Wednesday, July 25, 2018

દવાખાનું કોઈને દેખાડશો નહીં!

દિવ્યેશ વ્યાસ


બીમારી કે અકસ્માતની સારવાર એટલી મોંઘી પડી રહી છે કે પરિવારની આર્થિક હાલત સિરીયસ થઈ જાય છે!

(તસવીર પ્રતીકાત્મક છે અને ઇન્ટરનેટ પરથી મેળવેલી છે.)

પરિવારના વૃદ્ધજનોના મોંઢે કદાચ તમે સાંભળ્યું હશે કે ‘ભગવાન, ત્રણ વસ્તુથી કાયમ અમને દૂર રાખજે : દવાખાનું, કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશન’. આ ત્રણની યાદીમાં સૌથી પહેલું સ્થાન દવાખાનાને મળ્યું છે, તેનાં ચોક્કસ કારણો છે. શાંતિપૂર્વક જીવન જીવો, નિયમ-કાયદાનું પાલન કરો અને ટંટાફસાદથી દૂર રહો તો તમે આસાથીની કોર્ટ-કચેરી અને પોલીસ સ્ટેશનથી દૂર રહી શકો છો, પરંતુ તબિયત કે તંદુરસ્તી પર એક હદથી વધારે આપણું નિયંત્રણ રહેતું નથી. બીમાર પડવાનાં એટલાં બધાં કારણો છે કે ક્યારેક તો કોઈને કોઈ આપણને લપેટમાં લઈ લે છે અને દવાખાનાભેગા થવું પડે છે. એમાંય અકસ્માતમાં તો વગરવાંકે પણ ઉપાધિ માથે પડી શકે છે. આવા સંજોગોમાં સારવાર અર્થે હોસ્પિટલમાં જઈને સારવાર લીધા સિવાય છૂટકો હોતો નથી. અમુક ઉંમર પછી કેટલીક તકલીફો અને બીમારીઓ લાગુ પડ્યા વિના રહેતી નથી ત્યારે શરીરને સ્વસ્થ-સાજું રાખવા માટે દવા-સારવાર કરવી આવશ્યક હોય છે. બીપી અને ડાયાબિટીસ જેવી વ્યાધિઓમાં તો નિયમિતપણે દવાઓ લેવી જરૂરી બને છે. આમ, દવાખાને જવું તો કોઈને ગમતું નથી, પરંતુ દવાખાને ગયા વિના ક્યાં કોઈને ચાલે છે?

બાળક હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, નિરક્ષર હોય કે સાક્ષર, ગરીબ હોય કે અમીર, ગ્રામીણ હોય કે શહેરી, દરેકને દવાખાના-સારવારની જરૂર ક્યારેક ને ક્યારેક પડે જ છે. આરોગ્ય અને શિક્ષણ એવાં બે ક્ષેત્રો છે, જેમાં સેવાની જેટલી તક મળે છે, એટલો જ મોકો મેવા ખાવાનો (કમાણી કરવાનો) પણ મળતો હોય છે. ખાનગીકરણના દોર પછી આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી હોસ્પિટલો-કોર્પોરેટ હોસ્પિટલોનો દબદબો સતત વધતો રહ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓ અને દવાઓ એટલી મોંઘી બની રહી છે કે સામાન્ય લોકોને પોષાતી નથી.

સરકારી દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો પોતે જ સ્વાસ્થ્ય ઝંખી રહ્યા હોય, એવી સ્થિતિ પ્રવર્તે છે ત્યારે ખાનગી દવાખાનામાં જવું જાણે ફરજિયાત થઈ ગયું છે. આરોગ્ય ક્ષેત્ર ધમધમતી કમાણીનું સાધન બની ગયું છે અને એને કારણે સારવાર પછી વ્યક્તિની હાલત તો સુધરી જાય છે, પરંતુ પરિવારની આર્થિક હાલત બગડી જતી હોય છે. તાજેતરમાં ઇન્ડિયાસ્પેન્ડ ડૉટકૉમ નામના પોર્ટલ પર બીએમજે જર્નલના સંશોધનના આધારે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો, જેમાં અધિકૃત સરકારી આંકડાઓના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું કે વર્ષ 2011-12માં આરોગ્ય-સારવાર પર હદથી વધારે ખર્ચો થવાને કારણે 5 કરોડ 50 લાખ લોકો રાતોરાત ગરીબીરેખા હેઠળ ધકેલાઈ ગયા હતા! અહેવાલમાં જ આંકડા અપાયેલા છે કે આ સંખ્યા દ. કોરિયા, સ્પેન અને કેન્યા જેવા દેશોની વસતી કરતાં પણ વધારે છે. આ સંશોધન વાંચતાં અર્થશાસ્ત્રના અભ્યાસુ અને પ્રખર રાજનેતા સનત મહેતાનો એક દસ-બાર વર્ષ જૂનો લેખ યાદ આવી ગયો, જેમાં તેમણે લખેલું કે મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને ગરીબી રેખા વચ્ચે માત્ર એક મોટી બીમારીનું જ અંતર હોય છે! એમાંય મોટી બીમારી હોય તો અમીર પરિવાર પણ રાતોરાત ગરીબી રેખા હેઠળ પહોંચી જતો હોય છે.

આજકાલ હૃદયરોગ અને કેન્સરની બીમારી દાવાનળની જેમ ફેલાઈ રહી છે અને પહોંચ બહારનો ખર્ચો કરાવવામાં પણ આ બે બીમારીઓ જ મુખ્યપણે કારણભૂત હોવાનું અભ્યાસોમાં જણાયું છે. પરિવારજનના સ્વાસ્થ્ય માટે દેણું કરીને પણ સારવાર કરાવવામાં આવે છે અને દેવાનો ખાડો પુરવામાં જમીન-જાયદાદ વેચવાનો પણ વારો આવતો હોય છે. ભારતમાં કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા હોસ્પિટલ ચલાવવામાં આવે છે, તેને કારણે લાખો લોકોને પ્રમાણમાં સસ્તી સારવાર મળી રહે છે, પરંતુ દવાઓના ઊંચા ભાવના ડામ તો સહેવા જ પડતાં હોય છે.

ભારતમાં સરકારો દ્વારા આરોગ્ય ક્ષેત્ર પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. એક અભ્યાસ અનુસાર વર્ષ 2015માં સરકાર દ્વારા જીડીપીના માત્ર 1.02 ટકા જ આરોગ્ય ક્ષેત્ર માટે ફાળવવામાં આવ્યા હતા. જાહેર આરોગ્ય માટે સરકાર દર વર્ષે વ્યક્તિદીઠ રૂ. 1,112નો જ ખર્ચ કરે છે. આ હિસાબે રોજના માત્ર રૂ. 3! આરોગ્ય ક્ષેત્રે વધારે નાણાં-સંસાધનો ફાળવવાની વાતો કરવામાં આવે છે, પરંતુ જરૂરી વધારો કરવામાં ઠાગાઠૈયા જ કરવામાં આવે છે.

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વધારે નાણાકીય સંસાધનો ફાળવવા જરૂરી છે. કોઈ પણ દેશ સ્વસ્થ નાગરિકો વિના સશક્ત બની શકે નહીં.

(દિવ્ય ભાસ્કરની 25મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સમય સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment