Wednesday, July 18, 2018

મંડેલાનો સંઘર્ષ અને શીખ

દિવ્યેશ વ્યાસ


નેલ્સન મંડેલાની શતાબ્દી નિમિત્તે તેમના સંઘર્ષને સલામ કરવા સાથે તેમની શીખ પણ ગાંઠે બાંધવા જેવી છે


(નેલ્સન મંડેલાની આ તસવીર ગેટી ઇમેજીસની છે.)

‘લોકોના માનવ અધિકારની  અવગણના કરવી એટલે તેમનામાં રહેલી માનવતાને છંછેડવી.’ એક નાનકડા વાક્યમાં વિરાટ ડહાપણ સમાવવાની તાકાત તો મહાપુરુષો જ દાખવી શકે! હા, આ વાક્ય છે, નેલ્સન મંડેલાનું. નેલ્સન મંડેલા એટલે રંગભેદ સામે રણે ચડેલા શૂરવીર, માનવ અધિકારના વિશ્વવિખ્યાત હિમાયતી અને માનવતાનાં મૂલ્યોના પ્રહરી. 18 જુલાઈ, 1918ના રોજ દ. આફ્રિકાના એક રાજવંશમાં જન્મેલા નેલ્સન મંડેલાના પૃથ્વી પરના  અવતરણને આજે 100 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. નેલ્સલ મંડેલાની શતાબ્દી સમગ્ર વિશ્વમાં ઊજવાઈ રહી છે ત્યારે તેમના સંઘર્ષને સલામ કરવાની સાથે સાથે તેમણે પોતાનાં વચન અને કર્મથી આપેલી શીખને પણ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આપણે સૌ જાણીએ છીએ કે  નેલ્સલ મંડેલાને દ. આફ્રિકાના ગાંધી કહેવામાં આવે છે. અલબત્ત, લડતના પ્રારંભિક તબક્કામાં મંડેલાને સશસ્ત્ર સંઘર્ષનો છોછ નહોતો. મંડેલાને 1961માં તેમના રાજકીય પક્ષ આફ્રિકન નેશનલ કૉંગ્રેસ તરફથી સશસ્ત્ર પાંખનું જ સુકાન સોંપાયું હતું. જોકે, મંડેલામાં માનવતા હતી અને એટલે જ તેમણે સરકારી સંસ્થાનો પર લોકોનો જાન ન લે એવા અહિંસક વિસ્ફોટો કરવાની સરકારની આંખો ઉઘાડવાની નીતિ અપનાવી હતી. દ. આફ્રિકાની ગોરી સરકારે આફ્રિકન નેશનલ કૉંગ્રેસને આતંકવાદી જૂથ ગણાવીને મંડેલા સહિતના સાથીદારોને જેલભેગા કરી દીધા હતા અને દાયકાઓ સુધી જેલમાં  ગોંધી રાખ્યા હતા. જોકે, મંડેલાના હૃદયમાં રહેલી માનવતા તેમને ગાંધીવિચાર સુધી લઈ ગઈ. સમયની સાથે તેઓ પરિપકવ બનતા ગયા અને તેમને સમજાયું કે ગાંધીચીંધ્યો માર્ગ જ વધારે સુફળદાયી છે.

મંડેલા જ્યારે જેલમાંથી મુક્ત થયા ત્યારે તેઓ અનેક અર્થમાં ‘મુક્ત’ થઈ ચૂક્યા હતા અને જેલબહાર આવીને તેમણે શુદ્ધ ગાંધીવાદી રાજનીતિનો માર્ગ અપનાવ્યો અને દ. આફ્રિકામાં શાંતિપૂર્ણ રીતે અશ્વેત લોકોને ન્યાય અપાવ્યો અને સમાજ-દેશમાંથી ગોરા-કાળાનો ભેદ હટાવવાનું યુગકાર્ય કર્યું. પ્રખર અભ્યાસુ અને વિચારક રામચંદ્ર ગુહાએ 2016માં ગૂજરાત વિદ્યાપીઠમાં આપેલા દીક્ષાંત પ્રવચનમાં ગાંધીજીની ચિરપ્રસ્તુતતાની વાત કરતાં કરતાં નેલ્સલ મંડેલા અંગે એક નિરીક્ષણ વ્યક્ત કર્યું હતું, ‘વિરોધકર્તા તરીકે નેલ્સન મંડેલાએ ગાંધીની જ પદ્ધતિઓનો ચુસ્તપણે ઉપયોગ કર્યો નહોતો, પણ એક શાસક તરીકે તેઓ ચોક્કસપણે ગાંધીવાદી પુરવાર થયા હતા. રંગભેદની નીતિનો અંત આવ્યા બાદ નેલ્સન મંડેલાએ શ્વેત પ્રજા સાથે પુનઃ સુમેળના પ્રયાસ શરૂ કર્યા અને દક્ષિણ આફ્રિકાના વિવિધ લોકોને મળવાનું ચાલુ રાખ્યું. પ્રજાસત્તાક આફ્રિકાનું બંધારણ કોઈ પણ જાતિ, ધર્મ કે ભાષાકીય જૂથના વિશેષાધિકારને નકારે છે.’ આમ, આ મહામાનવે ગાંધીવિચારની પ્રસ્તુતતાનો આપેલો સજ્જડ પુરાવો અનેક પેઢી સુધી પ્રેરણા આપતો રહેશે.

મંડેલાની જેલમુક્તિ પછી દ. આફ્રિકામાં પહેલી વખત મુક્ત ચૂંટણી યોજવામાં આવી હતી અને મંડેલાના રાજકીય પક્ષને 62 ટકા મતો સાથે જ્વલંત વિજય પ્રાપ્ત થયેલો. મંડેલાને બહુમતી મળી હોવા છતાં તેમણે રાષ્ટ્રીય એકતા ધરાવતી સંયુક્ત સરકાર રચી હતી. (આઝાદ ભારતની પહેલી નેહરુ સરકારની જેવી) મંડેલાની સરકારમાં ગોરા પ્રતિનિધિઓને પણ સન્માનનીય સ્થાન મળ્યું હતું અને એ રીતે શ્વેત-અશ્વેત વચ્ચેનું  સદીઓ  જૂનું અંતર મીટાવવાનો મંડેલાએ મહાપ્રયાસ આદર્યો હતો. ઈ.સ.  1994માં મંડેલા દ. આફ્રિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બન્યા હતા. 75 વર્ષની વયે રાષ્ટ્રપ્રમુખ બનેલા મંડેલાએ ધાર્યું હોત તો તેઓ આજીવન રાષ્ટ્રપ્રમુખ પદે રહી શક્યા હોત, પરંતુ તેમને ન તો સત્તા-પદની લાલસા હતી કે ન હતી કોઈ પ્રકારની લઘુતાગ્રંથિ. તેમણે પહેલેથી જ નક્કી રાખ્યું હતું કે  માત્ર એક ટર્મ સુધી જ રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો સંભાળવો અને પછી સક્રિય રાજકારણ છોડીને માનવ અધિકાર, ગરીબીની નાબૂદી અને વિશ્વશાંતિ માટે સમર્પિત જીવન જીવવું. જીવનનાં કીમતી 27 વર્ષો જેલમાં વીતાવનારા મંડેલાને જેલમાં જીવતાં પણ આવડ્યું અને સમયસ સત્તાનો મહેલ છોડતાં પણ આવડ્યું. આ ગુણ જ તેમને મહાન નેતાઓની હરોળમાં મૂકે છે.

નેલ્સન મંડેલા ભારતને ખૂબ જ ચાહતા હતા. ભારતે પણ તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા હતા. શાંતિનો નોબેલ જીતનારા મંડેલાનાં એક સુવાક્યો પ્રેરણાદાયક છે, તેમના એક મનનીય વાક્યથી જ લેખ પૂરો કરીએ: ‘વિજેતા એ છે, જે સ્વપ્ન જુએ છે અને તેને પૂરું કર્યા વિના ક્યારેય હાર માનતો નથી.’

(દિવ્ય ભાસ્કરની 18મી જુલાઈ, 2018ની કળશ પૂર્તિમાં પ્રકાશિત સંકેત કૉલમની મૂળ પ્રત)

No comments:

Post a Comment