થાય, અમીર વધુ અમીર થતાં જાય અને ગરીબ કાયમ ગરીબ જ રહે, પરિણામે અમીર-ગરીબ વચ્ચેની ખાઈ સતત વધતી રહે, એ શું ઇચ્છનીય ગણાય? ધર્મના અફીણી નશામાં લોકોનું સામાજિક-રાજકીય શોષણ ચાલું રહે, તે ઉચિત ગણી શકાય? ખેડૂત અને મજૂરની આર્થિક સ્થિતિ એટલી વિકટ બને કે તેણે મોતને વહાલું કરવું પડે, એ ચલાવી લેવાય? ના, ના, ના... અને એટલે જ કાર્લ માર્ક્સનું સ્મરણ થયા વિના ન રહે. અલબત્ત, માર્ક્સના આર્થિક વિચારોમાં અનેક ખામીઓ રહેલી છે અને શોષણ અને અન્યાય વિરુદ્ધ હિંસક ઉપાયો તો સાવ નક્કામા જ ગણવા રહ્યા, છતાં એક વાત સૌએ સ્વીકારવી જ પડશે કે આ માણસે અર્થતંત્રમાં માનવીના શ્રમનું મૂલ્ય પારખ્યું હતું અને મુઠ્ઠીભર લોકો દ્વારા સમગ્ર સમાજના શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવાની પ્રેરણા આપી હતી. માર્ક્સે હિંસક ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો, એ તેમની ટીકાનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે, પરંતુ આ અંગે ચર્ચા કરતી વખતે આપણે યાદ રાખવું પડે કે માર્ક્સે આશરે 50 વર્ષની વયે પોતાનું પહેલું પુસ્તક ‘દાસ કેપિટલ’ ઈ.સ. 1867માં પ્રકાશિત કર્યું ત્યારે અહિંસક આંદોલનનો વિચાર આપનારા મહાત્મા ગાંધી હજું જન્મ્યા (2 ઑક્ટોબર, 1869)પણ નહોતા!

આજે માર્ક્સ પારાયણ કરવાનું નિમિત્ત બન્યું છે, તેમનું પુસ્તક ‘દાસ કેપિટલ’. ગત 14મી સપ્ટેમ્બરના રોજ આ શકવર્તી પુસ્તકના પ્રકાશનને 150 વર્ષ પૂરાં થયાં. ઈ.સ. 1867માં જોકે, દાસ કેપિટલનો પહેલો ભાગ જ પ્રકાશિત થયો હતો બાકીના બે ભાગ માર્ક્સના નિધન પછી તેમના સાથી-સહયોગી ફેડ્રીક એન્જલ્સે અને ચોથો ભાગ કાર્લ કૌટ્સ્કીએ સંપાદિત-પ્રસિદ્ધ કરેલો.

એક પુસ્તકનો શું પ્રભાવ હોઈ શકે, એની વાત કરવી હોય તો ‘દાસ કેપિટલ’ તેનું એક મોટું ઉદાહરણ બની શકે એમ છે, કારણ કે આ એક પુસ્તકે દુનિયાની કેટલીક સત્તાઓને ઊથલાવી દીધી હતી. વિશ્વમાં ‘બાઇબલ’ પછી સૌથી પ્રભાવશાળી પુસ્તકમાં તેનો બીજો ક્રમ આવે છે. ઘણા તો આને ‘રેડ બાઇબલ’ પણ ગણાવે છે. રશિયા અને ચીન જેવા દેશોમાં આ પુસ્તકના પ્રભાવને કારણે ક્રાંતિની જ્વાળાઓ પ્રગટી હતી. આ દેશોની ક્રાંતિએ બીજા અનેક નાના-મોટા દેશોમાં ક્રાંતિનો ચેપ લગાવ્યો હતો અને મૂડીવાદ સામે સામ્યવાદનો પડકાર સર્જાયો હતો.

જોકે, માર્ક્સના વિચારો કરતાં પણ સામ્યવાદના નામે સંતોષાયેલી સત્તાવિસ્તારની લાલસાએ સામ્યવાદ અને માર્ક્સને ખૂબ જ બદનામ કર્યા છે. સામ્યવાદી શાસનમાં શ્રમિકો અને ખેડૂતોનું શોષણ અટક્યું ને તેમના ‘અચ્છે દિન’ આવી ગયા, એવું ન બન્યું, માત્ર શોષણખોર બદલાયા અને સ્વતંત્રતા છીનવાઈ ગઈ એ લટકામાં. આને કારણે જ સામ્યવાદનાં વળતાં પાણી થયાં અને સમગ્ર વિશ્વમાં ફરી મૂડીવાદ મજબૂત બન્યો છે. સોવિયત સંઘના વિઘટન અને છેલ્લે ઇ.સ. 2011માં અરબ ક્રાંતિ પછી કહેવાતું સામ્યવાદી શાસન માંડ ચીન કે ઉ. કોરિયા જેવા રડ્યાખડ્યા દેશોમાં જ બચ્યું છે. તો શું માર્ક્સના વિચારો અને સામ્યવાદ નિષ્ફળ ગયા છે? અપ્રસ્તુત થયા છે? આનો જવાબ સ્પષ્ટ રીતે હા પાડી શકાય એમ નથી. સામ્યવાદે અર્થતંત્રમાં શ્રમ અને શ્રમિકના મૂલ્યને પ્રસ્થાપિત કરી આપ્યું છે અને એને કારણે જ આજે આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવવાની સમજ અને શક્તિ જોવા મળે છે. કાર્લ માર્ક્સના પુસ્તક ‘દાસ કેપિટલે’ શ્રમનો સૂર્યોદય કરાવ્યો હતો, એવું કબૂલ કરવું જ પડે. તમે શું માનો છો?

(‘દિવ્ય ભાસ્કર’ની 27મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, September 20, 2017

ઝેન કથા : બૌદ્ધિક બુલેટ

દિવ્યેશ વ્યાસ


જાપાનના સહયોગથી મળનારી બુલેટ ટ્રેનના વધામણાની સાથે સાથે બૌદ્ધિક બુલેટ જેવી ઝેન કથાઓ કેમ વિસરાય?



‘આ વર્ષે મેં જીવનનો પૂરેપૂરો આનંદ ઉઠાવ્યો.’ શિષ્યે ગુરુને કહ્યું. ‘અચ્છા?’ ગુરુએ પૂછ્યું, ‘તેં શું શું કર્યું?’ ‘સૌથી પહેલાં સમુદ્રમાં ઊંડી ડૂબકી મારતા શીખ્યો.’ શિષ્યે જણાવ્યું, ‘પછી દુર્ગમ જંગલો પણ સર કર્યાં. મેં રણમાં પણ દિવસો વિતાવ્યા. મેં પેરાગ્લાઇડિંગ પણ કર્યું અને તમે માનશો નહીં મેં...’ ગુરુએ હાથ ઊંચો કરી શિષ્યને અટકાવતાં પૂછ્યું, ‘ઠીક છે, ઠીક છે, પરંતુ આ બધું કરતી વખતે તને જીવનનો આનંદ ઉઠાવવાનો સમય ક્યારે મળ્યો?’

આ છે ઝેન કથા. બુલેટ જેવી જ ટચૂકડી, પણ સોંસરવી ઊતરી જાય એવી! આપણે જાણીએ છીએ કે બૌદ્ધ ધર્મ જાપાનમાં ઝેન સ્વરૂપે ફૂલ્યોફાલ્યો છે. ઝેન માણસની પૂર્ણ જાગૃતિમાં માને છે. આમ તો ધર્મને અફીણ સાથે સરખાવવામાં આવે છે, પણ ઝેન જરા હટકે વિચારધારા છે, તે કોઈ પણ જાતના કેફ કે ઘેનથી સદાય દૂર રહીને સતત જાગૃત રહેવાની સલાહ આપે છે. ઝેન સંતોએ મોટા મોટા બોધપાઠો-શીખને નાની નાની વાર્તાઓમાં વણી લઈને સમગ્ર માનવજાત પર મોટો ઉપકાર કર્યો છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. તર્કનાં તીરો ચલાવીને લોકોનાં દિમાગ પર ચડેલા ધર્મ સંપ્રદાયના કેફને ઉતારવા માટે મથનારા ઓશો રજનીશનાં પ્રવચનોમાં સહજપણે ઝેન કથાનો સમાવેશ થયેલો જોવા મળે છે. ગુજરાતમાં જાપાનના સહયોગથી આવનારી બુલેટ ટ્રેનની ચર્ચા ચાલી રહી છે ત્યારે બૌદ્ધિક બુલેટ સમી ઝેન કથાઓને કેમ વીસરી શકાય. બીજી એક ઝેન કથા માણીએ:

એક ઝેન સાધુની કુટીરમાં ચોર ઘૂસેલો. એવામાં સાધુ આવ્યા અને તેમણે ચોરને પકડ્યો. સાધુની કુટીરમાંથી તો ચોરને શું મળે? જોકે, સાધુએ ચોરને કહ્યું, ‘તું બહુ દૂરથી આવ્યો હશે. તારે ખાલી હાથે ન જવું જોઈએ. ચાલ, હું તને મારાં વસ્ત્રો આપી દઉં.’ ચોરને શરમ તો આવી, પણ તે વસ્ત્રો લઈને ચાલ્યો ગયો. સાધુ તો કુટીરમાં નગ્ન બેઠા આકાશમાં ચાંદને જોવા લાગ્યા. તેમણે વિચાર્યું, ‘બિચારો ચોર, કાશ હું તેને આ ચાંદ આપી શક્યો હોત!’

ટચૂકડી વાર્તામાં કેટકેટલા સંદેશા અને શીખ મળે છે! આ જ મજા છે, ઝેન કથાઓની. આજના મહત્ત્વાકાંક્ષી માનવીને વિચારતાં કરી દે, એવી વધુ એક ઝેન કથા જોઈએ:

એક પ્રખ્યાત અભિનેત્રી ઝેન આશ્રમમાં આવી અને કહ્યું, ‘જ્યારે હું અભિનેત્રી નહોતી ત્યારે મને થતું હું ‘કંઈ જ નથી’. હું કંઈક બનવા માગતી હતી. એ માટે મેં ખૂબ જ મહેનત કરી. મારી જે કંઈ ઇચ્છા હતી, એ બધું જ મેં મેળવ્યું. આજે મારી પાસે બધું જ છે.’ ઝેન સંતે પૂછ્યું, ‘તો પછી તું અહીં કેમ આવી છે?’ અભિનેત્રીએ જવાબ આપ્યો, ‘હું ફરી ‘કંઈ જ નથી’ બનવા માગું છું.’

બીજી પણ એક ઝેન કથા જોઈએ, જે જીવનને સહજતાથી અને જાગૃતિપૂર્વક આગળ વધારવાનો સંદેશો આપે છે.

એક નવા સાધકે ગુરુને પૂછ્યું, ‘હું હજુ હમણાં જ મઠમાં જોડાયો છું. કૃપા કરીને મને કોઈ શીખ આપો.’ ગુરુએ સામે પૂછ્યું, ‘શું તમે તમારી ખીચડી ખાઈ લીધી છે?’ નવો સાધક કહે, ‘હા જી.’ ગુરુએ કહ્યું, ‘તો તમારાં વાસણ પણ ધોઈ લો.’ કહે છે કે એ સાધકને તરત બોધિ પ્રાપ્ત થઈ ગઈ હતી.

છેલ્લે એક ઝેન કથા સાથે લેખ પૂરો કરું છું, પણ આશા રાખું છું આપનું ચિંતન ચાલુ રહેશે.

‘એક વ્યક્તિ બેકાબૂ બનેલા ઘોડા પર બેઠી હતી અને ઘોડો રસ્તા પર દોડ્યે જતો હતો. સડકના કિનારે ઊભેલા એક યાત્રીએ બૂમ પાડીને પૂછ્યું, ‘ભાઈ, ક્યાં જઈ રહ્યો છે?’ ઘોડેસવારે લગભગ ચીસ પાડીને જવાબ આપ્યો, ‘મને કંઈ ખબર નથી! તમે ઘોડાને પૂછી જુઓ!!’

આપને તો ખબર હશે જ કે તમે જેના પર સવાર છો, એ ઘોડો તમને ક્યાં લઈ જઈ રહ્યો છે!

(‘દિવ્ય ભાસ્કર’ની 19મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 13, 2017

સૂ કી : સિદ્ધાંત V/s સત્તામોહ

દિવ્યેશ વ્યાસ


રોહિંગ્યા મુદ્દે સૂ કીના મૌન અને પછી લૂલા બચાવે તેમની વૈશ્વિક શાખ અને શાનને બટ્ટો લગાવ્યો છે

(લેખને અનુરૂપ હાવભાવવાળી આ તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

આજકાલ દુનિયામાં બે દેશોના વડાઓ સૌથી વધારે વગોવાઈ રહ્યા છે. વગોવાતા-વખોડાતા રાષ્ટ્રીય સત્તાધીશોમાં પહેલા ક્રમે આવે છે ઉત્તર કોરિયાનો યુવા સરમુખત્યાર કિમ જોંગ ઉન. એક પછી એક પરમાણુ પરીક્ષણો અને મિસાઇલ ટેસ્ટ પછી છેલ્લે હાઇડ્રોજન બૉમ્બનું પરીક્ષણ કરીને તેણે ભલભલી મહાસત્તાઓને હચમચાવી દીધી છે. અમુક લોકોને તો ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. અલબત્ત, ઉન જે કંઈ કરી રહ્યા છે, એમાં કશું અનઅપેક્ષિત નથી. યુદ્ધખોર પ્રકૃતિ ઉનને ડીએનએમાં મળેલી છે. ઉનના પિતા અને પિતામહની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કંઈક આવી જ હતી. ઉન જરા યુવા વયમાં સત્તામાં આવી ગયા છે ત્યારે તેમનું ઉકળતું લોહી યુદ્ધ માટે વધારે ઉતાવળું હોય તો એમાં નવાઈ પામવા જેવું જરાય નથી. નવાઈ અને અપેક્ષાભંગનું વધારે તત્ત્વ તો વગોવાઈ રહેલા બીજા નેતાના કિસ્સામાં જોવા મળે છે. આ નેતા એટલે મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર અને વિદેશમંત્રી આંગ સાન સૂ કી.

સૂ કીને મ્યાનમારમાં સત્તા મળી એ પહેલાં પોતાના દેશમાં લોકશાહીની સ્થાપના માટેના અહિંસક આંદોલનને નેતૃત્વ પૂરું પાડવા માટે તેમને વિશ્વવિખ્યાત શાંતિનો નોબેલ પારિતોષિક મળ્યો હતો. શાંતિનો નોબેલ ભલે ગાંધીજીને ન મળી શક્યો હોય, પરંતુ ગાંધીજીના સિદ્ધાંતો મુજબ અન્યાય સામે સંઘર્ષ કરનારા અનેક લોકોને શાંતિનો નોબેલ પારિતોષિક મળી ચૂક્યો છે અને આ ગૌરવવંતી યાદીમાં સૂ કીનો પણ આજ દિન સુધી સસન્માન સમાવેશ થતો આવ્યો છે, પરંતુ રોહિંગ્યાના મુદ્દે તેમના મૌન અને નિષ્ક્રિયતાને કારણે હવે તેમની ચોમેરથી ટીકા થઈ રહી છે. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારો અને તેમની વ્યાપક હિજરતનો મામલો હવે આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. રોહિંગ્યાની વકરી રહેલી સ્થિતિ મામલે મૌન અને પછી લૂલો બચાવ કરવાને કારણે સૂ કીની શાખ અને શાનને બટ્ટો લાગ્યો છે. સૂ કીએ લૂલો બચાવ કર્યો છે કે ‘રોહિંગ્યા મુસ્લિમોનો મુદ્દો તો દાયકાઓ જૂની સમસ્યા છે. હું મારા 18 મહિનાના શાસનમાં આ સમસ્યાનો ઉકેલ લાવી શકું, એવી અપેક્ષા કઈ રીતે કરી શકાય.’ સૂ કીને કોણ સમજાવે કે ઉકેલ આવે કે ન આવે તમારો એ દિશામાં પ્રયાસ કે સક્રીયતા તો દેખાવી જોઈએને?

રોહિંગ્યા મુસ્લિમોની સમસ્યા આંગ સાન સૂકી માટે સૌથી મોટો રાજકીય પડકાર બની ગયો છે. જોકે, રોહિંગ્યાના મામલે સૂ કી ગાંધીજીના નહીં, પરંતુ પોતાના પિતા આંગ સાનના માર્ગે ચાલી રહ્યા હોય એવું લાગે છે. સૂ કીના પિતા આંગ સાને 1946માં રોહિંગ્યાઓને તમામ અધિકાર આપવાનો અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં રાખવામાં આવે, એવી ખાતરી આપી હતી, પરંતુ તેમણે વાયદો નિભાવ્યો નહોતો. ઈ.સ. 1947માં તેમણે બર્માના જુદા જુદા જાતિ-ધર્મના સમુદાયોને એકઠા કરેલા ત્યારે તેમણે રોહિંગ્યા સમુદાયના લોકોને સામેલ કરવાનું ટાળ્યું હતું. 1970ના દાયકાથી લઈને આજ સુધી રોહિંગ્યા પર સમયાંતરે હુમલાઓ થયા કરે છે. 1982માં તો તેમનું નાગરિકત્વ જ છીનવાઈ ગયું છે. લાખો રોહિંગ્યા પોતાનું વતન છોડીને હિજરતી બનવા માટે મજબૂર છે. રોહિંગ્યા વિશ્વના સૌથી વધુ પ્રતાડિત હિજરતી સમુદાય તરીકે જાણીતા બની રહ્યા છે.  

સૂ કીના મીંઢા મૌનની ટીકા દ. આફ્રિકાના આર્કબિશપ ડેસમન્ડ ટૂટૂથી માંડીને મલાલા સુધીના 12 નોબેલ પારિતોષિક વિજેતાઓ કરી ચૂક્યા છે. ડેસમન્ડ ટૂટૂએ તો કડક શબ્દોમાં કહ્યું છે, ‘તમારી મ્યાનમારની સત્તાના શિખર પર પહોંચવાની કિંમત તમારું મૌન હોય તો આ કિંમત બહુ વધારે કહેવાય.’ દુનિયાભરના લોકો સૂ કીના અભિગમથી નારાજ છે. 3.86 લાખ લોકોએ એક ઓનલાઇન અરજી થકી નોબેલ પારિતોષિક સમિતિને સૂ કી પાસેથી નોબેલ પારિતોષિક પાછો લઈ લેવાની માગણી કરી છે. નોબેલ સમિતિએ જાહેર કર્યું છે કે પુરસ્કાર પાછો લેવાની જોગવાઈ નથી, આમ અધિકૃત રીતે તો સૂ કી પાસેથી નોબેલ પાછો નહીં લેવાય, પરંતુ સૂ કી જો પોતાનું વલણ નહીં બદલે કે પછી સત્તામોહ માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરવાનું અને માનવતાને કોરાણે મૂકવાનું ચાલુ રાખશે તો નોબેલ પાછો લેવા કરતાં પણ મોટી નાલેશી તેમણે ઇતિહાસના ગ્રંથોમાં ભોગવવી પડશે.

(‘દિવ્ય ભાસ્કર’ની 13મી સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, September 6, 2017

બાળસુરક્ષા માટે યાત્રા

દિવ્યેશ વ્યાસ

બાળ અધિકારોના લડવૈયા કૈલાશ સત્યાર્થી બાળકોની સુરક્ષાના મુદ્દે ‘ભારત યાત્રા’નું આયોજન કર્યું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ગોડફાધર’ના રચયિતા મારિયો પુઝોનું એક જાણીતું વાક્ય છે, ‘The only wealth in this world is children, more than all the money, power on earth.’ (આ દુનિયામાં પૈસા, સત્તા કરતાં પણ બાળકો જ ખરી સંપત્તિ છે.) એક બાળક માત્ર પરિવારની જ નહીં પણ દેશની મહામૂલી મૂડી હોય છે. બાળકોને આપણે ભાવિ પેઢી - ભવિષ્યના નાગરિકો ગણીએ છીએ, પરંતુ તેમના પ્રત્યેનું આપણું વલણ આપણે સૌ ધારીએ છીએ એટલું સારું, સજાગ કે સંપૂર્ણ નથી. ‘એક્સિડેન્ટલ’ અને અણઘડ માતા-પિતા દ્વારા બાળઉછેરમાં રહી જતી કચાશોની વાત જવા દઈએ તથા શાળાઓમાં શિક્ષણના સ્તરની ચિંતા પણ છોડી દઈએ, તોપણ આપણા સમાજમાં બાળકો માટે બહુ સારો માહોલ છે, એવી ગેરસમજ રાખવા જેવી નથી. સૌથી ચિંતાજનક બાબત બાળકોની સુરક્ષાની છે. બાળક આજે ન ઘરમાં સુરક્ષિત છે, ન શાળામાં કે ન અન્ય ક્યાંય. દરેક માતા-પિતા બાળકની સુરક્ષાના મામલે ચિંતાગ્રસ્ત રહેતાં હોય છે. બાળકો ગુમ થવાની ઘટનાના સાચા આંકડાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બીપી અમુક સેકન્ડો માટે હાઇ થયા વિના ન રહે. સમગ્ર સમસ્યાને સમજવા માટે માત્ર એક જ આંકડો કાફી છે: આપણા દેશમાં પોલીસના જ આંકડા મુજબ દર કલાકે આઠ બાળકો ગુમ થાય છે! આ બાળકોને ગાયબ કરનારા તેમની પાસે શું શું કરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશમાં માનવ તસ્કરી અને એમાંય વધારે આસાન હોવાથી બાળકોની તસ્કરીની સમસ્યા વકરી રહી છે. તસ્કરી કરેલાં બાળકો માટે આ ધરતી જ નર્ક સમાન બની જતી હોય છે. આ બાળકો પાસે કમરતોડ મજૂરી કરાવાય છે, કેટલાંક બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવાય છે તો કેટલાંક કમનસીબ પાસે વેશ્યાવૃત્તિ. લાચાર બાળકોના શરીરમાંથી અમુક અંગો પણ કાઢી લેવામાં આવે છે અને તે અંગોને અત્યંત ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે. આ બાળકોનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. કાં તો તેઓ કોઈ ને કોઈ રોગથી પીડાઈને કે પછી ભૂખમરાથી મૃત્યુ પામે છે અથવા તો યુવાન થયા પછી શોષણખોરોથી છટકીને પોતે ક્રિમિનલ્સ બનીને સમાજની બીમારીઓમાં વધારો કરતાં રહે છે. આવાં બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લગભગ શૂન્યવત્ હોય છે.

બાળકોનું આવું શોષણ કઈ રીતે સાંખી લેવાય? બાળ અધિકારો માટે સાડા ત્રણ દાયકાઓથી કાર્યરત એવા કૈલાશ સત્યાર્થીએ હવે બાળ તસ્કરી અને બાળકોના શારીરિક શોષણ વિરુદ્ધ જંગ છેડવાનું એલાન કર્યું છે. કૈલાશ સત્યાર્થી અને તેમની ‘બચપન બચાવો આંદોલન’ નામની એનજીઓએ દેશવ્યાપી ‘ભારતયાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દેશનાં કુલ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે. 35 દિવસની આ યાત્રા કુલ 11,000 કિલોમીટર લાંબી મજલ કાપશે. જોકે, બાળઅધિકારો અને સુરક્ષિત બાળપણની મજલ તો એના કરતાંય લાંબી હોઈ શકે છે.

કૈલાશ સત્યાર્થીની ‘ભારતયાત્રા’નો મુખ્ય નારો ‘સુરક્ષિત બાળપણ, સુરક્ષિત ભારત’ છે. આ યાત્રા થકી તેમનો ઉદ્દેશ દેશભરના લોકોને બાળઅધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. કૈલાશ સત્યાર્થીએ આ યાત્રા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા થકી દેશમાં ચાલી રહેલી બાળકોની તસ્કરી અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે. સાથે સાથે માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક કાયદો કરવાની માગણી પણ ઉગ્ર બનાવવામાં આવશે. માનવ તસ્કરીના સમાચાર છાશવારે આવતા હોય છે, પરંતુ ભારતમાં તેની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો ન હોવાથી ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. આવા સંજોગોમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી અટકાવવા માટે સ્પષ્ટ અને કડક કાયદાની તાતી જરૂર છે. 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી આ યાત્રા 16મી ઑક્ટોબરે દિલ્હી ખાતે સંપન્ન થશે અને સંસદમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાયદો બનાવવાની રજૂઆત કરવામાં આવશે. આશરે દસ લાખ લોકો આ યાત્રામાં જોડાવાનો અંદાજ છે. એક કરોડ લોકોને બાળકોના શોષણ અને તસ્કરી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો નિર્ધાર કરાયો છે.

કૈલાશ સત્યાર્થી છેલ્લાં સાડા ત્રણ દાયકાથી બાળકોની આઝાદી, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્યરત છે. કૈલાશભાઈ  અગાઉ ઈ.સ. 1998માં ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર તથા ઈ.સ. 2001માં શિક્ષા યાત્રાનું સફળ અને સાર્થક આયોજન કરી ચૂક્યા છે.

આ યાત્રાના પ્રારંભ માટે 11મી સપ્ટેમ્બરની તારીખ અને કન્યાકુમારી સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદ નિમિત્ત બન્યા છે. સ્વામી વિવેકાનંદને કન્યાકુમારીમાં જ્ઞાન લાધ્યું હોવાનું કહેવાય છે. વળી, તેમણે ઈ.સ. 1893માં 11મી સપ્ટેબરના દિવસે જ સર્વધર્મ સંમેલનમાં પ્રભાવક પ્રવચન આપ્યું. વિવેકાનંદના સૂત્રને થોડા ફેરફાર સાથે કહી શકાય, બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો, જાગીને સક્રિય બનો અને આ બદી નાબૂદ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

કૈલાશ સત્યાર્થીના નિવેદન સાથે લેખ પૂરો કરીએ, ‘આપણે જો ખરેખર ‘ન્યૂ ઇન્ડિયા’ના સર્જન માટે ઉત્સાહી અને પ્રતિબદ્ધ હોઈએ તો આપણી બાળાઓ અને બાળકો આપણાં ઘરો, શાળાઓ અને તેમના આસપાસના માહોલમાં સુરક્ષિત હોવાં જોઈશે. ખરું ન્યૂ ઇન્ડિયા ત્યારે જ સર્જાશે જ્યારે દેશનાં તમામ બાળકો સુરક્ષિત, મુક્ત અને શિક્ષણ મેળવી રહ્યાં હશે અને આ તેના માટેનું જ આંદોલન છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, August 30, 2017

ઉ. કોરિયાનું કમભાગ્ય

દિવ્યેશ વ્યાસ


સોવિયત સંઘે ગાંધીવિચારોમાં માનતા ચો મન સિકને બદલે કઠપૂતળી નેતા કિમ ઇલ સંગને સપોર્ટ કરીને ઉ. કોરિયાની ઘોર ખોદી

(દ. કોરિયામાં આવેલી ચો મન સિકની પ્રતિમા, જે આજે પણ એક-અખંડ કોરિયાના સ્વપ્નની પ્રતીક છે)

ઇતિહાસ અનેક ‘જો અને તો’ની વચ્ચે ઝોલા ખાતો હોય છે. આજે ઉત્તર કોરિયાના તુંડમિજાજી સરમુખત્યાર કિમ જોંગ ઉનને કારણે પરમાણુ યુદ્ધથી માંડીને વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે એક સવાલ જરૂર થાય છે કે ઉ. કોરિયાની ગાદી પર એક જ પરિવારનું સામંતી સામ્રાજ્ય ન હોત તો ઇતિહાસની સાથે સાથે વર્તમાન પણ જુદો હોત. સંસ્થાનવાદમાંથી આઝાદ થયેલાં બધાં રાષ્ટ્રો ભારત જેવાં સદ્્ભાગી નહોતાં કે તેમને ગાંધી-નેહરુ-સરદાર જેવા નેતા મળે. ગાંધીજીએ આઝાદી માટેનો આંદોલન કરવાનો જુસ્સો જગાડવાની સાથે સાથે રચનાત્મક કાર્યક્રમો થકી દેશમાં સામાજિક અને રાજકીય સુધારાની દિશાદોરી આપી હતી. નેહરુએ ભારતને સંકુચિત નહીં, પરંતુ સર્વસમાવેશક બનાવવા તથા દેશમાં લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થા સ્થાપવા માટે નેતૃત્વ પૂરું પાડ્યું તો સરદારસાહેબે ભારતને એક-અખંડ બનાવીને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. ઉ. કોરિયાના એટલા કમભાગ્ય કે તેને એક સારો અને સર્વમાન્ય નેતા જરૂર મળ્યો હતો, પરંતુ સત્તા અને પ્રભુત્વના કાવાદાવામાં તેણે શહીદી વહોરવી પડી હતી. આ નેતા એટલે ચો મન સિક.

ચો મન સિકનો કોરિયાના ગાંધી તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ચો મન સિક સંપૂર્ણપણે ગાંધીવિચારોને સમર્પિત નહોતા, છતાં તેમના પર ગાંધીજીના વિચારોનો ખૂબ જ પ્રભાવ હતો. ચો મન સિકનો જન્મ ઉ. કોરિયાની હાલની રાજધાની પ્યોંગયોંગમાં 1 ફેબ્રુઆરી, 1883ના રોજ થયો હતો. યુવાની ફૂટતાં જરા આડે રસ્તે ચડી ગયેલા ચો મન સિક પછી ખ્રિસ્તી ધર્મ અને ધર્મગ્રંથોના સંપર્કમાં આવતાં તેમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. તેઓ 1908થી 1913 દરમિયાન જાપાનમાં ભણવા ગયા. એ દરમિયાન પહેલા વિશ્વયુદ્ધમાં જાપાને કોરિયા પર કબજો જમાવી દીધો હતો. કોરિયામાં જાપાની સામ્રાજ્યથી આઝાદીનું આંદોલન વેગ પકડતું જતું હતું. જાપાનમાં અભ્યાસ દરમિયાન ચો મન સિકે સંસ્થાનવાદ વિરુદ્ધ ગાંધીજીના અહિંસક આંદોલન અંગે વાંચ્યું-જાણ્યું અને ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયા. સ્વદેશ પાછા ફરીને તેમણે શિક્ષકની નોકરી સ્વીકારી અને આગળ જતાં આચાર્ય પદ મેળવ્યું હતું, સાથે સાથે તેઓ આઝાદી આંદોલનમાં સક્રિય પણ બન્યા હતા. આંદોલનમાં સક્રિયતાને કારણે તેમણે આચાર્યપદ ગુમાવવું પડ્યું હતું અને 1919માં આઝાદી આંદોલનમાં જોડાવા બદલ તેમને એક વર્ષની જેલ થઈ હતી. 1922માં તેમણે કોરિયન પ્રોડક્ટ પ્રમોશન સોસાયટીની સ્થાપના કરીને જાપાન વિરુદ્ધ અહિંસક લોકઆંદોલન જગાવ્યું હતું. તેમણે જાપાની વસ્તુઓના બહિષ્કારની સાથે સાથે કોરિયન બનાવટની વસ્તુઓ જ વાપરવા લોકોને જાગૃત કર્યા હતા. આ આંદોલનને કારણે તેઓ સમગ્ર કોરિયામાં લોકનેતા તરીકે ઊભરી આવ્યા હતા.

જાપાન બીજું વિશ્વયુદ્ધ હારી ગયું અને તેણે 1945માં કોરિયાને પોતાના શાસનમાંથી મુક્ત કર્યું ત્યારે પ્રોવિઝનલ પીપલ્સ કમિટીની રચના કરીને દેશના વડા તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું હતું. જોકે, આંતરારાષ્ટ્રીય રાજકારણે કોરિયાનો ખેલ બગાડ્યો હતો. ‘મિત્ર રાષ્ટ્રો’ એવા અમેરિકા અને સોવિયત સંઘ કોરિયાને બે ભાગમાં - ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયામાં વહેંચીને એક એક ભાગનો વહીવટી સંભાળી લેવા ઉત્સુક હતા અને સંયુક્ત રાષ્ટ્ર પણ એ માટે તૈયાર હતું. જોકે, ચો મન સિકને ગાંધીજીની જેમ જ પોતાના દેશના ભાગલા મંજૂર નહોતા. ચો મન સિકના વતન એવા ઉ. કોરિયાનો વહીવટ સોવિયત સંઘને સોંપાયો હતો. ખ્રિસ્તી ધર્મમાં અપાર શ્રદ્ધા ધરાવનારા, ગાંધીજીના વિચારોથી પ્રભાવિત, સામ્યવાદીઓની રીતભાતોને પસંદ નહીં કરનારા અને કોરિયાની એકતાના હિમાયતી એવા સિક સર્વોચ્ચ અને લોકમાન્ય નેતા હોવા છતાં સોવિયત સંઘે તેમને સાઇડલાઇન કર્યા અને પોતાના હાથની કઠપૂતળી બનીને રહે એવા યુવા અને તોફાની નેતા કિમ ઇલ સંગને પ્રમોટ કર્યા અને ઉ. કોરિયાના લમણે એક સરમુખત્યાર લખાઈ ગયો.

આ સરમુખત્યાર સંગ ગાંધીજી અને ગાંધી વિચારો અંગે શું માનતા હતા, તેની ઝલક પણ બીબીસીના અહેવાલમાં બતાવાઈ છે. કિમ અલ સંગને ગાંધીજીના વિચારોમાં બિલકુલ શ્રદ્ધા નહોતી, તેમણે પોતાના પુસ્તક ‘વિથ ધ સેંચ્યુરી’માં લખ્યું છે, ‘જિલિનમાં થોડા દિવસના નિવાસ દરમિયાન ગાંધીનો પત્ર વાંચીને મેં પાર્ક સો સિમ સમક્ષ અહિંસાના સિદ્ધાંતની ટીકા કરી હતી. જિલિનમાં રહેનારા એકેય કોરિયન યુવાને ગાંધીની વિચારધારાને સ્વીકારી નહીં. કોઈ એટલું મૂર્ખ તો નહોતું જ કે જે એવી કલ્પના કરે કે અહિંસાના માર્ગે ચાલીશું તો જાપાન ચાંદીની તાસક પર અમને આઝાદી આપી દેશે.’

સોવિયત સંઘના ઇશારે પહેલાં તો સિકને નજરકેદ કરાયા, પરંતુ આગળ જતાં સંગે પોતાની સરકાર ઊથલાવી દેવાના કાવતરાનો આરોપ લગાવીને ઑક્ટોબર-1950માં છાનાછપના મૃત્યુદંડ આપી દેવાયો હતો. કહેવાય છે કે મૃત્યુદંડ આપતા પહેલાં અધિકારીઓએ તેમને પાછલા બારણે ભાગી જવાની સલાહ અને મદદ કરવાની ખાતરી આપી હોવા છતાં તેમણે પોતાના અન્ય સાથીઓની સાથે જેલમાં જ સબડવાનું અને દેશ માટે મૃત્યુને ગળે લગાડવાનું પસંદ કર્યું હતું. ચો મન સિકના મોત બાદ સરકારની ધોંશ વધતાં ખ્રિસ્તીઓએ ધીમે ધીમે ઉ. કોરિયામાંથી પલાયન શરૂ કર્યું હતું અને તેઓ મોટા ભાગે દ. કોરિયામાં સ્થાયી થયા હતા. મૂળ વતન એવું ઉ. કોરિયાએ તો ચો મન સિકની કદર ન કરી, પરંતુ દ. કોરિયાએ તેમના દેશની આઝાદીના યોગદાનની કદર કરીને ઈ.સ. 1970માં દેશના સર્વોચ્ચ પુરસ્કાર ‘ઓર્ડર ઑફ મેરીટ ફોર નેશનલ ફાઉન્ડેશન’થી નવાજ્યા હતા. દ. કોરિયામાં ચો મન સિકની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. હવે તો ઉ. કોરિયામાં પણ એક નાનકડું સંગ્રહાલય તૈયાર કરાયું છે, જેમાં ચો મન સિક દ્વારા વપરાશમાં લેવાયેલી વસ્તુઓ તથા દસ્તાવેજો સાચવવામાં આવે છે.

ગાંધીવિચારોમાં માનનારા ચો મન સિક ઉ. કોરિયાના શાસક બન્યા હોત તો આ દેશની આવી હાલત ન હોત.

(‘દિવ્ય ભાસ્કર’ની 30મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ-બિનસંપાદિત)

Wednesday, August 23, 2017

શિક્ષણનું સપનું ઓક્સફર્ડ પહોંચ્યું

દિવ્યેશ વ્યાસ


દુનિયાના દરેક બાળક માટે શિક્ષણનું સપનું જોનારી બહાદુર મલાલા હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભણશે


(આ ગ્રાફિક મલાલાની વેબસાઇટ પરથી લીધેલું છે.)

મલાલા. આ નામ સાંભળતાં જ આપણું મોં મલકાઈ જાય. એક બાળા જેણે દરેક બાળકના શિક્ષણના અધિકાર માટે સંઘર્ષ આદર્યો છે. મલાલાની અધિકૃત વેબસાઇટ www.malala.org પર મલાલા’ઝ સ્ટોરી પાન ખોલતાં જ  તેનું એક સચોટ વાક્ય વાંચવા મળે છે, I tell my story, not because it is unique, but because it is not. It is a the story of many girls. (હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.) મલાલા આ વાક્ય તેને શાંતિનું નોબેલ પારિતોષિક એનાયત થયું, એ સમારંભમાં પોતાના વક્તવ્યમાં બોલી હતી. આ વક્તવ્યમાં જ તેણે કહેલું, ‘હું પણ એ 6 કરોડ 60 લાખ બાળાઓમાંની એક છું, જે શિક્ષણથી વંચિત છે.’ જોકે, મલાલાનું સદ્્ભાગ્ય (કરોડો બાળકો પ્રાથમિક શિક્ષણથી વંચિત છે ત્યારે સદ્્ભાગ્ય જ ગણાય) છે કે તેને બ્રિટનની પ્રતિષ્ઠિત શાળામાં ભણવા મળ્યું અને તાજા સમાચાર મુજબ તેને વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મળી ચૂક્યો છે. 17મી ઑગસ્ટે મલાલાએ જ ટ્વીટ કરીને આ સમાચાર આપતાં લખ્યું હતું, ‘So excited to go to Oxford!!!’ અહેવાલો મુજબ મલાલાએ એ લેવલની પરીક્ષા પાસ કરી છે. હવે તે ઓક્સફર્ડની સૌથી વધારે જાણીતા પીપીઈ (ફિલોસોફી, પોલિટિક્સ અને ઇકોનોમિક્સ) વિભાગમાં અધ્યયન કરીને ઉચ્ચ ડિગ્રી હાંસલ કરશે.

મલાલાની શિક્ષણ માટેની તાલાવેલી અને પ્રતિબદ્ધતા હવે વિશ્વવિખ્યાત છે. આ એ જ મલાલા છે, જે શિક્ષણ માટે બંદૂકની ગોળીનો પણ સામનો કરી ચૂકી છે. આપણે સૌ જાણીએ છીએ કે 12 જુલાઈ, 1997ના રોજ શિક્ષક પિતાના ઘરે જન્મેલી મલાલાને પહેલેથી જ ભણવું ખૂબ જ ગમતું હતું. તે ભણીગણીને ડૉક્ટર થવા માગતી હતી! પાકિસ્તાનની સ્વાત ખીણમાં રહેતી મલાલાની નિયતિમાં કંઈક જુદું જ લખ્યું હતું. વર્ષ 2007માં તાલિબાનોએ સ્વાત ખીણ પર કબજો કરી લીધો અને ખીણમાં જાતજાતના પ્રતિબંધો લાદી દીધા, જેમાંનો એક પ્રતિબંધ કન્યાઓને ભણાવવાનો હતો. આ પ્રતિબંધ મલાલા માટે અન્યાયી જ નહીં, અસહ્ય હતો. બાર વર્ષની બાળા બીજું તો શું કરે, પણ પોતાના પપ્પાના પ્રોત્સાહનથી તેણે બીબીસીમાં પોતાની ઓળખ છુપાવીને ‘ગુલ મકઈ’ના નામે સ્વાત ખીણમાં તાલિબાની કુશાસન અંગે બ્લોગ લખવાનું શરૂ કર્યું. મલાલાએ પોતાના શિક્ષણના અધિકાર માટે પણ પ્રતિકાર કર્યો. તેનો બ્લોગ ચર્ચિત બન્યો અને ‘ન્યૂ યૉર્ક ટાઇમ્સે’ મલાલાના કાર્ય અંગે ટૂંકી ડોક્યુમેન્ટરી બનાવી. પાકિસ્તાને સ્વાત ખીણમાંથી તાલિબાનોને હટાવ્યા. સ્વાતમાં શાળાઓ ફરી ખૂલી અને બાળાઓનું શિક્ષણ શરૂ થયું. 2011માં મલાલાને પાકિસ્તાનનું પહેલું યૂથ પીસ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું. આ પછી મલાલા તાલિબાનોના હિટ લિસ્ટમાં આવી ગઈ. 9 ઑક્ટોબર, 2012ના રોજ શાળાએ જઈ રહેલી મલાલા પર ઘાતક હુમલો કર્યો અને તેને માથામાં ગોળી મારવામાં આવી. મલાલા બચી ગઈ અને શિક્ષણ માટે ગોળી ખાનારી આ પાકિસ્તાની દીકરી રાતોરાત વિશ્વવિખ્યાત બની ગઈ.

મલાલાને યુએનની રાજદૂત બનાવવામાં આવી અને વર્ષ 2013માં તેના 16મા જન્મદિવસ નિમિત્તે યુએનમાં તેનું વક્તવ્ય ગોઠવાયું. યુએનમાં ‘ધ રાઇટ ઑફ એજ્યુકેશન ઑફ એવરી ચાઇલ્ડ’ વિષય પરના તેના ભાષણે સમગ્ર વિશ્વમાં ખાસ્સો પ્રભાવ ઊભો કર્યો હતો. વર્ષ 2014માં મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનું નોબેલ પારિતોષિત મળ્યું હતું. મલાલાએ સૌથી નાની વયે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર હાંસલ કર્યો. વર્ષ 2014માં તે ‘પર્સન ઑફ ધ યર’ બની અને ટાઇમના કવર પર ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિની યાદીમાં પણ મલાલાને ટૉપ ફાઇવમાં સ્થાન મળ્યું હતું. ઑગસ્ટ-2014માં તેનાં સંસ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ આવ્યું અને રાતોરાત બેસ્ટસેલર બની ગયું હતું. મલાલા પર એક ડઝનથી વધુ પુસ્તકો લખાઈ ચૂક્યાં છે.

મલાલા દૃઢપણે માને છે કે, ‘દુનિયામાં અનેક સમસ્યાઓ છે, પરંતુ મારા મતે આ તમામ સમસ્યાઓનો એક જ ઇલાજ છે, અને એ છે શિક્ષણ. તમારે તમામ કન્યાઓ અને કુમારોને ભણાવવા પડે. તમારે તેમને શીખવાની તક પૂરી પાડવી પડે.’ એટલું જ નહીં, મલાલા એક એવા દેશનું સપનું જુએ છે, જ્યાં શિક્ષણનું પ્રભુત્વ હોય. મલાલાનું બીજું એક જાણીતું વાક્ય છે, ‘એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક અને એક પેન દુનિયા બદલી શકે છે.’

આતંકવાદનો ભોગ બનેલી મલાલા એક સુંદર વાત કરે છે, ‘બંદૂકથી તમે આતંકવાદીઓને જ ઠાર કરી શકશો, પણ શિક્ષણ થકી તમે આતંકવાદને નાબૂદ કરી શકશો.’ મલાલા એક સુંદર વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’
મલાલાને આટઆટલી પ્રસિદ્ધિ મળવા છતાં તેણે પોતાના શિક્ષણ પરથી ધ્યાન હટાવ્યું નથી. મલાલા ધારે તો હવે તેણે એટલી પ્રસિદ્ધિ અને પૈસા કમાઈ લીધા છે કે તેણે ભણવાની કોઈ જરૂર નથી, છતાં તે ગંભીરતાથી ભણી રહી છે અને પોતાના પ્રભાવને વધારે પ્રભાવી બનાવી રહી છે.

મલાલા અધિકાર માટે અને અન્યાય સામે પ્રતિકારનું પણ પ્રતીક છે ત્યારે તેના એક વાક્ય સાથે જ લેખ પૂરો કરીએ, ‘જ્યારે આખું વિશ્વ મૌન પાળતું હોય ત્યારે એક અવાજ પણ શક્તિશાળી પુરવાર થાય છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 23મી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 9, 2017

થોરો : 200 વર્ષની બૌદ્ધિકતા

દિવ્યેશ વ્યાસ


સરકારની અન્યાયી નીતિના વિરોધમાં ટેક્સ નહીં ભરીને જેલમાં જનારા હેન્રી ડેવિડ થોરોની પ્રસ્તુતતા વધતી જ જાય છે

(તસવીર ગૂગલ પરથી શોધીને મૂકી છે.)

વિખ્યાત કવિ રાલ્ફ વાલ્ડો ઇમર્સનને જેવી ખબર પડી કે પોતાના દિલોજાન દોસ્તને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે ત્યારે તેઓ દોડીને તેમને મળવા દોડી ગયા. જેલમાં સલાખોં કે પીછે પોતાના મિત્રને જોઈને ઇમર્સનથી સહજ પુછાઈ ગયું, ‘તું જેલમાં કેમ છો?’ ત્યારે દોસ્તે જવાબમાં સામો સવાલ કરેલો, ‘તું હજુ બહાર કેમ છો?’ આ જવાબ આપનાર દોસ્ત હતા અમેરિકાના વિશ્વવિખ્યાત બૌદ્ધિક, વિચારક અને લેખક હેન્રી ડેવિડ થોરો. થોરોના એ સણસણતા સવાલમાં જ એક માતબર જવાબ (અને મૌલિક વિચાર પણ) હતો: ‘જે રાજ્યમાં અન્યાય સામે લડનારાઓ જેલમાં પુરાય છે ત્યારે સમજવું કે ન્યાયપ્રિય લોકોનું સ્થાન જેલમાં છે.’ અમેરિકાની તત્કાલીન સરકારની કેટલીક અન્યાયી નીતિઓ અંગે પોતાનો વિરોધ નોંધાવવા માટે થોરોએ ટેક્સ ન ભરીને પ્રતિકાર કર્યો હતો. થોરો અમેરિકામાં ચાલતી ગુલામી પ્રથા અને તેને સમર્થન આપતા કાયદાઓના પ્રખર વિરોધી હતા. એ ઉપરાંત અમેરિકા દ્વારા મેક્સિકો સામે ચાલી રહેલા યુદ્ધના પણ ટીકાકાર હતા. ઈ.સ. 1846ની 24 કે 25મી જુલાઈના રોજ સેમ સ્ટેપલ્સ નામના કરવેરા અધિકારી થોરોના ઘરે ટેક્સ લેવા આવ્યા હતા. થોરોએ ટેક્સ ભરવાની ચોખ્ખી ના પાડી દીધી અને પોતે શા માટે સરકારી વેરો ભરવા માગતા નથી, એ જણાવ્યું. ટેક્સ ભરવાનો ઇનકાર કરવા બદલ તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા. થોરોએ વિનમ્રતાપૂર્વક જેલની સજા સ્વીકારી પણ કરવેરો નહોતો ચૂકવ્યો. જોકે, પછી તેમના પરિવારની કોઈ મહિલાએ તેમની ઇચ્છા અને કદાચ જાણબહાર કરવેરો ભરી દેતાં તેમને એક જ દિવસમાં જેલમાંથી મુક્તિ મળી ગઈ હતી. સરકારની અનીતિ અને અન્યાયી નીતિઓ સામે છડેચોક પ્રતિકાર કરવાનું થોરોએ જ શીખવ્યું હતું. થોરોનો એક દિવસનો જેલવાસ અમેરિકન ઇતિહાસનું યશસ્વી પ્રકરણ બની રહ્યું છે અને તાજેતરનાં વર્ષોમાં ચાલેલી ઓક્યુપાઇ વૉલ સ્ટ્રીટ જેવી અનેક ચળવળોને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે.

હેન્રી ડેવિડ થોરોનો 200મો જન્મદિવસ તાજેતરમાં 12મી જુલાઈના રોજ ઊજવાઈ ગયો. થોરોની દ્વિશતાબ્દી નિમિત્તે અમેરિકાની પોસ્ટલ સર્વિસ દ્વારા વોલ્ડન સરોવરના કાંઠે વિશેષ કાર્યક્રમ યોજીને તેમની પોસ્ટલ ટિકિટ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સરકારી કાર્યક્રમ ઉપરાંત નોંધનીય ઉજવણી એ થઈ કે આ દિવસોમાં થોરોનાં બે જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે. કદાચ 50 વર્ષના લાંબા ગાળા પછી થોરો પરની માતબર જીવનકથા પ્રગટ થઈ છે. આ બે પુસ્તકોમાંથી એક પુસ્તક તો અમેરિકન લેખિકા લૌરા દાસો વૉલ્સે લખ્યું છે, જેનું શીર્ષક છે, હેન્રી ડેવિડ થોરો : અ લાઇફ’. આ પુસ્તકમાં થોરોને સિદ્ધાંતો આધારિત જીવન જીવી જનારા મહાનુભાવ તરીકે ચિત્રિત કરવામાં આવ્યા છે. આ પુસ્તકનો ઝોક પર્યાવરણ પર વધારે જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે બે વર્ષ, બે મહિના અને બે દિવસ સુધી વોલ્ડન સરોવરની પાળે સાદું ઝૂંપડું બાંધીને રહેનારા થોરો પ્રકૃતિને ખૂબ જ ચાહતા હતા. થોરાના ‘વોલ્ડન’ પુસ્તકમાં તેમના પ્રકૃતિપ્રેમની સાથે સાથે પર્યા‌વરણ માટે આપણી જવાબદારીઓનો બોધપાઠ પણ મળે છે. લૌરાબહેને આજના ક્લાઇમેટ ચેઇન્જ અને ગ્લોબલ વૉર્મિંગના પડકારો સામે થોરોનું જીવન અને વિચારો કઈ રીતે ઉપયોગી-પ્રેરણાદાયી બની શકે છે, તે સમજાવવા પ્રયાસ કર્યો છે.

થોરો પરનું બીજું પુસ્તક જર્મનીમાં લખાયું છે, જેના શીર્ષકનો અંગ્રેજી અનુવાદ ‘હેન્રી ડેવિડ થોરો : પાથ્સ ઑફ એન અમેરિકન ઓથર’ થઈ શકે. જર્મન લેખક ડાઇટર શુલ્ઝે એક ઇન્ટરવ્યૂમાં બહુ જ ભારપૂર્વક જણાવ્યું છે કે થોરોના વિચારો આજે જેટલા પ્રસ્તુત છે, એટલા અગાઉ ક્યારેય પણ નહોતા.

થોરો એવા મહાન વિચારક હતા, જેમના વિચારોને ટૉલ્સ્ટૉય, ગાંધીજી, ઇમર્સન, યીસ્ટ, અર્નેસ્ટ હેમિંગ્વે, માર્ટિન લ્યૂથર કિંગ જૂ. અને જ્હોન એફ. કેનેડી જેવા મહાનુભાવોને પણ પ્રભાવિત કર્યા હતા. ગાંધીજીએ તો લેખિતમાં સ્વીકારેલું છે કે સવિનય કાનૂન ભંગ કે અસહકાર આંદોલનની પ્રેરણા થોરાના ‘નાગરિક પ્રતિકાર’ (Civil disobedience)માંથી સાંપડી હતી.

અમેરિકા અને ભારત સહિત તમામ દેશોમાં બહુમતીવાદ મજબૂત થતો જાય છે ત્યારે થોરોના વિચારો મનનીય બન્યા છે. થોરો માનતા હતા કે ‘સત્ય બહુમતી પાસે જ હોય એમ નહીં, પણ લઘુમતી કે એક વ્યક્તિની વિવેકબુદ્ધિમાંયે એ હોઈ શકે છે.’ લોકો શાંતિથી અન્યાયને જોતા રહે અને ન્યાય માટે આવતી ચૂંટણી સુધી રાહ જોતા રહે, એની સામે થોરોને વાંધો હતો. થોરો માનતા કે સરકારને આપણે સમાજવ્યવસ્થા બરાબર ચાલે એ માટે બનાવેલી છે. તે એક પ્રકારની મશીનરી છે. કોઈ મશીન બરાબર કામ ન કરે ત્યારે આપણે તેને બંધ કરીએ છીએ તેમ સરકાર જ્યારે યોગ્ય રીતે કામ ન કરે, અન્યાયી બને ત્યારે તેને કામ કરતી બંધ કરવા વિરોધ કરવો જોઈએ.

સૃષ્ટિ અને સરકાર/શાસન અંગેના થોરોના વિચારોનું (પુસ્તકોનું) વાંચન તથા મનન-ચિંતન કરીને જ તેમનું દ્વિશતાબ્દી વર્ષ ઊજવવું જોઈએ, ખરું ને?

(‘દિવ્ય ભાસ્કર’ની 9મી ઑગસ્ટ, 2017ની કળશ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, August 2, 2017

આફત અને રાજનેતાનો આપદધર્મ

દિવ્યેશ વ્યાસ


મોરબી હોનારત વખતે તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યશસ્વી કામગીરી આજેય યાદ આવે છે




અનરાધાર વરસાદે અડધા ગુજરાતને પૂરગ્રસ્ત હાલતમાં મૂકી દીધું છે. પૂરને કારણે હજારો ગુજરાતીઓ માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે કમનસીબે રાજ્યના રાજકારણીઓ અને ધારાસભ્યો રાજકીય કાવાદાવામાં ફસાયેલા છે. સત્તાલોલુપ રાજકારણીઓ કાવાદાવામાં એટલા ખૂંપેલા છે કે કાદવ-કીચડવામાં ફસાયેલી જનતાની પીડા તરફ તેમની જાણે નજર પણ જતી નથી. ગુજરાતે અગાઉ પૂર, દુષ્કાળ, વાવાઝોડાં કે ધરતીકંપ જેવી અનેક કુદરતી આફતો જોઈ છે, પરંતુ રાજનેતાઓનું આવું દુર્લક્ષ્ય ભાગ્યે જ જોવા મળ્યું છે. ગુજરાતનું જાહેરજીવન અગાઉ ક્યારેય આટલું અસંવેદનશીલ નહોતું.
આસમાની આફત સમયે સુલતાની કાવાદાવા જોઈને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલની યાદ તીવ્ર બનવી સ્વાભાવિક છે. બાબુભાઈ એક એવા લોકનેતા હતા, જેમણે સત્તા પર હોય કે ન હોય, હંમેશાં લોકસેવામાં પોતાનો ધર્મ જોયો હતો અને એમાંય કુદરતી આફતોના સમયમાં તો તેમણે એવી કામગીરી કરી છે કે ઇતિહાસમાં તેનો જોટો જડવો મુશ્કેલ છે.

ગુજરાતે જ નહીં સમગ્ર દુનિયાએ જોયેલી ભયાનક જળહોનારતોમાંની એક એવી જળહોનારત મોરબીમાં સર્જાઈ હતી. વાત 11 ઑગસ્ટ, 1979ની છે. અનરાધાર વરસાદને કારણે મચ્છુ નદી પરનો ડેમ તૂટી ગયો હતો. ધસમસતા જળપ્રવાહે મોરબીમાં મહાવિનાશ વેર્યો હતો. આજથી લગભગ ચાળીસ દાયકા પહેલાં નહોતી આટલી ટેક્નોલોજી કે નહોતાં તોતિંગ સાધનો-સંસાધનો, પરંતુ એક વાત હતી, એ વખતના રાજનેતાઓ આફત સમયે પોતાનો આપદ્્ધર્મ સારી રીતે જાણતા હતા અને એ રાજનેતાઓમાં શિરમોર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ.

મોરબી હોનારત અંગે મૂળ ગુજરાતી એવા હાર્વર્ડના સંશોધક ઉત્પલ સાંડેસરા અને તેમના સાથી ટોમ વૂટને છ-છ વર્ષ સુધી સંશોધન કરીને 400 પાનાંનું એક અભ્યાપૂર્ણ પુસ્તક લખ્યું હતું - ‘નો વન હેડ અ ટંગ ટુ સ્પીક : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ વન ઑફ હિસ્ટ્રીઝ ડેડલિએસ્ટ ફ્લડ્સ’. વર્ષ 2011માં પ્રકાશિત આ પુસ્તકના બીજા પ્રકરણનું શીર્ષક છે - ‘ધ ગવર્નમેન્ટ ડિસાઇડ્સ, એન્ડ ધ ગવર્નમેન્ટ બિલ્ડ્સ’. પ્રકરણનું શીર્ષક જ જણાવે છે કે તત્કાલીન રાજ્ય સરકારે સારી કામગીરી નિભાવી હતી. આ સારી કામગીરીનું સૌથી વધારે શ્રેય મુખ્યમંત્રી બાબુભાઈને જ જાય છે, કારણ કે તેઓ આ હોનારતના સમાચાર સાંભળીને મોરબી દોડી આવ્યા અને મોરબીમાં રહીને મુખ્યમંત્રી તરીકે નહીં, પરંતુ એક સેવક તરીકે કામગીરી કરી હતી. આ પુસ્તકમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે. તત્કાલીન ખેતીવાડી વિભાગના સચિવ એચ.કે. ખાનને તાત્કાલિક ધોરણે વિશેષ રાહત સચિવ (સ્પેશિયલ સેક્રેટરી ફોર રિલીફ) બનાવી દેવાયા અને રાહત-પુનર્વસનની સંપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી હતી. ખાન તત્કાળ મોરબી પહોંચી ગયા. તેમણે સ્થિતિનો ક્યાસ કાઢીને સંપૂર્ણ સત્તાની માગણી કરી અને મુખ્યમંત્રીએ નાણાકીય સહિતની તમામ સત્તા તેમને સોંપી દીધી. રાહત છાવણીમાં બનાવેલી ઑફિસમાં રોજ સવારે મિટિંગ કરવામાં આવતી. બાબુભાઈ મિટિંગમાં નિયમિત હાજર રહેતા, પરંતુ કોઈ એમની સલાહ માગે ત્યારે તરત ખાનસાહેબ તરફ આંગળી ચીંધીને કહી દેતા કે હું અહીંનો ઇન્ચાર્જ નથી, હું પણ વોલન્ટિયર જ છું!

આમ, બાબુભાઈએ ખરા અર્થમાં એક મુખ્યમંત્રી નહીં, પરંતુ મુખ્ય સેવક તરીકે ફરજ બજાવીને પોતાનો રાજધર્મ નિભાવ્યો હતો. કહેવાય છે કે મુખ્યમંત્રીનું ઘર અને ઑફિસ મોરબીમાં જ રહેતાં મોરબીમાં જ મિનિ સચિવાલય ઊભું થઈ ગયું હતું અને સમગ્ર રાજ્યનો વહીવટ પૂરરાહતની કામગીરીની સાથે સાથે ત્યાંથી જ થતો હતો.

એ વખતે રાજ્યના વિરોધ પક્ષ (કૉંગ્રેસ)ના નેતા માધવસિંહ સોલંકી હતા. તેમણે મોરબી હોનારતની જવાબદારી નક્કી કરવા માટે ન્યાયિક તપાસની માગણી કરી હતી. સત્તા પક્ષ એટલે જનતા મોરચાના સભ્યોએ આનો વિરોધ કર્યો, પરંતુ મુખ્યમંત્રી બાબુભાઈએ તરત જ આ માગણી સ્વીકારી લીધી હતી. તેમણે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશને ન્યાયિક તપાસપંચના અધ્યક્ષનું નામ સૂચવવા વિનંતી કરી અને ન્યાયમૂર્તિ બી.કે. મહેતાના અધ્યક્ષપદે તપાસપંચ નિમાયું હતું. આમ, પ્રતિબદ્ધતા અને સેવાની સાથે સાથે તેમણે પારદર્શકતાને પણ ઊની આંચ આવવા દીધી નહોતી.

અહીં બાબુભાઈના રાજકીય જીવનનો બીજો રસપ્રદ કિસ્સો પણ નોંધી લેવાની લાલચ રોકી શકાય એમ નથી. પછી માધવસિંહ મુખ્યમંત્રી બનેલા અને બાબુભાઈ વિપક્ષમાં હતા. દરમિયાન ગુજરાતમાં દુષ્કાળ પડતાં માધવસિંહે અછત રાહતનું કામ અન્ય કોઈને નહીં પણ બાબુભાઈને સોંપ્યું હતું. આનો વિરોધ પણ થયેલો ત્યારે માધવસિંહે કહેલું, આવું કામ બાબુભાઈથી વધુ સારું કોણ કરી શકે?

વર્તમાન રાજનેતાઓ રાજધર્મ તો જવા દો આપદ્્ધર્મ પણ સમજશે? કે પછી જનતાએ જ ત્રીજું નેત્ર ખોલીને સમજાવવું પડશે?

(‘દિવ્ય ભાસ્કર’ની 2જી ઑગસ્ટ, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)