Showing posts with label શિક્ષણ. Show all posts
Showing posts with label શિક્ષણ. Show all posts

Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

Wednesday, April 11, 2018

જોતીબા : અમર પ્રેરણા

દિવ્યેશ વ્યાસ



જોતીરાવ ફુલેના જન્મ દિવસ નિમિત્તે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવવા જેવી છે



(જોતીબાના ચિત્રની તસવીર ડૉ. અશ્વિનકુમારે લીધેલી છે. તેમના બ્લોગ (http://ashwinningstroke.blogspot.in/2014/04/blog-post_5250.html) પરથી અહીં મૂકી છે.)


જોતીરાવ ફુલે એટલે મહાત્મા, સમાજસુધારક, ક્રાંતિકારી, દલિતઉદ્ધારક, લેખક, વિચારક, પ્રેરણાપુરુષ... જોતીબા કેટકેટલું હતા, પણ એનો અંદાજ બહુ ઓછા લોકોને હશે. આજકાલ દેશમાં જે માહોલ ઊભો થઈ રહ્યો છે, તેમાં જોતીબાને યાદ કર્યા વિના, તેમના સંઘર્ષ અને રચનામાંથી પ્રેરણા લીધા વિના ચાલે એવું નથી. દેશના માહોલની વાત કરીએ તો દસ દિવસ પહેલાં એટ્રોસિટીના કાયદાની અમુક જોગવાઈઓ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા દિશાનિર્દેશોથી નારાજ દલિત સમાજે ભારત બંધ થકી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ દેશમાં દલિત સંબંધિત મુદ્દાઓ ફરી ચર્ચામાં આવ્યા. આ ઘટનાના રાજકીય પડઘા પડવા સ્વાભાવિક હતા. એક તરફ જ્યાં નજીકના ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, એવાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ વધારે ઉગ્રતા જોવા મળી હતી તો બીજી તરફ સત્તાધારી ભાજપના જ એક પછી એક ચાર સાંસદોએ દલિતના મુદ્દે જાહેરમાં અસંતોષ પ્રગટ કર્યો. રાજકારણીઓ તો ચોકો વાગે એવા મોકાની જ તલાશમાં હોય છે, પરંતુ જેમને ખરેખર માનવ સમાજ અને દેશની પરવા હોય તેમણે દલિતના મુદ્દે જરા નિસબતપૂર્વક અને ઊંડાણપૂર્વક વિચારવું પડે. દલિતના મુદ્દાને નાત-જાતની સંકુચિત દૃષ્ટિએ નહિ, પરંતુ સામાજિક સમાનતા, સમાજસુધારણા અને વ્યાપક માનવ અધિકારોની દૃષ્ટિએ જોવો કે વિચારવો જોઈએ. આવી વ્યાપક દૃષ્ટિ કેળવવાનો સૌથી સરળ માર્ગ છે, મહાત્મા ફુલે, મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર જેવા મહામાનવોનાં જીવન અને સંઘર્ષનો પરિચય કેળવવો. આજે જોતીબા ફુલેનો જન્મ દિવસ (11 એપ્રિલ, 1827) છે ત્યારે તેમણે જગાવેલી ક્રાંતિ જ્યોતની ઝલક મેળવીએ.

માળી સમાજમાં જન્મેલા જોતીબાનો પરિવાર પૂનાના પેશવાનો માનીતો હતો, એટલે સમાજમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી. જોતીરાવને બાળપણનાં વર્ષોમાં જાતિગત ભેદભાવનો કોઈ અંદાજ નહોતો. ભણવામાં તેજસ્વી જોતીરાવને શાળામાંથી ઉઠાડીને ખેતીમાં જોતરી દેવાયો, તેની પાછળ પણ બ્રાહ્મણવાદી માનસ જ જવાબદાર હતું, જેનો જોતીરાવને એ વખતે ખ્યાલ સુધ્ધાં નહોતો. અલબત્ત, વાંચતા શીખી ગયેલા જોતીરાવનો વાંચનપ્રેમ જોઈને તેમના પાડોશી મુસ્લિમ શિક્ષક અને ખ્રિસ્તી પાદરીએ તેમના પિતાને સમજાવ્યા અને ફરી ભણાવવા બેસાડ્યા હતા. વાંચનપ્રેમી જોતીબાએ થૉમસ પેઇનનું ‘રાઇટ્સ ઑફ મેન’ પુસ્તક વાંચ્યું, જેનો તેમના પર બહુ મોટો પ્રભાવ પડ્યો અને આજીવન રહ્યો હતો. મહિલાઓની  સમસ્યા હોય કે દલિતોની, તેમણે દરેક મુદ્દાને માનવ અધિકારની દૃષ્ટિએ જોયો હતો અને એવી રીતે જ ઉકેલ લાવવા મથામણ કરી હતી. દલિતના મુદ્દે આત્મપરિવર્તનની નહિ, પણ અધિકારની દૃષ્ટિએ સમાજસુધારણા કરવી જોઈએ, એવા તેમના અભિગમને કારણે જ કદાચ ડૉ. આંબેડકરે તેમને પોતાના પ્રેરણાપુરુષ અને ગુરુ માન્યા હતા.

એક બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્નપ્રસંગે ગયેલા જોતિરાવને વરઘોડા દરમિયાન ભૂલથી અછૂત ગણીને હડધૂત કરવામાં આવ્યા ત્યારે તેમને દલિત સમસ્યાનો અને બ્રાહ્મણવાદી માનસના વર્ચસ્્નો અંદાજ આવ્યો. આ બનાવે તેમને ઝકઝોરી દીધા અને સમાજક્રાંતિ માટે તેમનો આત્મા પ્રતિબદ્ધ બન્યો. જોતીબાને થયું કે શિક્ષણ થકી જ સામાજિક ચેતના જાગશે અને સમાજસુધારણા શક્ય બનશે. તેમણે એ જ વર્ષે એટલે કે 1848માં શૂદ્રાતિશૂદ્રોની દીકરીઓ માટે શાળા શરૂ કરી. શાળામાં ભણાવે કોણ? તેમણે પોતાનાં પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં હતાં. અનેક દબાણો અને પડકારો છતાં સાવિત્રીબાઈએ બાળાઓને ભણાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી.

જોતીબા વિધવાવિવાહની ચળવળના પણ એક અગ્રણી સમર્થક હતા. તેમણે બાળહત્યા પ્રતિબંધક ગૃહ શરૂ કરેલું, જેમાં કોઈ વિધવા સમાજથી છુપાવીને સંતાનને જન્મ આપી શકે,  એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. અનેક વિરોધો અને હુમલાઓ સામે બહાદુરીથી ઝીંક ઝીલી હતી.

મજૂરનો પ્રશ્ન હોય કે ખેડૂતનો, વંચિત-શોષિત વર્ગના હિતમાં તેમણે હંમેશાં મોરચો સંભાળ્યો  હતો. જોતીરાવે પુસ્તકો લખીને પણ પોતાની વાત સમાજ સુધી પહોંચાડવા મથામણ કરી હતી.

ગાંધીજી પહેલા મહાત્માનું બિરુદ મેળવનારા જોતીબાની આજે અત્યંત જરૂર છે. બીજા જોતીબા મળવા તો મુશ્કેલ છે, પણ તેમનાં કાર્યો અને વિચારો આપણા માટે અમર પ્રેરણા બની રહો!


(‘દિવ્ય ભાસ્કર’ની 11મી એપ્રિલ, 2018ની ‘કળશ’ પૂર્તિમાં પ્રકાશિત ‘સમય સંકેત’ કૉલમ)