Wednesday, July 11, 2018

મલાલાને આટલું માન શા માટે?

દિવ્યેશ વ્યાસ


દર વર્ષે 12મી જુલાઈના રોજ મલાલા ડે ઊજવાય છે. આ યુવતીમાં એવું તે શું છે કે સંયુક્ત રાષ્ટ્ર તેનો દિવસ મનાવે છે?




આવતી કાલે 12મી જુલાઈએ અનેક મહાનુભાવોનો જન્મ દિવસ છે. કાલે સમગ્ર વિશ્વમાં વિખ્યાત એવા વિચારક અને સાહિત્યકાર હેન્રી ડેવિડ થોરોની સાથે સાથે ચિલીના ખ્યાતનામ કવિ અને રાજદૂત પાબ્લો નેરુદાની જયંતી છે. રોલ ફિલ્મના શોધક જ્યોર્જ ઇસ્ટમેનનો પણ જન્મ દિવસ છે તો એકવીસમી સદીના યુવાનોના રોલમૉડલ એવા ગૂગલના સીઈઓ સુંદર પિચાઈનો પણ બર્થ ડે છે... છતાં 12મી જુલાઈ પાકિસ્તાનની યુવતી મલાલા યૂસુફજઈના નામે બોલે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 12મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો હતો અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. દુનિયાની જૂજ વ્યક્તિઓના નામે સંયુક્ત રાષ્ટ્ર કોઈ દિવસ ઊજવે છે, ત્યારે મલાલાએ માત્ર 16 વર્ષની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

મલાલાને મળેલા સન્માન-પુરસ્કારની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક હી નામ કાફી હૈ - નોબેલ પુરસ્કાર.  મલાલાને માત્ર 17 વર્ષની વયે શાંતિનો નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયો હતો. આટલી નાની વયે આજદિન સુધી કોઈ આ પુરસ્કાર મેળવી શક્યું નથી. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થી અને મલાલાને સંયુક્ત રીતે આ પારિતોષિક અપાયો હતો. આ ઉપરાંત તે વર્ષ 2014માં ‘પર્સન ઑફ ધ યર’ તરીકે પોંખાઈ હતી અને ‘ટાઇમ’ મેગેઝિનના કવર પેજ પર પણ ચમકી હતી. ‘ટાઇમ’ની વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓની યાદીમાં પણ મલાલાને ટોચના પાંચ વ્યક્તિની હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. 2013ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 2014માં જ તેને અધધ 50,000 અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ 2017માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર 16 વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું.

મલાલાને મળેલાં સન્માનો ઉપરાંત તેની બીજી સિદ્ધિઓની વાત કરીએ તો ઑગસ્ટ-2014માં તેનાં સંભારણાં અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલા પર ‘હી નેમ્ડ મી મલાલા’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે 2015ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર એક ડઝન જેટલાં પુસ્તકો લખાયાં છે અને તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો અગણિત છે.

આટલી બધી સિદ્ધિઓ અને અધધ પ્રસિદ્ધિ માત્ર 20 વર્ષની ઉંમરમાં પ્રાપ્ત કરનારી મલાલા અંગે ઘણાને સવાલ થઈ શકે કે આટલી નાની વયે તાલિબાનોની ગોળી ખાધા સિવાય એવું તે આ છોકરીએ શું કરી નાંખ્યું છે? આ સવાલ સાથે એક માહિતી જાણવી રસપ્રદ છે કે મલાલાએ તાજેતરમાં માર્ચ મહિનામાં જ્યારે પાકિસ્તાનની મુલાકાત લીધી ત્યારે લાહોરની અનેક શાળાઓમાં 30મી માર્ચના રોજ ‘આઈ એમ નોટ મલાલા’ દિવસની ઉજવણી કરી હતી! શું મલાલા માત્ર ઇસ્લામિક કટ્ટરપંથ-વિરોધી હોવાને કારણે જ તેને આટલાં માન-પાન મળે છે? ના, બિલકુલ નહીં. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ આ વાક્ય મલાલાની ઊંડી સમજ અને સંવેદનાને વ્યક્ત કરે છે.

મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ તે દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધ 50,000 અમેરિકન ડૉલર્સ તેણે  ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધી હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

મલાલા પર ગોળીબાર કરનારાઓને પાકિસ્તાનની કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફરમાવવામાં આવી છે. જોકે, મલાલા તાલિબાનો માટે ઉમદા વાત કરે છે, ‘હું તાલિબાન સામે કોઈ બદલો લેવા માગતી નથી. હું ઇચ્છું છું કે તાલિબાનનાં દીકરાઓ અને દીકરીઓને શિક્ષણ મળે.’ શિક્ષણ માટેનું આ સમર્પણ જ તેને મૂઠ્ઠી ઊંચેરા માનવીને શ્રેણીમાં મૂકે છે.

(દિવ્ય ભાસ્કરની 11મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment