Showing posts with label Children. Show all posts
Showing posts with label Children. Show all posts

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, November 15, 2017

ગિજુભાઈનું અધૂરું ‘દિવાસ્વપ્ન’

દિવ્યેશ વ્યાસ


બાળ શિક્ષણ બાબતે આપણી સરકાર અને સમાજ તરીકે આપણે બાઘા પુરવાર થઈ રહ્યા છીએ ત્યારે ગિજુભાઈનું સ્મરણ વધુ તીવ્ર બને છે




ગિજુભાઈ બધેકા. આ શબ્દો કાને પડતાં જ આપણને તેમનું લોકલાડીલું નામ ‘મુછાળી મા’ યાદ આવ્યા વિના રહેતું નથી. બાળકો પ્રત્યે અનહદ લાગણી અને લગાવ ધરાવતા ગિજુભાઈએ ‘મુછાળી મા’ નામને સાર્થક કરેલું, પરંતુ તેમને મળેલું બીજું અને ઓછું જાણીતું નામ છે, ‘બાલસાહિત્યનો બ્રહ્મા’. કાકાસાહેબ કાલેલકરે તેમના બાલસાહિત્ય ક્ષેત્રના યોગદાનને ધ્યાનમાં લઈને તેમને ‘બાલસાહિત્યના બ્રહ્મા’ કહીને પોંખ્યા હતા.

આજે ગિજુભાઈનો જન્મદિવસ (15 નવેમ્બર, 1884) છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે તથા બાલ સાહિત્ય ક્ષેત્રે મબલખ યોગદાન આપનારા ગિજુભાઈના જન્મદિવસની દર વર્ષે મોટા પાયે ઉજવણી થવી જોઈએ, પણ કમનસીબે થતી નથી. આ વર્ષે કોઈ ચૂંટણીનું બહાનું કાઢી શકે, પણ ખરેખર તો ચૂંટણીના મહિનાઓમાં તો ગિજુભાઈના પ્રદાનની ચર્ચા કરવાની સાથે સાથે આપણું રાજ્ય બાળશિક્ષણ ક્ષેત્રે ક્યાં છે, કેવી દિશામાં આગળ વધી રહ્યું છે, રાજ્યમાં બાળકોની હાલત કેવી છે, એનું વિશ્લેષણ કરવા માટે વિશેષ આયોજનો થવાં જોઈએ, પરંતુ આજે શિક્ષણ ક્ષેત્રે ‘પૈસા બોલતા હૈ’ યુગ પ્રવર્તી રહ્યો હોય, ત્યારે આવું તો કોને સૂઝે? વળી, જ્ઞાતિ કે ધર્મના કેફી રાજકારણમાં મસ્ત અથવા તો પછી વાહિયાત મુદ્દાઓની ચર્ચામાં વ્યસ્ત રહેનારાઓની કમી નથી ત્યારે આવા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કોઈ વિચાર કરતા નથી.

યુવાન ગિજુભાઈની મહેચ્છા તો પોતાના પિતાની જેમ વકીલ બનવાની હતી અને મુંબઈમાં જઈને ભણીને બન્યા પણ ખરા. વઢવાણ શહેરમાં રહીને વકીલાત કરીને નામ અને દામ પણ કમાયાં, પરંતુ તેમની નિયતિ કંઈક જુદી હતી. ઘરે પારણું બંધાયું પછી બાળ કેળવણી બાબતે સભાનતા વધી. વઢવાણમાં વારંવાર આવતા દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે દોસ્તી થયેલી. તેમણે સૂચવ્યું કે તમારે બાળશિક્ષણનું સાહિત્ય વાંચવું હોય તો વસો જાઓ અને ત્યાં મોતીભાઈ અમીનને મળી માર્ગદર્શન મેળવો. ગિજુભાઈનો જુસ્સો એવો હતો કે તેઓ તરત વસો ગયા. રાજ્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ ગણાતા મોતીભાઈએ પોતાની નવી બાળશાળા બતાવી અને છોટુભાઈ પુરાણીએ લખેલું ‘મોન્ટેસોરી પદ્ધતિ’ નામનું પુસ્તક આપ્યું. આ મુલાકાત અને પુસ્તક ગિજુભાઈના જીવનમાં ટર્નિંગ પોઇન્ટ પુરવાર થયાં. કેળવણી અંગેનું ચિંતન વધતું ગયું અને વકીલાતમાં રસ ઘટતો ગયો. દરમિયાન તેમના મામા હરગોવિંદદાસ પંડ્યાએ નાનાભાઈ ભટ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં સેવા આપવા ભાવનગર બોલાવ્યા. ભાવતું હતું અને વૈદ્યે કહ્યા જેવો ઘાટ થયો. ગિજુભાઈએ રાજી રાજી થઈને વકીલાતના વાઘા ઉતાર્યા, વઢવાણ છોડ્યું અને શિક્ષણની ધૂણી ધખાવવા ભાવનગર સ્થાયી થયા. પછી ભાવનગરમાં જે કંઈ થયું, તે ગુજરાતી બાળ કેળવણીનો સુવર્ણ ઇતિહાસ છે.

ગિજુભાઈએ બાળ કેળવણીનાં તમામ પાસાંઓ પર ખૂબ જ ઝીણવટથી કામ કર્યું અને એક ફિલોસોફી વિકસાવી, એક દર્શન (વિઝન) પૂરું પાડ્યું, જે આજે પણ અગાઉ ક્યારેય નહોતું એટલું માર્ગદર્શક અને ઉપયોગી છે. ગિજુભાઈ મોન્ટેસોરીના કુળના બાળ કેળવણીકાર હતા, છતાં તેમણે પોતાની કોઠાસૂઝથી આ ક્ષેત્રે ઘણા મૌલિક વિચારો અને પ્રયોગો આપ્યા છે, જે બાળશિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી રૂપ છે. ‘દિવાસ્વપ્ન’ નામનું ગિજુભાઈનું મૂલ્યવાન પુસ્તક દરેક શિક્ષકે, એમાંય પ્રાથમિક શાળાના શિક્ષકે વાંચવા જેવું છે. આ પુસ્તક વંચાશે-ચર્ચાશે તો ગિજુભાઈનું સપનું પૂરું કરવાની દિશામાં આગળ વધી શકાશે.

લેખના અંતિમ પડાવમાં ગિજુભાઈની એક રચના વાંચીએ:

જ્યાં સુધી બાળકો ઘરમાં માર ખાય,
શેરીમાં દુર્ગંધ ખાય અને શાળામાં ગાળ ખાય
- ત્યાં સુધી જંપ કેમ વળે?

જ્યાં સુધી આંધળા અને લૂલાં, ગાંડાં ને બાંડાં,
નાદાન અને ઊખડેલનો કોઈ બેલી નથી, ધણી નથી
- ત્યાં સુધી જંપ કેમ વળે?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી સ્થળે સ્થળે, બાળકો માટે શાળા નથી,
વાંચનાલય નથી, ક્રીડાંગણો નથી,
બાગબગીચા નથી, નાટકો નથી, સિનેમા નથી?

ત્યાં સુધી જંપ કેમ વળે,
જ્યાં સુધી એક પણ બાળક સન્માન વિનાનું છે,
 અસ્પૃશ્ય છે, માંદું છે, ગંદું છે, અવ્યવસ્થિત છે?

બાળ શિક્ષણની વર્તમાન સ્થિતિ જોઈને તમને અજંપો થાય છે ને? ગિજુભાઈ જિંદાબાદ!

(‘દિવ્ય ભાસ્કર’ની 15 નવેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમની મૂળ પ્રત)

Wednesday, September 6, 2017

બાળસુરક્ષા માટે યાત્રા

દિવ્યેશ વ્યાસ

બાળ અધિકારોના લડવૈયા કૈલાશ સત્યાર્થી બાળકોની સુરક્ષાના મુદ્દે ‘ભારત યાત્રા’નું આયોજન કર્યું છે

(તસવીર ગૂગલ પરથી મેળવી છે.)

‘ગોડફાધર’ના રચયિતા મારિયો પુઝોનું એક જાણીતું વાક્ય છે, ‘The only wealth in this world is children, more than all the money, power on earth.’ (આ દુનિયામાં પૈસા, સત્તા કરતાં પણ બાળકો જ ખરી સંપત્તિ છે.) એક બાળક માત્ર પરિવારની જ નહીં પણ દેશની મહામૂલી મૂડી હોય છે. બાળકોને આપણે ભાવિ પેઢી - ભવિષ્યના નાગરિકો ગણીએ છીએ, પરંતુ તેમના પ્રત્યેનું આપણું વલણ આપણે સૌ ધારીએ છીએ એટલું સારું, સજાગ કે સંપૂર્ણ નથી. ‘એક્સિડેન્ટલ’ અને અણઘડ માતા-પિતા દ્વારા બાળઉછેરમાં રહી જતી કચાશોની વાત જવા દઈએ તથા શાળાઓમાં શિક્ષણના સ્તરની ચિંતા પણ છોડી દઈએ, તોપણ આપણા સમાજમાં બાળકો માટે બહુ સારો માહોલ છે, એવી ગેરસમજ રાખવા જેવી નથી. સૌથી ચિંતાજનક બાબત બાળકોની સુરક્ષાની છે. બાળક આજે ન ઘરમાં સુરક્ષિત છે, ન શાળામાં કે ન અન્ય ક્યાંય. દરેક માતા-પિતા બાળકની સુરક્ષાના મામલે ચિંતાગ્રસ્ત રહેતાં હોય છે. બાળકો ગુમ થવાની ઘટનાના સાચા આંકડાઓ જોઈએ તો કોઈ પણ વ્યક્તિનું બીપી અમુક સેકન્ડો માટે હાઇ થયા વિના ન રહે. સમગ્ર સમસ્યાને સમજવા માટે માત્ર એક જ આંકડો કાફી છે: આપણા દેશમાં પોલીસના જ આંકડા મુજબ દર કલાકે આઠ બાળકો ગુમ થાય છે! આ બાળકોને ગાયબ કરનારા તેમની પાસે શું શું કરાવે છે, એ આપણે સૌ જાણીએ છીએ.

આપણા દેશમાં માનવ તસ્કરી અને એમાંય વધારે આસાન હોવાથી બાળકોની તસ્કરીની સમસ્યા વકરી રહી છે. તસ્કરી કરેલાં બાળકો માટે આ ધરતી જ નર્ક સમાન બની જતી હોય છે. આ બાળકો પાસે કમરતોડ મજૂરી કરાવાય છે, કેટલાંક બાળકો પાસે ભિક્ષાવૃત્તિ કરાવાય છે તો કેટલાંક કમનસીબ પાસે વેશ્યાવૃત્તિ. લાચાર બાળકોના શરીરમાંથી અમુક અંગો પણ કાઢી લેવામાં આવે છે અને તે અંગોને અત્યંત ઊંચી કિંમતે વેચી દેવામાં આવે છે. આ બાળકોનું તમામ રીતે શોષણ કરવામાં આવે છે. કાં તો તેઓ કોઈ ને કોઈ રોગથી પીડાઈને કે પછી ભૂખમરાથી મૃત્યુ પામે છે અથવા તો યુવાન થયા પછી શોષણખોરોથી છટકીને પોતે ક્રિમિનલ્સ બનીને સમાજની બીમારીઓમાં વધારો કરતાં રહે છે. આવાં બાળકો માટે ઉજ્જ્વળ ભવિષ્યની સંભાવના લગભગ શૂન્યવત્ હોય છે.

બાળકોનું આવું શોષણ કઈ રીતે સાંખી લેવાય? બાળ અધિકારો માટે સાડા ત્રણ દાયકાઓથી કાર્યરત એવા કૈલાશ સત્યાર્થીએ હવે બાળ તસ્કરી અને બાળકોના શારીરિક શોષણ વિરુદ્ધ જંગ છેડવાનું એલાન કર્યું છે. કૈલાશ સત્યાર્થી અને તેમની ‘બચપન બચાવો આંદોલન’ નામની એનજીઓએ દેશવ્યાપી ‘ભારતયાત્રા’નું આયોજન કર્યું છે. આ યાત્રા દેશનાં કુલ 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થવાની છે. 35 દિવસની આ યાત્રા કુલ 11,000 કિલોમીટર લાંબી મજલ કાપશે. જોકે, બાળઅધિકારો અને સુરક્ષિત બાળપણની મજલ તો એના કરતાંય લાંબી હોઈ શકે છે.

કૈલાશ સત્યાર્થીની ‘ભારતયાત્રા’નો મુખ્ય નારો ‘સુરક્ષિત બાળપણ, સુરક્ષિત ભારત’ છે. આ યાત્રા થકી તેમનો ઉદ્દેશ દેશભરના લોકોને બાળઅધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. કૈલાશ સત્યાર્થીએ આ યાત્રા અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ યાત્રા થકી દેશમાં ચાલી રહેલી બાળકોની તસ્કરી અને જાતીય શોષણ વિરુદ્ધ અવાજ બુલંદ કરવામાં આવશે. સાથે સાથે માનવ તસ્કરી (હ્યુમન ટ્રાફિકિંગ) વિરુદ્ધ કડક કાયદો કરવાની માગણી પણ ઉગ્ર બનાવવામાં આવશે. માનવ તસ્કરીના સમાચાર છાશવારે આવતા હોય છે, પરંતુ ભારતમાં તેની વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો ન હોવાથી ગુનેગારો આસાનીથી છટકી જતા હોય છે. આવા સંજોગોમાં માનવ તસ્કરી અને બાળ તસ્કરી અટકાવવા માટે સ્પષ્ટ અને કડક કાયદાની તાતી જરૂર છે. 11 સપ્ટેમ્બરના રોજ શરૂ થનારી આ યાત્રા 16મી ઑક્ટોબરે દિલ્હી ખાતે સંપન્ન થશે અને સંસદમાં માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાયદો બનાવવાની રજૂઆત કરવામાં આવશે. આશરે દસ લાખ લોકો આ યાત્રામાં જોડાવાનો અંદાજ છે. એક કરોડ લોકોને બાળકોના શોષણ અને તસ્કરી વિરુદ્ધ લડવાની પ્રતિજ્ઞા લેવડાવવાનો નિર્ધાર કરાયો છે.

કૈલાશ સત્યાર્થી છેલ્લાં સાડા ત્રણ દાયકાથી બાળકોની આઝાદી, સુરક્ષા અને કલ્યાણ માટે કાર્યરત છે. કૈલાશભાઈ  અગાઉ ઈ.સ. 1998માં ગ્લોબલ માર્ચ અગેઇન્સ્ટ ચાઇલ્ડ લેબર તથા ઈ.સ. 2001માં શિક્ષા યાત્રાનું સફળ અને સાર્થક આયોજન કરી ચૂક્યા છે.

આ યાત્રાના પ્રારંભ માટે 11મી સપ્ટેમ્બરની તારીખ અને કન્યાકુમારી સ્થળ પસંદ કરવામાં આવ્યું છે, તેની પાછળ સ્વામી વિવેકાનંદ નિમિત્ત બન્યા છે. સ્વામી વિવેકાનંદને કન્યાકુમારીમાં જ્ઞાન લાધ્યું હોવાનું કહેવાય છે. વળી, તેમણે ઈ.સ. 1893માં 11મી સપ્ટેબરના દિવસે જ સર્વધર્મ સંમેલનમાં પ્રભાવક પ્રવચન આપ્યું. વિવેકાનંદના સૂત્રને થોડા ફેરફાર સાથે કહી શકાય, બાળ શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવો, જાગીને સક્રિય બનો અને આ બદી નાબૂદ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.

કૈલાશ સત્યાર્થીના નિવેદન સાથે લેખ પૂરો કરીએ, ‘આપણે જો ખરેખર ‘ન્યૂ ઇન્ડિયા’ના સર્જન માટે ઉત્સાહી અને પ્રતિબદ્ધ હોઈએ તો આપણી બાળાઓ અને બાળકો આપણાં ઘરો, શાળાઓ અને તેમના આસપાસના માહોલમાં સુરક્ષિત હોવાં જોઈશે. ખરું ન્યૂ ઇન્ડિયા ત્યારે જ સર્જાશે જ્યારે દેશનાં તમામ બાળકો સુરક્ષિત, મુક્ત અને શિક્ષણ મેળવી રહ્યાં હશે અને આ તેના માટેનું જ આંદોલન છે.’

(‘દિવ્ય ભાસ્કર’ની 6 સપ્ટેમ્બર, 2017ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)

Wednesday, March 23, 2016

લોહીઝાણ લાડકવાયાં

દિવ્યેશ વ્યાસ


ઇન્ટરનેટ પર સીરિયાનાં યુદ્ધગ્રસ્ત બાળકોની તસવીરો જોઈ લેજો, પછી ક્યારેય યુદ્ધનું નામ નહીં લો!

(તસવીરો ગૂગલ પરથી મેળવી છે)

ર્ષ 2015માં બે એવી તસવીર સામે આવી, જેણે દુનિયાના કરોડો લોકોની આંખો ભીંજવી દીધી હતી. એક તસવીર હતી દરિયાકાંઠે નિશ્ચેતન પડેલા એલનની અને બીજી તસવીર હતી અન્ય સીરિયન બાળકની જેણે કેમેરાને પણ બંદૂક માનીને હાથ ઊંચા કરી લીધા હતા. તસવીરોએ સીરિયન ગૃહયુદ્ધનો ભયાવહ ચહેરો સમગ્ર વિશ્વ સામે ઉજાગર કરીને સીરિયાના નિર્દોષ લોકો પ્રત્યે સહાનુભૂતિ જગાડી હતી ને પાડોશી દેશોએ નિરાશ્રિતો માટે દ્વાર ખોલેલાં. 



માર્ચ-2011થી ફાટી નીકળેલા સીરિયન ગૃહયુદ્ધને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સીરિયા ઉપરાંત ઇરાકમાં પણ 'કાળો કેર' વર્તાવી રહ્યા છે અને ત્યાંના લોકોની જિંદગી બેહાલ બની ગઈ છે. સીરિયામાં સૌથી દયનીય હાલત બાળકોની થઈ છે. સીરિયન ગૃહયુદ્ધનાં પાંચ વર્ષ નિમિત્તે ગયા સપ્તાહે યુનિસેફ દ્વારા 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' નામનો અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. અહેવાલના આંકડા આંખો ઉઘાડે એવા નહિ, આંખો ભીની કરે એવા છે. 



 'નો પ્લેસ ફોર ચિલ્ડ્રન' અહેવાલ મુજબ સીરિયાનાં 80 ટકા બાળકો યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં છે. પાંચ વર્ષથી નાની વયનાં મોટા ભાગનાં બાળકોએ યુદ્ધ સિવાય કંઈ જોયું નથી! સીરિયાની આશરે 2 કરોડ 30 લાખની વસ્તીમાંથી અડધોઅડધ આબાદીએ પોતાનું ઘર છોડીને નિરાશ્રિત જીવન જીવવું પડી રહ્યું છે. એક અંદાજ મુજબ 70 લાખ લોકો યુદ્ધગ્રસ્ત સીરિયાને છોડીને આડોશપાડોશના દેશોમાં હિજરત કરી ગયા છે, જેમાં 24 લાખ બાળકોનો સમાવેશ થાય છે. બાળકો પાસે નથી બે ટંકનું ભોજન કે નથી રમવા કોઈ રમકડું ત્યારે શાળાનું સપનું જોવાનું સાહસ પણ ક્યાંથી થાય? સીરિયામાં રહેતાં 21 લાખ બાળકોની શાળા છૂટી ગઈ છે, કારણ કે કાં તો શાળાઓને તહસનહસ કરી દેવાઈ છે કે પછી બાળકોએ માતા-પિતા સાથે સ્થળાંતર કરવું પડ્યું છે. પાડોશી દેશોમાં નિરાશ્રિત જીવન જીવતાં આશરે લાખો બાળકોને ભણાવનારું કોઈ નથી. આમ, આશરે ત્રીસેક લાખ બાળકો શિક્ષણથી વંચિત છે.

સીરિયન યુદ્ધમાં દસમા ભાગની વસ્તી કાં મોતને ભેટી છે કે ઈજાગ્રસ્ત છે. આશરે 2 લાખ 70 હજાર લોકોએ જીવ ગુમાવ્યાનો અંદાજ છે અને હજારો બાળકો અનાથ બન્યાં છે. ગરીબ પરિવારનાં માંડ સાતેક વર્ષનાં નાનાં બાળકો પેટનો ખાડો પૂરવા માટે સશસ્ત્ર દળોમાં જોડાવા મજબૂર છે, તો નાની દીકરીઓ બાળલગ્નો કરવાં માટે મજબૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં 18 વર્ષથી નાની તરુણીઓનાં લગ્નનું પ્રમાણ ત્રણ ગણું વધ્યું હોવાનું નોંધાયું છે.

છેલ્લાં પાંચ વર્ષમાં સીરિયામાં અને સીરિયન પ્રજાનાં 37 લાખ બાળકોનો જન્મ થયો છે. અલબત્ત, યુએન રેફ્યુઝી એજન્સીના આંકડા અનુસાર આશરે 1,51,000 બાળકો નિરાશ્રિત તરીકે જન્મ્યાં છે, જ્યારે સીરિયાની બહાર 3,02,000 બાળકો રેફ્યુઝી કેમ્પોમાં જન્મ્યાં છે. એકલા લેબેનોનમાં 70,000 બાળકોનો જન્મ થયો છે.
વર્ષ 2015માં બાળકો પર આશરે 1500 જેટલા હુમલા થયા, જેમાં 400 બાળકોએ જીવ ગુમાવ્યાં અને 500 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. કોઈનાં લાડકવાયાંઓને કોણ બચાવશે? કોણ ભણાવશે? કોણ શીખવશે શાંતિના-વિકાસના પાઠ?

(‘દિવ્ય ભાસ્કર’ની ‘કળશ’ પૂર્તિના 23 માર્ચ, 2016ના અંકમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)